You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ શિક્ષિકા જે માત્ર બે વિદ્યાર્થીને ભણાવવા 100 કિમીનું અપડાઉન કરે છે
- લેેખક, ફેલિપ લમ્બિઆસ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
રૂટ નંબર 56 શરૂ થાય છે તે રસ્તાના કિનારે તેઓ ઊભાં છે. વાહનમાં લિફ્ટ લેવા માટે જમણો હાથ લંબાવે છે. તેઓ શિક્ષિકા છે એવું લોકો જાણી શકે એટલા માટે તેમણે સફેદ કોટ પહેર્યો છે.
શિયાળાની ઠંડી સવારના આઠ વાગ્યા છે અને 29 વર્ષનાં મારિયા ડોમિંગ્યુઝ મોન્ટેવિડીયોની ઉત્તરે 90 કિલોમીટરના અંતરે આવેલા નાના ગામ ફ્લોરિડાના દરવાજે ઊભાં છે. કોઈ ડ્રાઇવર વાહન રોકે અને તેમને સાથે લઈ જાય તે માટે મારિયા પ્રયાસ કરી રહ્યાં છે.
તેમણે તેમના ઘરથી 108 કિલોમીટર દૂર આવેલા ઉગુગ્વેન ઍજ્યુકેશન સેન્ટરમાં માત્ર બે બાળકો, ચાર વર્ષની જુલિયાના અને નવ વર્ષના બેન્જામિનને ભણાવવા દસ વાગ્યા પહેલાં પહોંચવાનું હોય છે.
મારિયા કહે છે, “એ બન્ને તે વિસ્તારમાં રહેતા અને ખેતરમાં કામ કરતા પરિવારનાં સંતાન છે.”
મારિયા પાસે ત્યાં પહોંચવા માટે આ રીતે પ્રવાસ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મારિયા પાસે કાર નથી અને કાર હોય તો પણ રોજ આટલો લાંબો પ્રવાસ કરવા માટે જેટલું પેટ્રોલ જોઈએ તે ખરીદવાનું તેમને પોસાય તેમ નથી.
તેમની પાસે મોટરસાઇકલ જરૂર છે, પરંતુ મોટરસાઇકલ પર ત્યાં પહોંચવું અશક્ય છે. મારિયા કહે છે, “હું એવું ક્યારેય નહીં કરું. બહુ લાંબો પ્રવાસ છે અને પ્રથમ પ્રવાસમાં જ મોટરસાઇકલની હાલત ખરાબ થઈ ગઈ હતી. એ ઉપરાંત એ રસ્તો પણ સારો નથી.”
તેમના જણાવ્યા મુજબ, આ રૂટ પર મોટાં વાહનોનો નોંધપાત્ર ટ્રાફિક હોય છે. તેથી ટુ વ્હીલર પર 100 કિલોમીટર જવાનું અને 100 કિલોમીટર પાછા આવવાનું જોખમી છે.
સમસ્યાનો અહીં જ અંત આવતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાહેર પરિવહન મારફત ત્યાં પહોંચવું હોય તો બે બસ બદલવી પડે છે. પહેલી બસ ફ્લોરિડાથી સવારે સવા છ વાગ્યે રવાના થાય છે અને બીજી નવ વાગ્યે, એમ જણાવતાં મારિયા ઉમેરે છે, “નવ વાગ્યાની બસ સમયસર રવાના થતી નથી. નસીબ સારું હોય તો સાડા નવે ઊપડે. તેથી હું સમયસર સ્કૂલે પહોંચી શકતી નથી.”
ઘરે પરત ફરવા માટે એક જ બસ મળે છે. તે સૂર્યાસ્ત થાય ત્યારે જ શાળા નજીકના રૂટ પરથી પસાર થાય છે. પછી છેક બીજા દિવસે બસ મળે છે.
ચાર તબક્કામાં પ્રવાસ
મારિયા ઘરેથી મોટરસાઇકલ પર પ્રવાસના પ્રારંભિક સ્થળ પર આવે છે અને મોટરસાઇકલ એક સર્વિસ સ્ટેશન પાસે પાર્ક કરે છે. ક્યારેક ચાવી પણ મોટરસાઇકલમાં રહી જાય છે, પરંતુ મારિયાને ખબર હોય છે કે તેઓ પાછાં ફરશે ત્યારે પણ મોટરસાઇકલ ત્યાં જ હશે.
તેઓ જે મોટરસાઇકલ વાપરે છે એ તેમની પોતાની નહીં, પરંતુ તેમના પાર્ટનરની છે. પાર્ટનર તે મોટરસાઇકલ વાપરતા નથી તેથી મારિયા તેમના લાંબા પ્રવાસના પહેલા તબક્કા માટે તેનો ઉપયોગ કરે છે.
પ્રારંભિક સ્થળે પહોંચ્યા પછી મારિયા નજીકની એક અન્ય ગ્રામીણ શાળામાં કામ કરતા નોએલિયાની રાહ જુએ છે. કોઈ વાહન મળે પછી તેઓ પૂર્વમાં 31 કિલોમીટર પ્રવાસ કરે છે.
મારિયા કહે છે, “સૌથી વધુ ટ્રક ડ્રાઇવરો જ અમને લિફ્ટ આપે છે.”
ઘણી વાર ખેતરમાં કામ કરતા લોકો તેમને ઉપયોગી થાય છે. તેમાં મોટા ભાગના પુરુષો હોય છે.
પ્રથમ તબક્કાના પ્રવાસ પછી તેઓ સાન ગેબ્રિયલના એક પેરાડોર પર ઊતરે છે. તે 172 લોકોની વસ્તીવાળું ગામ છે. ત્યાંથી એક રસ્તો દેશના દક્ષિણથી ઉત્તર તરફ જાય છે.
એ પછી આગળ વધવા તેઓ ફરી વાર વાહનની પ્રતીક્ષા કરે છે. મારિયાએ આગળ 63 કિલોમીટરનો પ્રવાસ કરવાનો હોય છે, જ્યારે નોએલિયા થોડા આગળ ઊતરી જાય છે.
મારિયાના જણાવ્યા મુજબ, કેટલાક ડ્રાઇવર લાંબો માર્ગ લે છે અથવા તેમનો પ્રવાસ જરૂર કરતાં વહેલો સમાપ્ત કરે છે. તેથી મારિયાએ ત્રીજું વાહન શોધવું પડે છે.
40 મિનિટની મુસાફરી પછી મારિયા જાઝમિન રાન્ચ પર પહોંચે છે. તે કન્ટ્રી એસ્ટેટ છે. ત્યાં મારિયાની મુલાકાત ઇકો સાથે થાય છે. ઇકોએ ઘણો સંઘર્ષ કર્યો છે તેથી મારિયા તેને લા ગુરેરા કહે છે.
ઇકો એક નાની ડિસ્પ્લેસમૅન્ટ મોટરસાઇકલ છે, જે તેમના માતાએ તેઓ 15 વર્ષનાં થયાં ત્યારે આપી હતી. મારિયા આ મોટરસાઇકલને વ્યક્તિની જેમ સંબોધે છે.
મારિયા કહે છે, “મારી મમ્મીએ મોટરસાઇકલ અથવા પાર્ટી એ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું મને કહ્યું હતું. મેં વિચાર્યું કે નાનકડી પાર્ટીમાં તો એક રાતની મજા હોય, પરંતુ મોટરસાઇકલ મને વધારે ઉપયોગી થશે.”
હવે એ જ ઇકો મારિયાને દરરોજ અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળાએ લઈ જાય છે. જાઝમિન રાન્ચના માલિક ઉદાર દિલના છે. તેથી મારિયા તેમાં ઇકો પાર્ક કરી શકે છે.
ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ
મારિયાએ 2019માં શિક્ષકની ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એ પછીનાં વર્ષોમાં કોવિડ-19 રોગચાળો શરૂ થયો હતો. તેથી સમગ્ર વિશ્વની જેમ ઉરુગ્વેમાં પણ વ્યક્તિગત વર્ગો સ્થગિત કરવામાં આવ્યા હતા.
મે, 2020માં વર્ગખંડમાં પાછા ફરેલા વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારના હતા. તેથી મારિયાએ ગ્રામ્ય શાળાઓમાં અવેજી શિક્ષક તરીકે શરૂઆત કરી હતી. તે વિસ્તારની શાળાના ડિરેક્ટર, જ્યારે કોઈ શિક્ષક ગેરહાજર હોય ત્યારે મારિયાને બોલાવતા હતા.
મારિયા કહે છે, “તેમણે પત્ર મોકલ્યો ત્યારે મેં પહેલાં તો હા પાડી દીધી હતી. પછી મેં તેમને પૂછ્યું હતું કે ત્યાં કેવી રીતે પહોંચી શકાય.”
2020 અને 2021 બન્ને વર્ષ મારિયા બસમાં પ્રવાસ કરીને સ્કૂલે જતાં હતાં અને પાછાં ફરતાં હતાં. મારિયા કહે છે, “ચાલતાં વાહનોમાં લિફ્ટ લઈને પ્રવાસ કરવાનું ગયા વર્ષથી શરૂ કર્યું છે.”
મારિયાને 2022માં તેમની વર્તમાન સ્કૂલની નજીક આવેલી એક અન્ય સ્કૂલમાં ફરજ બજાવવાનું કહેવામાં આવ્યું હતું. કેટલીક વખત એવું બન્યું હતું કે ઘરે પરત ફરવા માટે તેમને કોઈ વાહન મળ્યું ન હતું અને તેમણે સૂર્યાસ્ત પહેલાં સ્કૂલે પરત આવવું પડ્યું હતું.
મોટરસાઇકલની લાઇટ ધૂંધળી હોય અને ખેતરમાં ઢોર છૂટાં રખડતાં હોય એટલે અંધારામાં ધૂળિયા, પથ્થરવાળા રસ્તા પર પ્રવાસ કરવાનું મુશ્કેલ હોય છે.
બીજી માતા
મારિયા મોટરસાઇકલ પર સવાર થાય છે અને ધૂળિયા રસ્તા પર દોઢ માઇલ પ્રવાસ કરે છે. ત્યાં એક બીજી ગ્રામ્ય શાળા આવેલી છે. 1990ના દાયકાથી ત્યજી દેવાયેલું એક ટ્રેન સ્ટેશન પણ છે. તેના પાટા ઘાસથી ઢંકાઈ ગયા છે. એ પછી મારિયા વધુ 12 કિલોમીટર પ્રવાસ કરે છે અને 9.45 કે 9.50 વાગ્યે સ્કૂલે પહોંચે છે. દસ વાગ્યે ક્લાસ શરૂ કરી શકાય એટલા માટે તેઓ જુલિયાના અને બેન્જામિનના આવવાની રાહ જુએ છે.
માત્ર બે બાળકો માટે શાળા કેમ?
મારિયા કહે છે, “બે જ બાળકો શાળાએ આવતાં હોવાનાં ઘણાં કારણો હોઈ શકે. તેઓ દૂર રહેતાં હોય અને નજીકની શાળા આ જ હોય. માતાપિતા કામ કરતાં હોવાને કારણે બાળકોને ત્યાં ભણવા મૂકી શકે અથવા ત્યાં એક ઊંડી ખીણ છે, જે ચોમાસામાં છલકાઈ જાય છે. એ દિવસોમાં બાળકો આ શાળા સુધી જ પહોંચી શકે તે પણ કારણ હોઈ શકે.”
પાસો ડે લા ક્રુઝ ડેલ ચી સ્કૂલ સીમેન્ટ બ્લૉક અને ત્રિકોણાકાર છત ધરાવતા ઘર જેવી છે. તેમાં એક વર્ગખંડ, બે બાથરૂમ, એક રસોડું અને એક નાનો બેડરૂમ છે. બેડરૂમનો ઉપયોગ હવે કોઈ કરતું નથી, પરંતુ ક્યારેક જરૂર પડ્યે રાત વિતાવવી પડે તો કામ આવે એવું વિચારીને મારિયાએ ત્યાં ગાદલું અને ધાબળો રાખ્યાં છે.
બેન્જામિન તેમનાં માતા કાર્લા સાથે સ્કૂલે આવી પહોંચે છે. જાહેર શિક્ષણ વહીવટ વિભાગે શાળામાં સફાઈ તથા રસોઈકામ માટે માર્ચના અંતથી કાર્લાને નોકરીએ પણ રાખ્યાં છે.
છઠ્ઠી માર્ચથી વર્ગો શરૂ થયા અને કાર્લાની નિમણૂક કરવામાં આવી તે વચ્ચેના સમયગાળામાં મારિયાએ શૈક્ષણિક કાર્ય ઉપરાંત બાળકો માટે ભોજન રાંધવાનું અને સફાઈનું કામ પણ કરવું પડ્યું હતું.
મારિયા દર પખવાડિયે સુપરમાર્કેટમાં જાય છે અને તેમની શાળા માટે જરૂરી ખાદ્યસામગ્રી તથા સફાઈની સામગ્રી ખરીદી લાવે છે. જાહેર વહીવટ વિભાગના પોષણશાસ્ત્રીઓની ભલામણ અનુસારની ખાદ્યસામગ્રીની પસંદગી મારિયા કરે છે. પછી કાર્લા તે બાળકો અને પોતાના માટે રાંધે છે.
અલગ-અલગ વયના બે વિદ્યાર્થીને એકસાથે ભણાવવાનું આસાન નથી. નાની વિદ્યાર્થિનીને વાંચતા પણ નથી આવડતું, જ્યારે મોટા વિદ્યાર્થીને ગુણાકાર-ભાગાકાર કરતાં શીખવવાના હોય છે.
તેથી ક્લાસની શરૂઆતમાં મારિયા બાળકો સાથે વાતો કરે છે. તેમની વાતો સાંભળે છે. બન્નેને ભણાવવાનું સ્તર ભલે અલગ હોય, પરંતુ બન્નેને ઉપયોગી થાય તે રીતે ભણાવવાનું કામ પછી શરૂ થાય છે.
મારિયા કહે છે, “હું નાની જુલિયાનાને ચિત્ર દોરવાની, જ્યારે મોટાને લખવાની સૂચના એક સાથે આપું છું. હસ્તકલાનું કામ હોય તો હું બન્નેને એક સાથે કરવા કહું છું.”
એ પછી બપોરે ત્રણ વાગ્યે રિસેસ પડે છે. બાળકોને જમવા તથા રમવા માટે એક કલાકનો વિરામ મળે છે. સ્કૂલમાં બહુ ઓછા વિદ્યાર્થી હોવાથી ઘણી બધી બાબતો પરિચિત થઈ જાય છે.
મારિયા કહે છે, “બાળકોએ મને એકથી વધુ વખત મમ્મી કહીને બોલાવી છે. એ અનિવાર્ય છે, કારણ કે સંબંધ બહુ ગાઢ છે.”
સ્કૂલનો સમય પૂર્ણ થયા પછી મારિયા ઇકો પર સવારી કરીને જાઝમિન રાન્ચમાં પાછાં ફરે છે. ત્યાં ઇકો પાર્ક કરીને રસ્તાના કિનારે ઊભાં રહી જાય છે. ઘરે જવા વાહનની રાહ જુએ છે.