You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધમાખીનો ગુંદર, ઝેર અને મોતી જેવાં કુદરતી તત્ત્વોથી મળે કોરિયનો જેવી ચમકદાર ત્વચા?
- લેેખક, મહાલક્ષ્મી ટી.
- પદ, બીબીસી સંવાદદાતા
ફૂડ, કપડાં, મીમ્સ, ગીતો કે ડાન્સ આ બધું જ સોશિયલ મીડિયામાં ઝડપથી ટ્રૅન્ડમાં આવી જાય છે.
હાલ યુવાઓમાં આવો જ એક ટ્રૅન્ડ લોકપ્રિય થયો છે. આ છે કોરિયન યુવતીઓ જેવી ચમકદાર ત્વચા અને વાળ મેળવવા માટેની ટિપ્સનો ટ્રેન્ડ.
કોરિયાના બીટીએસ, બ્લૅક પિન્ક પોપ બૅન્ડ્સ, કોરિયન ગીતો, કપડાં કે ડ્રામા તથા તેમાં કામ કરનારા કલાકારો પણ યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
કોરિયન લોકો જેવી ચમકતી સૌમ્ય ત્વચા મેળવવાની ઘેલછા પણ એટલી હદે વધી ગઈ છે કે લોકોએ કોરિયન લોકોનાં સૌંદર્ય પ્રસાધનો વાપરવાનું શરૂ કરી દીધું છે.
ઘણી ભારતીય મહિલાઓ ખાસ કરીને દક્ષિણ ભારતીય યુવતીઓ સોશિયલ મીડિયામાં એ ચર્ચા કરી રહી છે કે કોરિયન યુવતીઓની ત્વચા આટલી ચમકદાર કઈ રીતે હોય છે?
તો શું આપણે કોરિયન લોકો જે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરીને તેમના જેવી ચમકદાર ત્વચા મેળવી શકીએ?
તે ભારતના વાતાવરણમાં અનુકૂળ છે ખરાં? ડર્મેટોલૉજીસ્ટ (ચામડીના રોગ અને એ બાબતોના ડૉક્ટરો) આ વિશે શું કહે છે?
કોરિયન લોકોની ત્વચા આટલી ચમકદાર કેમ હોય છે?
કોરિયન લોકોની ત્વચા મોટા ભાગે ખીલ કે ડાઘા વગરની હોય છે. જો કે તેમની સુંદર ત્વચાનો આધાર ખોરાક, વાતાવરણ, ત્વચાની સારસંભાળ અને આનુવંશકિતા સહિતની અનેક બાબતો પર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપરાંત કોરિયનોની ત્વચા ઠંડા અને સૂકા વાતાવરણને પણ અનુકૂળ હોય છે. તેથી તેમની ત્વચાની સારસંભાળ માટે જે પ્રોડક્ટ્સ બનાવાય છે તે કોરિયનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ બનાવાય છે.
કોરિયનો તેમની ત્વચાની ખૂબ કાળજી લે છે એમાં બેમત નથી. મતલબ તેઓ તેમની ત્વચાની સંભાળ રાખવા રોજ 10 થી 20 રીતો અજમાવે છે. આ તેમની દિનચર્યાનો ભાગ છે. તેઓ રોજ ક્લિન્સિંગ, ટોનિંગ, ઍસેન્સ સ્પ્રે, સ્લીપિંગ માસ્ક વગેરેનો ઉપયોગ કરે છે.
આ સિવાય કુદરતી ઉપાયો પણ અજમાવતા રહે છે. તેઓ તરબૂચના લાલ ભાગ અને છાલ વચ્ચે જે સફેદ ભાગ હોય છે તેને તેઓ ચહેરા પર લગાવતા હોય છે.
કોરિયામાં માત્ર મહિલાઓ જ નહીં પણ પુરૂષો પણ ત્વચાની સંભાળ લે છે.
કોરિયન સૌંદર્ય પ્રસાધનોમાં શું-શું હોય છે? ભારતમાં જ નહીં અન્ય દેશોમાં કોરિયન લોકો જેવી ત્વચા મેળવવાની ઘેલછા વધી છે.
મોટાભાગના કોરિયન સૌંદર્ય પ્રસાધનોમાં કુદરતી તત્ત્વો હોય છે. જે ત્વચાને થયેલી હાનિની સારવારમાં, રક્ત પરિભ્રમણને સુધારવામાં, મૃત કોષોને પુનર્જીવિત કરવા અને ત્વચાની અન્ય બીમારીઓને દૂર કરવામાં અસરકારક હોવાનું કહેવાય છે.
કોરિયન સૌંદર્ય પ્રસાધનોમાં શું હોય છે?
કોરિયામાં સૌંદર્ય પ્રસાધનોમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ઘટકો વિશે જાણીએ.
ગોકળગાયનું પ્રવાહી
આજકાલ સૌંદર્ય પ્રસાધનો બનાવતી કંપનીઓ ગોકળગાયના પ્રવાહી પર આધારિત તેમનાં ઉત્પાદનો બનાવે છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે.
તેઓ માને છે કે ગોકળગાય જેનો સ્ત્રાવ કરે છે તે સ્નિગ્ધ, સ્પષ્ટ, પાતળું, ચીકણું પ્રવાહી ત્વચાને તેજસ્વી બનાવવામાં સહાય સાથે વૃદ્ધ થવાની પ્રક્રિયાને ધીમી કરે છે.
આ પ્રવાહીનો ઉપયોગ કોરિયામાં કોઈ પણ વયની વ્યક્તિ કરે છે.
મધમાખીનો ગુંદર
મધમાખીઓમાંથી મેળવેલા રેઝિન જેને અંગ્રેજીમાં પ્રોપોલિસ કહે છે તે એક પરાગ છે જે એ ઍન્ટી -બૅક્ટેરિયલ અને ઍન્ટી-ઇનફ્લેમેટરી (બળતરાને ઘટાડતો) પદાર્થ છે. તે તેની ઍન્ટી-રિંકલ (કરચલીઓ રોધી લાક્ષણિકતાઓ) સાથે વારંવાર ખીલ થતી ત્વચાને જે નુકસાન થતું હોય તેની સારવારમાં મદદ કરે છે. તેમાં રહેલા ભરપૂર ઍન્ટી-ઑકિસડન્ટ્સને કારણે પ્રોપોલિસ ત્વચાના નુકસાનને નિયંત્રિત કરે છે.
આવો પાઉડર ત્વચાને ચમક આપે છે. કોરિયામાં લોકો માને છે કે, નિયમિતપણે તેનો ઉપયોગ કરવાથી ત્વચાના મૃત કોષો દૂર થાય છે અને ત્વચા તરોતાજા એટલે કે યુવા દેખાય છે.
મોતી
કોરિયન સૌંદર્ય ઉત્પાદનોમાં મોતી લાંબા સમયથી એક મહત્ત્વપૂર્ણ ઘટક રહ્યું છે.
મોતી ખીલ દૂર કરવામાં ઉપયોગી હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે તે ચહેરા પરના વિસ્તૃત છિદ્રોને ઘટાડે છે અને ત્વચાના વૃદ્ધત્વને અટકાવે છે.
મધમાખીનું ઝેર
મધમાખીનું ઝેર ઍસિડિક પ્રકૃતિનું હોય છે. જ્યારે મધમાખીને ખતરો હોય ત્યારે મધમાખીઓ તેનો સ્ત્રાવ કરે છે. ઘણી સૌંદય પ્રસાધનો બનાવતી કંપનીઓ સીરમ અને મૉઇશ્ચરાઇઝર જેવાં ઉત્પાદનોમાં મધમાખીના ઝેરનો ઉપયોગ કરે છે.
આ ઘટકો ત્વચાના સ્વાસ્થ્યને સુધારે છે. તેમાં બળતરાવિરોધી ગુણધર્મો છે. તે ઍન્ટી-બૅક્ટેરિયલ અસર પૂરી પાડે છે, કરચલીઓ ઘટાડે છે.
એ જ રીતે, કોરિયન બ્યુટી પ્રોડક્ટ્સમાં વાંસ, યુસા(એક પ્રકારનું ફળ), સેંટેલા એશિયાટિકા, બર્ચ સૅપ જેવા ઘણાં ઘટકોનો ઉપયોગ થાય છે.
કોરિયન બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી મહિલાઓ શું કહે છે?
કોઈમ્બતુર સ્થિત મૉડલ અને સોશિયલ મીડિયા પર બ્યુટી બ્લૉગર સૌંદર્યાએ જણાવ્યું,"હું બે વર્ષથી કોરિયન બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરું છું. ઑનલાઇન ખરીદી થાય છે. આ છૂટક દુકાનો બેંગ્લુરુમાં આવેલી છે. હું પણ ત્યાં જઈને ખરીદી કરીશ. અત્યાર સુધી ત્વચાની કોઈ સમસ્યા સામે આવી નથી. ઉપરાંત, ત્વચામાં કોઈ મોટો ફેરફાર થયો નથી."
ચેન્નાઈમાં કૉલેજ સ્ટુડન્ટ ક્રિષ્ના પ્રિયા કહે છે કે, "જો કોરિયન બ્યુટી પ્રૉડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે તો અપેક્ષા મુજબનો કોઈ ફેર થતો નથી.
ક્રિષ્ના પ્રિયા વધુમાં કહે છે, "હું વર્ષોથી કોરિયન સિરિયલ- સિરીઝ જોઈ રહી છું. ત્યારથી, ત્વચાની ગુણવત્તામાં મારો રસ વધ્યો છે. સોશિયલ મીડિયા થકી કોરિયન બ્યુટી પ્રૉડક્ટ્સની માહિતી સામે આવી."
"તરત જ ઑનલાઇન સિરમ ખરીદ્યું અને તેનો ઉપયોગ કર્યો. વેબસાઇટે કહ્યું હતું કે, તે મિરર સ્કિન છે. જો કે, તે અપેક્ષા મુજબ કામ નથી કરી શક્યું."
અન્ય વિદ્યાર્થી હર્ષિનીએ કહ્યું, "મેં 1,500 રૂપિયામાં ઑનલાઇન કોરિયન ફેસ વૉશ ખરીદ્યું હતું. પરંતુ, તેનાથી અપેક્ષિત પરિણામો નથી મળ્યાં. તેથી જ મેં તેને ફરીથી ખરીદ્યું નથી."
ત્વચારોગ નિષ્ણાતો શું કહે છે?
કૉસ્મેટોલૉજિસ્ટ અને ત્વચારોગ નિષ્ણાત કાર્તિકા કહે છે, "કોરિયન લોકો તેમની ત્વચા પર ઘણું ધ્યાન આપે છે. જો કે, તે દેશની સરખામણીમાં ભારતીય ત્વચા અને આબોહવા અલગ છે."
"યુવાનો મોટાભાગે કોરિયન નાટકો જે કે-ડ્રામા તરીકે ઓળખાય છે તે જોતા હોય છે. તેઓ ઇચ્છે છે કે તેમના ચહેરા એ પાત્રોની જેમ ચમકે. પરંતુ, આબોહવા દરેક દેશમાં અલગ હોય છે. કોરિયામાં શુષ્ક આબોહવા છે. જેથી ત્યાં રહેતા લોકોની ત્વચા ભેજથી વંચિત રહે છે."
"ભારતીય આબોહવા ઉનાળા, ચોમાસા અને શિયાળામાં ભિન્ન-ભિન્ન હોય છે. તેથી જ ગરમી, ધૂળ, પ્રદૂષણ વગેરે ઋતુઓ સાથે બદલાય છે તેથી ત્વચામાં પરિવર્તન આવે છે. જ્યારે કોરોના આવ્યો ત્યારે જ આપણે માસ્કનો ઉપયોગ કર્યો હતો. પરંતુ કોરિયન લોકો વર્ષોથી તેમના ચહેરાને પ્રદૂષણ અને ધૂળથી બચાવવા માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત, તેઓ તેમની ત્વચાને સુરક્ષિત રાખવા રોજ 10 થી 20 ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. ભારતીયોમાં આવી આદત નથી."
તેઓ એવું પણ સૂચન કરે છે કે, ઑનલાઇન રિવ્યૂ વાંચવાના બદલે બ્યુટી પ્રોડક્ટ્સ આપણા શરીર માટે શું કરે છે તે જાણીને તેને ખરીદવી વધુ યોગ્ય છે.
કાર્તિકા કહે છે, “તમારી ત્વચા પર કોઈપણ બ્યુટી પ્રૉડક્ટનો ઉપયોગ કરતાં પહેલા ત્વચારોગ નિષ્ણાતની સલાહ લો. કારણ કે એ જાણવું જરૂરી હોય છે કે તે ઘટકો આપણી ત્વચા માટે યોગ્ય છે કે કેમ?"
તંદુરસ્ત આહાર એ સ્વસ્થ ત્વચાનું પહેલું સોપાન છે. ડૉ. કાર્તિકાએ કહ્યું કે, યોગ્ય માત્રામાં પાણી પીવા સાથે ફળો અને શાકભાજી ખાવાથી ત્વચા સ્વસ્થ રહે છે.