શાહજહાંનાં પત્ની મુમતાજ મહલને ત્રણ વાર કેમ દફનાવાયાં હતાં?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

શાહજહાંની ઊંચાઈ સાધારણ હતી, પણ તેઓ સૌષ્ઠવયુક્ત શરીર અને પહોળા ખભા ધરાવતા હતા.

જ્યાં સુધી તેઓ માત્ર શાહજાદા હતા ત્યાં સુધી તેમણે પોતાના પિતા જહાંગીર અને દાદા અકબરની જેમ માત્ર મૂછો રાખી હતી પરંતુ જ્યારે તેઓ બાદશાહ બન્યા ત્યારે એમણે દાઢી રાખવી શરૂ કરી હતી.

ઇતિહાસમાં શાહજહાંના વ્યક્તિત્વને એવું દર્શાવવામાં આવ્યું છે જેનાથી મુગલ શાન અને વૈભવ ઉજાગર થાય.

શાહજહાંનો મૂડ એમના પિતા જહાંગીરની જેમ સ્વિંગ નહોતો થતો. તેઓ મૃદુભાષી અને વિનમ્ર હતા અને હંમેશાં ઔપચારિક ભાષામાં વાત કરતા હતા.

મુગલો અંગે 'ઍમ્પરર્સ ઑફ ધ પીકૉક થ્રોન ધ સાગા ઑફ ધ ગ્રેટ મુગલ્સ' નામનું પુસ્તક લખનારા અબ્રાહમ ઇરાલીએ એમાં લખ્યું છે કે, "શાહજહાં માટે આત્મસંયમ સૌથી મોટો ગુણ હતો. દારૂ પ્રત્યેના તેમના દૃષ્ટિકોણમાં એની ઝલક જોવા મળે છે."

"24 વર્ષની ઉંમરે તેમણે પહેલી વાર દારૂનો સ્વાદ ચાખ્યો હતો, તે પણ જ્યારે એમના પિતાએ એમને ચાખવા માટે મજબૂર કર્યા હતા ત્યારે."

"ત્યાર પછીનાં છ વર્ષ દરમિયાન તેમણે ક્યારેક જ દારૂ પીધો હતો. ઈ.સ. 1620માં તેઓ જ્યારે દક્ષિણના અભિયાન પર ગયા ત્યારે એમણે દારૂનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો અને પોતાનો દારૂનો ભંડાર ચંબલનદીમાં ફેંકી દીધો."

પૂર્ણપણે મુમતાજ મહલને સમર્પિત

શાહજહાં પરંપરાવાદી મુસલમાન જરૂર હતા પરંતુ તેઓ સંત કે વૈરાગી નહોતા. શાન-ઓ-શૌકત માટેનો એમનો પ્રેમ એમના પિતા જહાંગીર કરતાં ઓછો નહોતો.

ઇટાલીના ઇતિહાસકાર નિકોલાઓ મનૂચીએ લખ્યું છે, "રાજકાજમાંથી રાહત મેળવવા માટે શાહજહાં સંગીત અને નૃત્યનો સહારો લેતા હતા."

"વિવિધ પ્રકારનાં સંગીતવાદ્ય અને શેર-શાયરી સાંભળવાં એ એમની ટેવ હતી. તેઓ પોતે પણ સારું ગાઈ જાણતા હતા. એમની સાથે હંમેશા નાચવા-ગાવાવાળી મહિલાઓનું એક ઝુંડ રહેતું હતું, જેને કંચન નામથી ઓળખવામાં આવતું હતું."

એમ તો શાહજહાંની વિલાસવૃત્તિના ઘણા કિસ્સા મશહૂર છે પરંતુ જ્યાં સુધી એમનાં પત્ની મુમતાજ મહલ જીવતાં હતાં, તેઓ એમને સંપૂર્ણ સમર્પિત હતા, એટલે સુધી કે એમના અંગત જીવનમાં એમનાં બીજાં પત્નીઓનું બહુ ઓછું મહત્ત્વ હતું.

શાહજહાંના દરબારી ઇતિહાસકાર ઇનાયતખાંએ પોતાના પુસ્તક 'શાહજહાંનામા'માં લખ્યું છે, "બીજી મહિલાઓ તરફની ભાવનાઓ કરતાં મુમતાજ મહલ માટેની એમની લાગણી એક હજાર ગણી વધારે હતી."

"તેઓ ચાહે મહેલમાં હોય કે બહાર, તેઓ એમના વગર નહોતા રહી શકતા."

આખરી ક્ષણોમાં મુમતાજે વચન લીધું

મુમતાજ, જેના માટે શાહજહાંને અતિશય પ્રેમ હતો, માત્ર અતિસુંદર જ નહોતાં, પણ રાજકાજમાં પણ શાહજહાં એમના પર એટલા જ નિર્ભર રહેતા હતા જેટલા જહાંગીર નૂરજહાં પર હતા.

કહેવાય છે કે શાહજહાં ગાદીએ બેઠાના ચોથા વર્ષે મુમતાજનું અવસાન થયું, નહીંતર મુગલ સિંહાસન પર એમનો પ્રભાવ ક્યાંય વધારે જોવા મળ્યો હોત.

ઇનાયતખાંએ લખ્યું છે, "અંતિમ ક્ષણોમાં જ્યારે મુમતાજ ખૂબ જ અશક્ત થઈ ગયાં હતાં, ત્યારે એમણે બાદશાહ પાસેથી એક વચન લીધું હતું કે તેઓ અન્ય કોઈ મહિલા દ્વારા સંતાન પેદા નહીં કરે."

"એમણે કહેલું કે સપનામાં એવો સુંદર મહેલ અને બાગ જોયાં જે દુનિયામાં બીજે ક્યાંય નથી. તમને મારી વિનંતી છે કે તમે મારી યાદમાં એવો જ એક મકબરો બંધાવો."

મુમતાજે ચૌદમા બાળકને જન્મ આપતી વખતે 17 જૂન 1631એ બુરહાનપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે 30 કલાકની પ્રસવપીડા વેઠી હતી.

કદાચ ખુદા પોતાની પત્નીને બચાવી લે એવી આશાએ શાહજહાંએ જરૂરિયાતમંદોમાં પૈસા વહેંચાવ્યા હતા, પરંતુ ડૉક્ટરો અને હકીમોના તમામ પ્રયાસો છતાં એમને બચાવી ન શકાયાં.

શાહજહાંની દાઢી અચાનક સફેદ થઈ

ઇનાયતખાંએ લખ્યું છે કે, "આ મૃત્યુની શાહજહાં પર ખૂબ ગંભીર અસર થઈ. તેઓ એટલા બધા ઉદાસ હતા કે પૂરું એક અઠવાડિયું તેઓ પોતાના કક્ષમાંથી બહાર ન આવ્યા અને ના તો રાજકાજમાં ભાગ લીધો. એમણે સંગીત સાંભળવું, ગાવું અને સારાં કપડાં પહેરવાં - બધું છોડી દીધું."

"ત્યાર પછીનાં બે વર્ષ અને ત્યાર બાદ દરેક બુધવારે, જે દિવસે મુમતાજ મૃત્યુ પામ્યાં હતાં, તેઓ માત્ર સફેદ કપડાં જ પહેરતા. સતત રડવાના કારણે એમની આંખો નબળી પડી ગઈ અને એમણે ચશ્માં પહેરવા મજબૂર થવું પડ્યું."

"મૃત્યુની આ ઘટના બની એ પહેલાં એમનાં દાઢી-મૂછમાં એકાદબે સફેદ વાળ જોવા મળતા જેને તેઓ પકડી ખેંચી તોડીને ફેંકી દેતા હતા પરંતુ થોડા દિવસોમાં જ તેમની એક તૃતીયાંશ દાઢી સફેદ થઈ ગઈ."

"એક વખતે તો એમણે રાજપાટ છોડી દેવાનો વિચાર કર્યો પણ પછી, બાદશાહત એક પવિત્ર જવાબદારી છે અને અંગત પરેશાનીના કારણે એને છોડી ન શકાય, એમ વિચારીને તેમણે એવું ન કર્યું."

મુમતાજ મહલને ત્રણ વાર દફનાવાયાં

મુમતાજ મહલને પહેલાં બુરહાનપુરમાં તાપીનદીના કિનારે એક બાગમાં દફનાવાયાં હતાં.

છ મહિના પછી એમના પાર્થિવ શરીરને ત્યાંથી કાઢીને 15 વર્ષીય શાહજાદા શાહશુજાની દેખરેખમાં આગ્રા લઈ જવાયું, ત્યાં આગ્રામાં 8 જાન્યુઆરી 1632એ એમને યમુનાકિનારે ફરીથી દફનાવાયાં, પરંતુ એ પણ એમની અંતિમ કબર નહોતી.

એ જ સ્થળે શાહજહાંએ એમનો મકબરો બંધાવ્યો જેને એમણે 'રઉઝા-એ-મુનવ્વરા' નામ આપ્યું, જે પછીથી તાજમહેલ તરીકે ઓળખાવા લાગ્યો.

આ મકબરો બનાવવાની જવાબદારી મીર અબ્દુલ કરીમ અને મુકમ્મતખાંને સોંપવામાં આવી હતી.

મુકમ્મતખાં જહાંગીરના શાસનકાળ દરમિયાન દક્ષિણ ઈરાનના શીરાઝ શહેરમાંથી ભારત આવ્યા હતા.

શાહજહાંએ એમને નિર્માણમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. ઈ.સ. 1641માં એમને દિલ્હીના ગવર્નર બનાવાયા. એમને જ નવા શહેર શાહજહાંનાબાદમાં લાલ કિલ્લો બનાવવાની જવાબદારી સોંપાઈ હતી.

તાજમહેલને 1560ના દાયકામાં દિલ્હીમાં બનેલા હુમાયુંના મકબરાની શૈલીએ બનાવાયો હતો.

એના માટે 42 એકર જમીન પસંદ કરવામાં આવી હતી. એના ચારે મિનારા 139 ફીટ ઊંચા હતા અને બધા મિનારા ઉપર એક છત્રી લગાડાઈ હતી.

મકરાણાથી સંગેમરમર લવાયા

તાજમહેલ બંધાવવાનો નિર્ણય કર્યા બાદ શાહજહાં સામેનો પહેલો પડકાર મકબરા માટેની જગ્યા પસંદ કરવાનો હતો.

તાજમહેલ પર પુસ્તક લખનારાં ડાયના અને માઇકલ પ્રેસ્ટને લખ્યું છે, "તાજમહેલની જગ્યા શાંત અને આગ્રા શહેરથી દૂર હોવી જોઈએ એ શાહજહાંનો પહેલો માપદંડ હતો. બીજો માપદંડ એ હતો કે, એ ઇમારત એટલી ઊંચી હોય કે દૂરથી એને જોઈ શકાય અને ત્રીજો માપદંડ હતો કે એ યમુનાનદીની પાસે હોય, જેથી એના બાગોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે."

"શાહજહાં એમ પણ ઇચ્છતા હતા કે તાજમહેલ આગ્રાના કિલ્લા પરથી જોઈ શકાય, જ્યાં તેઓ રહેતા હતા. એ કારણે શાહજહાંએ આગ્રાના કિલ્લાથી દોઢ માઈલના અંતરે આવેલી જગ્યા પસંદ કરી."

તાજમહેલનું નિર્માણકાર્ય જાન્યુઆરી 1632માં શરૂ થયું હતું. ત્યાં સુધી શાહજહાં દક્ષિણમાં જ હતા.

એ સમયે ભારતયાત્રાએ આવેલા પીટર મંડીએ પોતાના પુસ્તક 'ટ્રાવેલ્સ ઑફ પીટર મંડી ઈન યુરોપ ઍન્ડ એશિયા'માં લખ્યું છે, "સૌથી પહેલાં તો એ વિસ્તારને સરખો સાફ કરીને જમીન સમતળ કરાઈ. ત્યાર બાદ હજારો મજૂરોએ રાતદિવસ કામ કરીને ભવનના પાયા ખોદ્યા."

"એમાં એ વાતનું ખાસ ધ્યાન રખાયું કે નજીકમાં વહેતી યમુનાનદીનું પાણી ફૂટી ન નીકળે અને જૂન અને સપ્ટેમ્બર દરમિયાન યમુનાનદીમાં આવતાં પૂરનાં પાણી તાજમહેલને નુકસાન ન કરી શકે."

"ત્યાર પછી પહેલાં 970 ફીટ લાંબો અને 364 ફીટ પહોળો ચબૂતરો બનાવાયો જેના પર મકબરો બનાવવામાં આવ્યો."

ભવનમાં ઉપયોગમાં લેવાનારા સંગેમરમર 200 માઈલ દૂર આવેલા મકરાણાથી લાવવામાં આવ્યા હતા.

એક પોર્ટુગીઝ આગંતુક સિબેસ્ટિયાઓ મેનરિકે લખ્યું છે કે, "તાજમહેલમાં ઉપયોગ કરાયેલા સંગેમરમરના કેટલાક પથ્થર એટલા મોટા હતા કે એને બળદો અને મોટાં શિંગડાંવાળી ભેંસોએ પોતાનો પરસેવો પાડીને આગ્રા સુધી પહોંચાડ્યા હતા."

"એને ખાસ પ્રકારે તૈયાર કરાયેલાં બળદગાડાંમાં લવાયા હતા, જેને પચીસથી ત્રીસ ઢોર ખેંચતાં હતાં."

કારીગરોના હાથ કપાવ્યાની કથા સાચી નથી

તાજમહેલ વિશેના પુસ્તક 'તાજમહલ પૅશન ઍન્ડ જિનિયસ એટ ધ હાર્ટ ઑફ ધ મુગલ ઍમ્પાયર'નાં લેખક ડાયના અને માઇકલ પ્રેસ્ટને લખ્યું છે, "તાજમહેલને બનાવવા માટે વાંસ અને લાકડાની વળીઓ તથા ઈંટોનો મોટો માચડો બનાવાયો હતો. જ્યારે કામ પૂરું થયું ત્યારે શાહજહાંને જણાવાયું કે ઈંટોના માચડાને તોડી પાડવામાં પાંચ વરસ થશે."

"એ સાંભળીને શાહજહાંએ આદેશ કર્યો કે પાડી દેવાયેલી બધી ઈંટો બધા મજૂરોને આપી દેવાશે."

"પરિણામ એ આવ્યું કે એ માચડો રાતોરાત પાડી દેવાયો. એ એક મિથ છે કે તાજમહેલ બનતો હતો ત્યારે એ લોકોની નજરે ન ચડે તે માટે માચડો બનાવાયો હતો."

"એ વાતમાં પણ કશી સચ્ચાઈ નથી કે એક વાર એક વ્યક્તિએ બહારથી દીવાલની અંદર તાજમહેલને બનતો જોયો હતો તો એની આંખો ફોડી નાખવામાં આવી હતી."

તાજમહેલના દરેક ગાઇડ આજે પણ એ કિસ્સો કહેતાં થાકતા નથી કે તાજમહેલ બનાવનારા કારીગરોના હાથ શાહજહાંએ કઈ રીતે કાપી નંખાવ્યા હતા જેથી તેઓ દુનિયાની આઠમી અજાયબીને ફરી ક્યાંય બનાવી ન શકે. પરંતુ આ ઘટનાનાં પણ કોઈ સાક્ષી-પુરાવા નથી મળતાં અને ના તો કોઈ ઇતિહાસકારે એનો ઉલ્લેખ કર્યો છે.

શાહજહાંનું જીવનચરિત્ર 'શાહજહાં ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ ધ મુગલ ઍમ્પાયર' લખનારા ફર્ગુસ નિકોલે લખ્યું છે કે, "તાજમહેલ બનાવનારા મોટા ભાગના કારીગરો કનોજના હિન્દુ હતા. ફૂલોની નકશી કરનારાને પોખરાથી બોલાવાયા હતા. કાશ્મીરના રામલાલને બગીચા બનાવવાની કામગીરી સોંપાઈ હતી."

તાજમહેલ પર કુરાનની આયાતો અને ફૂલોની નકશી

અમાનતખાંને તાજમહેલ પર કુરાનની આયાતોની નકશી કરવાનું કામ સોંપાયું હતું. તેઓ એકલા જ એવા વ્યક્તિ છે જેમને શાહજહાંએ તાજમહેલ પર લખવાની મંજૂરી આપી હતી.

કુરાનની આયાતો ઉપરાંત તાજમહેલમાં ફૂલોની નકશી એટલી આકર્ષક હતી કે બે સદી પછી રશિયન લેખિકા હેલેના બ્લાવત્સ્કીએ લખ્યું કે, "તાજમહેલની દીવાલો પર કોતરાયેલાં ફૂલ એટલાં બધાં અસલી લાગતાં હતાં કે એને સ્પર્શવા હાથ આપમેળે લાંબા થઈ જતા હતા કે એ અસલી તો નથી!"

દીવાલો પર કિંમતી રત્નો જડવામાં આવ્યાં

તાજમહેલની દીવાલોમાં 40 જાતનાં અલગ-અલગ રત્નો જડવામાં આવ્યાં હતાં જેને શાહજહાંએ એશિયાના જુદા-જુદા પ્રદેશમાંથી મંગાવ્યાં હતાં.

ડાયના અને માઇકલ પ્રેસ્ટને લખ્યું છે, "લીલા રંગના પથ્થર જેડને સિલ્કરૂટ દ્વારા કાશગર, ચીનથી લાવવામાં આવ્યા હતા. વાદળી રંગના પથ્થર લૅપીઝ લઝૂલીને અફઘાનિસ્તાનની ખાણોમાંથી મગાવાયા હતા."

"ફિરોઝા તિબેટથી લાવવામાં આવ્યા હતા, તો મૂંગા અરબ અને લાગ સાગરથી મગાવાયા હતા. પીળા અંબરને ઉપરી બર્મા અને માણેકને શ્રીલંકાથી લાવવામાં આવ્યા હતા."

"લસૂનિયા પથ્થરને ઇજિપ્તની નીલ ઘાટીથી મગાવાયા હતા. નીલમ અશુભ ગણાતા હતા તેથી એનો નગણ્ય ઉપયોગ કરવામાં આવ્યો હતો."

તાજમહેલ બંધાવવામાં ચાર કરોડ રૂપિયા વપરાયા હતા

શાહજહાંના સમયના ઇતિહાસકાર અબ્દુલ હમીદ લાહોરીએ તાજમહેલ બનાવવા પાછળ વપરાયેલી રકમ 50 લાખ રૂપિયા જણાવી છે.

પરંતુ બીજા ઇતિહાસકારો માને છે આ રકમ તો માત્ર મજૂર-કારીગરોને અપાયેલાં વેતનની છે અને એમાં ભવનમાં ઉપયોગમાં લેવાયેલા માલસામાનની કિંમત સામેલ કરવામાં નથી આવી.

પછી મળી આવેલા દસ્તાવેજોના આધારે કેટલાક ઇતિહાસકારોએ તાજમહેલને બનાવવાનો ખર્ચ 4 કરોડ રૂપિયા આંક્યો છે.

ભવનના નિર્માણના બધા પૈસા સરકારી ખજાના અને આગ્રા પ્રાંતના ખજાનામાંથી ચૂકવવામાં આવ્યા હતા.

શાહજહાંએ તાજમહેલના ભવિષ્યના રખરખાવ માટે આદેશ કર્યો હતો કે આગ્રાની આસપાસનાં ત્રીસ ગામમાંથી વસૂલાનારી માલગુજારીનો ઉપયોગ એ કામ માટે કરાય.

શાહજહાંને મુમતાજ મહલની કબરની બાજુમાં દફનાવાયા

ઈ.સ. 1659માં શાહજહાંને જ્યારે એમના જ દીકરા ઔરંગઝેબે ગાદી પરથી ઉતારી કેદ કરી લીધા તો થોડા દિવસો પછી શાહજહાં બીમાર પડી ગયા.

જ્યારે એમને એવું લાગવા માંડ્યું કે તેઓ હવે વધારે સમય નહીં જીવે, ત્યારે એમણે એવી ઇચ્છા પ્રગટ કરી કે એમને એવા ઝરૂખામાં રાખવામાં આવે જ્યાંથી તેઓ દરેક ક્ષણે તાજમહેલ જોઈ શકે.

એ જ ઝરૂખામાં કાશ્મીરી શૉલ લપેટેલા શાહજહાંએ 21 જાન્યુઆરી 1666એ ફાની દુનિયાને અલવિદા કહ્યું.

એ વખતે એમનાં દીકરી જહાં આરા એમની સાથે હતાં. એમના પાર્થિવ દેહને ચંદનની શબપેટીમાં રાખવામાં આવ્યો હતો.

એમનાં દીકરી ઇચ્છતાં હતાં કે રાજકીય સન્માન સાથે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવે પરંતુ ઔરંગઝેબે એમની ઇચ્છાને માન ન આપ્યું.

એમને કુરાનની આયાતોના ઉચ્ચારણ સાથે ગુપચુપ તાજમહેલમાં એમનાં પત્ની મુમતાજ મહલની બાજુમાં દફનાવી દેવાયા.

અંગ્રેજોના સમયમાં તાજમહેલના રખરખાવમાં બેદરકારી

મુગલોનું પતન થયા પછી ઈ.સ. 1803માં આગ્રા અંગ્રેજ જનરલ લેકના હસ્તક થયું. એની સાથે જ તાજમહેલની દીવાલોમાં જડેલાં મૂલ્યવાન રત્નો, જાજમો અને ઝુમ્મરો ગાયબ થવાં લાગ્યાં.

અંગ્રેજોએ તાજમહેલની અંદર સ્થિત મસ્જિદ ભાડે આપી દીધી અને એની ચારેબાજુ હનીમૂન કૉટેજ બનાવી દીધાં.

મકબરાના ચબૂતરા પર સૈનિક બૅન્ડ વગાડવાનું શરૂ થયું અને તાજમહેલના બગીચામાં પિકનિક પાર્ટીઓ થવા લાગી.

દરમિયાનમાં 1830ના ગાળામાં એવી અફવા પણ ફેલાઈ કે બ્રિટિશ ગવર્નર જનરલ વિલિયમ બૅન્ટિકે તાજમહેલને પાડીને એના સંગેમરમરને લિલામ કરવા વિચાર્યું છે.

1857ના વિપ્લવ દરમિયાન બ્રિટિશ સૈનિકોએ કેટલીક મુગલ ઇમારતોને નુકસાન કર્યું હતું.

એમાંની એક હતી, મુમતાજ મહલના પિતા આસફખાંનો મહેલ. પરંતુ તાજમહેલ કોઈ ને કોઈ રીતે સુરક્ષિત રહ્યો.

વીસમી સદીની શરૂઆતમાં બ્રિટિશ વાઇસરૉય લૉર્ડ કર્ઝને તાજમહેલના સમારકામ માટે ઊંડો રસ દર્શાવ્યો હતો.

ઈ.સ. 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન નજીકના હવાઈમથક પર પાકિસ્તાનના હવાઈહુમલાની આશંકાથી ભારત સરકારે તાજમહેલને ઢાંકી દેવા માટે કાળા રંગનું વિશાળકાય કાપડ સિવડાવ્યું હતું જેથી ચાંદની રાત્રે એ આકાશમાંથી દેખાય નહીં.

એ કાપડ 1995 સુધી સુરક્ષિત હતું પરંતુ ઉંદરોએ એને અનેક જગ્યાએથી કાતરી નાખ્યું એટલે એનો નાશ કરી દેવાયો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો