સ્તનપાન ન કરાવનાર મહિલાને 'સમાજ ખરાબ માતા તરીકે કેમ ચીતરે' છે?

    • લેેખક, સ્વાતિ જોશી અને તઝીન પઠાણ
    • પદ, બીબીસી

29 વર્ષની વયે જ્યારે સોનાલી બંદોપાધ્યાય માતા બન્યાં ત્યારે તેઓ ખુશખુશાલ હતાં. એક વર્ષ બાદ તેઓ ફરી વખત માતા બન્યાં. આજે તેમનાં દીકરા અને દીકરીની ઉંમર અનુક્રમે સાત અને આઠ વર્ષ થઈ ચૂકી છે. પરંતુ અહીં નોંધનીય છે કે જ્યારે આ બંને બાળકોનો જન્મ થયો ત્યારે સોનાલીએ બંનેને સ્તનપાન ન કરાવવાનો નિર્ણય કર્યો હતો.

બંદોપાધ્યાય 19 વર્ષનાં હતાં ત્યારથી તેઓ સ્કીઝોફ્રેનિયા નામની માનસિક અવસ્થા માટે દવા લઈ રહ્યાં હતાં. પુત્રના જન્મ બાદ તેમણે તેમના મનોચિકિત્સકની સલાહ લીધી, જેણે તેમને બાળકને સ્તનપાન કરાવવાની સલાહ આપી હતી પરંતુ તેમણે સભાનપણે સ્તનપાન ન કરાવવાનો વિકલ્પ પસંદ કર્યો.

તેમણે બીબીસી સાથેની મુલાકાતમાં કહ્યું કે, "મારા લોહીમાં દવાનું પ્રમાણે એટલું વધારે છે કે હું તેની ઉપેક્ષા કરી શકું એમ નથી, તેથી મેં મારાં બાળકોને સ્તનપાન ન કરાવવાનો નિર્ણય કર્યો."

શરૂઆતનાં વર્ષોમાં જ્યારે લોકો તેમને કહેતા કે સ્તનપાન ન કરાવવાથી બાળકો સાથે તેમનો લાગણીનો તાંતણો ગાઢ રીતે નહીં બંધાય ત્યારે તેઓ અસલામતી અનુભવતાં.

તેમણે કહ્યું કે, "પરંતુ ખરેખર હવે જ્યારે તેઓ મોટાં થઈ ગયાં છે ત્યારે મને નથી લાગતું કે આ વાતમાં દમ હતો."

"મા એ મા, ભલે ગમે એ થાય." સ્તનપાનના ઘણા લાભ છે, પરંતુ તેમના કિસ્સામાં તેમને વિશ્વાસ છે કે આ નિર્ણય તેમનાં બાળકોના ભવિષ્ય માટે શ્રેષ્ઠ હતો.

નવાં-નવાં માતા બનેલાં મહિલાઓએ પોતાના સ્તનપાનના અનુભવ અને તેમના બાળકના કલ્યાણને લઈને અવારનવાર સવાલોનો સામનો કરવો પડે છે.

સામાન્ય રીતે જો નવી માતાનો જવાબ હકારાત્મક હોય તો તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે. અને જો કોઈ પણ સવાલનો જવાબ નકારાત્મક હોય તો તેમને શરમિંદગીનો અનુભવ થાય એવું વાતાવરણ તૈયાર થઈ જાય છે.

નોંધનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને યુનિસેફ બંને બાળક અને વાલીઓ માટે સ્તનપાન ફાયદાકારક હોવાનું જણાવે છે. બંને સંસ્થાઓ પ્રથમ છ માસ સુધી બાળકને માત્ર સ્તનપાન કરાવવાની સલાહ આપે છે. વર્ષ 2020ના નૅશનલ ફૅમિલી હેલ્થ સરવે ડેટા અનુસાર દેશમાં માત્ર 64 ટકા બાળકોને છ માસ સુધી માત્ર દૂધ પિવડાવાય છે. જ્યારે દર દસ નવજાત પૈકી માત્ર ચારને જન્મના એક કલાકની અંદર સ્તનપાન કરાવાય છે.

બાળકને જન્મ આપનારી મોટા ભાગની માતાઓ સ્તનપાન કરાવી શકે છે, પરંતુ આ હકીકત સાથે પણ કેટલાક વિરોધાભાસ સંકળાયેલા છે.

નવી દિલ્હી ખાતેના બીએલકે-મૅક્સ સેન્ટર ફૉર ચાઇલ્ડ હેલ્થનાં સિનિયર કન્સલ્ટન્ટ (આઇબીસીએલસી) ડૉ. સચી ખરે બાવેજાએ કેમ અમુક માતાઓ માટે જન્મના એક કલાકની અંદર અને બીજા દિવસે બાળકને સ્તનપાન કરાવવું શક્ય નથી હોતું એ અંગેનાં કેટલાંક કારણો નોંધ્યાં છે.

તેઓ જણાવે છે કે આ વાત ખાસ કરીને સી-સૅક્શન થકી જન્મેલાં બાળકો અને નીયોનૅટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં (એન-આઇસીયુ) રહેલા નવજાત માટે પ્રાસંગિક છે.

‘તેઓ તમને ખરાબ માતા તરીકે રજૂ કરવા લાગે છે’

અમુક માતાઓ જ્યારે બાળક પેદા થયા બાદ તરત સ્તનપાન નથી કરાવી શકતાં, તો સામેની બાજુએ એવા પણ કિસ્સા છે જેમાં અમુક સમય બાદ માતાઓ સ્તનપાન કરાવવાનું બંધ કરવાનો નિર્ણય કરે છે.

કસૌલીનાં ઉદ્યોગસાહસિક મીનાક્ષી નિગમ માટે સ્તનપાનનો અનુભવ શરૂઆતમાં અત્યંત સંતોષકારક લાગણી જન્માવનારો હતો. પરંતુ ચાર મહિના બાદ તેઓ સ્તનમાંથી દૂધનો સ્રાવ ઘટવાના પડકારનો સામનો કરવા માંડ્યા.

તેઓ કહે છે કે,"મારે પમ્પ કરવું પડતું અને ખૂબ મહેનત કરવી પડતી. અને આ મુશ્કેલી દિવસે ને દિવસે વધુ વિકટ બનતી જઈ રહી હતી."

"સ્રાવ સાવ ઘટી ગયો હતો, અને આટલા દૂધથી બાળકનું પેટ નહોતું ભરાતું."

કંઈક આવું જ મિશેલ મોરિસ સાથે પણ બન્યું હતું, તેઓ તેમના પ્રથમ બાળકને સ્તનપાન નહોતાં કરાવી શક્યાં, અને આ વાત તેમને અંદરથી કોરી ખાઈ રહી હતી.

તેઓ ઘણી વાર વિચારતાં – "શું હું નૉર્મલ છું?" જ્યારે તેઓ બીજી વખત માતા બન્યાં ત્યારે પણ કંઈક આવું જ થયું. જ્યારે અમે તેમને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, "આ બાબતનો ખુલાસો એ છે કે આનો કોઈ જવાબ નથી."

તેમના ગાયનેકૉલૉજિસ્ટે આ બાબતને લઈને કોઈ ચિંતા ન કરવા કહ્યું. જોકે, તેમના ત્રીજા બાળકને તેઓ એક મહિના સુધી સ્તનપાન કરાવી શક્યાં. તે બાદ ફરી એ જ સિલસિલો જોવા મળ્યો. તેમણે પમ્પિંગ કરવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ તેમાં ખૂબ મહેનત લાગવા માંડી. બાદમાં તેમણે આ બધું અટકાવી દેવાનું ઠરાવ્યું.

તેઓ જણાવે છે કે, "બાદમાં અમે રોજિંદા જીવનમાં જોતરાઈ ગયાં, અને પછી જીવન આગળ વધવા માંડ્યું."

બાળકો પણ સામાન્ય રીતે મોટાં થવા લાગ્યાં.

નિગમના કિસ્સામાં તેણે પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી અને સ્તનપાન બંધ કરાવી દેવાનું ઠરાવ્યું. તેમના પરિવારે તેમના આ નિર્ણયને ટેકો આપ્યો તો બીજી બાજુ બીજા લોકોએ તેમની આ પસંદગી અંગે ટિપ્પણી કરવાનું શરૂ કરી દીધું. લોકો કહેવા લાગ્યા કે આજકાલની પેઢીના લોકો મહેનત નથી કરવા માગતા, સરળ રસ્તો શોધે છે.

તેઓ કહે છે કે, "લોકો તમને ખરાબ મા તરીકે ચીતરવા લાગે છે." જોકે, તેઓ નક્કરપણે માને છે કે બાળક અંગેના નિર્ણય લેવા એ માતાનો અધિકાર છે.

સ્તનપાન કરાવવાની પ્રવૃત્તિ હાલના સમયમાં મુશ્કેલ થતી જઈ રહી છે કે કેમ તેમજ શું આ પેઢી આ પ્રવૃત્તિ તેમની સગવડ માટે ટાળે છે - એ વિચાર એક ગેરસમજ હોવાની વાતે ડૉ. બાવેજા સ્પષ્ટતા કરે છે.

તેઓ આ સ્થિતિને જીવનશૈલીમાં આવેલા બદલાવો જેમ કે શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને બેઠાડી નોકરી જેવી વાતોને શરીરસંરચના અને હોર્મોનના બદલાવો માટે જવાબદાર ગણાવે છે.

તેઓ સમજાવે છે કે, "આપણાં શરીર અને હોર્મોનમાં બદલાવ આવી રહ્યા છે અને પરિણામે આપણે જે રીતે બાળકને જન્મ આપી રહ્યા છીએ અને આપણી સ્તનપાન કરાવવાની ક્ષમતામાં પણ બદલાવ થઈ રહ્યા છે."

"આનો કોઈ સાચો કે ખોટો જવાબ નથી?"

37 વર્ષીય નેહાસિંઘ યાદવે જ્યારે 28 અઠવાડિયાંના ગર્ભધારણ બાદ બે પ્રિ-મૅચ્યોર જોડિયાં બાળકોને જન્મ આપ્યો એ બાદ કંઈક આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

બંને બાળકોને એક માસ સુધી એન-આઇસીયુમાં રાખવામાં આવ્યાં હતાં, જે દરમિયાન તેમનાં માતા તેમને સ્તનપાન નહોતાં કરાવી શક્યાં. બાદમાં બાળકો યોગ્ય રીતે સ્તનપાન ન કરી શકતાં હોઈ, દૂધનો સ્રાવ તેમના માટે એક ખૂબ મુશ્કેલીભરી અને પીડાદાયક પ્રક્રિયા બની ગઈ.

આના નિવારણ માટે યાદવ અને તેમના પરિવારજનો મધર્સ મિલ્ક બૅન્ક સાથે સંકળાય અને તેમણે ડૉક્ટરની સલાહ મુજબ પમ્પિંગ કરવાનું ચાલુ રાખ્યું.

ફિડિંગ માટેનો સમયગાળો ખૂબ થકવી દેનારો હતો, આના કારણે તેઓ ખૂબ ઓછા કલાકો સુધી સૂતાં.

તેઓ 24 કલાકમાંથી માત્ર ત્રણ-ચાર કલાક જ સૂઈ શકતાં, એ પણ 30-30 મિનિટના અંતરાલે.

આ પ્રકારના અતિશય તાણને કારણે તેમના શરીરમાં દૂધ પેદા થવાનું ઘટી ગયું, અને અંતે એવું બન્યું કે તેઓ તેમનાં બંને બાળકોને પહોંચી વળે એટલું દૂધ એકઠું નહોતાં કરી શકતાં.

આના કારણે તેમણે ખોટ પૂરવા માટે ફૉર્મ્યુલા મિલ્ક તરફ વળવું પડ્યું. "સમાજ જ્યારે માતૃત્વને લાગણીઓનાં પુષ્પોથી સજાવીને તેનું સુંદર ચિત્ર રજૂ કરે છે, હું પણ અન્યોની માફક દર્દનો અનુભવ કરી શકતી એક માણસમાત્ર છું એ સમજવું જરૂરી છે."

યાદવની માફક જ એવી ઘણી માતાઓ છે જેઓ સ્તનપાન ન કરાવવાને કારણે બાળક અને તેમના વચ્ચે લાગણીનો તાંતણો કદાચ ગાઢ રીતે નહીં બંધાય એ વિચારને લઈને મુશ્કેલી અનુભવે છે.

ડૉ. બાવેજા સામે આ પ્રકારના સવાલો રોજ આવે છે. તેઓ સમજાવે છે કે, "આનો કોઈ સાચો કે ખોટો જવાબ નથી. જો માતા અને બાળક એકબીજા સાથે ખુશ રહેતાં હોય તો સ્તનપાન કરાવાય છે કે નહીં એની કોઈ અસર થતી નથી."

સલાહ અનુસરીને મેહજ ખાન નામનાં માતાએ પોતાની પુત્રી સાથે રહીને પુસ્તક વાંચવાનો ધારો પાડ્યો.

તેઓ કહે છે કે, "જો તમે સ્તનપાન કરાવો તો ચોક્કસપણે માતા-બાળકનો સંબંધ વધુ ગાઢ બને છે, પરંતુ તમારે તમારા બાળક સાથેની લાગણી વધુ ગાઢ બનાવવા માટેના રસ્તા જાતે શોધવાના હોય છે. મેં શરૂઆતથી પુસ્તક વાંચવાનો ધારો પાડીને મારો માર્ગ શોધ્યો."

"કલાકો સુધી પમ્પિંગ કર્યા બાદ માત્ર અમુક મિલિલીટર દૂધ જ નીકળતું. મારા પાર્ટનરને ખબર હતી કે હું પ્રયાસ કરી રહી છું પરંતુ મને સફળતા નથી મળી રહી. તેમણે મારા વિશે ક્યારેય અભિપ્રાય ન બાંધ્યો."

આ બાબતમાં પરિવાર અને સમાજની ભૂમિકા અંગે વાત કરતાં ડૉ. બાવેજા કહે કે "દરેક માતા પાસેથી અપેક્ષા રખાય છે કે તે સ્તનપાન કરાવે, આ એક ફરજની માફક હોય છે. અને જો તેઓ એવું ન કરી શકો તો આમાં મહિલાની જ ભૂલ કાઢવામાં આવે છે."

"આ પ્રકારની વાતો નવાં નવાં માતા બનેલાં મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. આવાં માતાઓ વિશ્વાસ અને આત્મવિશ્વાસનો અભાવ મહેસૂસ કરવા લાગે છે અને વિચારે છે કે તેઓ ‘સૌથી સામાન્ય કુદરતી પ્રવૃત્તિ’ નથી કરી શકતાં."

તેઓ ઉમેરે છે કે, "સ્તનપાન એ માગ અને પુરવઠાની પ્રક્રિયા પર આધારિત પ્રવૃત્તિ છે. જો પ્રથમ દિવસથી જ બાળક યોગ્ય રીતે માતાનું દૂધ પીતું હોય તો સ્તનપાનનો સમગ્રલક્ષી અનુભવ આહ્લાદક રહે છે."

ડૉ. બાવેજા સલાહ આપતાં કહે છે કે દંપતીઓએ પોતાની જાતને સ્તનપાન અંગે શિક્ષિત કરવાં જોઈએ.

"તમારું બાળક જન્મે ત્યાં સુધી રાહ ન જુઓ, આવું કરવાથી, તમારા નવજાત માટે સ્તનપાન કુદરતી રીતે શરૂ કરવું એટલું સામાન્ય નથી એ સમજી શકશો."

ઇલસ્ટ્રેશન : લોકેશ શર્મા