હીરામંડી : લાહોરની એ 'બદનામ ગલીઓ' જ્યાં તવાયફો રાણીઓ હતી અને અફઘાનોએ ત્યાં દેહવેપાર શરૂ કર્યો

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'જિને લાહોર નઈ વેખિયા, ઓ જમ્યા નઈ' મતલબ કે 'જેણે લાહોર જોયું નથી, તે જનમ્યો જ નથી.' સરહદની પેલે પારના પંજાબમાં જ નહીં, આ બાજુના પંજાબમાં પણ પાકિસ્તાનના બીજા ક્રમાંકના સૌથી મોટા શહેર માટે આ વાત કહેવામાં આવે છે.

લાહોરનું ભોજન, આતિથ્ય સત્કાર, લાહોરના કિલ્લા, ઐતિહાસિક રેલવે સ્ટેશન, ઇસ્લામિક સમિટ મિનાર, વઝીર ખાનની મસ્જિદ, મિનાર-એ-પાકિસ્તાન અને આલમગીર ઔરંગઝેબ દ્વારા બંધાવવામાં આવેલી બાદશાહી મસ્જિદની ચર્ચા થાય છે, પરંતુ ત્યાંથી થોડે જ દૂર આવેલ હીરામંડીનો ઉલ્લેખ ઇરાદાપૂર્વક ટાળી દેવામાં આવે છે, કારણ કે તે 'બદનામ ગલી' છે.

નેટફ્લિક્સની વેબસિરીઝ 'હીરામંડી' આ વિસ્તાર ઉપર આધારિત હોવાનું માનવામાં આવે છે, જેમાં તવાયફોની વાત છે. ટીઝરમાં સર્જકો લખે છે, "જ્યાં ગણિકાઓ રાણીઓ હતી, એ વિશ્વને જોવા સંજય લીલા ભણસાલી તમને આમંત્રણ પાઠવે છે."

આ જાહેરાત બાદ હીરામંડી નામની આ પ્રસ્તુતિને લઈને અવારનવાર ચર્ચા ચાલી રહી છે. હવે આ ફિલ્મનું ગીત સકલ બન પણ રજૂ થઈ ચૂક્યું છે જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.એક જ દિવસમાં આ ગીતનો વીડિયો ભણસાલી પ્રોડક્શનના યુટ્યૂબ ચૅનલ પર 20 લાખથી વધુ વખત જોવાયું છે.

હીરામંડીએ એક સમયે નૃત્ય, ગીત-સંગીત અને તહેઝીબનો વિસ્તાર હતો, પરંતુ ધીમે-ધીમે સમય સાથે તેની ખ્યાતિએ કુખ્યાતી બની ગઈ અને એક સમયે જ્યાં જવું એ આનંદ-મનોરંજનની વાત હતી, પરંતુ લગભગ 450 વર્ષના ઇતિહાસમાં એક સમય એવો આવ્યો કે અહીં જતાં લોકો ખચકાવા લાગ્યા.

'હીરામંડી'નું બજાર

હીરામંડીને તેનું આજનું નામ મળ્યું, તેનાં લગભગ અઢીસો વર્ષ પહેલાંથી આ વિસ્તારમાં આ વ્યવસાયનું આગમન થઈ ગયું હતું. અકબરના સમયકાળમાં લાહોર એ તેના શાસનનું કેન્દ્ર હતું.

લાહોરના કિલ્લા રોડ પર હૈદરી ગલી, શેખપુરિયા, તિબ્બી ગલી, હીરામંડી અને નૉવેલ્ટી ચોક જેવા વિસ્તાર શાહી મોહલ્લા તરીકે ઓળખાય છે. શાહી પરિવારના રહેણાંકની પાસે તેમના નોકરો, કર્મચારીઓ અને બીજા પદાધિકારીઓનો વિસ્તાર શાહી મોહલ્લા તરીક ઓળખવામાં આવે છે.

આજકાલ હીરામંડી જવા માગતા, પરંતુ આ વિસ્તારનું નામ નહીં આપવા માગતા લોકો રીક્ષા-ટેક્સીવાળાને 'શાહી મોહલ્લા'નું સરનામું આપે છે. મુગલકાળમાં જ આ વિસ્તારમાં અનેક કોઠાની શરૂઆત થઈ. એ તેનો પ્રારંભિક સુવર્ણકાળ હતો.

આ વિસ્તારમાં મુખ્યત્વે કંજર અને મિરાસી સમુદાયના લોકોનો નિવાસ હતો. કંજર સમુદાયની છોકરીઓ નાચવા અને ગાવાની સદીઓ જૂની પરંપરાને આગળ વધારે, તો મિરાસી સંગીતકાર હતા, જેઓ આ મહિલાઓના 'ઉસ્તાદ' હતા અને નાચગાનની તાલીમ આપતા.

આવી તાલીમબદ્ધ યુવતીઓ 'તવાયફ' તરીકે ઓળખાતાં અને ઉંમર થયે તેઓ કોઠાનાં માલકણ બનતાં. પંજાબી ભાષામાં ઊંચા માળને 'કોઠા' તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ તવાયફોના મુજરા ઉપરના મજલે આવેલા વિશાળખંડોમાં થતાં, લાકડાના સાંકળા દાદર અહીં લઈ જતા, એટલે ઊંચે આવેલા આ ખંડ 'કોઠા' તરીકે ઓળખાવા લાગ્યા.

કોઈ વ્યવસાયમાં થાય તેમ સંગીતનાં સાધનોનાં કપડાં, શ્રૃંગારનાં સાધનો, પગરખાં, વેચાણ-સમારકામની દુકાનો, ફૂલની દુકાનો, ખાણી-પીણીની દુકાનોની 'આખી ઇકૉસિસ્ટમ' આકાર લેવા લાગી.

મુગલકાળમાં અમીર-ઉમરાવ, તેમના દીકરા અને શહેજાદાઓની અવરજવર આ વિસ્તારોમાં રહેતી. ખુશીના અને સારા પ્રસંગે રાજમહેલોમાં તેમના કાર્યક્રમો થતા. વરિષ્ઠ રંગમંચ નિર્દેશિકા પ્રો. ત્રિપુરારી શર્માના કહેવા પ્રમાણે (અદૃશ્ય, સિઝન-1, ઍપિસોડ-5) :

"આજે આપણે જે રીતે કોઠાનો શબ્દપ્રયોગ કરીએ છીએ, તે યોગ્ય નથી. એક સમયે કોઠા એ કળાકેન્દ્ર સમાન હતા. જ્યાં ગીત, સંગીત, નૃત્ય હતાં. તેઓ પોતાને ફનકાર કે અદાકારા તરીકે ઓળખાવતા. ત્યાં લખવાનું કામ થતું અને શેર-શાયરી પણ થતાં."

"આ એવી મહિલાઓ હતી, જે પોતાને ઘરની ચાર દિવાલથી બહાર રાખતી હતી અને તેઓ પરપુરુષ સાથે હળતી-મળતી. તેમની સાથે શબ્દો, લખાણ અને વિચારોનું આદાનપ્રદાન થતું. ત્યાં ઉચ્ચકક્ષાનો સંવાદ થતો. લોકો વાતચીત અને સામાજિક સંવાદના પાઠ ભણવા માટે કોઠા ઉપર જતા."

1598માં લાહોર એ મુગલ શાસનનું કેન્દ્ર રહ્યું ન હતું, છતાં આ વિસ્તારનો દબદબો અને ગરિમા જળવાઈ રહ્યાં હતાં. ઔરંગઝેબના સમયમાં અહીં બાદશાહી મસ્જિદનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.

વિસ્તાર પર 'કલંક'

કરણ જોહર નિર્મિત ફિલ્મ 'કલંક' આઝાદી પહેલાંના લાહોરમાં આકાર લે છે, જેમાં હુસ્નાબાદનો ઉલ્લેખ આવે છે, જે હીરામંડીથી જ પ્રેરિત જણાય છે. જ્યારે મુગલ શાસકો નબળા પડી રહ્યા હતા અને દખ્ખણમાં મરાઠાઓ મજબૂત બની રહ્યા હતા, ત્યારે હાલના સમયના પાકિસ્તાનના વિસ્તારોમાં તેમને અફઘાનિસ્તાનના દુર્રાની કબીલાના શાસક અહમદશાહ અબદાલી તરફથી પડકાર મળી રહ્યો હતો.

અબદાલીએ પંજાબ (હાલના ભારત અને પાકિસ્તાનના), રાજપૂતાના અને ઉત્તર ભારતમાં અનેક અભિયાન હાથ ધર્યાં. અહીં તેણે પરાજિત વિસ્તારોમાંથી અનેક મહિલાઓનું અપહરણ કરીને તેને ગુલામ બનાવી. તેના સૈનિકોએ હીરામંડી પાસેના ધોબીમંડી અને મોહલ્લા દારા શિકોહમાં દેહવ્યાપારનાં કેન્દ્રો ઊભાં કર્યાં.

તવાયફો હંમેશાં કળા માટે જ હતી, એવું ન હતું. અમુક સરપરસ્તો સાથેના સંબંધ સહજ હતા. આ સંબંધ થકી થતાં સંતાનોને પિતાનું નામ ન મળતું. દીકરીઓ માતાનો વ્યવસાય આગળ વધારે, જ્યારે વહુઓ આ વ્યવસાયમાં ન આવતી.

દુર્રાનીઓના હુમલા પછી પૈસા સાટે દેહવ્યાપારનું ચલણ શરૂ થઈ ગયું હતું અને સ્ત્રીઓ મજબૂરીમાં આ વ્યવસાયમાં આવવા લાગી. વિધવા, નિરાધાર અને ત્યકતા સ્ત્રીઓએ આ વ્યવસ્થાને આજીવિકાના સાધન તરીકે સ્વીકાર્યો.

મુગલ સૂબેદારો દુર્રાનીઓના હુમલા રોકવામાં કાચા પડી રહ્યા હતા, મુગલ-અફઘાન, મરાઠા-અફઘાન અને પછી શીખ-અફઘાન સમયનો કાલખંડ અંધાધૂંધી ભરેલો રહ્યો અને તવાયફો માટે આ કપરો સમય હતો, આ વિસ્તાર તેની ચમક ગુમાવી રહ્યો હતો.

'તીબીગલી' નામનો વિસ્તાર અહીં દેહવ્યાપાર માટે ચર્ચિત છે. જ્યાં માત્ર બે આંકડાની રકમ માટે પણ મજબૂર સ્ત્રીઓ શારીરિક સંબંધ બાંધવા તૈયાર થઈ જાય છે.

રણજિતસિંહની પ્રેમકહાણી

અમૃતસરના સુવર્ણમંદિરને ખંડિત કરનારા અફઘાનો વિરૂદ્ધ શીખોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેમણે અફઘાનોનું પગેરું દાબ્યું હતું. અહમદશાહ અબદાલીના વારસદારોએ લાહોરમાંથી વ્યૂહાત્મક પીછેહઠ કરી એ પછી શીખોએ લાહોરની ઉપર કબજો સંભાળી લીધો.

લાહોરના કિલ્લા પર ખાલિસ્તાની ઝંડો ફરક્યો અને શહેરમાં સ્થિરતા આવી અને આ વિસ્તારની ચમક ફરી પાછી ફરી. શીખ શાસકોએ તવાયફો અને આસપાસના બીજા વ્યવસાયોમાં ખાસ દખલ દીધી ન હતી. તેનું એક કારણ કદાચ રણજિતસિંહ અને મોરા સરકાર સાથેના સંબંધ હોઈ શકે.

1799માં રણજિતસિંહે લાહોર પર કબજો કરી લીધો હતો અને તે શીખશાસનનું કેન્દ્ર બન્યું હતું. 1801માં માત્ર 20 વર્ષની ઉંમરે તેમને મહારાજા જાહેર કરવામાં આવ્યા હતા. 1802માં તેમના અને મોરા નામનાં કંજર નર્તકી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

લાહોર અને અમૃતસરમાં તેમની વચ્ચે મુલાકાત શક્ય ન હોવાથી તેઓ મોરાનાં ગામ મખનપુર પાસે મળતાં. રણજિતસિંહના જીવન ઉપર સંશોધન કરનારાં મનવીન સંધૂના મતે, મોરા સાથે લગ્ન કરીને મહારાજા રણજિતસિંહ તવાયફ સમુદાયનો ઉદ્ધાર કરવા માગતા હતા. સમાજની વિરૂદ્ધ જઈને તેમણે આ લગ્ન કર્યું અને અમૃતસર નજીક શરીફપુરા ખાતે તેમને પુનઃસ્થાપિત કર્યા.

મોરા અને રણજિતસિંહ સાથે મળીને ઘોડેસ્વારી કરતાં અને લગ્ન પછી હરિદ્વારમાં તેમણે ગંગામાં ડૂબકી લગાવી હતી. રણજિતસિંહ પોતે અકાલ તખ્તથી ઉપર ન હતા, એટલે મોરા સાથે લગ્ન બદલ તેમને એક ચાબૂક અને આર્થિક દંડની સજા ફટકારવામાં આવી હતી. રણજિતસિંહે મોરા સરકાર નામના સિક્કા પણ બહાર પડાવ્યા હતા.

મહારાજાના મૃત્યુ તેમના પરિવારજનો અને શીખ સરદારોની વચ્ચે સત્તાની સાંઠમારી શરૂ થઈ ગઈ, બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને શીખો વચ્ચે પણ યુદ્ધ થવાને કારણે શીખો નબળા પડ્યા હતા. છેવટે રણજિતસિંહના સીધી લીટીના વારસદાર દલિપસિંહને 10 વર્ષની કુમળી વયે સત્તા મળી. રણજિતસિંહના દિવાન ધ્યાનસિંહ હતા અને તેમના દીકરા હીરાસિંહ ડોગરા નવા શાસકના દિવાન બન્યા.

29 માર્ચ 1849ના દિવસે કંપની સરકારને લાહોર અને કોહિનૂરનો કબજો મળી ગયો, પરંતુ એ પહેલાં અહીંના અનાજના બજારને 'હીરામંડી' સ્વરૂપે દિવાનનું નામ મળી ગયું હતું. આ દુકાનોના ઉપરના માળે તવાયફો તેમના ફનનું પ્રદર્શન કરતી.

અંગ્રેજોના સમયમાં હીરામંડી

1857માં વિપ્લવ થયો. આ દરમિયાન લખનૌ, દિલ્હી, આગરા, કાનપુર, મેરઠ અને લાહોર જેવાં શહેરોમાં તેની અસર જોવા મળી. આ બધાં સૈન્યથાણાં હતાં.

અહીં તવાયફો અંગ્રેજ અને ભારતીય સૈનિકો અને અધિકારીઓનું મનોરંજન કરતી. અઝીઝ ઉન-નિશા જેવાં તવાયફો સૈનિકોને અને સૈનિકો તવાયફોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરતા. આ વાત અંગ્રેજોથી છૂપી ન હતી.

એટલે જ વિપલ્વ પછી જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી રાણી સરકારને ભારતનો કબજો મળ્યો, ત્યારે તેમણે તવાયફો અને દેહવિક્રય સાથે મહિલાઓને એક જ નજરથી જોઈ. તેનો પુરાવો આપણને તેમનાં સત્તાવાર લખાણોમાં પણ જોવા મળે છે.

'ગૅઝેટિયર ઑફ લાહોર ડિસ્ટ્રિક્ટ'માં (1883-'84, પેજનંબર 49-50) 'સામાન્ય રીતે નાચવાનું કામ ભાડાની નાચવાવાળી છોકરીઓ કરે છે અને તેમનાં વિશે અહીં વધુ પડતું લખવાની જરૂર નથી જણાતી. યુરોપિયન નજરે તે નિરસ અને નિશ્ચેતન છે.' વિસ્તાર, વ્યવસાય અને સમુદાયમાં પણ હીરામંડી અને તવાયફોનો ઉલ્લેખ જોવા નથી મળતો.

1871ના 'ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ'માં પારધી, સપેરા, નટ, નટબજાણિયા ઉપરાંત કંજર જેવા સમુદાયોનો પણ સમાવેશ થતો હતો, જેમને 'ગુનાની આદતવાળાઓની યાદી'માં મૂકવામાં આવ્યા હતા. જેના કારણે કંજર સમુદાયની મહિલાઓની સ્થિતિ કફોળી થઈ ગઈ.

પ્રો. શર્માના કહેવા પ્રમાણે. "અંગ્રેજોને ફરી સત્તા મળી, ત્યારે તેમણે આગળનું વિચાર્યું અને એ તમામ સંસ્થાનો ઉપર ગાળિયો કસવાનું શરૂ કર્યું, જે તેમના માટે ભવિષ્યમાં ખતરારૂપ બની શકે તેમ હતા, જેમાં તવાયફોનો પણ સમાવેશ થતો હતો. તવાયફોને દેહવિક્રય સાથે જોડાયેલી મહિલાઓ સાથે જોડવામાં આવી. પોલીસ તપાસ અને આરોગ્ય તપાસ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. લાઇસન્સ લેવાં જરૂરી બની ગયાં."

"જ્યારે આ બધું શરૂ થયું એટલે તેમનો પોલીસ સાથે પનારો પડવા લાગ્યો. પોલીસ ગમે ત્યારે તપાસના બહાને પહોંચી જતી કે રેડ પાડતી. આ બધું સામાન્ય બની ગયું હતું. જ્યાં પોલીસની અવરજવર વધુ હોય, ત્યાં શરીફજાદા જવાનું ટાળે. એટલે ધીમે-ધીમે કોઠાની છાપ અને આપણાં મનમાં તેની સમજ ખરાબ થતાં રહ્યાં. એટલે આપણે તેને સન્માનથી નથી જોતાં. આપણાંમાંથી ઘણાં નથી જાણતાં કે એક સમયે કોઠા આપણા સમાજજીવનનો મોટો હિસ્સો હતા."

આધુનિકરણની દસ્તકની વચ્ચે એવી પ્રૌદ્યોગિકી આવી જેના કારણે કોઠાઓને નવજીવન તો મળ્યું, પરંતુ એટલા માટે કે કુલિનો અને સમૃદ્ધો એને 'બદનામ' ગણતા.

...અને પછી

1913માં દાદાસાહેબ ફાળકેએ પહેલી ભારતીય ફિલ્મ બનાવી. શરૂઆતના વર્ષોમાં મહિલાઓ તો ઠીક તવાયફો પણ ફિલ્મોમાં કામ કરવાનો ઇન્કાર કરી દેતી, એટલે ફિલ્મોમાં પુરુષોએ જ સ્ત્રીવેશ ધારણ કરીને કામ કરવું પડતું. ધીમે-ધીમે તવાયફો અભિનયનું સ્વીકારવા લાગી.

1931માં અવિભાજિત ભારતની પહેલી બોલતી ફિલ્મ 'આલમ આરા' આવી. જેના કારણે ગઝલ, ગીત-સંગીતને સ્થાન મળ્યાં અને માત્ર રૂપ-રંગ, દેહલાલિત્ય કે અદાકારી જ નહીં, તેમના કંઠની પણ કદર થવા લાગી.

અવિભાજિત ભારત તથા હાલની પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક અભિનેત્રીઓ અને ગાયિકાઓનાં મૂળિયાં હીરામંડી સુધી ઊતરે છે. અમુક તેને જાહેરમાં સ્વીકારે છે, અમુક માટે તે સર્વવિદિત છે, તો અમુક નજીકના વિસ્તારના રહેવાસી તરીકે ઓળખ આપીને પોતાના ભૂતકાળને ભૂંસવાનો પ્રયાસ કરે છે.

વિભાજન સમયે હીરામંડીનાં કેટલાંક રહેવાસીઓએ મુસ્લિમ, હિંદુ અને શીખો વચ્ચેની હિંસાની વચ્ચે ઉત્તર ભારતમાં પહેરેલાં કપડે અમુક દાગીના સાથે હિજરત કરી. કેટલીક તવાયફો ત્યાં જ રહી ગઈ. રાજકીય અને ધાર્મિક હિંસામાં નિરાધાર બનેલી અનેક યુવતીઓ અને મહિલાઓએ હીરામંડીમાં આવીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાના પ્રયાસ કર્યા.

મૂળ પાકિસ્તાની લેખિકા ફૌજિયા સૈયદે હીરામંડીની મહિલાઓના જીવનમાં ડોકિયું કરાવતું પુસ્તક 'ટેબુ ! ધ હિડન કલ્ચર ઑફ અ રેડ લાઇટ એરિયા' લખ્યું છે. જેમાં તેઓ સ્થાનિક રીતે મોટી વગ અને નામ ધરાવતા મહેમૂદ કંજર નામના દલાલને ટાંકતા કહે લખે છે : 1978થી 1988માં જનરલ ઝીયા ઉલ-હક્કના સમયમાં તેમણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

અહીંની મહિલાઓમાં શરાબનું સેવન એ શરાબનું વ્યસન બની રહ્યું. અફઘાનિસ્તાનમાં સોવિયેટ સંઘના પ્રવેશ અને એ પછીની હિંસાને કારણે અફઘાનિસ્તાન ડ્રગ્સ ઉપર આધારિત બન્યું અને આ નશાકારક દ્રવ્યો હીરામંડીની મહિલાઓમાં વ્યસન સ્વરૂપે પણ પહોંચ્યાં હોવાનું સંશોધનોમાં બહાર આવ્યું છે.

1990ના દાયકા પછી તબલા, સારંગી અને બીજા સંગીતવાદ્યોનું સ્થાન ધીમે-ધીમે ઓડિયો કૅસેટ અને સીડીએ લીધું. ફૌજિયાના પુસ્તકમાં સ્થાનિક મહિલાઓ ફરિયાદ કરે છે કે કેટલીક મહિલાઓ સહેલાઈથી પૈસા કમાઈ શકે તે માટે આ વ્યવસાયમાં આવી રહી છે. અને અહીંની મહિલાઓ બહાર જઈને સ્વતંત્ર રીતે વ્યવસાય કરી રહી છે.

ફેસબુક અને સોશિયલ મીડિયાના જમાનામાં હીરામંડીની ચમક ઝાંખી પડી છે અને વ્યવસાય ઑનલાઇન થઈ રહ્યો છે. મુજરાનું સ્થાન ફિલ્મનાં ગીતો અને પરંપરાગત નૃત્યોનું સ્થાન અશ્લીલ અંગ-ભંગિમાઓ લઈ રહ્યાં હોવાનો સ્થાનિક મહિલાઓનો આરોપ છે.

અહીં ધીમે-ધીમે ખાણીપીણીની દુકાનો અને બીજા ધંધારોજગારવાળા ઊંચું ભાડું આપીને હીરામંડીના મૂળનિવાસીઓના અસ્તિત્વ માટે જોખમ ઊભું કરી રહ્યાં છે.

'વિશ્વના સૌથી જૂના વ્યવસાય' સાથે જોડાયેલાં હીરામંડીનાં તવાયફો સદીઓ અગાઉ ગણિકા અને નગરવધૂ સ્વરૂપે સમાજજીવનમાં અસ્તિત્વ ધરાવે છે અને આગામી વર્ષોમાં પણ રહેશે જ.

કદાચ નામ, સ્વરૂપ અને સ્થળ નવાં હશે.