આપણે જે ખાઈએ તેની આપણા માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે?

આપણે એ વાત તો જાણીએ છીએ કે આપણે જે ભોજન લઈએ છીએ તેનાથી આપણા શરીરની માંસપેશીઓ અને ત્વચાને પોષણ મળે છે.

પરંતુ મગજ પર તેની કેવી અસર થાય છે?

તાજેતરમાં આ પ્રશ્નનો જવાબ શોધવા માટે ઘણાં સંશોધન થયાં છે, જેના પરથી ખબર પડી છે કે આપણા પેટમાં જે કંઈ પણ જાય છે તેનો સીધો સંબંધ આપણા મગજમાં ચાલી રહેલી પ્રવૃત્તિ સાથે છે.

આ અહેવાલમાં આપણે પેટની પ્રવૃત્તિઓ અને તેના અન્ય અંગો સાથેના સંબંધો વિશે જાણીશું.

ભોજન કેવી રીતે પચે છે?

ખરેખર પેટ એટલે શું? હ્યુસ્ટનની બૅલર મેડિકલ કૉલેજમાં ગૅસ્ટ્રોએન્ટેરોલૉજીના પ્રોફેસર જૉફ પ્રેડિસ કહે છે કે મોંથી લઈને ગુદા વચ્ચેના તમામ અવયવ એ પેટનો ભાગ છે જે પાચનક્રિયામાં ભૂમિકા ભજવે છે.

તેમાં યકૃત અને સ્વાદુપિંડ પણ સામેલ છે. સામાન્ય રીતે એ ઘણા મીટર લાંબું ‘પાઇપ પેટ’ કહેવાય છે.

જૉફ પ્રેડિસ કહે છે કે, “આંતરડાંનો દરેક ભાગ પાચનક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પેટ એસિડની મદદથી અન્નને પીસવાનું કામ કરે છે અને પછી તેને નાના આંતરડામાં પહોંચાડાય છે જ્યાં ભોજનમાંનાં પોષકતત્ત્વોના પાચનની ક્રિયા થાય છે.”

જે કાંઈ પણ ત્યાં ન પચે તેને મોટા આંતરડામાં પહોંચાડાય છે જ્યાં બાકી રહેલી વસ્તુઓ અને પાણીને પચાવવાનું કામ થાય છે.

ત્યારબાદ શરીરમાં જે કંઈ પણ બચે છે તેને મળ સ્વરૂપે બહાર કાઢી દેવાય છે.

જૉફ પ્રેડિસે કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયામાં અન્નને પીસીને પચાવવા માટે ગૅસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રૅકની માંસપેશીઓ અને નસો સાથે મળીને કામ કરે છે.

પેટનું કામ માત્ર ભોજન પચાવવાનું જ નથી હોતું બલકે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું પણ હોય છે.

પેટ એ વાત સુનિશ્ચિત કરે છે કે શરીર માટે નુકસાનદાયક સાબિત થઈ શકે તેવા ભોજનનાં વણજોઈતાં તત્ત્વો શરીરના અન્ય ભાગો સુધી ન પહોંચે.

જૉફ પ્રેડિસ કહે છે કે, “અમુક બૅક્ટેરિયા બીમારી ફેલાવી શકે છે. કેટલાક લોકોના પેટની દીવાલ કમજોર હોવાને કારણે સૂક્ષ્મજીવાણુઓ કે જીવાણુ પેટમાંથી લીક થઈને બીજા ભાગોમાં ફેલાઈ શકે છે, જેનાથી લોકો બીમાર થઈ શકે છે.”

એટલે કે આપણું પેટ શરીરનું એક અતિ મહત્ત્વપૂર્ણ રક્ષણતંત્ર પણ છે.

જૉફ પ્રેડિસ અનુસાર, “આપણું પેટ એ એક શક્તિશાળી રોગપ્રતિકારક તંત્ર પણ છે. આ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે આપણા આહાર થકી ઘણા પ્રકારના બૅક્ટેરિયા અને વાઇરસ પેટમાં પહોંચે છે.”

“જો એ ગૅસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રૅકમાંથી નીકળીને શરીરના અન્ય ભાગોમાં જતા રહે તો ઘણું નુકસાન થઈ શકે છે. આમ, પેટ આપણા રોગપ્રતિકારક તંત્રનો પ્રથમ મોરચો હોય છે. પરંતુ જો આપણું પેટ જરૂરિયાત કરતાં વધુ સક્રિય હોય તો તેના પર સોજો ચડી જાય છે.”

તેઓ કહે છે કે આનાથી ક્રૉન્સ ડિસીઝ અને અલ્સરેટિવ કૉલાઇટિસ જેવી બીમારીઓ થાય છે જેનાથી આંતરડામાં ફોલ્લીઓ પડે છે અને ગુદામાં સોજો પેદા થાય છે.

જૉફ પ્રેડિસ પ્રમાણે, પેટની આસપાસ ફેલાયેલી નસોનો મસ્તિષ્ક સાથે સંબંધ હોય છે અને બંને વચ્ચે સિગ્નલનું આદાન-પ્રદાન થાય છે.

જો પેટમાં કોઈ તકલીફ હોય તો મગજને તેની ખબર પડી જાય છે.

તાજેતરનાં સંશોધનોથી ખબર પડે છે કે આ સંપર્ક, જેટલો આપણે અગાઉ સમજતા તેના કરતાં ખૂબ ગાઢ હોય છે.

વેગસ નર્વ

જેન ફૉસ્ટર ન્યૂરો સાયન્ટિસ્ટ છે જેઓ ટેક્સાસ યુનિવર્સિટીના સાઉથ વેસ્ટર્ન મેડિકલ સેન્ટરમાં મનોવિજ્ઞાનમાં પ્રોફેસર છે.

બીબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે આપણા શરીરમાં હાજર વેગસ નર્વ (નસ) મગજને પેટ સાથે જોડતી સૌથી લાંબી નસ છે.

“વેગસ નસ પેટ અને તેની આસપાસના અવયવોની માંસપેશીઓ સાથે જોડાયેલી હોય છે. એ એક દ્વિમુખી નસ હોય છે જે મગજથી સિગ્નલને પેટ સુધી પહોંચાડે છે અને પેટથી મગજ સુધી સિગ્નલ મોકલે છે. એટલે કે પેટથી મળતા સિગ્નલ અનુસાર મગજ હરકત કરે છે.”

વેગસ નસ મગજ અને પેટ વચ્ચે રહેલા સિગ્નલના આદાનપ્રદાન માટેનો સુપર હાઇવે છે.

દસ વર્ષ પહેલાં કૅલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કરેલો જેના પરથી ખબર પડી હતી પેટની સ્થિતિની આપણા મગજ પર ઘેરી અસર પડે છે.

આ પ્રયોગ દરમિયાન મહિલાઓના એક જૂથને અમુક અઠવાડિયાં સુધી ફર્મેન્ટેડ (ઉકાળેલું) દૂધ અપાયું અને બીજા સમૂહને સામાન્ય દૂધ અપાયું.

વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે જે સમૂહે ફર્મેન્ટેડ દૂધ પીધું હતું, તેમના મગજની પ્રવૃત્તિઓ પાચન દરમિયાન સારી થઈ ગઈ. ખાસ કરીને એ ભાગની જે આપણી સંવેદનાઓને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેનો અર્થ છે કે આપણા પેટમાં હાજર બૅક્ટેરિયા કે સૂક્ષ્મજીવાણુઓ આપણા મગજની પ્રવૃત્તિને પ્રભાવિત કરે છે.

જેન ફૉસ્ટરે કહ્યું કે, “વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે મહિલાઓના જે જૂથે ચાર અઠવાડિયાં સુધી ફર્મેન્ટેડ દૂધ પીધું હતું કે જેમાં પ્રોબાયૉટિક્સ હતા, તેમના મગજની સંવેદનાત્મક પ્રવૃત્તિઓમાં બદલાવ જોવા મળ્યા. આના કારણે એક નવી શોધના દરવાજા ખૂલી ગયા.”

“હવે એ વાતની ખબર પડી શકે છે કે શું પેટમાં રહેલા સૂક્ષ્મજીવાણુઓથી આપણે માનસિક બીમારીઓનો ઇલાજ કરી શકીએ ખરા? મનોવિજ્ઞાનના ક્ષેત્રે આની મોટી ભૂમિકા હોઈ શકે છે.”

આપણે એ વાત તો પહેલાંથી જાણતા હતા કે મગજના તણાવને કારણે પેટમાં તકલીફ સર્જાઈ શકે છે પરંતુ અત્યાર સુધી એ નહોતી ખબર કે પેટમાં રહેલા બૅક્ટેરિયા મગજનો તણાવ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે.

જેન એક ખાસ પ્રકારના બૅક્ટેરિયા પર સંશોધન કરી રહ્યાં છે જેનો સંબંધ મગજમાં ચિંતા કે તણાવ સાથે હોઈ શકે.

તેમણે કહ્યું, “હાલમાં અમે અવસાદગ્રસ્ત એટલે કે ડિપ્રેસ્ડ લોકોના અભ્યાસમાં જાણ્યું કે કેટલાક બૅક્ટેરિયા એવા પણ હોય છે જે અવસાદ કે ચિંતાને ઘટાડવામાં મદદ કરે છે. આપણે અવસાદગ્રસ્ત લોકોમાં ચિંતાનું કારણ આ બૅક્ટેરિયા કે અન્ય કોઈ બાબત છે એ અંગે પણ નક્કર માહિતી મેળવી શકીએ.”

અવસાદગ્રસ્ત લોકોમાં વ્યાકુળતાનું કારણ શોધવાનું કામ જટિલ છે. પરંતુ અહીં અમને આ પુરાવો મળ્યો છે, જેનાથી આપણને એ વાતની ખબર પડી શકે છે કે શું અમુક બૅક્ટેરિયા કે સૂક્ષ્મ જીવાણુઓની ગેરહાજરીના કારણે વ્યાકુળતામાં વધારો થઈ રહ્યો છે કે કેમ? અને જો એવું હોય તો શું એ સૂક્ષ્મ જીવાણુઓના સેવનથી સમસ્યાનું સમાધાન મળી શકે ખરું?

આ અંગે જેન ફૉસ્ટર કહે છે કે, “શક્ય છે કે ડિપ્રેશનથી પીડાઈ રહેલા અમુક લોકોમાં આ બૅક્ટેરિયાની કમીના કારણે ડિપ્રેશનમાં વધારો થઈ રહ્યો હોય. પરંતુ અમને અમારા સંશોધન પરથી જાણવા મળ્યું છે કે એવા ઘણા બૅક્ટેરિયા માત્ર ભોજનથી આપણા શરીરમાં આવે છે એવું નથી હોતું, પરંતુ એ આપણા ડીએનએના કારણેય આપણા શરીરમાં પેદા થાય છે.”

આપણે હજુ સુધી સંપૂર્ણપણે એ વાત નથી સમજી શક્યા કે આપણા પેટમાં હાજર બૅક્ટેરિયાનો સંબંધ આપણા રંગસૂત્રો સાથે છે કે ખાનપાન અને જીવનશૈલી સાથે.

જોકે, લગભગ બધા એ વાતે સહમત છે કે સંતુલિત આહાર અને કસરતથી પેટ અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. પરંતુ આ બૅક્ટેરિયાની મદદથી ઘણા પ્રકારના ડિપ્રેશનના શિકાર લોકોની મદદ કરી શકાય છે, એ અંગે હાલ પૂરતી જાણકારી મોજૂદ નથી.

‘ગટ ફીલિંગ’

સમગ્ર વિશ્વમાં દર વર્ષે પાચનક્ષમતાને સુધારવા માટે ઉપયોગમાં લેવાતા ફૂડ સપ્લીમૅન્ટ પર લગભગ 50 અબજ ડૉલરનો ખર્ચ થાય છે.

લગભગ આટલાં જ નાણાં દર વર્ષે ચૉકલેટ પર ખર્ચ કરાય છે.

નેધરલૅન્ડ્સમાં નીઝો ફૂડ રિસર્ચ કંપનીના બિઝનેસ ડેવલપમૅન્ટ મૅનેજર માર્ટિન હેમ કહે છે કે ઘણા લોકોને પાચનસંબંધી કોઈ સમસ્યા નથી હોતી તેમ છતાં તેઓ સપ્લીમૅન્ટ લે છે, કારણ કે પોતાનું સ્વાસ્થ્ય જાળવવાનું સુનિશ્ચિત કરવા માગે છે.

માર્ટિન હેમે બીબીસી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે સપ્લીમૅન્ટ બે પ્રકારનાં હોય છે. પ્રોબાયૉટિક્સ – જેમાં એ જ પ્રકારના બૅક્ટેરિયા હોય છે જે આપણા પેટમાં હોય છે. અને બીજા પ્રીબાયૉટિક જેમાં એવા ફાઇબર હોય છે જે આપણાં આંતરડાંમાં સૂક્ષ્મ જીવાણુઓનું પોષણ કરે છે. પરંતુ આ સપ્લીમેન્ટ ત્યાં સુધી જ પ્રભાવી હોય છે કે જ્યાં સુધી તે મોટા આંતરડાં સુધી પહોંચી જાય.

મોટા આંતરડાંમાં પહોંચતા પહેલા તેમને નાનાં આંતરડાંમાંથી પસાર થવું પડે છે જેની લંબાઈ આપણા શરીર કરતાં ત્રણ ગણી હોય છે. આ સપ્લીમૅન્ટને લાંબી મુસાફરી કરવી પડે છે. તો જ તે અસરકારક બની શકે છે.

માર્ટિન કહે છે, “પેટ એ પાચન પ્રક્રિયાનું પ્રથમ સ્ટૉપ છે અને ઘણા જીવાણુઓ આંતરડાની અંદર ટકી શકતા નથી. એવું પણ જાણવા મળ્યું છે કે નાના આંતરડામાં સૂક્ષ્મ જીવાણુઓ પણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.”

પ્રશ્ન એ છે કે જો આ જીવાણુઓ પેટમાં ખોરાક પીસાવાને કારણે ભાગી જાય છે અને નાના આંતરડામાંથી પસાર થઈને મોટા આંતરડા એટલે કે કૉલોન સુધી પહોંચે છે, તો પણ શું તેઓ અસરકારક રહે છે?

જવાબમાં, માર્ટિન હેમે કહ્યું કે, “આ એક જટિલ વિષય છે. પરંતુ અમે પ્રૉબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સના ફાયદાઓ પર ઘણું સંશોધન કર્યું છે અને સાબિત કર્યું છે કે તેઓ સારા બૅક્ટેરિયાની સંખ્યામાં વધારો કરે છે અને કેટલાક હાનિકારક બૅક્ટેરિયા ઘટાડે છે.”

જો લોકોને લાગે કે તેમનું પાચન સારું નથી અને તેમણે પ્રોબાયોટિક અથવા પ્રીબાયોટિક સપ્લીમૅન્ટ લેવું જોઈએ, તો આ પસંદગી તેમણે કેવી રીતે કરવી જોઈએ એ સવાલ પેદા થાય છે.

માર્ટિન હેમના જણાવ્યા મુજબ, પેટમાં ઘણા પ્રૉબાયોટિક્સ નાશ પામે છે. તેથી, તમારે એ શોધવું જોઈએ કે તમે જે પ્રૉબાયોટિકનું સેવન કરવા માગો છો તેના સૂક્ષ્મ જીવાણુઓ આંતરડામાં ટકી શકશે કે નહીં. એવું નથી કે તમે કોઈ પણ પ્રૉબાયોટિક ખરીદી લો. તેના ફાયદા માટે કોઈ વૈજ્ઞાનિક આધાર છે કે નહીં તે પણ તમારે શોધવું જોઈએ.

જો આપણે આપણા જનીનોને બદલી શકીએ નહીં અને સપ્લીમૅન્ટના લેબલોની જટિલતાઓને દૂર કરી શકતા નથી, તો આપણી પાસે એકમાત્ર બીજો વિકલ્પ એ જ છે કે આપણે આપણી જીવનશૈલી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ.

માત્ર તમે નહીં સૂક્ષ્મ જીવાણુઓ પણ જમે છે

યોગ્ય આહાર વિશે વધુ જાણવા માટે, અમે શિકાગોની લૉયોલા યુનિવર્સિટીમાં માઇક્રોબાયૉલૉજી અને ઇમ્યુનોલૉજીના પ્રોફેસર ગેલ હૅક્ટ સાથે વાત કરી.

તેઓ પેટના રોગોનું કારણ બને તેવા પૅથોજેન્સના નિષ્ણાત છે. તેઓ કહે છે કે પેટને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારના બૅક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુઓની જરૂર હોય છે.

"પેટમાં રહેલા બૅક્ટેરિયા વિશે ઘણીવાર વાત કરવામાં આવે છે, પરંતુ ત્યાં ઘણા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ છે જે એકલા કામ કરતા નથી પરંતુ સાથે મળીને કામ કરે છે. તેઓ આપણને સ્વસ્થ રાખવામાં ભૂમિકા ભજવે છે. તેમના વગર મનુષ્યો જીવી શકશે નહીં.”

મતલબ કે પેટની સંભાળ રાખવા માટે શું ત્યાં હાજર સૂક્ષ્મ જીવાણુઓનું ધ્યાન રાખવું જરૂરી છે?

ગેલે કહ્યું, “આપણે સ્વસ્થ રહેવા માટે આ બૅક્ટેરિયા અને જીવાણુઓ પર આધાર રાખીએ છીએ. તેમને ઉછેરવાની જવાબદારી આપણી છે. આ જીવાણુઓ શું ખાય છે? તેઓ આપણા આહારમાંથી બચેલું ખાય છે. ઉદાહરણ તરીકે, આપણે કઠોળ અથવા અન્ય શાકભાજી ખાઈએ છીએ જેમાં ફાઈબર હોય છે.”

“જ્યારે આ ફાઇબર સંપૂર્ણ રીતે પચતું નથી, ત્યારે તે કૉલોન સુધી પહોંચે છે જ્યાં બૅક્ટેરિયા રહે છે જે તે ફાઈબર પર નિર્ભર છે. આની એક ખરાબ અસર એ છે કે તેનાથી ગૅસ ઉત્પન્ન થાય છે. પરંતુ હું માનું છું કે આ ખરેખર એક સારો સંકેત છે કે આ બૅક્ટેરિયા વધી રહ્યા છે અને યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે.”

પણ જ્યારે આપણે પ્રૉસેસ્ડ ફૂડ ખાઇએ છીએ ત્યારે કેમ આવું નથી થતું?

ગેલ હેક્ટના જણાવ્યા અનુસાર, “પ્રૉસેસ્ડ ફૂડના વપરાશને કારણે આવું થતું નથી કારણ કે તેમાં ખૂબ જ ઓછા ફાઈબર હોય છે. તેમાં ખાંડ હોય છે જે આપણે તરત જ પચાવી જઈએ છીએ અને જીવાણુઓ માટે કંઈ જ બાકી રહેતું નથી.”

“પ્રોટીન અને ગ્લુકોઝથી ભરપૂર ખોરાક આપણા સ્નાયુઓને પોષણ આપે છે, પરંતુ ખાતી વખતે આપણે ફક્ત આપણા શરીરનું જ નહીં, પણ પેટમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓના પોષણનું પણ ધ્યાન રાખવું જોઈએ."