You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જેતપુર: મહિલા કૉન્સ્ટેબલના આપઘાત પછી પોલીસ પર આરોપો કેમ લાગી રહ્યા છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારાં 25 વર્ષીય દયા સરિયાએ 6 સપ્ટેમ્બરે આત્મહત્યા કરી લીધી. તેમણે આત્મહત્યા પહેલાં કોઈ સ્યુસાઈડ નોટ છોડી ન હતી. પરંતુ પ્રાથમિક તપાસ અને મૃતકોનાં પરિવારજનોએ કરેલા આરોપો તેમના જ સાથી કૉન્સ્ટેબલ પર સવાલ ઊભા કરી રહ્યા છે.
ઘટનાના સાત દિવસ સુધી પોલીસે ફરિયાદ નોંધી નહોતી, જેના કારણે પોલીસ આ મામલાને દબાવી દેવાના પ્રયાસો કરી રહી હોય તેવા આરોપો પણ લાગ્યા હતા.
ત્યારબાદ કોળી સમાજનાં આગેવાનો સહિત કુંવરજી બાવળિયાએ પણ આ મામલે ઝુકાવતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો.
જોકે, દયા સરિયાનાં પિતાએ જણાવ્યા અનુસાર પોલીસે હવે કૉન્સ્ટેબલ અભયરાજસિંહ જાડેજા સામે ગુનો નોંધ્યો છે.
શું હતો મામલો?
રાજકોટમાં બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાએ આપેલી માહિતી અનુસાર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લાં બે વર્ષથી મહિલા કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં દયાબેન શંભુભાઈ સરિયાએ જેતપુર સીટી પોલીસ લાઈનમાં તેમને ફાળવવામાં આવેલા ક્વાર્ટરમાં ગળાફાંસો ખાધો હતો.
દયા સરિયા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુરનાં વતની હતાં.
જે ક્વાર્ટરમાં તેમણે આપઘાત કર્યો ત્યાંથી કોઈપણ જાતની સ્યુસાઇડ નૉટ પણ મળી નહોતી.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે દયા સરિયા અપરિણીત હતા અને જે વ્યક્તિ સાથે તેમની કથિત વૉટ્સએપ ચેટ મળી આવી છે એ વ્યક્તિ પરિણીત છે. સૉશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એમના ચેટ મૅસેજ એવું સૂચવે છે કે દયા સરિયાને તેમના પરિણીત સહકર્મી સાથે પ્રેમ સંબંધ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ શું કહે છે?
પોલીસે એ વાતની પુષ્ટિ કરી છે કે સૉશિયલ મીડિયા પર દયા સરિયા અને તેમના સહકર્મી વચ્ચેની ચેટનાં સ્ક્રીનશોટ વાઇરલ થઈ રહ્યા છે, પરંતુ પોલીસ હજુ તેને ચકાસવા માંગે છે.
આ મામલે કોઈ પણ વિગતો આપવાનો ઇનકાર કરતા રાજકોટના જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાને જણાવ્યું હતું કે, "જેતપુર બનાવ બન્યો છે તેની તપાસ ચાલુ છે. વધુ વિગતો આવશે ત્યારે જણાવીશું."
પોલીસે મહિલા કૉન્સ્ટેબલનો મોબાઈલ ફોન એફએસએલ તપાસમાં મોકલ્યો છે.
પરિવારે શું આરોપો લગાવ્યા?
દયાબેનના પિતા શંભુભાઈ સરિયાએ જણાવ્યું, "અમે કેટલાય દિવસથી અહીં ફરિયાદ નોંધાવવા આવી રહ્યા હતા, પરંતુ આજે સાતમા દિવસે અમારી ફરિયાદ નોંધવામાં આવી છે."
તેમણે આ મુદ્દે વધુમાં કહ્યું, “અમને કુલ ત્રણ વ્યક્તિઓ પર શંકા હતી અને અમે ત્રણ વ્યક્તિઓનાં નામ આપ્યાં હતાં. પરંતુ પોલીસે માત્ર એક જ વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. મારી એક જ માંગ છે કે તેની ઝડપથી તપાસ કરવામાં આવે અને મારી દીકરીને ન્યાય મળે.”
અન્ય લોકોએ શું આરોપો લગાવ્યા?
કોળી સમાજ રાજકોટનાં પ્રમુખ જયેશ ઠાકોર આ મુદ્દે મીડિયા સાથે વાતચીત કરતા કહે છે, “અમે છેલ્લા સાત દિવસથી આ ફરિયાદ નોંધાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ પોલીસ ફરિયાદ નોંધી રહી ન હતી. અંતે અમે પ્રૅસ કૉન્ફરન્સ કરી અને પછી જ્યારે આ મામલો બહાર આવ્યો ત્યારે પોલીસે હવે ફરિયાદ નોંધી છે.”
“ફરિયાદ અભયરાજસિંહ નામના પોલીસ કૉન્સ્ટેબલ સામે નોંધવામાં આવી છે. ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કૉન્સ્ટેબલ તેની સાથે વાત કરતો હતો અને એ બંનેનો ઝઘડો થયેલો હતો. તેણે વારંવાર ફૉન કરેલા છે અને દયાબેને સ્યુસાઇડ પહેલાં ફોટોઝ પણ મોકલ્યા છે. એ આધાર બનાવીને તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.”
આ મામલે કોળી સમાજના આગેવાન અને રાજ્યના પાણી પુરવઠા અને જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયાને પણ રજૂઆત કરી હતી.
આ મામલે કૅબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા જેતપુર ખાતે પહોંચ્યા હતા. તેમણે કોળી સમાજના આગેવાનો અને મૃતક મહિલા પરિવાર સાથે મળીને નાયબ પોલીસ અધિક્ષક અને સિટી પીઆઈ સાથે બેઠક યોજીને તપાસના આદેશ આપ્યા હતા.