ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહની કહાણી, 'હું તો જાગતો હતો અને 900 ગામનું રાજ જતું રહ્યું'

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, .

"ભાવનગરના મહારાજાએ જે કર્યું, એમણે જે દેશ માટે કર્યું, પોતાનું રાજ દેશને સમર્પિત કરી દીધું, આપણે તેમને યાદ કરીએ છીએ અને તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. તથા તેમનું સન્માન કરીએ છીએ."

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં પાટણ ખાતે આયોજિત કૉંગ્રેસની રેલીમાં બોલતી વખતે પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આ વાત કરી હતી. તેમણે ભાવનગરના છેલ્લા મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલનું નામ તો નહોતું લીધું, પરંતુ તેમના પ્રદાનને ચોક્કસથી વખાણ્યું હતું.

રાહુલ ગાંધીના આ નિવેદનને તેમણે કર્ણાટકમાં આપેલા એક ભાષણ બાદ ઊભા થયેલા વિવાદના ડૅમેજ કંટ્રોલ તરીકે જોવામાં આવે છે, જેમાં તેમણે કહ્યું હતું, 'રાજા મહારાજાઓનું રાજ હતું, ત્યારે તેમને મન પડે તેમ કરતા. કોઈપણની જમીન જોઈએ તો ઉઠાવી લેતા.'

જોકે, રાહુલ ગાંધીએ ભાવનગરના જે મહારાજાનાં વખાણ કર્યાં એમણે એમનાં કામો થકી પ્રજાવત્સલ રાજવીનું સન્માન પ્રાપ્ત કરેલું હતું. મહારાજાએ શાસન સંભાળતાં જ અનેક એવા નિર્ણય કર્યા હતા, જેમાં તેમની દૂરંદેશી તથા પ્રજાવાત્સલ્યતા છતી થાય છે. તેમણે માત્ર રાજમાં જ નહીં, પરંતુ સાત સમંદર પાર બ્રાઝિલમાં પણ અસર ઊભી કરી હતી, જેના ફળ એ દેશને આજે પણ મળે છે.

કૃષ્ણકુમારસિંહનું શાસન કેવું હતું?

ભાવનગરના શાસક ગોહિલ રાજપૂતો રહ્યા છે. જેમને ગુહિલપુત્ર, ગુહિલુત્ત અને ગુહિલોત વંશવાચક શબ્દો મળેલા છે. આ સિવાય મારવાડમાં ગેહિલોત અને ગેહલોત શબ્દો પણ પ્રચલિત છે. ગોભિલ, ગૌહિલ્ય અને ગોહિલ જેવી વંશવાચક અટક પણ શિલાલેખોમાં જોવા મળે છે.

ભાવનગર સ્ટેટ દ્વારા 1932માં પ્રકાશિત પુસ્તક 'કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક અને લગ્ન'માં (પૃષ્ઠ ક્રમાંક 31-32) જયંતીલાલ મહેતા લખે છે કે, "ભાવનગરના શાસક ભાવસિંહ દ્વિતીયનું બીજું લગ્ન ખીરસરાનાં નંદકુંવરબા સાથે થયું હતું. 1911ના દિલ્હી દરબાર સમયે તેમને સીઆઈનો ઇલકાબ અપાયો હતો. એ સમયે અંગ્રેજ સરકાર દ્વારા કોઈ પણ ભારતીય મહિલાને આપવામાં આવતું આ સર્વોચ્ચ સન્માન હતું."

1918માં ઇન્ફ્લુઍન્ઝાને કારણે નંદકુંવરબાનું નિધન થયું અને તેને આઠ મહિના પછી મધુમેહને કારણે ભાવસિંહ દ્વિતીયનું અવસાન થયું. ભાવનગરની જનતામાં શોક છવાઈ ગયો, કારણ કે એ સમયે સૌથી મોટા પુત્ર કૃષ્ણકુમારસિંહની ઉંમર માત્ર સાડા સાત વર્ષની હતી. બ્રિટિશ સરકારે પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહ લાયક ન બને ત્યાર સુધી રાજનો વહીવટ ચલાવવા માટે ઍડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલની નિમણૂક કરી અને પ્રભાશંકર પટ્ટણીને તેના વડા બનાવવામાં આવ્યા.

ભાવનગરના ભવિષ્ય માટે આ એક નિર્ણાયક ઘડી હતી. એક તરફ પટ્ટણી પર રાજનો કારભાર સંભાળવાની જવાબદારી હતી, તો બીજી તરફ બાળ કૃષ્ણકુમારને ઉત્તમ તાલીમ મળે તે પણ જોવાનું હતું.

શરૂઆતના દોઢેક વર્ષ ભાવનગરમાં અને પછી બે-અઢી વર્ષ રાજકોટમાં કૃષ્ણકુમારનો અભ્યાસ થયો.

તેમના અંગ્રેજીના અભ્યાસ માટે એક કર્નલને તથા હિંદીના અભ્યાસ માટે અનંતરાય પટ્ટણીને રાખવામાં આવ્યા. કૃષ્ણકુમાર રજાઓમાં નીલગિરિ, આબુ કે અન્યત્ર ફરવા જાય, ત્યારે શિક્ષકો પણ તેમની સાથે રહે તેવી વ્યવસ્થા પ્રભાશંકર પટ્ટણીએ ગોઠવી હતી.

13 વર્ષની ઉંમરે તત્કાલીન અંગ્રેજ સરકારની ગોઠવણ મુજબ, પહેલાં રેવરંડ બ્રાયર્સની સ્કૂલમાં અને પછી દોઢેક વર્ષ હેરોની સ્કૂલમાં બેસાડવામાં આવ્યા. આ દરમિયાન પણ તેમના વ્યક્તિગત ટ્યૂટર્સ સાથે જ હતા.16 વર્ષની ઉંમરે તેઓ ભારત પરત આવ્યા.

અહીં ચાર સભ્યોની ઍડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલ સાથે રહીને તેઓ રાજકાજ શીખી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી, જે ત્રણ વર્ષ સુધી ચાલી. આ દરમિયાન તેમણે બે વખત ભારતભ્રમણ કર્યું અને શામળદાસ કૉલેજમાંથી પૂરક જ્ઞાન પણ લીધું.

19 વર્ષની ઉંમરે તેઓ રાજ સંભાળવા માટે તૈયાર છે એવું અંગ્રેજોના પૉલિટિકલ એજન્ટને લાગ્યું, એટલે તેમના રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ થઈ.

કૃષ્ણકુમારસિંહે કેવા દૂરંદેશીવાળા નિર્ણયો લીધા હતા?

  • 'રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત આપવાનું ઠરાવવામાં આવે છે.'
  • 'હાલ ખાતેદારના સીધી લીટીના પુરુષવંશના વારસોનો તથા અમુક સંજોગોમાં તેની દીકરીનો વારસાહક્ક ગણવા ઠરાવ છે. હવે પછી આ હક્ક ચાલતા કાયદા મુજબ તેના તમામ વારસોને આપવાનું ઠેરવવામાં આવે છે.'
  • 'ગામડાંમાં બાળઉછેરનો પ્રચાર થાય અને કેળવણીનો ઉત્સાહ થાય તેવા શિક્ષકો તથા વૈદકીય જ્ઞાનવાળા ભાષણવાળાઓનો પ્રબંધ કરવો. સાથે-સાથે અજ્ઞાનવર્ગમાંથી વહેમો દૂર થાય તો સામાજિક પ્રવૃત્તિઓ આગળ વધી શકે તેવો પ્રબંધ પણ એ જ માણસો દ્વારા કરવો.'
  • 'સંસ્કૃતની પાઠશાળાઓ અને મુસલમાનોના મદરેસાઓ તથા બીજી જે લોકથી ચાલતી હોય તેવી સંસ્થાઓની વચ્ચે રૂપિયા પાંચ હજારની રકમ મદદ તરીકે આપવાનું ઠેરવવામાં આવે છે.'

18 એપ્રિલ, 1931ના પદભાર સંભાળ્યો, ત્યારે 28 જેટલા જાવક ઠરાવ કરવામાં આવ્યા હતા, જેનો ઉલ્લેખ મહેતાએ તેમના પુસ્તકમાં (65-70) કર્યો છે. તેમની આ જાહેરાતો રાજમાં વૈજ્ઞાનિક અભિગમ, સ્ત્રી-પુરુષ તથા સમાજના તમામ વર્ગોને એક નજરથી જોવાની તેમની દૂરદૃષ્ટિ છતી કરે છે.

ભાવનગરનાં નેત્રહિન બાળકોએ કૌશલ્યવર્ધન માટે તત્કાલીન બૉમ્બે જવું પડતું. કૃષ્ણકુમારસિંહનો જ્યારે રાજ્યાભિષેક નહોતો થયો અને તેઓ ભારતભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે આ વાત તેમના ધ્યાને આવી હતી, ત્યારે તેમણે ભાવનગરમાં આવી જ એક સંસ્થા ઊભી કરવાનો નિર્ધાર કર્યો હતો.

આ સંસ્થા એટલે 'શ્રીકૃષ્ણકુમાર અંધ ઉદ્યોગશાળા'. રાજ દ્વારા ચાલતા પ્રકલ્પો નિષ્ફળ થઈ શકે, પરંતુ તેમાં જો જનભાગીદારી હોય તો તે ચોક્કસથી સફળ થાય એવું તેઓ માનતા. એટલે તેમના આહ્વાનથી નગરશ્રેષ્ઠીઓએ અડધો ખર્ચ ઉપાડ્યો, જ્યારે બાકીનો ખર્ચ તત્કાલીન ભાવનગર સ્ટેટ આપતું.

કૃષ્ણકુમારસિંહના લગ્ન માટે બાંધવામાં આવેલો પાક્કી બાંધણીનો મંડપ ભાવનગરની પ્રજાને 'ટાઉન હૉલ' તરીકે ભેટ આપ્યો. ખેડૂતો માટે ગ્રામસુધારણા ફંડ શરૂ કર્યું અને ખેડૂતો ઉપરનું રાજ તથા શાહુકારોનું દેવું માફ કર્યું.

શામળદાસ કૉલેજ માટે વાઘાવાડી રોડ ઉપર મોટી ઇમારત બંધાવી આપી. નવા બંદર ખાતે નવી જેટી બંધાવી, ગોદામો સાથે તેને જોડતી રેલવેલાઇન નખાવી, આ સિવાય ભાવનગર-મહુવા વચ્ચે ટ્રામ-વે સેવા શરૂ કરી જે પછીથી ‘બાપુગાડી’ તરીકે પ્રચલિત થઈ.

તખ્તસિંહ હૉસ્પિટલમાં (આજના સમયની સર ટી હૉસ્પિટલ) નવાં સાધનો તથા નવી ઇમારતો બંધાવી.

કૃષ્ણનગરના નામે નવો વિસ્તાર વસાવ્યો, જેમાં ડામરના રસ્તા અને વીજળીની વ્યવસ્થા હતી. શહેરના ગૌરીશંકર તળાવનો વિસ્તાર કરાવ્યો, જ્યારે સિહોર પાસે નવું તળાવ બંધાવ્યું. આવા અનેક પ્રકલ્પો અને યોજનાઓને કારણે તેઓ 'પ્રજાવત્સલ' રાજવી તરીકે ખ્યાતિ પામ્યા.

પ્રજાપરિષદની સ્થાપના અને આરોપો

લોકશાહી આવી તે પહેલાં જૂન-1940માં તત્કાલીન મહારાજાએ ભાવનગરમાં પ્રજાપરિષદ સ્થાપવાની જાહેરાત કરી હતી અને ડિસેમ્બર-1941માં તેનું અધિવેશન પણ મળ્યું. કૉંગ્રેસે આરોપ મૂક્યો હતો કે સ્થાનિકોએ તેનો બહિષ્કાર કર્યો હોવાથી રાજના સભ્યોને બેસાડવામાં આવ્યા હતા.

5મી મે 1946ના દિવસે ભાવનગર પ્રજાપરિષદનું વિશેષ અધિવેશન મળ્યું હતું. જેમાં બોલતી વખતે કૉંગ્રેસી નેતા બળવંતરાય મહેતાએ તંત્રમાં ભ્રષ્ટાચાર પ્રવર્તમાન હોવાના આરોપ મૂક્યા હતા. (અહેવાલ પૃષ્ઠ ક્રમાંક 24-25) મહેતાએ કહ્યું: "વહીવટ નીલમબાગથી ચાલે, અનંતવાડીથી ચાલે કે મોતીબાગથી ચાલે એ મહત્ત્વનો પ્રશ્ન નથી. એમાં પ્રજામતને કેટલું સ્થાન છે, એ મહત્ત્વનું છે. રાજ્યની કચેરીઓ મોતીબાગમાં છે, રાજનીતિ અનંતવાડીમાં ઘડાય છે અને રાજમુદ્રા નીલમબાગમાં મુકાય છે, તેમાં લોકમતને ક્યાંય સ્થાન નથી."

આ સંબોધન દરમિયાન બળવંતરાય મહેતાએ સર પ્રભાશંકર પટ્ટણી તથા તત્કાલીન દીવાન અનંતરાય પટ્ટણીની ઉપર સત્તાના તમામ દોર પોતાના હાથમાં રાખવાનો આરોપ મૂક્યો હતો અને ધારાસભાના ધારામાં પણ એ જ દોર ચાલુ રાખવાનો આરોપ મૂક્યો.

મહેતા આગળ જતાં ગુજરાતના મુખ્ય મંત્રી પણ બન્યા. તેમને ભારતમાં પંચાયતી રાજના ઘડવૈયા માનવામાં આવે છે.

ખેડૂતે જ્યારે ખોવાળાયેલી બળદની જોડની ફરિયાદ કરી

હૈદરાબાદ, કાશ્મીર, જોધપુર અને જૂનાગઢનાં રજવાડાં ભારતમાં ભળવું કે નહીં, તે અંગે વિચાર કરી રહ્યાં હતાં ત્યારે કૃષ્ણકુમારસિંહે પોતાનું રાજ્ય ગાંધીજીને મળીને સોંપી દેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમને શું મળે તથા સાલિયાણું કેટલું હોય એ બધું નક્કી કરવાનું તેમની ઉપર છોડ્યું. ગાંધીજીએ તેમને સરદાર પટેલને મળવા કહ્યું.

'પ્રજાવત્સલ રાજવી'ના નામથી કૃષ્ણકુમારસિંહનું જીવનચરિત્ર લખનારા તથા ભાવનગરની શામળદાસ કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. ગંભીરસિંહ ગોહિલ એ ઘટનાને વર્ણવતા કહે છે, "ભાવનગરના ટાણા ગામના વતની ઝવેર પટેલની બળદની જોડ ચોરાઈ ગઈ. ત્યારે તેણે નીલમબાગ ખાતે ભરાતા કૃષ્ણકુમારસિંહના દરબારમાં ફરિયાદ કરવાની હઠ પકડી. લોકોએ તેને સમજાવ્યું કે પોલીસને ફરિયાદ કરો હવે આઝાદી આવી ગઈ છે અને તેમનું રાજ નથી રહ્યું. તેઓ તો મદ્રાસના ગવર્નર બની ગયા છે."

"લોકો પાસેથી મદ્રાસ કેવી રીતે જવાય તેના વિશે માહિતી મેળવીને આજુબાજુમાંથી નાણાં એકઠાં કરીને જેમ-તેમ કરીને મદ્રાસમાં રાજ્યપાલના નિવાસસ્થાને પહોંચ્યા. ત્યાં ગાર્ડ લોકોએ તેમને રાજ્યપાલને મળતા અટકાવી દીધા."

"ઝવેર પટેલ હિંમત હાર્યા નહીં અને રાજભવનના દરવાજે વાટ જોવા લાગ્યા. કોઈક કામસર બહાર નીકળતી વખતે કૃષ્ણકુમારસિંહજી પહેરવેશ તથા જૂની ઓળખાણને કારણે ઝવેરભાઈને ઓળખી ગયા. તેમણે કાફલો અટકાવ્યો. ઝવેરભાઈએ તેમને ફરિયાદ કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું. કૃષ્ણકુમારસિંહે તેમના સ્ટાફને ઝવેરભાઈને જમાડવાની તથા રહેવાની વ્યવસ્થા કરી આપવાની સૂચના આપી અને સાંજે મળવાનું કહીને નીકળી ગયા."

"સાંજે આવીને તેમણે ઝવેરભાઈની સાથે વાત આરંભી ત્યારે કૃષ્ણકુમારસિંહે પૂછ્યું, 'બળદની ચોરી કેવી રીતે થઈ?' ત્યારે ઝવેરભાઈએ જવાબ આપ્યો, 'હું સૂતો હતો.' ત્યારે મજાકમાં કહ્યું, "પટેલ, હું તો જાગતો હતો અને 900 ગામનું રાજ જતું રહ્યું."

કૃષ્ણકુમારે ભાવનગરના આંગતુકને ત્રણ દિવસ મદ્રાસ રોક્યા અને ડ્રાઇવર મારફત મદ્રાસ ફેરવ્યા. વળતા જવાના તથા બળદના પૈસા પણ આપ્યા. આજે પણ ડાયરામાં લોકસાહિત્યકારો અને કલાકારો 'પ્રજાવત્સલતા'નો આ કિસ્સો વખાણે છે.

ડૉ. ગોહિલે 'મહારાજા કૃષ્ણકુમારસિંહજી સ્મૃતિવંદના' તથા 'પ્રજાવત્સલ મહારાજા' નામનાં બે પુસ્તકોનું પણ સંપાદન કર્યું છે, જેમાં ભાવનગરના પૂર્વ રાજવીના જીવન વિશે લેખો અને કાવ્યોનું સંપાદન કર્યું છે. આ સિવાય તેમણે સાતથી વધુ પુસ્તક લખ્યાં કે સંપાદિત કર્યાં છે.

લૅટિન અમેરિકામાં 'શ્વેતક્રાંતિ' અને બ્રાઝિલની સંસદ પાસે કૃષ્ણકુમારસિંહની પ્રતિમા

માસિક માત્ર રૂપિયા એકના પગારથી રાજ્યપાલ તરીકે કામ કર્યા બાદ કૃષ્ણકુમારસિંહ ભાવનગર પરત આવી ગયા અને કૃષિ તથા પશુપાલન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આવા સમયમાં બ્રાઝિલથી સેલ્સો ગ્રૅસિયા સીડ નામનો વેપારી ભારત આવ્યો હતો.

સીડ મૂળે બસસેવા ચલાવતા. કંઈક નવું કરવાના વિચારથી તેમણે વિશ્વના અલગ-અલગ દેશોમાંથી ઉચ્ચ નસલની ગાયોને બ્રાઝિલ લાવીને ત્યાં ઉછેરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં સફળતા ન મળી.

ડૉ. ગોહિલે અગાઉ જણાવ્યું હતું, "આ બધાની વચ્ચે તેનું ભારતમાં આગમન થયું. કોઈકે તેને ગીર ગાય વિશે જણાવ્યું અને ભાવનગરના પૂર્વ રાજવી કૃષ્ણકુમારસિંહને મળવા માટે કહ્યું. મહારાજાની વ્યક્તિગત ગૌશાળાએ સીડ પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે દરેક ગાયનું નામ, જન્મ તથા અન્ય વિવરણ નોંધાયેલાં હતાં. આ બધું જાણીને તેને ખૂબ ખુશી થઈ."

સીડે ગૌશાળાના સંચાલક સમક્ષ ક્રિષ્ના નામના ધણખૂંટ તથા અન્ય ગાયોને ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ સંચાલકને લાગ્યું કે આ વિદેશીઓ ગૌમાંસ ખાનારા છે અને ગાયો અમારે માટે માતા સમાન અને પૂજનીય હોવાથી તેને સાચવી નહીં શકે. સીડે તેમને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંચાલકને વિશ્વાસ ન બેઠો. સીડની કૃષ્ણકુમારસિંહ સાથે મુલાકાત બાદ સોદ્દો નક્કી થયો.

મદ્રાસના દરિયા અને રાતા સમુદ્રના માર્ગે ધણખૂંટ કૃષ્ણા તથા અન્ય ગાયોને બ્રાઝિલ મોકલવામાં આવ્યાં. જ્યાં ગીર ગાયને દેશમાં લાવવા માટે સીડે પોતાના જ દેશની સરકાર સાથે કાયદાકીય લડાઈ લડવી પડી અને મહામહેનતે તેમને મંજૂરી મળી. ત્યાં ગીર ગાયો અને કૃષ્નાનું અન્ય ગાયો સાથે ક્રૉસ બ્રિડિંગ થયું અને 'ઝેબુ' નામની જાત અસ્તિત્વમાં આવી. બ્રાઝિલમાં શ્વેતક્રાંતિ આવી. આજે બ્રાઝિલના કુલ ઉત્પાદનનું 80 ટકા આ ગાયોમાંથી થાય છે.

ડૉ. ગોહિલ લખે છે, "અમુક વર્ષો બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહ યુરોપના પ્રવાસે ગયાનું જાણીને સીડે તેમનો સંપર્ક સાધીને તેમને બ્રાઝિલ આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેઓ પહોંચ્યા અને ફાર્મની મુલાકાત લીધી."

"ગાયોની સાચવણ વિશે કૃષ્ણકુમારસિંહે સંતોષ વ્યક્ત કર્યો. ત્યાંના રાજ્યપાલે જમીન તથા અન્ય વ્યવસ્થા કરીને માર્ગદર્શન માટે રોકાવા માટે કૃષ્ણકુમારજીને આમંત્રણ આપ્યું. આજે બ્રાઝિલ ઉપરાંત ઉરુગ્વે તથા અન્ય નવ દેશોમાં ગીર ગાયે ક્રાંતિ લાવી છે."

કૃતજ્ઞી થયેલા બ્રાઝિલિયનો દ્વારા દેશની સંસદની પાસે મહારાજા કૃષ્ણકુમારસિંહની પ્રતિમા મૂકવામાં આવી છે. એક તબક્કે ગુજરાતમાં ગીર ગાયની ઘટતી સંખ્યાને ફરીથી વધારવા માટે બ્રાઝિલથી વીર્ય તથા અંડ મંગાવવાની ચર્ચા થઈ હતી. બ્રાઝિલમાં ધણખૂંટના નામના સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા હતા.