You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતને ગુલામ બનાવનારી ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી કઈ રીતે મળતી અને પગાર કેટલો મળતો?
- લેેખક, અમાંડા રુગેરી
- પદ, બીબીસી કૅપિટલ
આજે તમને વિશ્વની સૌથી શક્તિશાળી કંપનીની કથા જણાવીએ છીએ. એ કંપનીનું નામ હતું – ઇસ્ટ ઇન્ડિયા કંપની. આ કંપનીએ ભારત સહિત વિશ્વના એક મોટા હિસ્સા પર લાંબા સમય સુધી રાજ કર્યું હતું. તેની પાસે લાખો લોકોની ફોજ હતી. પોતાની ગુપ્તચર એજન્સી હતી અને તેની પાસે કરવસૂલીનો અધિકાર હતો.
આજે દુનિયામાં 'ઍપલ' અને 'ગૂગલ' જેવી અબજો-ખર્વોની બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સરખામણીએ આજની કંપનીઓ કશું જ નથી.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં કરવામાં આવી હતી. એ વખતે એલિઝાબેથ પ્રથમ બ્રિટનનાં મહારાણી હતાં. તેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એશિયામાં બિઝનેસ કરવાની છૂટ આપી હતી, પરંતુ સમય એવો પલટાયો કે આ કંપની વેપાર કરવાને બદલે પોતે જ સરકાર બની ગઈ.
એક સમય એવો પણ હતો કે જ્યારે એશિયાના તમામ દેશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કબજામાં હતા. આ કંપની પાસે સિંગાપોર અને પેનાંગ જેવાં મોટાં બંદર હતાં. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ જ મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ જેવાં મહાનગરોનો પાયો નાખ્યો હતો. તે બ્રિટનમાં રોજગાર આપવાનો સૌથી મોટો સ્રોત હતી.
આ કંપની પાસે ભારતમાં અઢી લાખથી વધુ લોકોની ફોજ હતી. માત્ર ઇંગ્લૅન્ડ જ નહીં, પરંતુ યુરોપના તમામ દેશોના લોકોની જિંદગીમાં તેનો હસ્તક્ષેપ હતો. લોકો ચા પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની પીતા હતા અને વસ્ત્રો પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનાં પહેરતાં હતાં.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સરખામણી આજની 'ગૂગલ' કે 'એમેઝોન' સાથે કરો, તેમની સંપત્તિમાં કર વસૂલવાની તાકાતને ઉમેરો. તેમાં એ પણ ઉમેરો કે કંપની પાસે પોતાની ગુપ્તચર એજન્સી હતી અને લાખોની ફોજ પણ હતી.
ઇસ્ટ ઇન્ડિયા કંપની વિશે પુસ્તક લખનાર નિક રૉબિન્સના જણાવ્યા મુજબ, આ કંપનીની તુલના આજની મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે કરી શકાય. ઇસ્ટ ઇન્ડિયા કંપનીને શરૂઆતથી જ પોતાની ફોજ રાખવાની પરવાનગી મળી હતી. તેમાં પણ ઇનસાઈડર ટ્રેડિંગ, શૅરબજારના ચડાવ-ઉતાર જેવી આજની બાબતોની અસર તેમજ દખલ હતી. જે રીતે આજની કંપનીઓ પોતાના ફાયદા માટે શાસકો, નેતાઓ સાથે લૉબિઇંગ કરે છે એવી જ રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપની પણ એ સમયની સરકારો સાથે ઘરોબો રાખતી હતી. નેતાઓ-રાજાઓને ખુશ કરવાના સતત પ્રયાસ કરતી હતી.
આખરે આ કંપની કેવી હતી? તેનું હેડ ક્વાર્ટર આજની 'ગૂગલ' કે 'ફેસબૂક' જેવી કંપનીઓની શાનદાર ઑફિસ જેવું હતું? તેના કર્મચારીઓને કેટલો પગાર મળતો હતો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાલો, ઇતિહાસનાં પાનાં પલટાવીને આ સવાલોના જવાબ મેળવીએ.
એ સમયે ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી મેળવવા લોકો રીતસરની સ્પર્ધા કરતા હતા, પરંતુ તેમાં નોકરી મેળવવાનું બહુ મુશ્કેલ હતું. કંપનીના કોઈ ડિરેક્ટર ભલામણ કરે ત્યારે કોઈને તેમાં નોકરી મળતી હતી. કંપનીમાં મોટા ભાગે પુરુષો જ કામ કરતા હતા. માત્ર સફાઈકામ માટે મહિલાઓને નોકરી પર રાખવામાં આવતી હતી.
બ્રિટિશ લાયબ્રેરીમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના દસ્તાવેજ રાખવામાં આવ્યા છે. તેને સાચવી રાખવાની જવાબદારી માર્ગરેટ મૅકપીસ સંભાળે છે. માર્ગરેટ જણાવે છે કે નાનાં-મોટાં કામ માટે પણ કંપનીના ડિરેક્ટરની ભલામણથી જ નોકરી મળતી હતી. કંપનીમાં કુલ 24 ડિરેક્ટર હતા. આ કંપનીમાં જેટલી જગ્યા હોય તેના કરતાં અનેકગણી વધારે અરજીઓ આવતી હતી. ડિરેક્ટરની ભલામણ ન હોય તો કોઈને નોકરી મળવી મુશ્કેલ હતી.
લંડનમાં કંપનીના હેડક્વાર્ટરમાં લહિયાની નોકરી માટે પણ ભલામણ જરૂરી હતી. કોણે ભલામણ કરી છે તેના આધારે કોઈને નોકરી મળતી હતી. નોકરી મેળવવા માટે પાત્રતાને બદલે સંપર્કો વધારે જરૂરી હતા.
જોકે, માત્ર ભલામણથી પણ કામ પૂરું થતું નહોતું. નોકરી મેળવવા કંપનીને એ સમયે લગભગ 500 પાઉન્ડ પણ આપવા પડતા હતા, જે આજની હિસાબે લગભગ 52,000 ડૉલર અથવા લગભગ રૂ. 33 લાખ થાય. હોદ્દો જેટલો મોટો હોય, તેટલી જ મોટી ગૅરંટી આપવી પડતી હતી. એ સિવાય સારા વર્તનની ગૅરંટી પણ આપવી પડતી હતી.
કર્મચારીઓ તૈયાર કરવા કૉલેજ શરૂ કરી
આજે પગાર વિના કામ કરવું કે કામ કરાવવા માટે પૈસા આપવા તેને બહુ ખરાબ બાબત ગણવામાં આવે છે. કેટલાકે તો એ માટે દંડ ભરવો પડ્યો હતો, પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કારકિર્દીની શરૂઆત વગર પગારની નોકરીથી થતી હતી. પહેલાં પાંચ વર્ષ વગર પગારે કામ કરવું પડતું હતું. 1778માં તે મુદ્દત ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવી હતી.
અનેક વર્ષ સુધી મફત કામ કર્યા પછી કંપની દસ પાઉન્ડ મહેનતાણું આપવાનું શરૂ કરતી હતી. 19મી સદીની શરૂઆત થતાં સુધીમાં કંપનીને સમજાઈ ગયું હતું કે માત્ર ભલામણ ચિઠ્ઠી લાવનારને નોકરી આપવાથી કંપનીનું ભલું થવાનું નથી.
કંપનીએ પોતાના માટે કર્મચારીઓ તૈયાર કરવા 1806માં ઇસ્ટ ઇન્ડિયા કૉલેજ શરૂ કરી હતી. હેલબરીસ્થિત એ કૉલેજમાં કંપનીના ક્લાર્ક-અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. કૉલેજમાં કર્મચારીઓને ઇતિહાસ, કાયદા તથા સાહિત્યની સાથે હિંદુસ્તાની, સંસ્કૃત, ફારસી અને તેલુગુ ભાષાની તાલીમ પણ આપવામાં આવતી હતી.
આજે 'ફેસબૂક' અને 'ગૂગલ'ના શાનદાર હેડક્વાર્ટરના દાખલા દુનિયામાં આપવામાં આવે છે, પરંતુ વિશ્વની સૌથી મોટી કંપની ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું હેડક્વાર્ટર કેવુ હતું?
લંડનસ્થિત ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું હેડક્વાર્ટર 'ફેસબૂક' અને 'ગૂગલ'ના આજના હેડક્વાર્ટર જેવું જરાય ન હતું, પરંતુ એ દૌરના હિસાબે તે ભવ્ય હતું. લંડનના લીડેનહોલ વિસ્તારમાં કંપનીના હેડક્વાર્ટરનું નિર્માણ 1790માં ફરી કરવામાં આવ્યુ હતું. તેના દરવાજા પર ઇંગ્લૅન્ડના રાજા કિંગ જ્યોર્જ તૃતીય પ્રતિમા મૂકવામાં આવી હતી.
ઇમારતનો અંદરનો હિસ્સો કોઈ મહેલથી ઊતરતો ન હતો. વિશ્વભરમાંથી લાવવામાં આવેલા પથ્થરથી ઝગમગતા હૉલ અને ઓરડાઓ હતા. તેમાં કંપનીના કબજા હેઠળનાં શહેરોનાં ચિત્રો પણ હતાં. યુદ્ધમાં જીતવામાં આવેલા માલ-સામાનને કંપનીના મુખ્યાલયમાં જોરશોરથી પ્રદર્શિત કરવામાં આવતો હતો. ક્યાંક સિંહના શિકારની પ્રતિમા હતી તો ક્યાંક રેશમ અને ક્યાંક સોને મઢાયેલું ટીપુ સુલતાનનું સિંહાસન.
લંડનમાં કંપનીનાં અનેક ગોદામ હતાં અને એ પણ કંપનીની માફક શાનદાર હતા. એ જંગી ગોદામો ઇંગ્લૅન્ડના લોકો પર રોફ જમાવવાના હેતુસર બનાવવામાં આવ્યાં હતાં.
કંપનીની ઓફિસો અલગ પ્રકારની હતી
આજની કંપનીઓ પોતાના કર્મચારીઓના આરામ માટે ખાસ જગ્યા બનાવતી હોય છે, પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપની તો તેના કર્મચારીઓના નિવાસની વ્યવસ્થા પણ કરતી હતી. તેના ઘણા કર્મચારી કંપનીની લંડન ઓફિસના કમ્પાઉંડમાં જ રહેતા હતા. કેટલાક લોકોએ એ માટે પૈસા ચૂકવવા પડતા હતા. કંપનીની સુવિધાઓનો દુરુપયોગ કરનારાઓને સખત સજા કરવામાં આવતી હતી.
ઇંગ્લૅન્ડ બહારની ઓફિસોમાં કામ કરતા કંપનીના કર્મચારીઓને પણ રહેવાની સુવિધા મળતી હતી. તેઓ કાયમ તેમના વરિષ્ઠ અધિકારીઓની નજરમાં રહેતા હતા. શિસ્ત સખત હતી. દારૂ પીને કોઈ સાથે ગેરવર્તન કરનાર કર્મચારીને જેલમાં ગોંધી દેવામાં આવતા હતા.
વિદેશમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ઓફિસો અલગ પ્રકારની હતી. જેમ કે સુરતમાં કંપનીની ફેક્ટરીની સાથે ચર્ચ, લાઈબ્રેરી અને બાથરૂમ પણ હતાં. જાપાનના હિરાડોમાં બાગ હતા અને સ્વિમિંગ પૂલ પણ હતા.
ઇસ્ટ ઇન્ડિયામાં કામ કરતા લોકોને ભોજન પણ આપવામાં આવતું હતું. કર્મચારી ઓફિસમાં આવે કે તરત તેમને નાસ્તો આપવામાં આવતો હતો. વિદેશમાં પણ કંપનીના કર્મચારીઓને ભોજન આપવામાં આવતું હતું. જોકે, ખર્ચમાં કપાતના નામે આ સુવિધા 1834માં બંધ કરી દેવામાં આવી હતી.
અંગ્રેજ પાદરી જૉન ઑવિંગટને 1689માં સુરતની ફેકટરીની મુલાકાત લીધા બાદ લખ્યું હતું કે ત્યાં એક ભારતીય, એક અંગ્રેજ અને એક પોર્ટુગીઝ એમ ત્રણ રસોઇયા હતા. તેનો હેતુ બધાને તેમની પસંદનું ભોજન મળે તે હતો. લોકોને માંસાહારી અને શાકાહારી એમ બન્ને પ્રકારનું ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું.
રવિવારે ભોજનના વૈવિધ્યમાં વધારો થતો હતો. બદામ, પિસ્તા અને કિશમિશ જેવા સૂકા મેવાનો આગ્રહ રાખવામાં આવતો હતો. બહારથી આવતી કોઈ વિખ્યાત વ્યક્તિની ભવ્ય આગતાસ્વાગતા કરવામાં આવતી હતી. એ માટે બહુ મોટો ખર્ચ કરવામાં આવતો હતો.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લોકોને દારૂ તો છૂટથી ઉપલબ્ધ કરાવવામાં આવતો હતો. ઇન્ડોનેશિયાના સુમાત્રામાં કંપનીના 19 કર્મચારીઓ એક વર્ષમાં 894 ઑટલ વાઇન, 600 બોટલ ફ્રેન્ચ શરાબ, 294 બૉટલ બર્ટન એલે, બે પાઇપ તથા 42 ગેલન મદેરિયા, 274 બૉટલ ચાડી અને ગોવાની અરકની 164 બૉટલ ગટગટાવી ગયા હતા.
આ વાતની ખબર પડી ત્યારે કંપનીએ એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આટલો દારૂ પીને કર્મચારીઓ એકમેકની સાથે ઝઘડતા તો ન હતાને.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લંડન બંદરે શરાબનું એક નાનું પીઠું શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં આકરી શરતો સાથે બીયર તથા દારૂનું વેચાણ કરવામાં આવતું હતું. લંડનમાં કંપનીની પોતાની જેલ પણ હતી.
આજે તમામ કંપનીઓ તેમના કર્મચારીઓને જાતજાતની સુવિધાઓ આપે છે. કોઈ વિદેશ પ્રવાસની કૂપન આપે છે તો કોઈ કંપની સંગીતજલસાની ટિકિટ મફતમાં આપે છે. એવી જ રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપની વિદેશ જતા તેના કર્મચારીઓને પોતાનો અલગ ધંધો કરવાની મંજૂરી આપતી હતી. તેમને પોતાનો અંગત સામાન કંપનીના જહાજ પર લાદીને સ્વદેશ લાવવાની છૂટ પણ હતી. તે આજનાં ટૂર પૅકેજ કે સંગીત જલસાની ટિકિટથી વધુ મોટી છૂટછાટ હતી.
કંપનીના ચૅરમૅનને માત્ર મનોરંજન માટે દર વર્ષે 1,32,000 પાઉન્ડ મળતા
આવી છૂટછાટથી કર્મચારીઓને પણ સારો એવો અંગત લાભ થતો હતો. કોઈ એક વિદેશી ટૂરમાંથી થયેલા કમાણીથી કંપનીના કર્મચારીની જ નહીં, પરંતુ તેની ભાવિ પેઢીની જિંદગી પણ બહેતર બની જતી હતી. તેની સામે કંપનીએ પગાર અને બૉનસ પેટે ઓછો ખર્ચ કરવો પડતો હતો.
કંપનીના કર્મચારીઓને કંપનીના શૅરની લે-વેચમાં હિસ્સો લેવાની છૂટ હતી. તે પણ ફાયદાનો સોદો હતો. કર્મચારીઓ પાસે સામાન્ય લોકો કરતાં વધારે જાણકારી હોય અને એ જાણકારીનો લાભ તેઓ શૅરની લે-વેચ દરમિયાન લેતા હતા.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ મનોરંજનના નામે પુષ્કળ પૈસા ઉડાવતા હતા. જેમ કે, 19મી સદીમાં કંપનીના કેટલાક કર્મચારીઓએ લગભગ 29,000 ડૉલર ડિનર માટે જ ખર્ચી નાખ્યા હતા. કંપનીના ચૅરમૅનને માત્ર મનોરંજન માટે દર વર્ષે 1,32,000 પાઉન્ડ મળતા હતા.
એ ખર્ચ પર 1834માં કાપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ કંપનીના એક અધિકારી સર જૉન કેએ લખ્યું હતું કે કંપનીથી વધારે સારું ડિનર કોઈ આપતું નથી. વિદેશના કર્મચારીઓ પર પણ આવી જ મહેરબાની કરવામાં આવતી હતી. કોઈ ફેકટરીના કૅપ્ટનના માત્ર ડિનર માટે વર્ષે લગભગ 33,000 પાઉન્ડ મળતા હતા.
વિદેશી કર્મચારીઓને ઘરેણાં, રેશમનાં કપડાં જેવી મોંઘી ભેટો વારંવાર આપવામાં આવતી હતી. એ ઉપરાંત જમીનદાર અને નવાબો જેવા લોકો પણ આ કર્મચારીઓને મોંઘી ભેટો આપતા હતા.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના લાંબા ઇતિહાસમાં સારા અને માઠા એમ બન્ને કાળ નિહાળ્યા હતા. ભ્રષ્ટાચાર, હેરાફેરી અને ખરાબ વહીવટના આક્ષેપો પણ થયા હતા. 1764 પછી કંપનીએ ચોક્કસ કિંમતથી વધુની ભેટ લેવા પર પ્રતિબંધ લાદ્યો હતો.
18મી અને 19મી સદીમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓનો સમાવેશ સૌથી વધુ પગાર મેળવતા લોકોમાં થતો હતો. કંપનીમાં જેટલા વધુ વર્ષ કામ કરે તેટલો વધારે પગાર કર્મચારીને મળતો હતો.
1815માં કંપનીના ક્લાર્કનો વાર્ષિક પગાર 40 પાઉન્ડ એટલે કે આજના લગભગ 29,000 પાઉન્ડથી શરૂ થતો હતો. કંપનીમાં 11થી 15 વર્ષ સુધી કામ કર્યા પછી એ જ પગારમાં પાંચ ગણાથી વધુનો વધારો થતો હતો. 1840માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ક્લાર્કનો પગાર કોઈ સામાન્ય મજૂર કરતાં બારગણો વધારે હતો.
એ ઉપરાંત ઇસ્ટ ઇન્ડિયા કંપની તેના કર્મચારીઓને સારું એવું પેન્શન પણ આપતી હતી. 40 વર્ષ કામ કરનાર કર્મચારીને પગારનો ત્રણ-ચતુર્થાંશ હિસ્સો પેન્શન તરીકે આપવામાં આવતો હતો. 50 વર્ષ કામ કરનાર કર્મચારીને તેના પગાર જેટલું પેન્શન આપવામાં આવતું હતું.
કંપનીમાં લોકોએ રોજ 12-13 કલાક કામ કરવું પડતું
સામાન્ય કર્મચારીઓની તુલનાએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરને ઓછા પૈસા મળતા હતા. આજની કંપનીના ચીફ ઍક્ઝિક્યૂટિવ ઓફિસર્સ(સીઈઓ)ની માફક તેમને તગડો પગાર મળતો ન હતો, પરંતુ એ કમીનું વળતર ક્યારેક લાંચ દ્વારા તો ક્યારેક ભેટ દ્વારા મળી જતું હતું, કારણ કે એ ડિરેક્ટરો પારાવાર અધિકાર આપવામાં આવતા હતા.
બધા લાભનો સરવાળો કરીએ તો એ સમયના ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટર્સને મળતાં નાણાં આજના મોંઘા સીઈઓના પગાર જેટલા જ હતા.
આજની કંપનીઓ તેના કર્મચારીઓને જાતજાતની રજાઓ આપે છે, પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં રજા મેળવવા માટે ભારે મથામણ કરવી પડતી હતી. તમામ કર્મચારીએ રજા માટે બોર્ડ ઑફ ડિરેક્ટર્સની મંજૂરી લેવી પડતી હતી. એ વખતમાં આજના કરતાં વધારે સરકારી રજાઓ હતી એ અલગ વાત છે.
જોકે, 1817માં રજાઓમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કર્મચારીઓને માત્ર ક્રિસમસની રજા મળતી હતી. એ સાથે કર્મચારીઓને તેમના વાર્ષિક કામના હિસાબે એકથી ચાર દિવસની રજા આપવામાં આવતી હતી.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં લોકોએ રોજ 12-13 કલાક કામ કરવું પડતું હતું. સવારે સાતથી રાતના આઠ વાગ્યા સુધી. વચ્ચે લંચ બ્રૅક માટે બે કલાકની રજા. લોકોએ ક્યારેક શનિવારે પણ કામ કરવું પડતું હતું.
જોકે, કર્મચારીઓ પર ચાંપતી નજર ન રાખવામાં આવતી હોવાને કારણે કેટલાક લોકો તેનો ગેરલાભ લેતા હતા. જેમ કે, 1727માં ડિરેક્ટરોને ખબર પડી હતી કે જૉન સ્મિથ નામનો એક કર્મચારી 16 મહિનાથી કામ પર આવતો ન હતો, પણ પગાર પૂરો લેતો હતો.
કંપનીના ગોદામમાં લોકોએ છ કલાક જ કામ કરવું પડતું હતું. તેમાં પણ અર્ધી કલાકનો બ્રેક મળતો હતો. બંદર પરના કર્મચારીઓએ 10-12 કલાક કામ કરવું પડતું હતું. વિદેશની ફેફટરીઓમાં કામ કરવાનું આસાન હતું. લોકો આરામથી કામ કરતા હતા. ત્યાં કામ અને આરામ વચ્ચે સંતુલન હતું.
આજે અમેરિકામાં માત્ર 50 ટકા લોકો પોતાની નોકરીથી સંતુષ્ટ છે, જ્યારે ફ્રાંસમાં એ પ્રમાણ 43 ટકા અને જર્મનીમાં માત્ર 34 ટકા છે.
વિચારો, આજથી 200 વર્ષ પહેલાં પોતાની નોકરી વિશે લોકો શું વિચારતા હતા? ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ પોતાની નોકરીથી કેટલા સંતુષ્ટ હતા?
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીઓએ વિદેશ પ્રવાસ કરવો પડતો હતો, તેમના માટે જીવન મુશ્કેલ હતું. અકસ્માતો, બીમારીઓ, યુદ્ધ એમ બધા મોતના મોંમાં ધકેલતા જોખમો હતા. એક અંદાજ મુજબ, ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એશિયામાં તહેનાત અરધોઅરધ કર્મચારીઓએ નોકરી દરમિયાન જ જીવ ગુમાવવો પડતો હતો.
બીજી તરફ ઇંગ્લૅન્ડમાં કામ કરતા કર્મચારીઓ પોતાની નોકરીથી કંટાળી જતા હતા. કેટલાક તો એટલા કંટાળી જતા હતા કે કામ જ કરતા ન હતા.
કંપનીના એક કર્મચારી ચાર્લ્સ લેમ્બે આ સંબંધે અંગ્રેજ કવિ વિલિયમ વર્ડઝવર્થને એક પત્ર લખીને પોતાનો કંટાળો વ્યક્ત કર્યો હતો. નોકરીમાં કંટાળી ગયા હોવા છતાં તેમણે 30થી વધુ વર્ષ કામ કર્યું હતું અને આઠ વર્ષ પૅન્શન મેળવ્યું હતું.
આ વાતોથી સ્પષ્ટ થાય છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપની એક બહુરાષ્ટ્રીય કંપની હતી, પરંતુ આજના જેવી મલ્ટીનેશનલ કંપની ન હતી. તેની પાસે શક્તિ હતી, પૈસા હતા, સૈન્ય હતું, જાસુસી વિભાગ હતો. તેણે ભારત સહિતના અનેક દેશોમાં અંગ્રેજોનું રાજ સ્થાપ્યું હતું.
દરેકનો એક સમય હોય છે. 1857માં ભારતમાં બળવા બાદ કંપનીની પડતી શરૂ થઈ હતી અને અંગ્રેજ સરકારે 1874માં ઇસ્ટ ઇન્ડિયા કંપની સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી.