ઔરંગઝેબની હીરાબાઈ સાથેની પ્રેમકહાણી કેવી રીતે શરૂ થઈ હતી?

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને સંશોધક

પહેલી નજરે આ પ્રેમની વાર્તા છે અને એ પણ ભારત પર 49 વર્ષ સુધી શાસન કરનારા મુગલ બાદશાહ ઔરંગઝેબ આલમગીરની. એ સમયે શાહજહાં ભારતના બાદશાહ હતા અને એમના પુત્ર શાહજાદા ઔરંગઝેબ 35 વર્ષના હતા.

બીજી વખત દક્ષિણના ગવર્નર તરીકેનો પદભાર સંભાળવા માટે 'ઔરંગાબાદ' જતા ઔરંગઝેબ બુરહાનપુરના રસ્તેથી પસાર થયા. બુરહાનપુર હાલના ભારતીય રાજ્ય મધ્ય પ્રદેશમાં તાપી નદીના જમણા કિનારે આવેલું છે. આ એ જ જગ્યા છે જ્યાં એમનાં માતા મુમતાજમહલને એમના દેહાંત પછી, તાજમહલમાં દફનાવ્યાં તે પહેલાં, વચગાળાના સમય માટે દફનાવાયાં હતાં.

બ્રોકેડ, મખમલ અને રેશમ માટે મશહૂર આ શહેરમાં ઔરંગઝેબનાં એક માસી સુહેલાબાનો રહેતાં હતાં. એમનાં લગ્ન મીર ખલીલ ખાન-એ-ઝમાન સાથે થયાં હતાં. ઔરંગઝેબ એમને જ મળવા ગયા હતા; અને એમના દિલની દુનિયા બદલાઈ ગઈ.

મૌલાના અબુલ કલામ આઝાદે 'ગુબાર-એ-ખાતિર'માં નવાબ શમ્સ-ઉદ્-દૌલા શાહનવાઝ ખાન અને એમના પુત્ર અબ્દુલ હયી ખાન દ્વારા 18મી સદીમાં લખાયેલા પુસ્તક 'માસર-અલ-ઉમરા'ને ટાંકીને લખ્યું છે કે, ઔરંગઝેબ બુરહાનપુરમાં ઝૈનાબાદના બાગ 'આહૂ ખાના'માં આંટા મારી રહ્યા હતા. શાહજાદાનાં માસી પણ પોતાની દાસીઓ સાથે વિહાર કરવા આવ્યાં હતાં.

એમાંની એક દાસીનાં જાદુઈ ગાયકી, નખરાં અને સુંદરતા બેનમૂન હતાં. વિહાર કરતાં તે સૌ એક ઝાડ નીચેથી પસાર થયાં, જેની ડાળીઓ પર કેરીઓ લટકતી હતી. એ બધાં જેવાં એ ઝાડ નીચે પહોંચ્યાં, એ દાસીએ ના તો શાહજાદાની આમન્યા રાખી અને ના તો એમનાં માસીની ઉપસ્થિતિનો આદર જાળવ્યો. એ નિર્ભયતાથી ઊછળી અને એક ઊંચી ડાળ પરથી એક ફળ તોડી લીધું.

શાહજાદાની માસીને આ વર્તન ખરાબ લાગ્યું અને એમણે ઠપકો આપ્યો. એથી દાસીએ શાહજાદા પર એક કાતિલ નજર ફેરવી અને પેશવાજ (ઘાઘરો) સાચવતી આગળ નીકળી ગઈ. આ મર્મવેધી નજરે એવી સ્થિતિ ઊભી કરી હતી કે એણે શાહજાદાને પોતાના તાબામાં લઈ લીધા અને શાહજાદા બેચેન થઈ ગયા.

ઔરંગઝેબનું જીવનચરિત્ર લખનારા હમીદુદ્દીન ખાને આ ઘટનાનું વર્ણન કંઈક અલગ અંદાજમાં કર્યું છે, "જોકે આ તેમનાં માસીનું ઘર હતું તેથી, 'હરમ' (મહિલાઓનો ઓરડો)ની મહિલાઓને એમની નજરથી દૂર રાખવા માટે ખાસ વધારે કંઈ ધ્યાન નહોતું રખાયું; અને શાહજાદા કશી જાણ કર્યા વગર ઘરમાં દાખલ થઈ ગયા. ઝૈનાબાદી, જેનું સાચું નામ હીરાબાઈ હતું, એક ઝાડ નીચે ઊભી રહીને પોતાના જમણા હાથે ડાળી પકડીને ધીમે ધીમે ગાઈ રહી હતી."

સંક્ષિપ્તમાં: ઔરંગઝેબની હીરાબાઈ સાથેના પ્રણયની કહાણી

  • આ ભારત પર 49 વર્ષ સુધી શાસન કરનારા મુગલ બાદશાહ ઔરંગઝેબ આલમગીરની પહેલી નજરના પ્રેમની કહાણી છે, એ સમયે શાહજહાં ભારતના બાદશાહ હતા અને એમના પુત્ર શાહજાદા ઔરંગઝેબ 35 વર્ષના હતા
  • દાસીએ શાહજાદા પર એક કાતિલ નજર ફેરવી અને પેશવાજ (ઘાઘરો) સાચવતી આગળ નીકળી ગઈ. આ મર્મવેધી નજરે એવી સ્થિતિ ઊભી કરી હતી કે એણે શાહજાદાને પોતાના તાબામાં લઈ લીધા અને શાહજાદા બેચેન થઈ ગયા
  • ગજેન્દ્ર નારાયણસિંહ અનુસાર, 'ઔરંગઝેબની જવાનીનો પ્રેમ' અને ઇતિહાસકાર જદુનાથ સરકાર અનુસાર, 'ઔરંગઝેબના એકમાત્ર પ્રેમનું નામ' હીરાબાઈ હતું. તેઓ એક કાશ્મીરી હિંદુ હતાં, જેમને એમનાં માતા-પિતાએ બજારમાં વેચી દીધાં હતાં. તે ખાન-એ-ઝમાનને ત્યાં નાચ-ગાન કરતાં હતાં
  • જદુનાથ સરકારનું કહેવું છે કે હીરાબાઈને 'ઝૈનાબાદીમહલ' નામ અપાયું હતું, કેમ કે, સમ્રાટ અકબરના સમયથી જ એવો એક નિયમ હતો કે 'શાહી હરમ' (બાદશાહી મહિલાકક્ષ)ની મહિલાઓનાં નામોનો સાર્વજનિક રીતે ઉલ્લેખ ના કરવો અને એમને બીજા કોઈ નામે ઓળખવામાં આવે અથવા તો એમના જન્મસ્થાન કે એ શહેર કાં તો દેશના નામે જ્યાંથી તે 'શાહી હરમ'માં સામેલ થઈ હોય.
  • ઇટાલિયન પ્રવાસી અને લેખક નિકોલાઓ મનુચી (1639-1717)એ લખ્યું છે, "ઔરંગઝેબ થોડાક સમય માટે નમાજ પણ ભૂલી ગયા હતા અને એમના દિવસો સંગીત અને નૃત્યમાં પસાર થતા હતા. જ્યારે નર્તકીનું મૃત્યુ થયું તો ઔરંગઝેબે સોગંદ લીધા કે તેઓ ક્યારેય શરાબ નહીં પીએ અને ના તો સંગીત સાંભળશે."
  • "પછીના દિવસોમાં તેઓ અવારનવાર કહેતા હતા કે ખુદાએ એ નર્તકીનું જીવન સમાપ્ત કરીને એમના પર એક મોટો ઉપકાર કર્યો હતો, જેના કારણે એવી ઘણી બૂરાઈઓમાં ફસાઈ ગયા હતા જેનાથી એમની હકૂમત કરવાની શક્યતાઓ પર પણ જોખમ ઊભું થયું હતું."
  • પ્રથમ નજરના પ્રેમનો આ આખો દસ્તાવેજ જાણવા વાંચો આ અહેવાલ...

અને બાદશાહબેહોશ થઈ ગયા

"એને જોતાં જ શાહજાદા પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યા અને ત્યાં જ બેસી ગયા; પછી બેહોશ થઈને જમીન પર પડી ગયા. એ સમાચાર માસી સુધી પહોંચ્યા ત્યારે તેઓ ઉઘાડા પગે દોડતાં આવ્યાં અને એમને છાતી સરસા ચાંપીને રડવા લાગ્યાં. બે-ચાર પળ પછી શાહજાદા ભાનમાં આવ્યા."

માસીએ પૂછ્યું, "આ કેવી બીમારી છે? શું તમને પહેલાં પણ આવું થયું છે?"

શાહજાદાએ કશો જવાબ ના આપ્યો. મધરાતે શાહજાદાએ કહ્યું, "જો હું મારી બીમારી કહું તો શું તમે એનો ઇલાજ કરી શકશો?"

જ્યારે એમની માસીએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમણે ખુશીથી ઈશ્વરના નામે વચન આપ્યું અને કહ્યું, "તમે ઇલાજની શી વાત કરો છો, હું તો (તમારા ઇલાજ માટે) મારો જીવ આપી દઈશ."

ત્યાર બાદ શાહજાદાએ એમને આખી વાત કહી. એ સાંભળીને તેઓ ચૂપ થઈ ગયાં. છેવટે શાહજાદાએ કહ્યું, "જો તમે મારી વાતોનો જવાબ નથી આપતાં, તો તમે મારો ઇલાજ કઈ રીતે કરશો?"

માસીએ જવાબ આપ્યો કે, "હું તમારા માટે મારી જાતને ન્યોછાવર કરી દઉં! તમે પેલા નીચ (પતિ)ને ઓળખો છો, એ એક હિંસક માણસ છે. હીરાબાઈ માટેની તમારી વાત સાંભળીને એ પહેલાં એને અને પછી મને મારી નાખશે. એને (પોતાની લાલસા વિશે) જણાવવાથી કશો ફાયદો નહીં થાય, સિવાય કે મારે મારા જીવની કુરબાની આપવી પડશે. પરંતુ કશાય ગુના વગર એ બિચારી નિર્દોષનું જીવન શા માટે બરબાદ કરવું?"

શાહજાદાએ જવાબ આપ્યો, "બરાબર, તમે સાચું કહ્યું. હું બીજી કશી રણનીતિ અપનાવીશ." સૂર્યોદય બાદ તેઓ પોતાના ઘરે પાછા ફર્યા અને કશું ખાધું નહીં. પોતાના વિશ્વાસપાત્ર સલાહકાર કુલી ખાન સાથે વિસ્તારથી ચર્ચા કરી. ખાને કહ્યું કે, "મારા લોહીના બદલામાં જો મારા સંત અને આધ્યાત્મિક ગુરુ (અર્થાત્ શાહજાદા)નું કામ થઈ જાય તો એમાં ખોટું કશું નથી."

શાહજાદાને પ્રથમ નજરે થયો પ્રેમ

શાહજાદાએ જવાબ આપ્યો કે, "મને ખબર છે તમે મારા માટે પોતાનો જીવ કુરબાન કરવા તૈયાર છો, પરંતુ મારું મન મારી માસીને વિધવા બનાવવા તૈયાર નથી. એ ઉપરાંત પણ, કુરાનના કાયદા અનુસાર ધાર્મિક કાયદાની ખબર હોવા છતાં કોઈ વ્યક્તિ આ પ્રકારે છૂટથી હત્યા ના કરી શકે. તમારે (સફળતા માટે) ખુદા પર વિશ્વાસ રાખીને (ખાન-એ-ઝમાનને) વાત કરવી જોઈએ."

સલાહકાર કુલી ખાને ખાન-એ-ઝમાનને આખી વાત કહી સંભળાવી. એમણે જવાબ આપ્યો કે, "શાહજાદાને મારા 'સલામ' પહોંચાડી દો. હું આનો જવાબ એમનાં માસીને આપીશ. ખાન-એ-ઝમાને પોતાની પત્નીને સંદેશ મોકલ્યો કે બદલામાં તેઓ ઔરંગઝેબના મહિલાકક્ષમાંથી ચિત્રાબાઈને એને સોંપી દે."

ઇતિહાસકાર જદુનાથ સરકાર આ વાત સાથે સંમત નથી. લેખક રાણા સફવીનું કહેવું છે કે આ ઘટનાના વિવરણમાં તો મતભેદ છે, પરંતુ એ વાત સાથે બધા સંમત છે કે ધાર્મિક પ્રવૃત્તિ ધરાવનારા સાદગીપૂર્ણ શાહજાદાને પહેલી નજરે પ્રેમ થઈ ગયો હતો.

ગજેન્દ્ર નારાયણસિંહ અનુસાર, 'ઔરંગઝેબની જવાનીનો પ્રેમ' અને ઇતિહાસકાર જદુનાથ સરકાર અનુસાર, 'ઔરંગઝેબના એકમાત્ર પ્રેમનું નામ' હીરાબાઈ હતું. તે એક કાશ્મીરી હિન્દુ હતી, જેને એનાં માતા-પિતાએ બજારમાં વેચી દીધી હતી. તે ખાન-એ-ઝમાનને ત્યાં નાચ-ગાન કરતી હતી.

માસર-અલ-ઉમરામાં લખ્યું છે કે, ઔરંગઝેબે પોતાનાં માસીને ખૂબ જ પ્રાર્થના કરીને હીરાબાઈને મેળવી હતી. 'ઐકહામ-એ-આલમગીરી' અનુસાર, જ્યારે ઔરંગઝેબે પોતાના માસા પાસેથી હીરાબાઈ લેવાની ઇચ્છા કરી ત્યારે બદલામાં એમની પાસેથી ચિત્રાબાઈ માંગી લેવાઈ અને આ અદલાબદલી થઈ ગઈ.

જદુનાથ સરકારનું કહેવું છે કે હીરાબાઈને 'ઝૈનાબાદીમહલ' નામ અપાયું હતું, કેમ કે, સમ્રાટ અકબરના સમયથી જ એવો એક નિયમ હતો કે 'શાહી હરમ' (બાદશાહી મહિલાકક્ષ)ની મહિલાઓનાં નામોનો સાર્વજનિક રીતે ઉલ્લેખ ના કરવો અને એમને બીજા કોઈ નામે ઓળખવામાં આવે અથવા તો એમના જન્મસ્થાન કે એ શહેર કાં તો દેશના નામે જ્યાંથી તે 'શાહી હરમ'માં સામેલ થઈ હોય.

શાહજહાં સુધી પહોંચી વાત

તેથી જ્યારે ઝૈનાબાદથી હીરાબાઈ ઔરંગઝેબના મહિલાકક્ષમાં દાખલ થયાં ત્યારે એમને ઝૈનાબાદીમહલ કહેવામાં આવ્યાં. માસર-અલ-ઉમરા અનુસાર, "દુનિયાની ચિંતા રાખતા ના હોવા છતાં તેઓ એ સમયમાં પણ મશહૂર થઈ ગયાં હતાં. ઝૈનાબાદીના પ્રેમમાં તેઓ એટલા બેકાબૂ થઈ ગયા કે પોતાના હાથે શરાબનો પ્યાલો ભરી આપતા હતા અને મદ અને મસ્તીથી ભરેલી સુંદરતા જોતા હતા. કહેવાય છે કે એક દિવસ ઝૈનાબાદીએ પોતાના હાથે જામ (શરાબ) ભરીને ઔરંગઝેબને આપી દીધો અને જીદ કરી કે તે એને પોતાના હોઠે અડાડે."

શાહજાદાએ ખૂબ વિનંતી કરી કે મારા પ્રેમ અને દિલની પરીક્ષા આ જામ પીવાથી નક્કી ના કર. પરંતુ એને સહેજ પણ દયા ના આવી. લાચાર શાહજાદાએ નક્કી કર્યું કે જામ હોઠને અડાડી દે. પરંતુ જેવું એણે જોયું કે શાહજાદા લાચાર થઈને પીવા માટે તૈયાર થયા છે, તો એણે તરત જ જામને એમના હોઠ પાસેથી ખેંચી લીધો અને કહ્યું કે એનો હેતુ શરાબ પિવડાવવાનો નહોતો, બલકે પ્રેમની પરીક્ષા લેવાનો હતો.

સમાચારો શાહજહાં સુધી પહોંચવા લાગ્યા અને ઘટનાઓ નોંધનારા લોકોનાં એ વિશેનાં વિવરણ આવવા લાગ્યાં.

રામાનંદ ચેટર્જીએ લખ્યું છે કે, ઔરંગઝેબના મોટા ભાઈ દારા શિકોહે આ ઘટના પોતાના પિતાને જણાવી. કહેવાય છે કે એમણે ફરિયાદ કરી હતી કે 'આ પાખંડીની ધાર્મિકતા જુઓ, પોતાનાં માસીના ઘરની એક દાસી માટે બરબાદ થઈ રહ્યો છે.' ઝૈનાબાદી, લગભગ નવેમ્બર 1653માં એક મહિના માટે ઔરંગઝેબની સાથે દૌલતાબાદ ગયાં હતાં. 1654માં એમનું મૃત્યુ થયું.

મૌલાના આઝાદે લખ્યું છે કે, ઔરંગઝેબને ભારે આઘાત લાગ્યો. એ દિવસે એમણે શિકાર કરવા જવાનો આદેશ આપ્યો. એનીથી એમના નિકટના લોકોને આશ્ચર્ય થયું કે શોકની સ્થિતિમાં મનોરંજન અને શિકારનો કયો અવસર છે!

જ્યારે ઔરંગઝેબ શિકાર માટે મહેલથી નીકળ્યા ત્યારે મીર-એ-અસકર (સેનાપતિ) આકિલખાન રાઝીએ કહ્યું, "દુઃખની આ સ્થિતિમાં શિકાર કરવા બહાર જવું એમાં નક્કી કશું હિતકારી હશે જેને આપણે જોઈ નથી શકતા."

જવાબમાં ઔરંગઝેબે ફારસીમાં આ શેર કહ્યો, (અર્થ) ઘરમાં રોવા-કકળવાથી મારા દિલને શાંતિ ના મળી, જંગલમાં દિલ ખોલીને રોઈ શકાય છે.

એ સાંભળીને આકિલખાનના મોંએથી અનાયાસ એક શેર કહેવાયો, (અર્થ) પ્રેમ એટલો આસાન દેખાયો, પરંતુ અફસોસ કે એ કેટલો મુશ્કેલ હતો. જુદાઈ કેટલી અસહ્ય હતી, મહેબૂબે એને કેટલી આસાનીથી અપનાવી લીધી.

ઔરંગઝેબ ભાવુક થઈ ગયા. પૂછ્યું કે આ શેર કોનો છે? આકિલખાને કહ્યું કે આ એ વ્યક્તિનો શેર છે જે નથી ઇચ્છતો કે એની શાયરોમાં ગણતરી થાય. ઔરંગઝેબ સમજી ગયા કે આ શેર ખુદ આકિલખાનનો હતો. એમની ખૂબ પ્રશંસા કરી અને એ દિવસથી એમની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લીધી.

ઇટાલિયન પ્રવાસી અને લેખક નિકોલાઓ મનુચી (1639-1717)એ લખ્યું છે, "ઔરંગઝેબ થોડાક સમય માટે નમાજ પણ ભૂલી ગયા હતા અને એમના દિવસો સંગીત અને નૃત્યમાં પસાર થતા હતા. જ્યારે નર્તકીનું મૃત્યુ થયું તો ઔરંગઝેબે સોગંદ લીધા કે તેઓ ક્યારેય શરાબ નહીં પીએ અને ના તો સંગીત સાંભળશે."

"પછીના દિવસોમાં તેઓ અવારનવાર કહેતા હતા કે ખુદાએ એ નર્તકીનું જીવન સમાપ્ત કરીને એમના પર એક મોટો ઉપકાર કર્યો હતો, જેના કારણે એવી ઘણી બૂરાઈઓમાં ફસાઈ ગયા હતા જેનાથી એમની હકૂમત કરવાની શક્યતાઓ પર પણ જોખમ ઊભું થયું હતું."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો