ધોળકા: દીકરીનું પ્રેમલગ્ન માતાપિતા અને બે ભાઈઓના આપઘાતના પ્રયાસનું કારણ બન્યું?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારી છોકરીને છેતરીને ઉઠાવી ગયેલ છે. તેની સાથે બળજબરીથી કોર્ટ મૅરેજ કરવામાં આવ્યા છે. હાલમાં મેં આ છોકરી સાથે કોઈ સંબંધ રાખેલ નથી એટલે સંદીપ પરમારના ભાઈઓ-બહેનો અને તેના દોસ્તો અમને માનસિક ત્રાસ આપે છે."

આ શબ્દો 53 વર્ષીય કિરણભાઈ ગલાભાઈ રાઠોડની કથિત સ્યુસાઈડ નોટમાં લખેલા હતા. ગત ઑગસ્ટ મહિનામાં કિરણભાઈ રાઠોડની દીકરી પાયલે તેમની નજીકમાં રહેતા સંદીપ નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધાં.

મૃતક કિરણભાઈ રાઠોડના પરિવારજનોનો આરોપ છે કે દીકરીનાં લગ્ન ગણતરીના દિવસો બાદ જ તેમની દીકરીના પતિ સહિત તેમના સાસરિયા દ્વારા તેમને સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી તેમણે આ ધાકધમકીથી કંટાળીને સામૂહિક રીતે જ મોતને વહાલું કરવાનો નિર્ણય કર્યો હતો.

મૂળ મહેસાણાના વીજાપુર નજીકના હંસનાપુર ગામનો વતની રાઠોડ પરિવાર હાલમાં ધોળકાના મફલીપુર ગામની રામદેવનગર સોસાયટીમાં રહે છે. પરિવારના મોભી કિરણભાઈ રાઠોડ અને તેમનાં પત્ની તથા બે પુત્રોએ ગત પાંચ સપ્ટેમ્બર 2023ના દિવસે સાંજના સમયે પોતાના ઘરમાં જ ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં કિરણભાઈ અને તેમનો મોટો પુત્ર હર્ષ મોતને ભેટ્યા છે. જ્યારે તેમનાં પત્ની અને નાનો દીકરો જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. હજુ પણ તેમની હાલત ગંભીર છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કિરણભાઈની દીકરીએ પરિવાર વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યાં હતાં. જે અંગે પરિવારને જાણ થતા પરિવાર આઘાતમાં સરી ગયો હતો.

(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઈન 1096’ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઈન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

શું બન્યું હતું?

ગત 5 સપ્ટેમ્બરના દિવસે સાંજના સમયે પોતાના ઘરે જ કિરણભાઈ સહિત તેમનાં પત્ની અને તેમના બે દીકરાએ ઝેરી દવા પીધી હતી.

કિરણભાઈના પરિવારના ચાર સભ્યો ઘરમાં દવા પીધા બાદ બેભાન થઈ ગયા હતા. તેમના પાડોશીએ કિરણભાઈના ઘરમાંથી કોઈ ગતિવિધિ ન દેખાતા તપાસ કરી, તો ઘરમાં ચાર સભ્યો બેભાન મળ્યાં હતાં. તેઓ તમામને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

પછી સમગ્ર બાબતે તેમના મોટાભાઈ મહેન્દ્ર રાઠોડને જાણ કરવામાં આવી હતી. મહેન્દ્ર રાઠોડ ખાનગી હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમના ભાઈ અને પુત્ર મોતને ભેટ્યા હોવાની માહિતી મળી હતી. મૃતદેહો પીએમ માટે સરકારી હૉસ્પિટલ લઈ ગયા હોવાથી તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તેમના ભાઈના પેન્ટના ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

આ સમગ્ર પ્રકરણમાં સ્યુસાઈડ નોટની વિગતો પરથી જાણવા મળ્યું છે કે, "ધોળકામાં રહેતા કિરણભાઈની દીકરીએ એક યુવક સંદીપ પરમાર સાથે લવ મૅરેજ કરી લીધા હતા. જેથી તેમનો આખો પરિવાર આ વાતને સ્વીકારવા જ તૈયાર ન હતો."

"આ સાથે તેમની દીકરીએ જે યુવક સાથે લગ્ન કર્યાં તે યુવક સહિત તેના પરિવારજનો અને અન્ય સંબંધીઓ કિરણભાઈ સહિત તેમના પરિવારને માનસિક ત્રાસ આપતા આપતા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા તેવો આરોપ લાગ્યો છે."

કિરણભાઈના પરિવારનો આરોપ છે કે આ માનસિક ત્રાસથી કંટાળીને તેમના પરિવારના ચાર સભ્યોને સામૂહિક આત્મહત્યા કરવા માટે મજબૂર કરાયા છે.

પોલીસનું કહેવું છે કે આરોપીઓના પરિવારમાં માત્ર કિરણભાઈની દીકરી સિવાય અન્યોની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલે આરોપી પક્ષમાં કોઈની સાથે વાત થઈ શકી નથી.

મૃતકના પરિવારજનોએ શું કહ્યું?

મૃતક કિરણભાઈ રાઠોડના ભાઈ અને ફરિયાદી મહેન્દ્રભાઈ રાઠોડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "હાલ મને કંઈ સૂઝતું નથી. અમારા ઘરનો માળો વિખેરાઈ ગયો છે. મારો નાનો ભાઈ અને તેનો યુવાન પુત્ર મરી ગયો છે. મારા ભાભી અને ભત્રીજો હૉસ્પિટલમાં છે."

મહેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે "ગત ઑગસ્ટ મહિનામાં મારા ભાઈની દીકરી પાયલે મફલીપુરમાં રહેતા સંદીપ પરમાર સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ મારો ભાઈ અવારનવારને ફોન કરીને જણાવતો હતો કે, સંદીપ તેમજ તેના માસીની દીકરી રેખા તેમજ તેનો ભાઈ જીગ્નેશ ધમકી આપતા હતા કે તમે બહારથી આવેલા છો. તમારે અમારું કીધેલું જ કરવાનું છે નહીં તો તમારું ઘર વેચાવી દઈશું તેમજ તમને કંઈ કામધંધો પણ કરવા દઈશું નહીં."

"ત્યારબાદ અમે મારા ભાઈને મળવા ધોળકા આવ્યા હતા ત્યારે પણ તેણે અમને ત્રાસ અંગે વાત કરી હતી. મારા ભાઈએ મરતા પહેલા સુસાઇડ નોટમાં જે નામ લખ્યાં છે તેમણે મારા ભાઈ અને તેના પરિવારને ત્રાસ આપીને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરતા તેમણે સામૂહિક રીતે ઝેરી દવા પીધેલી છે."

"આ ઘટનામાં મારા ભાઈ કિરણ રાઠોડ અને તેમના મોટા પુત્ર હર્ષનું મૃત્યુ થયેલ છે તેમજ મારા ભાભી નીતાબહેન અને ભત્રીજો હિરેન હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ તેઓ બેભાન અવસ્થામાં છે."

તો, સમગ્ર બાબતે મૃતકના ભાઈ મહેન્દ્રભાઈ રાઠોડેએ 10 સપ્ટેમ્બરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મારા ભાઈ અને તેમનો પરિવાર હેરાનગતિને કારણે ચારે બાજુથી હારી ગયો હતો. જેથી તેમને સામૂહિક આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા હતા. મારાં ભાભી અને નાનો ભત્રીજો હજુ હૉસ્પિટલમાં છે. મારા ભાભી ભાનમાં આવ્યાં છે પણ હજુ સ્વાસ્થ્ય સારું નથી. તેઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. મારો ભત્રીજો હજુ ભાનમાં આવ્યો નથી. જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે."

તેમણે ઉમેર્યું કે, "મારા ભાભીને હજુ અમે મારા ભાઈ અને ભત્રીજાના અવસાન અંગેના સમાચાર આપ્યા નથી. હજુ તે સ્વસ્થ થયાં નથી. મારા ભાઈ અને ભત્રીજાની અંતિમ વિધિ અને બેસણું અમે જ કર્યું છે. અમારી સરકારને માંગણી છે કે ગુનેગારોને સજા મળવી જોઈએ. અમારા ભાઈ અને ભત્રીજાની આત્માની શાંતિ માટે અમે છેલ્લે સુધી લડીશું."

પોલીસે શું કહ્યું?

અમદાવાદ જિલ્લાના ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આ પરિવાર મૂળ મહેસાણાના વિજાપુર નજીકના હંસનાપુર ગામના વતની છે. હાલ ધોળકાના મફલીપુર ગામના રામદેવનગર સોસાયટીમાં રહેતો હતો. કિરણભાઈ યુજીવીસીએલમાં લાઈનમેન તરીકે કામ કરતા હતા."

"કિરણભાઈના પડોશીઓને દવાની ગંધ આવતા તેમજ કિરણભાઈના પરિવારમાં કોઈ હિલચાલ ન જણાતા તેમના ઘરે જઈને ચેક કર્યું હતું ત્યારબાદ પડોશીઓએ તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હૉસ્પિટલમાં કિરણભાઈ તેમજ તેમના મોટા પુત્ર હર્ષ રાઠોડને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કિરણ ભાઈનાં પત્ની નીતાબહેન અને નાનો દીકરો હિરેનને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે."

આ સામૂહિક આપઘાતના પ્રકરણમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૃતક કિરણભાઈ રાઠોડની દીકરીના સાસરિયાના 19 લોકો સામે આપઘાત માટે દુષ્પ્રેરણા સહિત અન્ય કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે સાથે પોલીસે 19 આરોપીઓ પૈકી 12 આરોપીઓની ધરપકડ કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "કિરણભાઈ પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેને આધારે તેમની દીકરીના સાસરીયાના 19 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી 12 લોકોની પોલીસે ધરપકડ કરી છે. મૃતકનાં પત્ની નીતાબહેન રાઠોડ હાલ બેભાન અવસ્થામાં છે. ભાનમાં આવશે એટલે તેમનું નિવેદન લેવામાં આવશે."

સ્યુસાઈડ નોટમાં શું લખવામાં આવ્યું છે?

ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં આ કથિત સ્યુસાઈડ નોટનો ઉલ્લેખ છે. કિરણભાઈએ પોતાની સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, "તેમની દીકરીને છેતરીને ઉઠાવી જવામાં આવી છે અને બળજબરીથી તેની સાથે કોર્ટ મેરેજ કરવામાં આવેલા છે."

આ સિવાય તેમણે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે તેમને સંદીપના ભાઇઓ અને પરિવાર તરફથી સતત મારી નાખવા અને માનસિક ત્રાસ સહિતની ધાકધમકી આપવામાં આવતી હતી. તેમનાં પત્નીને પણ ઉઠાવી જવાની ધમકી આપવામાં આવતી હતી. જેના કારણે તેમણે આવું પગલું ભર્યું છે.

તેમણે આ સ્યુસાઇડ નોટમાં તેમને ત્રાસ આપી રહેલા 19 લોકોનો ઉલ્લેખ કર્યો છે અને તેમના પોતાના પરિવારના વખાણ કર્યાં છે.

સ્યુસાઈડ નોટના આધારે આરોપીઓ સામે આઈપીસી સેક્શન 306,506(2),114 અનુસાર ફરિયાદ નોંધવામાં આવી છે.