You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લખીમપુર ખીરી : બે દલિત બહેનોના મૃતદેહ ઝાડ પર લટકતા મળ્યા, છ લોકોની ધરપકડ
આ અહેવાલના કેટલીક માહિતી વાચકોને વિચલિત કરી શકે છે.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં એક દલિત પરિવારની સગીર વયની બે સગી બહેનોના મૃતદેહ ઝાડ પર લટકતા મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે છ આરોપીઓની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે સગીરાઓને જબરદસ્તીથી લઈ જવાનો અથવા તો અપહરણનો આરોપ ખોટો છે.
ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ આરોપીઓની ધરપકડને લઈને રસ્તા પર કલાકો સુધી ચક્કાજામ કર્યો હતો.
આ ઘટનાને લઈને રાજકીય દળોએ ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાને લઈને યોગી આદિત્યનાથ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
પૂર્વ મુખ્ય મંત્રીઓ અખિલેશ યાદવ, માયાવતી અને કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ એને સરકારની વિફળતા ગણાવી છે.
પોલીસનો દાવો
લખીમપુર ખીરીના પોલીસ અધિક્ષક સંજીવ સુમને પત્રકારપરિષદમાં કહ્યું, "આરોપીઓ બંને સગી બહેનોને જબરદસ્તી લઈ ગયા નહોતા. મુખ્ય આરોપી યુવક આ છોકરીઓના ઘર પાસે જ રહેતો હતો. સગીરાઓને ફોંસલાવીને ખેતરમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેમની અન્ય ત્રણ યુવકો સાથે મિત્રતા કરાવવામાં આવી હતી. આ ચાર સિવાય અન્ય બે લોકોની પુરાવા નાશ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે."
પોલીસ અધિક્ષકે કહ્યું કે પીડિત પરિવારે બુધવારે રાત્રે ફરિયાદ આપી છે.
પોસ્ટમૉર્ટમ માટે ડૉક્ટરોની એક પૅનલ રાખવામાં આવી છે. સમગ્ર્ પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું હતી ઘટના?
બુધવારે સાંજે ઘટેલી આ ઘટના નિઘાસન વિસ્તારની છે.
સગીરાઓની ઉંમર 15 અને 17 વર્ષ હતી. સ્થાનિકો અને સગીરાઓના પરિવારજનોનો આરોપ છે કે ત્રણેય આરોપીઓએ સગીરાઓ સાથે પહેલાં બાળત્કાર ગુજાર્યો અને બાદમાં તેમની હત્યા કરીને મૃતદેહોને ઝાડ પર લટકાવી દીધા.
લખનૌ રેન્જના પોલીસ મહાનિરીક્ષક લક્ષ્મીસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે લખીમપુર ખીરીના એક ગામ બહાર ખેતરમાં બે બાળકીઓના મૃતદેહ ઝાડ સાથે લટકતા મળી આવ્યા છે.
પ્રારંભિક તપાસમાં બાળકીઓ પોતાના જ દુપટ્ટાથી લટકી હોવાનું અને તેમના શરીર પર ઇજાના કોઈ નિશાન ન હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટમૉર્ટમ બાદ જ હકીકત જાણવા મળશે.
આ ઘટના બાદ વિસ્તારમાં તણાવગ્રસ્ત માહોલ છે.
ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ પ્રદર્શનો પણ કર્યાં હતાં. પ્રદર્શનકારીઓની માગ હતી કે આરોપીઓની જલદી જ ધરપકડ કરવામાં આવે. પોલીસે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા ભારે જહેમત કરવી પડી હતી.
પોલીસ શું કહી રહી છે?
સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને ઘણા વીડિયો વાઇરલ થયા છે.
જેમાં લખીમપુર ખીરીના પોલીસ અધીક્ષક સહિતના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પ્રદર્શનકારીઓને સમજાવતા નજરે પડે છે. પોલીસે ગુસ્સે ભરાયેલા ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે આ મામલે જલદીથી જલદી કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે જબરદસ્તી પોસ્ટમૉર્ટમ કરાવવાના અહેવાલોને પણ રદિયો આપ્યો છે અને કહ્યું છે કે મૃતકોના પરિવારજનોના કહ્યા મુજબ જ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને પરિવારજનોની સહમતિ અને તેમની ઉપસ્થિતિમાં વરિષ્ઠ ડૉક્ટરોની પૅનલ દ્વારા જ પોસ્ટમૉર્ટમ હાથ ધરવામાં આવશે.
એસપી સંજીવ સુમને કહ્યું, "પીડિત પરિવારની તમામ માગોને માનવામાં આવશે પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. જોકે, ઘટનાની હકીકત પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ જાણવા મળશે."
પરિવારનું શું કહેવું છે?
ગ્રામીણોનું કહેવું છે કે સગીરાઓના મૃતદેહ શેરડીના ખેતરમાં એક ઝાડ સાથે લટકેલા મળ્યા હતા.
સગીરાઓની માતાએ સ્થાનિક પત્રકારોને જણાવ્યું કે તેમને શંકા છે કે તેમની પુત્રીઓની હત્યા કરી દેવામાં આવી છે.
તેમણે આરોપ લગાવ્યો કે બાજુના ગામના ત્રણ યુવકો મોટરસાયકલ પર આવ્યા હતા અને તેમણે ઘર પાસે જ ઘાસ કાપી રહેલી બહેનોને જબરદસ્તી ઉઠાવી ગયા હતા.
બદાયુંકાંડ સાથે તુલના
લખીમપુરમાં થયેલી ઘટના બાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેની સરખામણી બદાયું રેપકાંડ સાથે પણ કરી રહ્યા છે.
વર્ષ 2014માં બદાયું જિલ્લાના એક ગામમાં બે દલિત બહેનોના મૃતદેહ ઝાડ સાથે લટકેલા મળ્યા હતા.
બાદમાં સીબીઆઈએ તેમના પર થયેલા સામૂહિક બળાત્કાર અને હત્યાની તપાસ કરી હતી.
અખિલેશ, માયાવતી અને પ્રિયંકાએ શું કહ્યું?
લખીમપુર ખીરીની આ ઘટના પર રાજકીય દળોએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્ય મંત્રી અને બસપાનાં સુપ્રીમો માયાવતીએ ટ્વિટર પર લખ્યું, "લખીમપુર ખીરીમાં માની સામે દલિત પુત્રીઓનું અપહરણ અને દુષ્કર્મ બાદ મૃતદેહોને ઝાડ પર લટકાવી દેવાની વિદારક ઘટના ચોતરફ ચર્ચામાં છે. આવી દુ:ખદ અને શર્મજનક ઘટનાઓની જેટલી પણ નિંદા કરવામાં આવે એ ઓછી છે. યુપીમાં ગુનેગારો નિડર છે કેમ કે સરકારની પ્રાથમિકતા ખોટી છે."
સમાજવાદી પક્ષના અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, "નિઘાસન પોલીસચોકી હેઠળના વિસ્તારમાં બે દલિત બહેનોનું અપહરણ કરાયા બાદ હત્યા કરવી અને એ બાદ પંચનામું કે સહમતી વગર પોસ્ટમૉર્ટમ કરી દેવાનો પિતાનો પોલીસ પરનો આરોપ અત્યંત ગંભીર છે. લખીમપુરમાં ખેડૂતોની હત્યા બાદ હવે દલિતોની હત્યા 'હાથરસની પુત્રી' હત્યાકાંડની પુરનાવૃતિ છે."
કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર લખ્યું, "લખીમપુરમાં બે બહેનોની હત્યાની ઘટના કાળજું કપાવી દે એવી છે. પરિવારજનોનું કહેવું છે કે આ છોકરીઓનું ધોળે દિવસે અપહરણ કરી લેવાયું હતું. રોજ અખબારો અને ટીવીમાં ખોટી જાહેરાત આપવાથી કાયદોવ્યવસ્થા સારાં ના થાય. આખરે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ જઘન્ય ગુનાઓ વધી કેમ રહ્યા છે?"
કુખ્યાત લખીમપુર
લખીમપુર ખીરી જિલ્લો મહિલાઓ વિરુદ્ધના ગુનાના મામલે પહેલાંથી જ ચર્ચામાં રહ્યો છે.
વર્ષ 2020ના ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જિલ્લાના ત્રણ અલગઅલગ વિસ્તારોમાં સગીરાઓ પર બળાત્કાર અને હત્યાની ઘટનાઓ નોંધાઈ હતી.
જૂન 2011માં નિઘાસન પોલીસચોરી પરિસરમાં એક યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. આ કેસમાં એક પોલિસ નિરીક્ષક સહીત 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
એ બાદ સીબીઆઈ કોર્ટે 28 ફેબ્રુઆરી, 2020ના રોજ આપેલા ફેંસલામાં કૉન્સ્ટેબલ અતીક અહમદને 14 વર્ષની છોકરીની હત્યા અને બાદમાં મૃતદેહને ઝાડ પર લટકાવી એને આપઘાતનું રૂપ આપવાનો દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
કોર્ટે પોલીસકર્મીઓને જન્મટીપ સંભળાવવામાં આવી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો