સરદાર પટેલ પર 'મુસ્લિમવિરોધી' હોવાના આરોપો કેમ લાગ્યા હતા?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

"હું મુસ્લિમોનો સાચો મિત્ર છું પરંતુ મને તેમના સૌથી મોટા દુશ્મન તરીકે ગણવામાં આવે છે. હું સ્પષ્ટરૂપે મારી વાત કહેવામાં વિશ્વાસ રાખું છું. હું તેમને સ્પષ્ટ કહી દેવા માગું છું કે આવી સ્થિતિમાં ભારતીય સંઘ પ્રત્યે દેશભક્તિની જાહેરાત કરવા માત્રથી તેમને કોઈ સહાયતા નહીં મળે. તેમણે તેમની ઘોષણાનું વ્યવહારિક પ્રમાણ પણ પ્રસ્તુત કરવું જોઈએ."

"હું ભારતીય મુસ્લિમોને એક સવાલ પૂછવા માગું છું કે હાલમાં જ સંપન્ન થયેલી અખિલ ભારતીય મુસ્લિમ કૉન્ફરન્સમાં તેમણે કાશ્મીર મામલે પાકિસ્તાને કરેલા આક્રમણની ટીકા કેમ ના કરી? જેને કારણે લોકોના મનમાં શંકા ઉત્પન્ન થાય છે. હવે તમારે એક જ હોડીમાં સવાર થઈને સાથે તરવું કે ડૂબવું જોઈએ. તમે બે ઘોડા પર સવારી નહીં કરી શકો."

"જે લોકો પાકિસ્તાન જવા માગતા હોય તે ત્યાં જતા રહે અને શાંતિથી રહે, પણ અહીં લોકો શાંતિથી રહી પ્રગતિના કામમાં સહયોગ આપે."

આ સરદાર વલ્લભભાઈ પટેલે લખનૌ ખાતે 6 જાન્યુઆરી, 1948ના રોજ જે ભાષણ આપ્યું હતું તેના આ અંશો છે.

સરદાર વલ્લભભાઈ પટેલ તેમના જીવનકાળ દરમિયાન અને તે બાદ પણ તેમણે મુસ્લિમો મામલે આપેલાં નિવેદનોને લઈને હંમેશાં ચર્ચામાં રહ્યા છે.

ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી તેમના પુસ્તક ‘પટેલ અ લાઇફ’માં લખે છે, "લખનૌ એ શહેર હતું જ્યાં પાકિસ્તાન બનાવવાની વકીલાત કરનારા ઘણા હતા. આ શહેર અનિર્ણિત મુસ્લિમો અને કટ્ટર હિન્દુઓનું પણ ઘર હતું. સરદારે અહીં પહેલા ગ્રૂપને વ્યંગાત્મક રીતે, બીજા ગ્રૂપને કઠોર શબ્દોમાં અને ત્રીજા ગ્રૂપને નિખાલસતાથી સમજાવ્યું." (પેજ નંબર 461)

નવેમ્બર, 1946ના ચોથા સપ્તાહમાં કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન મેરઠમાં આયોજીત થયું હતું. રાજમોહન ગાંધી તેમના પુસ્તક ‘પટેલ અ લાઇફ’માં લખે છે, "આ અધિવેશનમાં સરદારે પાકિસ્તાનની માગ કરનારાઓને કહ્યું હતું કે જે કરો તે શાંતિ અને પ્રેમથી કરો તો તમે સફળ થશો, પણ તલવારનો જવાબ તો તલવારથી જ મળશે."(પેજ નંબર 383)

નોઆખલી અને બિહારમાં હિંસા થયાને એક મહિનો નહોતો વીત્યો ત્યાં પટેલે કરેલાં આ ભાષણો નહેરુને પસંદ નહોતાં પડ્યાં. ગાંધીજી તે વખતે નોઆખલીમાં હતા, નહેરુ અને આચાર્ય કૃપલાણી તેમને મળવા ગયા હતા. તે વખતે સરદારે મેરઠમાં તલવારનો જવાબ તલવારથી આપેલા ભાષણ મામલે ચર્ચા થઈ. ગાંધીજીએ નહેરુ સાથે જ સરદારને 30 ડિસેમ્બર, 1946ના રોજ પત્ર લખીને મોકલાવ્યો.

રાજમોહન ગાંધી સરદારનાં પુત્રી મણિબહેન પટેલની ડાયરીનો ઉલ્લેખ કરીને લખે છે કે ગાંધીજીએ તેમને પત્રમાં કરેલી ટકોરથી તેઓ આખા દિવસ દુ:ખી રહ્યા હતા.(પેજ નંબર 384)

ગાંધીજીએ લખ્યું હતું, "તમારી સામે ઘણી ફરિયાદો મળી છે. જો તમે તલવારનો જવાબ તલવારથી આપવાનો ન્યાય શીખવાડતા હોવ અને જો તે સત્ય હોય તો તે હાનિકારક છે."

પત્ર મળ્યાના પાંચ દિવસ બાદ એટલે કે તારીખ સાત જાન્યુઆરીએ સરદાર પટેલે ગાંધીજીને જવાબ આપતો પત્ર લખ્યો.

સરદારે લખ્યું, "મારી આદત સત્ય બોલવાની છે. તલવારનો જવાબ તલવારથી આપવાનો સંદર્ભ મારા લાંબા વાક્યને ટૂંકાવીને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે."

આ પ્રકારે સરદાર પટેલ ઘણીવાર પોતાના ભાષણમાં મુસ્લિમો માટે એવું બોલતા હતા જેને કારણે તેમના વિરોધીઓને તેમના પર નિશાન તાકવાની તક મળતી. જાણકારોનું કહેવું છે કે તેમનાં ભાષણોને કારણે તેઓ મુસ્લિમ વિરોધી હોવાની છાપ જરૂર ઊભી થઈ હતી પરંતુ તેઓ સ્પષ્ટ વક્તા હતા.

સરદાર પર પુસ્તક લખનારા લેખક ઉર્વીશ કોઠારી બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે, "તેઓ આખાબોલા હતા. તડ અને ફડ કરનારા હતા. 1946થી 1950નો સમય એવો હિંસાથી ગ્રસ્ત હતો. તેને કારણે વિશેષ સંદર્ભોને આધારે તેમનામાં આ પ્રકારનો ભાવ દેખાતો હતો. તેમની મુસ્લિમો વિરોધી અને કડવી વાતો તેમને અન્યાય કરવા માટે નહોતી."

સરદાર મુસ્લિમોની નિષ્ઠા પર સવાલો ઉઠાવ્યા હતા?

ઘણી વખત એવું બન્યું છે જ્યારે સરદારે આપેલાં ભાષણો બાદ તેમની ટીકા થઈ હોય કે તેમણે મુસ્લિમોની નિષ્ઠા પર સવાલો ઉઠાવ્યા હોય.

5 જાન્યુઆરી, 1948ના રોજ કોલકાત્તામાં સરદાર પટેલે કરેલા ભાષણમાં તેમણે કહ્યું, "મુસ્લિમો કહે છે કે તેમની નિષ્ઠા પર શક કેમ કરવામાં આવે છે. હું કહું છું કે તમે તમારા અંતરાત્માને કેમ નથી પૂછતા?"

તેમણે વધુમાં ઉમેર્યું, "એ વાત નિશ્ચિત છે કે દેશના 4.5 કરોડ મુસ્લિમોએ પાકિસ્તાનના નિર્માણમાં સહયોગ આપ્યો છે. હવે તેમના પર કેવી રીતે વિશ્વાસ કરાય કે તેઓ રાતોરાત બદલાઈ જશે."

સરદાર પટેલનું આ ભાષણ ઑલ્ડ સેક્રેટેરિયટના પબ્લિકેશન ડિવિઝને સરદાર પટેલનાં 27 ભાષણોને પ્રકાશિત કર્યાં છે તે પુસ્તક 'ભારત કી એકતા કા નિર્માણ'માંથી લેવામાં આવ્યું છે.

1978માં સંસદમાં કૉંગ્રેસ ધારાસભ્યોના દળના ઉપનેતા રહી ચૂકેલા રફીક ઝકરિયાએ પોતાના પુસ્તક સરદાર પટેલ તથા ભારતીય મુસલમાનમાં લખ્યું છે, "દેશના ભાગલા દરમિયાન હિન્દુ શરણાર્થીઓની અવસ્થા જોઈને સરદારના મનમાં હિન્દુ સમર્થક વલણ ભલે જોવા મળ્યું હોય પરંતુ તેમની અંદર ભારતીય મુસ્લિમોને અન્યાય કરવાની પ્રવૃત્તિઓ નહોતી."

સરદારનાં ભાષણોને લઈને પણ તેમના અને નહેરુ વચ્ચે મતભેદો સર્જાયા હતા. નહેરુ અને તેમના અનુયાયીઓમાં એક દલીલ હતી કે સરદાર સાંપ્રદાયિક સદ્ભાવના મામલે મુસ્લિમો પ્રત્યે ઉદાર નથી.

ઝકરિયા લખે છે, "એ વાતનું પ્રમાણ નથી કે જે મુસ્લિમો તેમને વિશ્વાસઘાતી લાગ્યા હોય તેમના પ્રત્યે સરદાર ક્રૂર કે અનાવશ્યક પ્રકારે કઠોર હતા. ઝીણાનું સમર્થન કરનારાઓની તેમણે કડક શબ્દોમાં ટીકા કરી હતી. તેમની આક્રમકતા તેમના વિરોધીઓ માટે પ્રતિકૂળ વાતાવરણ બની જતી હતી."

જાણકારો કહે છે કે સરદારના નિવેદનને ઘટના, સમય, સ્થળ, વ્યક્તિ અને સંદર્ભ સાથે મૂલવવું જોઈએ. તેમના કોઈ ભાષણનો ટુકડો લઈને તેમને મુસ્લિમ વિરોધી કહેવા ન જોઈએ.

ઇતિહાસકાર અને સરદાર પર સંશોધન કરનારા રિઝવાન કાદરી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "તેઓ વિચાર્યા વગર નહોતા બોલતા. જે ધર્મને કારણે દેશનું વિભાજન થયું હોય તેના અનુયાયીઓ દેશને વફાદાર રહેશે તે એ સંદર્ભમાં કહેવું ખોટું નહોતું."

"જ્યારે તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પદ પર હતા ત્યારે તેમણે કબ્રસ્તાન પાસે કચરો ફેંકાવાનો જે વિરોધ થયો તેને ધર્મનો મુદ્દો ન બનાવવા કહ્યું. તેમણે કહ્યું કે કચરાને કારણે લોકોના આરોગ્યને નુકસાન થાય છે તેથી ત્યાં કચરો ન નખાવો જોઈએ, ન કે ત્યાં મુસ્લિમોનું કબ્રસ્તાન છે એટલે."

"અમદાવાદમાં જો કોમી રમખાણો થાય તો ચાર હિન્દુ આગેવાનો અને ચાર મુસ્લિમ આગેવાનો સાથે મ્યુનિસિપાલિટીના પ્રમુખ મળીને શાંતિના પ્રયત્નો કરશે તેવો ઠરાવ સરદારે પસાર કરાવ્યો હતો. અમદાવાદમાં મુસ્લિમોના શિક્ષણ માટે પણ મહત્ત્વનો ઠરાવ પણ પસાર કરાવડાવ્યો હતો."

ઘણીવાર તેમના દ્વારા કરવામાં આવેલા વ્યંગો કે કટાક્ષો પણ વિવાદોનું કારણ બનતાં હતાં.

ઝકરિયા લખે છે, "એકવાર સરદારે કહ્યું કે ભારતમાં એક જ રાષ્ટ્રવાદી મુસલમાન છે અને તે છે નહેરુ. આ વાત એટલી ફેલાઈ કે ગાંધીજીએ સરદારને કહેવું પડ્યું કે તેમની હાજરજવાબીને વિવેક પર હાવી ન થવા દે."

હૈદરાબાદમાં ઑપરેશન પૉલો, સરદાર અને વિવાદ

ભારતના ભાગલા વખતે હૈદરાબાદમાં જે સ્થિતિ સર્જાઈ અને સરદારે જે રીતે કામ લીધું તેને લઈને પણ ઘણી ચર્ચાઓ એ સમયે થઈ હતી.

હૈદરાબાદની સ્થિતિ નિયંત્રણમાં આવી ગયા બાદ સરદારે ત્યાંના મુસ્લિમોને ખાતરી આપી હતી કે જ્યાં સુધી તેઓ ભારત સાથે નિષ્ઠા દાખવશે ત્યાં સુધી તેમને ડરવાની જરૂર નથી.

જોકે, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને જાણીતા કટારલેખક એ. જી. નૂરાની લખે છે કે હૈદરાબાદમાં સેનાનો ઉપયોગ કરવાની જરૂર નહોતી. તેમણે તેમનાં પુસ્તક ‘ધ ડિસ્ટ્રક્શન ઑફ હૈદરાબાદ’માં લખ્યું, "સરદારની કાર્યવાહીને કારણે હૈદરાબાદમાં સેંકડો મુસ્લિમોની કત્લેઆમ થઈ."

તેમણે આ માટે સુંદરલાલ કમિટીના અહેવાલને પણ ટાંક્યો છે.

હૈદરાબાદમાં ઑપરેશન પૉલો બાદ થયેલા નરસંહારની તપાસ કરવા સુંદરલાલ કમિટીનું જવાહરલાલ નહેરુએ ગઠન કર્યું હતું. આ તપાસના અહેવાલમાં રઝાકારો દ્વારા હિન્દુઓ પર થયેલા અત્યાચારનો પણ ઉલ્લેખ હતો અને સાથે મુસ્લિમો પર થયેલા અત્યાચારોની વાત પણ હતી. સરદારે આ રિપોર્ટ માનવાનો ઇન્કાર કરી દીધો હતો.

નૂરાનીના આ પુસ્તકનો રિવ્યૂ ઇન્ડિયા ટૂડેમાં છપાયો હતો. તેમાં છપાયેલા અહેવાલ મુજબ નૂરાનીએ જવાહરલાલ નહેરુને સર્વોત્કૃષ્ઠ ધર્મનિરપેક્ષ ભારતીય રાષ્ટ્રવાદી અને પટેલને સર્વોત્તમ હિંદુ રાષ્ટ્રવાદી ગણાવ્યા છે.

નૂરાનીએ પટેલ પર આરોપ લગાવતા કહ્યું કે 'તેમણે સ્વતંત્ર રહેવાની માગ કરતા કાશ્મીરના અને ત્રાવણકોરના મહારાજા સાથે નરમ વલણ અપનાવ્યું જ્યારે હૈદરાબાદના નિઝામ સામે કાર્યવાહી કરી.'

ઝકરિયા લખે છે, "હૈદરાબાદમાં પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ પાકિસ્તાનના તત્કાલીન વિદેશ મંત્રી ઝફરુલ્લા ખાને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ફરિયાદ કરી હતી કે ભારતે ખાસ કરીને સરદાર પટેલે મુસ્લિમો પર અત્યાચાર કર્યો છે. જ્યારે કે સત્ય એ હતું કે નિઝામના રઝાકારોએ કેટલાક ડાબેરીઓ સાથે મળીને હિન્દુ જમીનદારો અને વેપારીઓ પર અત્યાચાર કર્યો હતો. આ પીડિતોએ બદલો લેવા માટે કેટલાક મુસ્લિમો પર કાર્યવાહી કરી હતી. સરદારને આ વિગતો મળતા નારાજ થયા હતા અને આ આરોપોની તપાસ કરવા માટે હૈદરાબાદના મુખ્ય અસૈનિક પ્રશાસક ડી.એસ બાખલેને આદેશ કર્યો હતો."

નૂરાની લખે છે કે કનૈયાલાલ મુનશી કૉંગ્રેસ પાર્ટીમાં રહેલા રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના ઍજન્ટ હતા. "નહેરુએ કાશ્મીરમાં પોતાની જે નીતિ અખત્યાર કરી તેનો બદલો લેવા માટે સરદારે હૈદરાબાદને કબજે કર્યું."

ઉલ્લેખનીય છે કે સરદારે મુનશીને હૈદરાબાદમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા અને તેઓ સરદારના ખાસ મનાતા હતા.

સરદાર તે વખતે હૈદરાબાદને ભારતનું કૅન્સર ગણતા હતા કારણ કે નિઝામ હૈદરાબાદને સ્વતંત્ર રાખવા માગતા હતા. સરદારે હૈદરાબાદમાં ઑપરેશન પોલો અંતર્ગત લશ્કરી કાર્યવાહી કરી. નહેરુ અને રાજાજીએ લશ્કરી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો, પણ સરદાર મક્કમ હતા.

રફીક ઝકરિયા લખે છે, "7 ઑક્ટોબર, 1950ના રોજ સરદાર હૈદરાબાદ ગયા હતા. તેમને જણાવવામાં આવ્યું કે પોલીસ નજરથી બચીને લાયક અલી વિમાન મારફતે પાકિસ્તાન જતા રહ્યા છે."

"આ ખબર સાંભળતા હૈદરાબાદના મુસ્લિમોએ ખુશી મનાવી. લાયક અલી નિઝામના છેલ્લા વડા પ્રધાન હતા."

"તેઓ રિઝવીના સહયોગી પણ હતા. આ સંદર્ભમાં સરદારે મુસ્લિમોને નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને શંકા છે કે મુસ્લિમો ભારત સાથે પોતાનું ભવિષ્ય નથી જોડી રહ્યા."

જોકે તેમની મુસ્લિમો માટે કરેલી ટીકા તમામ મુસ્લિમો માટે માની લેવામાં આવશે એવું ધારીને સરદારે કહ્યું, "ગાંધીજીની હત્યા થઈ ત્યારે કેટલાક હિન્દુઓએ પણ આ જ પ્રકારની ખુશી મનાવી હતી. જ્યાં સુધી બંને સમુદાયનાં રાક્ષસી તત્ત્વો જતાં નહીં રહે ત્યાં સુધી શાંતિ શક્ય નથી."

મૌલાના આઝાદે સરદાર પર લગાવ્યા ગંભીર આરોપો

1947માં ભાગલા વખતે અનેક જગ્યાએ હિંસાની શરૂઆત થઈ. પશ્ચિમી પંજાબ તથા વાયવ્ય સીમા પ્રાંતોમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં. લાહોર, સિયાલકોટ, ગજરાંવાલા અને પશ્ચિમ પંજાબમાં શેખપરામાં ભયંકર કત્લેઆમની ગોઝારી ઘટના બની. તેની અસર અમૃતસર પર પણ પડી. કોલકાત્તામાં પણ આ આગ ફેલાઈ ગઈ.

કોલકાત્તામાં શાંતિના પ્રયાસો માટે ગાંધીજીએ ઉપવાસ કર્યા અને ત્યાં શાંતિ સ્થપાઈ પરંતુ એ જ ગાળામાં દિલ્હીમાં રમખાણો શરૂ થયાં. અહીં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને આશ્રય આપવાનો મામલો હતો.

તારીખ પાંચ સપ્ટેમ્બર, 1948 સુધી દિલ્હીમાં લગભગ બે લાખ હિન્દુ કે શીખ શરણાર્થીઓ આવી પહોંચ્યા હતા. દિલ્હીમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

મૌલાના અબુલ કલામ આઝાદ તેમના પુસ્તક ‘ઇન્ડિયા વિન્સ ફ્રિડમ’માં લખે છે, "દિલ્હીમાં કેટલાક શીખોનાં તોફાની ટોળાએ મુસ્લિમો પર હુમલા શરૂ કર્યા. મને પ્રશ્ન થયો કે જો પશ્ચિમ પંજાબમાં હિન્દુઓ અને શીખોની સામે થયેલી હિંસામાં ત્યાંના મુસ્લિમો જવાબદાર હોય તો પણ દિલ્હીના નિર્દોષ મુસ્લિમોને કેમ નિશાન બનાવવામાં આવે છે? (પેજ નંબર 179)

"પીડિતોની સંખ્યા એટલી બધી હતી કે જૂના કિલ્લામાં તેમને માટે રાહત છાવણી બનાવવી પડી. ગાંધીજી મને, સરદાર પટેલને અને નહેરુને આ મામલે વિગતો આપવા જણાવતા હતા. જોકે સરદારનો અભિગમ ભિન્ન હતો. આ મામલે અમારા બંન્ને વચ્ચે મતભેદો વધ્યા."

"એક તરફ હું અને જવાહરલાલ હતા જ્યારે બીજી તરફ સરદાર. પ્રશાસનમાં બે જૂથ પડી ગયાં હતાં."

"લોકો સરદાર તરફ જોતા હતા કારણકે તેઓ દેશના ગૃહ મંત્રી હતા. તેમણે એ પ્રકારની કાર્યવાહી કરી જેથી બહુમતિ જૂથ તેમનાથી પ્રસન્ન થાય. લઘુમતિ જૂથ મારી અને જવાહરલાલ પાસે આશા રાખી રહ્યું હતું."

મૌલાના આઝાદે સરદારની ટીકા કરતા લખ્યું, "જે સમયે દિલ્હીમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા ત્યારે સરદાર ગાંધીજીને એવું કહેતા કે જવાહરની ફરિયાદોમાં અતિશયોક્તિ છે, કેટલીક ઘટના ઘટી છે અને તેમનો વિભાગ તેના પર કાર્યવાહી કરી રહ્યો છે."

મૌલાના આઝાદ લખે છે કે દિલ્હીમાં મુસ્લિમો કૂતરાં-બિલાડીની માફક મરી રહ્યા હતા ત્યારે હું, જવાહર અને સરદાર ગાંધીજી પાસે બેઠા હતા. ત્યારે જવાહરલાલે દિલ્હીમાં જે પ્રકારે હિંસાને રોકવા માટે પ્રશાસન કાર્યવાહી કરી રહ્યું હતું તેના પર પોતાની નારાજગી વ્યક્ત કરી ત્યારે સરદારે તેમને કહ્યું કે મુસ્લિમોએ ડર રાખવાની જરૂર નથી. મુસ્લિમોની જિંદગી અને સંપત્તિને બચાવવા માટે સરકાર બને તેટલા પ્રયત્નો કરી રહી છે, પરંતુ તેના સિવાય બીજું કશું થઈ શકે તેમ નથી."( પેજ નંબર 183)

મૌલાના આઝાદ લખે છે કે સરદારના જવાબને કારણે જવાહરલાલને સૌથી વધુ આઘાત લાગ્યો. તેમણે ગાંધીજીને કહ્યું કે જો સરદાર પટેલના આ પ્રકારના વિચારો હોય તો મારે તેમાં કશું કહેવું નથી.

મૌલાના આઝાદે લખ્યું, "ગાંધીજીએ પણ કહ્યું કે દિલ્હીમાં મુસ્લિમોની કત્લેઆમ થઈ રહી છે અને સરદારનો ગૃહવિભાગ તેને કાબૂ કરવામાં નિષ્ફળ ગયો છે. 12 જાન્યુઆરી, 1948ના રોજ ગાંધીજીએ હિંસા રોકવા માટે ઉપવાસનું શસ્ત્ર ઉગામવાનું નક્કી કર્યું."

"સરદારને ખબર હતી કે આ શસ્ત્ર તેમની સામે જ છે તેથી તેમણે ગાંધીજીને ઉપવાસ કરતા રોકવાના ઘણા પ્રયત્ન કર્યા."

"સરદાર બીજા દિવસે સવારે બૉમ્બે અને કાઠિયાવાડ જવા રવાના થવાના હતા. તેઓ ગાંધીજીને કહેવા લાગ્યા કે કોઈ પણ જાતના કારણ વગર તેઓ ઉપવાસ કરી રહ્યા છે. ગાંધીજીએ જવાબ આપતા તેમને કહ્યું કે હું ચીનમાં નથી રહેતો, દિલ્હીમાં છું. મારી આંખ અને કાન હજુ કામ કરે છે. જો તમે એવું કહેતા હોય કે મુસ્લિમોની ફરિયાદમાં અતિશયોક્તિ છે તો ન તમે મને સમજી શક્યા છો ન હું તમને."

મૌલાના આઝાદે સરદારને તેમની યાત્રા રદ કરીને દિલ્હીમાં રોકાઈ જવા કહ્યું. સરદાર તેમના પર ગુસ્સે થઈ ગયા.

મૌલાના આઝાદ આ ઘટનાનું વર્ણન કરતા લખે છે, "મારા રોકાવાનો શો અર્થ છે જ્યારે તેઓ મારી વાત જ સાંભળવા તૈયાર નથી. આખા વિશ્વમાં હિન્દુસ્તાનનું નામ ખરાબ કરવાનો નિર્ણય લઈને બેઠા છે."

મૌલાના આઝાદ લખે છે કે સરદારના ઊંચા અવાજ કરતા મને તેમના શબ્દો પર વધારે દુ:ખ થયું. સરદાર તેમના પ્રવાસે નીકળી ગયા.

દિલ્હીમાં ગાંધીજીના ઉપવાસ છોડાવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા. શાંતિપ્રયાસોથી સંતુષ્ટ થઈને 18 જાન્યુઆરીના રોજ મૌલાના આઝાદના હસ્તે મોસંબી જ્યૂસ પીને ગાંધીજીએ ઉપવાસ છોડ્યા. તેમણે ખાતરી પણ લીધી કે મુસ્લિમોનાં જે ધાર્મિકસ્થળો તૂટ્યાં છે તે ફરી બાંધવામાં આવે.

મૌલાના આઝાદ લખે છે, "ગાંધીજીએ ઉપવાસ છોડ્યા. સરદાર બૉમ્બેથી પરત ફર્યા. પટેલ ગાંધીજીને મળવા આવ્યા અને ગાંધીજીએ તેમનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું, પણ સરદારના ચહેરા પર ખુશી નહોતી."

"તેઓ ગાંધીજીએ જે પ્રકારે મુસ્લિમો માટે સમજૂતિ કરાવી હતી તે કદાચ તેમને પસંદ નહોતી. ગાંધીજીના આ વલણને નાપસંદ કરનારા સરદાર એકલા જ નહોતા પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓ પણ હતા."

તેનાથી ઊલટું રાજમોહન ગાંધી લખે છે કે જ્યારે ગાંધીજીએ ઉપવાસ છોડ્યા ત્યારે સરદારે બૉમ્બેથી ટેલિગ્રામ કર્યો હતો અને આભાર પ્રકટ કર્યો હતો.

ઉર્વીશ કોઠારી કહે છે, "મૌલાના આઝાદે ઘણા આરોપો લગાવ્યા હતા પરંતુ તે માટે સરદાર જવાબદાર નહોતા. તે સમયની સ્થિતિ એવી હતી."

"1946-50ના સમયગાળાને અત્યારના સંજોગોમાં મૂલવીને સરદારને મુસ્લિમ વિરોધી કે સાંપ્રદાયવાદી ન કહી શકાય."

ઉર્વીશ કોઠારી કહે છે, "તે સમયગાળામાં સરદાર પાસે એટલી બધી જવાબદારીઓ હતી. તેમનામાં હિન્દુ-મુસ્લિમ એકતા કરતા વહીવટી અભિગમ વધારે મહત્ત્વનો હતો."

"તેમનામાં મુસ્લિમો માટે જુદાપણાનો ભાવ ભલે હતો પરંતુ તેઓ મુસ્લિમોને નાબૂદ કરી નાખવાની વિચારધારામાં નહોતા માનતા."

મુસ્લિમો સામે થતી હિંસા રોકવા સરદાર અમૃતસર ગયા

પાકિસ્તાન જનારા મુસ્લિમ નિરાશ્રિતોએ પંજાબ થઈને જવું પડતું હતું. ત્યાં મુસ્લિમ વિરોધી માહોલ ચરમસીમા પર હતો.

પાકિસ્તાનના તત્કાલીન મંત્રી ગઝનફરઅલી ખાન તરફથી ટેલિગ્રામ મળ્યો કે પટિયાલાના રાજપુરા તથા લુધિયાણા વચ્ચે અને બઠિંડા પાસે પાકિસ્તાન આવતા લોકોની કત્લેઆમ થઈ રહી છે. તેમના તરફથી સરદાર પટેલને યોગ્ય સુરક્ષાના પગલાં ઉઠાવવાની વિનંતી કરી.

26 ઑગસ્ટ, 1947ના રોજ સરદારે પટિયાલાના મહારાજાને ટેલિગ્રામ કરીને લઘુમતીઓની સુરક્ષા માટે અને વિશ્વાસનો માહોલ પેદા કરવાના પગલાં ઉઠાવવાનો અનુરોધ કર્યો. સરદારે તેમના સંદેશા સાથે ગઝનફરઅલી ખાનની વિનંતીના તારનો ઉલ્લેખ પણ કર્યો હતો.

મહારાજાએ સરદારને તાર કરીને જરૂરી પગલાં ઉઠાવવાની ખાતરી આપી પરંતુ રમખાણો રોકાયાં નહીં. સરદારે 23 સપ્ટેમ્બરના રોજ ફરી મહારાજાને તાર કરવામાં આવ્યો. આ વખતે તેમણે પાકિસ્તાન જતા નિરાશ્રિતોને માટે કયા પગલાં લેવા તેની સુચનાઓ પણ હતી.

રમખાણો રોકાયાં નહીં તેથી સરદાર સ્વયં 30 સપ્ટેમ્બરના રોજ અમૃતસર પહોંચ્યા અને ત્યાં સભાનું આયોજન કર્યું.

રાજમોહન ગાંધી લખે છે, "તેમણે સભામાં કહ્યું કે જલિયાંવાલા બાગના રક્તસ્નાનમાં હિન્દુ, મુસ્લિમ, શીખ એમ તમામનું લોહી એક બની ગયું હતું. આજે સ્થિતિ એવી બની છે કે લાહોરમાં કોઈ હિન્દુ કે શીખ વ્યક્તિ એકલી ફરી શકતી નથી, અમૃતસરમાં કોઈ મુસ્લિમ લોકો રહી નથી શકતા. આ સ્થિતિએ આપણા નામને વિશ્વમાં કલંકિત કર્યું છે."

સરદારે લોકોને અપીલ કરતા કહ્યું, "જો તમે મુસ્લિમ નિરાશ્રિતોને સુરક્ષિત રૂપે અહીંથી નહીં જવા દો તો મને ભય છે કે જે નિરાશ્રિતો સરહદ પારથી અહીં આવી રહ્યા છે તેમાં અવરોધ ઊભો થશે. ભારતનું હિત પાકિસ્તાન જતા મુસ્લિમોને સુરક્ષિત મોકલવામાં અને ત્યાંથી આવતા નિરાશ્રિતોને સુરક્ષિત અહીં લાવવામાં જ છે."

રાજમોહન ગાંધી લખે છે તે પ્રમાણે સરદારના વ્યક્તિગત પ્રયાસને કારણે ત્યારબાદ પાકિસ્તાન જતી એક પણ ટ્રેન પર હુમલો નહોતો થયો.

એક સ્વિમિંગ પૂલ મામલે ઝીણાએ સરદારને બનાવ્યા હતા નિશાન

1945માં મુંબઈમાં એક સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો અને જેના કારણે મહમદ અલી ઝીણાએ વલ્લભભાઈ પટેલને નિશાન બનાવ્યા હતા. આ સ્વિમિંગ પુલના નામમાં હિંદુ શબ્દ આવતો હતો જેના કારણે સરદાર પર ટીકાનો મારો શરૂ થયો હતો.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને જાણીતા કટારલેખક એ. જી. નૂરાનીએ એકવાર ધ હિન્દુમાં લખ્યું હતું, "નવેમ્બર 1945માં બૉમ્બેના મરીન ડ્રાઇવ પાસે ચોપાટી બીચ પર એક સ્વિમિંગ પૂલનું કૉંગ્રેસના એક ટોચના નેતાએ ઉદ્ધાટન કર્યું હતું. આ સ્વિમિંગ પૂલનું નામ હતું પ્રાણસુખલાલ મફતલાલ હિન્દુ સ્વિમિંગ પૂલ."

"આ સ્વિમિંગ પૂલના દ્વાર મુસ્લિમો અને અન્ય લઘુમતી સમૂદાય માટે બંધ હતાં. જેમણે આ પૂલનું ઉદ્ઘાટન કર્યું હતું તેમનું નામ હતું- વલ્લભભાઈ પટેલ. પૂલની બહાર લગાવેલી તકતી પર તેમની આ સાહસવૃત્તિના વખાણ લખેલાં જોવા મળતાં હતાં."

"પહેલાં તો તેનો પ્રભાવ કોઈ પર ન પડ્યો. પરંતુ દ્વિરાષ્ટ્રની થિયરીના સમર્થક મહમદ અલી ઝીણાની સમજમાં આવી ગયું. 18 નવેમ્બર, 1945ના દિવસે દિલ્હીથી તેમણે પટેલના એઆઈસીસી સત્રમાં આપેલા ભાષણનો જવાબ આપતા કહ્યું -જ્યાં સુધી તેમના હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈ અને ભારત એક રાષ્ટ્ર છે તેવા નારાની વાત છે તો સરદાર પટેલ માટે વાત કરીએ એટલી ઓછી છે. આ વાત તેમને શોભા આપતી નથી. શું બૉમ્બેમાં પટેલે માત્ર હિન્દુઓ માટેના સ્વિમિંગ પૂલનું ઉદ્ઘાટન નહોતું કર્યું? જેનો વિરોધ કેટલાક યુવાનોએ કર્યો હતો. સ્વિમિંગ પૂલની સાથે મુસ્લિમોને સમુદ્રના પાણીનો ઉપયોગ પણ નસીબ નહોતો."

આ માટે નૂરાનીએ વાહીદ અહેમદના પુસ્તક ધ નેશન્સ વૉઇસને ટાક્યું હતું. તેમણે વધુમાં લખ્યું, "તે સમયે ન નહેરુએ, ન રાજાજીએ તેમને રોકવાની કોશિશ કરી."

તેમણે નહેરુની આત્મકથાને ટાંકીને લખ્યું કે નહેરુએ તેમની આત્મકથામાં લખ્યું છે, "ઘણા કૉંગ્રેસીઓ પોતાના રાષ્ટ્રીય પોશાક હેઠળ સાંપ્રદાયિક હતા."(પેજ નંબર 136)

ઉર્વીશ કોઠારી કહે છે, "સરદારને મુસ્લિમ વિરોધી પ્રસ્તુત કરીને કોઈ જો તેના પર રાજનીતિ કરતું હોય તો તે સરદારની કુસેવા કરી રહ્યું છે."

તેમના મતે સરદારને મુસ્લિમ વિરોધી હોવાની છાપ ઊભી કરીને તેમને 'હાઇજૅક' કરવાની રાજકીય પ્રવૃત્તિઓ એ 'સરદારનું અપમાન' છે.

ધર્મ આધારિત અનામત આપવાની પ્રથાને ખતમ કરવા સરદારની પહેલ

સરદાર લઘુમતીઓ માટેના અનામત મત વિસ્તારો જે અંગ્રેજો દ્વારા રચવામાં આવ્યા હતા તેને સ્વતંત્ર ભારતમાં ચાલુ રાખવાના કે નવેસરથી ગઠિત કરવાના વિરોધમાં હતા.

સરદારે સંવિધાનસભામાં અનુસૂચિત જાતિ-જનજાતિને છોડીને તમામ લઘુમતીઓ માટે અનામત વ્યવસ્થાને ખતમ કરવાની તરફેણ કરી હતી.

રાજમોહન ગાંધી લખે છે, "સરદારે મુસ્લિમ, શીખ, પારસી, ખ્રિસ્તી અને ઍંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિઓ સાથે વાત કરી. મુસ્લિમો સિવાય અન્ય લઘુમતીના પ્રતિનિધિઓ માની ગયા."

"ઍંલ્ગો ઇન્ડિયન માટે મનોનીત સભ્યો નિમણૂક કરવાની સહમતી બની. મુસ્લિમો ક્વોટા અને અલગથી મતક્ષેત્રોની તરફેણમાં હતા. પણ આખરે સરદારની જીત થઈ. મુસ્લિમોને અનામત આપવા મામલે જ્યારે મતદાન થયું ત્યારે તેના વિરુદ્ધમાં 58 અને તરફેણમાં માત્ર ત્રણ વોટ પડ્યા."

"સંસદમાં જ્યારે તેના પર ચર્ચા થઈ ત્યારે મૌલાના મૌન રહ્યા. તેમણે આ મામલે તટસ્થ રહેવાનું નક્કી કર્યું. કેટલાક મુસ્લિમોનું માનવું હતું કે મૌલાના મુસ્લિમોની તરફેણમાં પોતાનો પક્ષ મૂકી શક્યા હોત."

સંવિધાનસભાએ અનુસૂચિત જાતિ-જનજાતિને છોડીને અન્ય તમામ લઘમતીને અનામત આપવાની વ્યવસ્થા સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો.

પટેલે અલગથી મુસ્લિમ અનામત માગતા મુસ્લિમોને કહ્યું, "તમારે પોતાની આઝાદીનો આનંદ પ્રાપ્ત કરવા માટે ત્યાં(પાકિસ્તાન) જતું રહેવું જોઈએ."

સરદારનું માનવું હતું કે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવવા માટે અલગ-અલગ અનામત વ્યવસ્થા ગોઠવી હતી અને તેને કારણે જ દેશમાં દ્વિરાષ્ટ્રની થિયરીનો જન્મ થયો. હવે ભારતમાં ધર્મનિરપેક્ષ પ્રજાતંત્રનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રકારે ભાગલાવાદી નીતિને દેશમાં કોઈ જગ્યા નથી.

જાણકારો કહે છે કે જ્યારે ખિલાફત આંદોલનને સમર્થન કરવાનો મહમદ અલી ઝીણાએ વિરોધ કર્યો હતો ત્યારે ગાંધીએ તેને સમર્થન આપ્યું હતું. સરદારે પણ ગાંધીના નિર્ણયને વધાવ્યો હતો કારણકે તેમનો મત હતો કે મુસ્લિમો આ કારણે સ્વાતંત્રતાસંગ્રામમાં જોડાય. જોકે બાદમાં મુસ્લિમ લીગના ઉદય બાદ સરદારમાં મુસ્લિમો પ્રત્યેના વલણમાં બદલાવ જોવા મળ્યો.

ઝકરિયા લખે છે, "937માં ઝીણાના નેતૃત્વમાં મુસ્લિમ લીગના ગઠન બાદ તેમના દૃષ્ટિકોણમાં બદલાવ આવવા લાગ્યો. વિભાજન અને તેનાં પરિણામોને કારણે તેમનામાં આ મામલે આમૂલ પરિવર્તન આવી ગયું."

"ખુદ તેમના જ સહયોગી તેમને સાંપ્રદાયિક કહેવા લાગ્યા. જેમાં મૌલાના આઝાદ અને જયપ્રકાશ નારાયણ પણ સામેલ હતા."

સરદાર પર આરએસએસ પ્રત્યે કૂણું વલણ દાખવવાનો આરોપ

20 જાન્યુઆરીના રોજ ગાંધીજીની પ્રાર્થનાસભામાં મોટો વિસ્ફોટ થયો. ગાંધીજી બચી ગયા, પશ્ચિમ પંજાબથી આવેલા મદનલાલ પાહવા નામના નિરાશ્રિતે બોમ્બ ફેંક્યો હતો. મદનલાલ પકડાઈ ગયો પરંતુ અન્ય લોકો ભાગી ગયા હતા. મદનલાલ પાસેથી પોલીસને માહિતી મળી કે ગાંધીજીની હત્યાનું ષડયંત્ર ઘડાઈ રહ્યું છે.

સરદારે ગાંધીજીને સુરક્ષા આપવાની વાત કરી પરંતુ ગાંધીજીએ તેનો વિરોધ કર્યો. 30 જાન્યુઆરીના રોજ ગાંધીજીની હત્યા થઈ અને સરદાર પર ફરી પ્રહારો શરૂ થયા.

રાજમોહન ગાંધી લખે છે, "ગાંધીજીની હત્યા બાદ આરએસએસ અને હિન્દુ મહાસભા પર પ્રતિબંધ લાદી દેવાયો. જોકે સરદાર અને નહેરુનો તેમના વિશે ભિન્ન મત હતો. નહેરુ આરએસએસ અને હિન્દુ મહાસભાને ફાસીદાવી માનતા હતા જ્યારે કે સરદાર તેમને રાષ્ટ્રભક્ત માનતા હતા જોકે તેઓ આ મામલે ગેરમાર્ગે દોરાયા હતા."

"નહેરુનું માનવું હતું કે બાપુની હત્યા મોટા ષડયંત્ર હેઠળ કરવામાં આવી છે. તે માટેનું અભિયાન આરએસએસે ચલાવ્યું છે. જોકે સરદાર તેનાથી સંમત નહોતા. સરદારે નહેરુને આ સંદર્ભમાં લખ્યું કે તપાસ એજન્સી સાથે ચર્ચા કર્યા બાદ હું એ માન્યતા પર પહોંચ્યો છું કે બાપુની હત્યાનું ષડયંત્ર આરએસએસે નથી ઘડ્યું.( પેજ નંબર 472)

રાજમોહન ગાંધી લખે છે કે સરદાર ખુદ હિન્દુ મહાસભાના હેટ લિસ્ટમાં હતા. ગાંધીજીની હત્યાના થોડા દિવસો બાદ તેમના એક નેતાએ પટનામાં કહ્યું હતું કે પટેલ, નહેરુ અને આઝાદને ફાંસી આપી દેવી જોઈએ.

17, જુલાઈ, 1948ના રોજ સરદારે પ્રાંતોના મુખ્ય મંત્રીઓની બેઠક બોલાવી હતી. તે પહેલા હિન્દુ મહાસભાના નેતા અને નહેરુ સરકારમાં મંત્રી શ્યામા પ્રસાદ મુખરજીએ કેટલીક બાબતો પર વિચાર કરવા મામલે પત્ર લખ્યો.

શ્યામા પ્રસાદ મુખરજીએ લખ્યું, "ગાંધીજીની હત્યામાં નાનું જૂથ સામેલ હતું. જે લોકો સામે આ ષડયંત્રમાં સામેલ હોવાના પુરાવા નથી તેમને તાત્કાલિક છોડવામાં આવે. આરએસએસનો આ મામલે કોઈ હાથ હોય તેવું કોઈ પ્રમાણ સામે આવ્યું નથી."

શ્યામા પ્રસાદ મુખરજીએ ફરિયાદ કરી હતી કે હિન્દુઓને પ્રત્યેક મોરચા પર કમજોર કરવાની કોશિશ થઈ રહી છે પરંતુ મુસ્લિમોની એવી(શંકાસ્પદ) પ્રવૃત્તિઓ સામે કોઈ કશું કરવાની સ્થિતિમાં નથી.

મુખ્ય મંત્રીઓની બેઠક પૂર્ણ થયા બાદ સરદારે શ્યામા પ્રસાદ મુખરજીને પત્ર લખ્યો, "આરએસએસ અને હિન્દુ મહાસભા સામેનો કેસ ન્યાયાધીન છે. આરએસએસની પ્રવૃત્તિઓ સરકાર સામે જોખમકારક હતી. સુરક્ષા કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિને 6 મહિનાથી વધુ હિરાસતમાં રાખી ન શકાય. આવા 500 જેટલા લોકો સમયાવધિ સમાપ્ત થયા બાદ આપોઆપ છૂટી જશે."

સરદારે એમ પણ લખ્યું, "હું તમારી સાથે સહમત છું કે ભારતમાં અનિષ્ટકારી તત્ત્વોની ઉપસ્થિતિ જોખમકારક બની રહી છે. સરકાર તેમની સામે ધર્મનિરપેક્ષતાની નીતિ પ્રમાણે ઠોસ પગલાં ભરી રહી છે."

રાજમોહન ગાંધી લખે છે કે એક વાર તેમણે આરએસએસના લોકોને કૉંગ્રેસમાં જોડાઈ જવાનું કહ્યું હતું. તેમણે તેમને ભાઈ તરીકે સંબોધ્યા હતા. નહેરુ તેનાથી અસહમત હતા. તેમણે સરદારને પત્ર લખ્યો.

તેમણે કહ્યું, "આરએસએસની પ્રવૃત્તિ કૉંગ્રેસ અને સરકારની બિનસાંપ્રદાયિક નીતિ સાથે સુસંગત નથી. તેમના પર પ્રતિબંધ હઠાવવાનો મતલબ થશે કે દેશમાં ફાસીવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું."

રાજમોહન ગાંધી લખે છે કે સરદાર ક્યારેય હિન્દુ રાજના પક્ષમાં નહોતા. તેઓ માનતા હતા કે આરએસએસના કાર્યકર્તાઓએ ઘણા શીખ અને મુસ્લિમોને ભાગલા સમયનાં રમખાણોમાં બચાવ્યાં હતાં.

જુલાઈ 1949માં જ્યારે આરએસએસના વડા ગુરુ ગોલવલકર સરદારને મળ્યા અને તેમણે તેમની શરતો સ્વીકારી ત્યારબાદ આરએસએસના અટકાયતમાં લેવાયેલા નેતાઓને છોડી મૂકવામાં આવ્યા અને આરએસએસ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો.(પેજ નંબર 497)

જાણકારો કહે છે કે સરદારને સંઘ તરફી કહેવા કે પછી હિન્દુવાદી કહેવા એ યોગ્ય નથી.

સરદારે લખનૌમાં હિન્દુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કૉંગ્રેસમાં જોડાઈ જવાની અપીલ કરી હતી સાથે તેમણે એમ પણ કહ્યું કે માત્ર તેઓ જ હિન્દુઓના ઠેકેદાર નથી. તેમણે બહુ આક્રમક થવાની જરૂર નથી.

તેમણે કહ્યું, "સત્તા પર આરૂઢ કેટલાક કૉંગ્રેસીઓ એવું માને છે કે તેઓ પોતાની સત્તાના બળથી તેઓ આરએસએસને કચડી નાખશે. બળપ્રયોગથી તમે કોઈ સંસ્થાને કચડી નહીં શકો."

"રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો ચોર-લૂંટારૂ નથી. તેઓ દેશભક્ત છે. તેઓ પોતાના દેશને ચાહે છે પરંતુ તેમના વિચારો ગુમરાહ થયેલા છે."

ચક્રવર્તી સન્યાસી સરદાર પટેલ નામના પુસ્તકમાં લેખક હિંમતભાઈ પટેલ લખે છે કે સરદારનું આ ભાષણ રેડિયો પર પણ પ્રસારિત કરવામાં આવ્યું હતું. આરએસએસે તેનો લાભ ઉઠાવીને તેનો સાર્વત્રિક પ્રચાર કર્યો.

આખા દેશમાં કૉંગ્રેસીઓ, ગાંધીવાદીઓ અને ડાબેરીઓ સરદારના આ ભાષણથી નાખુશ થયા હતા. તેમના આ ભાષણની આલોચના કરવામાં આવી.

ઉર્વીશ કોઠારી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "સરદારે આરએસએસ અને હિન્દુ મહાસભાને કૉંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું તેનો અર્થ એ નહોતો કે તેમનું તેમના પ્રત્યે કૂંણું વલણ હતું."

"તેઓ ઇચ્છતા હતા કે ભારત હવે આઝાદ છે અને બધાએ તેને આગળ લઈ જવામાં સાથ આપવો જોઈએ. તેમની સરકારમાં આંબેડકર હતા, શ્યામા પ્રસાદ મુખરજી હતા તો તેમના મતે સંઘને સાથે લેવામાં કોઈ વાંધો નહોતો."