ડૉ. આંબેડકરે પોતાની બીમારીઓને અવગણીને કેવી રીતે ભારતનું બંધારણ ઘડ્યું?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશના મહાન રાજનેતાઓ પૈકીના એક અને (અગાઉ અસ્પૃશ્ય તરીકે ઓળખાતા) દલિતોના નિર્વિવાદ નેતા ડૉ. ભીમરાવ આંબેડકરે 1949ની 25 નવેમ્બરે ભારતીય બંધારણના અંતિમ વાચનના અંતે ભાવિનો ખ્યાલ આપતું ભાષણ આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, “1950ની 26 જાન્યુઆરીએ આપણે વિરોધાભાસના જીવનમાં પ્રવેશ કરીશું. રાજકારણમાં સમાનતા હશે, પરંતુ સામાજિક અને આર્થિક જીવનમાં અસમાનતા હશે.”

બંધારણ અમલી બન્યાના દિવસે ભારતે પોતાને સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક દેશ જાહેર કર્યો હતો. આંબેડકર તેમના ભાષણમાં એક યુવા પ્રજાસત્તાક અને જૂની સંસ્કૃતિ વચ્ચેના વિરોધાભાસનો સંકેત આપી રહ્યા હતા.

તેમણે અલગથી જણાવ્યું હતું કે, લોકશાહી “ભારતીય ભૂમિનો એકમાત્ર શણગાર” હતી. અન્યથા ભારત “સંપૂર્ણપણે અલોકતાંત્રિક” હતું અને ગામ “સ્થાનિકતા, અજ્ઞાન, સંકુચિત માનસિકતા અને સાંપ્રદાયિકતામાં ડૂબેલાં હતાં.”

અસ્પૃશ્યતા નાબૂદી, હકારાત્મક પગલાં, તમામ લોકોને મતદાન સહિતના સમાન અધિકારો આપવાનું કામ ભારત જેવા ગરીબ તથા અસમાન દેશ માટે એક નોંધપાત્ર સિદ્ધિ હતું.

એક એવી ભૂમિ જેને પ્રખ્યાત જર્મન ફિલસૂફ વિલ્હેમ ફ્રેડરિક હેગલે “અપરિવર્તનશીલ અને જડ” ગણાવી હતી.

299 સભ્યોની બંધારણ સભાએ 1946થી 1949ના તોફાની સમયમાં સતત ત્રણ વર્ષ કામ કર્યું હતું. એ સમયગાળામાં ધાર્મિક રમખાણો થયાં હતાં અને દેશના ભાગલા પડ્યા હતા.

ભાગલાને લીધે માનવ ઇતિહાસમાંનું સૌથી મોટું સ્થળાંતર ભારત તથા પાકિસ્તાન વચ્ચે જોવા મળ્યું હતું. ભારત સેંકડો રજવાડાંના દેશમાં વિલીનીકરણનું સાક્ષી પણ બન્યું હતું.

395 જોગવાઈ ધરાવતા દસ્તાવેજનો મુસદ્દો મુખ્ય સાત સભ્યોની સમિતિએ તૈયાર કર્યો હતો અને કાયદાના વિદ્વાન આંબેડકરે તેનું નેતૃત્વ કર્યું હતું.

(બીબીસી ગુજરાતી પર આ અહેવાલ સૌપ્રથમ 14 એપ્રિલ 2023ના દિવસે પ્રકાશિત થયો હતો)

“પ્રતિભાશાળી વ્યક્તિ જ સમાન ન્યાય આપી શકે”

આંબેડકરે ખરાબ સ્વાસ્થ્ય સામે લડત આપીને તથા ભારતની આઝાદી ચળવળના અગ્રણીઓ સાથેના મતભેદને બાજુ પર મૂકીને વિશ્વના સૌથી લાંબા દસ્તાવેજો પૈકીના એક ભારતીય બંધારણ સુકાન કેવી રીતે સંભાળ્યું હતું.

તેની કથા અશોક ગોપાલલિખિત ‘અ પાર્ટ અપાર્ટ’ નામના નવા જીવનવૃતાંતમાં જણાવવામાં આવી છે.

આ પુસ્તક જણાવે છે કે આંબેડકરનું કદ આ ભૂમિકા માટે વ્યાપક સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવામાં મદદરૂપ થયું હતું.

મુસદ્દા સમિતિના સાતમાંથી પાંચ સભ્યો ઉચ્ચ જ્ઞાતિના હતા, પરંતુ એ બધાએ આંબેડકરને સમિતિનું નેતૃત્વ કરવા કહ્યું હતું.

ભારતની સ્વાતંત્ર્ય ચળવળના સમર્થક અને આયર્લૅન્ડના બંધારણના લેખક ઈમોન ડી વાલેરાએ આ ભૂમિકા માટે આંબેડકરની ભલામણ ભારત ખાતેના છેલ્લા બ્રિટિશ વાઈસરોય લૉર્ડ માઉન્ટબેટન અથવા ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને કરી હોવાનું અશોક ગોપાલે જણાવ્યું છે.

(છેલ્લા વાઈસરોયનાં પત્ની એડવિના માઉન્ટબેટને આંબેડકરને લખેલા પત્રમાંથી આ વાત બહાર આવી હતી)

એડવિના માઉન્ટબેટને આંબેડકરને જણાવ્યું હતું કે, “આપ બંધારણના સર્જનની પ્રક્રિયા પર “દેખરેખ રાખી રહ્યા છો” એ વાતથી હું “અંગત રીતે બહુ રાજી છું, કારણ કે એક પ્રતિભાશાળી વ્યક્તિ જ દરેક વર્ગ અને સંપ્રદાયના લોકોને સમાન ન્યાય આપી શકે.”

અશોક ગોપાલ લખે છે કે, માર્ચ 1947માં વાઈસરોય તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ તરત જ લૉર્ડ માઉન્ટબેટને આંબેડકર સાથે “અત્યંત રસપ્રદ અને મૂલ્યવાન વાતો” કરી હતી.

વાઈસરોયે એક વરિષ્ઠ બ્રિટિશ અધિકારીને એમ પણ જણાવ્યું હતું કે, “નેહરુના વડપણ હેઠળના કેન્દ્ર સરકારના વચગાળાના પ્રધાનમંડળના 15 સભ્યોની યાદીમાં આંબેડકરનું નામ જોયું ત્યારે તેમને “ખૂબ સંતોષ થયો હતો.”

આંબેડકરના વડપણ હેઠળની સમિતિએ, બંધારણ સભાને 1947માં સુપરત કરવામાં આવેલો બંધારણનો આખો મુસદ્દો ચકાસ્યો હતો. તે સંબંધિત પ્રધાનો અને પછી કૉંગ્રેસ પાર્ટીને મોકલવામાં આવ્યો હતો. કેટલાક વિભાગનું સાતથી વધુ વખત પુનર્લેખન કરવામાં આવ્યું હતું.

આંબેડકર “કચડાયેલા વર્ગોના” બળવાખોર નેતા કહેવાતા

આંબેડકરે સુપરત કરેલા સુધારિત મુસદ્દામાં બંધારણ સભાના પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદે આશરે 20 મોટા ફેરફાર કર્યા હતા. તેમાં ગૌરવપૂર્ણ પ્રસ્તાવનામાંના સુધારાનો સમાવેશ થાય છે.

પ્રસ્તાવનામાં ન્યાય, સમાનતા અને બંધુત્વનું વચન આપવામાં આવ્યું છે તથા તે મૂળ દસ્તાવેજનાં મૂળભૂત લક્ષણોનું મૂર્ત સ્વરૂપ છે.

આકાશસિંહ રાઠોડ નામના એક ફિલસૂફના પુસ્તક ‘આંબેડકર પ્રીએમ્બલઃ એ સિક્રેટ હિસ્ટરી ઑફ કૉન્સ્ટિટ્યુશન ઑફ ઇન્ડિયા’ને ટાંકીને આકાશ ગોપાલે આ પુસ્તકમાં જણાવ્યું છે કે, મૂળ પ્રસ્તાવનામાં “બંધુત્વ” શબ્દનો સમાવેશ અને બાકીના “81 અદભુત તથા ઐતિહાસિક શબ્દોનો સમૂહ” સંપૂર્ણપણે આંબેડકરનું સર્જન હતા.

મોટા ભાગનું મુશ્કેલ કામ આંબેડકરે કર્યું હતું. તેઓ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરથી પીડાતા હોવા છતાં લગભગ 100 દિવસ સુધી બંધારણ સભામાં ખડેપગે રહ્યા હતા, “દરેક કલમને ધીરજપૂર્વક સમજાવતા અને કારણો આપતા કે દરેક સુધારા નકારતા રહ્યા હતા.”

બેઠકોમાં તમામ સભ્યો હાજર રહેતા ન હતા. સમિતિના એક સભ્ય ટીટી ક્રિષ્નામાચારીએ નવેમ્બર, 1948માં બંધારણ સભાને જણાવ્યું હતું કે, મોટા ભાગના સભ્યો “મૃત્યુ, માંદગી અથવા અન્ય વ્યસ્તતાને કારણે” પૂરતો સમય આપી શક્યા ન હોવાથી “બંધારણનો આ સુધારિત મુસદ્દો તૈયાર કરવાનો તમામ બોજ” આંબેડકર પર આવી પડ્યો હતો.

મુસદ્દામાં 7,500થી વધારે સુધારા સૂચવવામાં આવ્યા હતા અને એ પૈકીના લગભગ 2,500 સ્વીકારવામાં આવ્યા હતા.

આંબેડકરે “સૌથી વધુ જટિલ દરખાસ્તોને સરળ કાનૂની સ્વરૂપમાં રજૂ કરવાની આવડત ધરાવતા” વરિષ્ઠ સનદી અધિકારી એસએન મુખરજીને મુસદ્દો તૈયાર કરવા માટે મોટું શ્રેય આપ્યું હતું.

આંબેડકરની છબી “કચડાયેલા વર્ગોના” બળવાખોર નેતા તરીકેની હતી, પરંતુ તેમણે તમામ વર્ગનાં હિતને સમાવ્યાં હતાં. અલગ મતદારગણ માટેની તેમની માગણીને લઘુમતી માટેની બંધારણ સભાની સમિતિએ નકારી કાઢી હતી.

મુખ્ય ઉદ્યોગોના રાષ્ટ્રીયકરણ તેમની પ્રારંભિક માગનું પણ એવું થયું હતું. બંધારણના ઉદ્દેશમાં સમાજવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

“બંધારણના કુશળ સુકાની” તરીકે આંબેડકર કામ કરતા

ડિસેમ્બર, 1946માં બંધારણ સભાની સૌપ્રથમ બેઠક યોજાઈ ત્યારે આંબેડકરે સ્વીકાર્યું હતું કે, “આજે આપણે રાજકીય, સામાજિક અને આર્થિક રીતે વિભાજિત છીએ તે હું જાણું છું. આપણે એકમેકની સામે લડતા લોકોનાં જૂથ છીએ અને એવા એક જૂથનો નેતા હું પણ છું, એ કબૂલ કરું છું.”

આકાશ ગોપાલ લખે છે કે, “આંબેડકરે તેમની અગાઉની માગણી સંદર્ભે કરેલો વ્યવહાર તેમની મુત્સદી જેવી ભૂમિકાનો નિર્દેશ કરે છે. તેમણે અનુસૂચિત જાતિના જ હિતને બદલે તમામ જાતિના હિતને ધ્યાનમાં રાખ્યાં હતાં.”

(અનુસૂચિત જાતિ અને જનજાતિમાં ભારતના 1.4 અબજ લોકોમાંથી 23 કરોડ લોકોનો સમાવેશ થાય છે)

આકાશ ગોપાલ દલીલ કરે છે કે આ બધા ઉપરાંત આંબેડકર બંધારણના મુખ્ય ઘડવૈયા હતા અને આ દસ્તાવેજના “પ્રત્યેક હિસ્સા પર તેમણે નજર રાખી હતી” તથા તેના અંતિમ સ્વરૂપ માટે માર્ગદર્શન આપ્યું હતું.

રાજેન્દ્ર પ્રસાદે વર્ષો પછી સ્વીકાર્યું હતું કે, આંબેડકરે “બંધારણના કુશળ સુકાની” તરીકે કામ કર્યું હતું.

દલિતોના આદર્શ આંબેડકર 1956ની 6, જૂને 63 વર્ષની વયે મૃત્યુ પામ્યાના કલાકો પછી વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે, “બંધારણ બાબતે આંબેડકરથી વધુ કાળજી અને તકલીફ કોઈએ લીધી નથી.”

સાત દાયકાથી વધુ સમય પછી પણ ભારતની વિશાળ અને વૈવિધ્યસભર લોકશાહી ગંભીર પડકારો છતાં એકજૂથ રહી શકી છે.

વધતા ધ્રુવીકરણ અને સામાજિક અસમાનતાથી ઘણા લોકો તેના ભવિષ્ય બાબતે ચિંતિત છે. તેઓ આંબેડકરે બંધારણના સંશોધિત મુસદ્દાની રજૂઆત વખતે આપેલા અન્ય પ્રાસંગિક ભાષણ પરત્વે આંગળી ચીંધે છે.

આંબેડકરે કહ્યું હતું કે “ભારતમાંની લઘુમતીઓએ બહુમતીના શાસનને વફાદારીપૂર્વક સ્વીકાર્યું છે....લઘુમતી સાથે ભેદભાવ ન કરવાની પોતાની ફરજ આ બહુમતી સમજે તે જરૂરી છે.”