You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં એક 13 વર્ષીય સગીરા ગુમ થયાની ફરિયાદ પરથી કેવી રીતે છોકરીઓ વેચનારી ગૅંગ પકડાઈ?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદ જિલ્લામાં થોડા દિવસ પહેલાં એક 13 વર્ષની સગીરા ગુમ થઈ હતી અને તેનાં માતાપિતા આ મામલે ફરિયાદ નોંધાવા માટે પહોંચ્યાં હતાં.
અમદાવાદ ગ્રામ્યના પોલીસ સુપરિટેન્ડન્ટ અમિત વસાવાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમારી પાસે 13 વર્ષની એક સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ આવી હતી. તેનાં માતાપિતા જ્યારે ફરિયાદ કરવા આવ્યાં ત્યારે ખૂબ જ રડતાં હતાં. તેમની શંકા પાડોશમાં રહેતા એક પરિવાર પર હતી. અમે તપાસ શરૂ કરી તો કંઈક અલગ જ સામે આવ્યું."
તેમણે આગળ કહ્યું, "અમે તેમના ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો એ સગીરા રીક્ષામાં બેસીને જતી દેખાઈ. વધુ તપાસ કરી તો ખબર પડી કે અશોક પટેલ નામનો શખ્સ તેને રીક્ષામાં લઈ ગયો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સની સાથેસાથે ટૅક્નિકલ ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું કે અશોક છોકરીને લઈને દહેગામ તરફ ગયો હતો."
આગળની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે અશોકનાં પત્ની રેણુકાએ 13 વર્ષીય સગીરાને ભેટ-સોગાદો આપીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર પછી તેની ઓળખાણ રૂપલ મૅકવાન સાથે કરાવી હતી.
અમિત વસાવા આગળ જણાવે છે, "આ તમામ લોકોને ટ્રેસ કરતા જાણવા મળ્યું કે રૂપલ માણસાના બોરુ ગામના એક ખેતરમાં અવરજવર કરતી હતી. જેના આધારે એ જગ્યાએ દરોડો પાડ્યો તો એ જગ્યાએ રૂપલના એક મિત્રનું ઘર હોવાની અને ત્યાં અશોક પટેલ, તેની પત્ની રેણુકા અને ગુમ થયેલી સગીરા મળી આવ્યાં હતાં."
ગુમ થયેલી સગીરા મળી ગયા બાદ પોલીસને શરૂઆતમાં લાગ્યું કે આ અપહરણનો કેસ સગીરા હેમખેમ પાછી મળ્યા બાદ હવે પૂરો થઈ ગયો છે પણ હકીકતમાં એ હિમશીલાની ટોચ માત્ર હતી.
સગીરાની એક વાત પરથી કેસ પલટાયો
અમિત વસાવાના કહેવા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં સગીરાએ પોલીસને જણાવ્યું કે 42 વર્ષીય અશોકે તેના પર દુર્ષકર્મ ગુજાર્યું હતું અને એની પત્ની રેણુકાએ એમાં સાથ આપ્યો હતો. સાથે જ એ પણ જાણવા મળ્યું હતું કે અશોક માનવતસ્કરી ગૅંગ સાથે જોડાયેલો છે. આ ગૅંગ લગ્નવાંચ્છુક યુવાનોને સગીર વયની છોકરીઓ વેચવાનું કામ કરતી હતી.
પોલીસને જાણવા મળ્યું કે આ ટોળકીમાં અશોક પટેલ, તેની પત્ની રેણુકા, 70 વર્ષીય અમૃત ઠાકોર અને ચેહરસિંહ સોલંકી સામેલ છે. આ લોકો પૈકી પાલનપુરનો ચેહરસિંહ ટોળકીનો મુખ્ય સૂત્રધાર છે અને આ તમામે ભૂતકાળમાં પણ લગ્નના નામે સગીર છોકરીઓ વેચવાનું કામ કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમિત વસાવાના જણાવ્યા પ્રમાણે, આ ગૅંગમાં સામેલ રૂપલ 'લૂંટેરી દુલ્હન' હતી. તે લગ્નવાંચ્છુક યુવાનો સાથે પરણીને એક અઠવાડિયામાં દાગીના સાથે ગુમ થઈ જતી હતી.
તેઓ આગળ કહે છે, "આ ગૅંગની તપાસ કરતા ખબર પડી કે તેમણે તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં એક છોકરીને લગ્ન માટે વેચી હતી. 15 વર્ષની આ છોકરી પુખ્ત વયની હોવાનું નકલી સર્ટિફિકેટ બનાવીને અશોકે તે પોતાની બહેન હોવાનું કહીને બે લાખ રૂપિયામાં વેચી દીધી હતી. લગ્ન માટે તેણે ભાડૂતી માતાપિતા પણ ઊભા કર્યાં હતાં."
પોલીસે આ માહિતીના આધારે એ સગીરાને છોડાવી દીધી હતી. આ વિશે વાત કરતા અમિત વસાવા કહે છે, "શરૂઆતમાં તે કંઈ બોલવા તૈયાર નહોતી. કારણ કે તેને શારિરીક અને માનસિક યાતનાઓ આપવામાં આવી હતી."
આ ગૅંગ મોટા ભાગે ગુજરાતમાંથી છોકરીઓ ઉઠાવીને પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વેચી દેતી હતી. આ વાતમાં તથ્ય હોવાનું કારણ એ છે કે રાજસ્થાનમાંથી પણ આવી જ રીતે છોકરીઓને લલચાવીને ગુજરાત લાવ્યા બાદ તેમને વેચી દેવાનું એક રૅકેટ થોડા સમય પહેલાં પોલીસે પકડ્યું હતું. ગુજરાત પોલીસે રાજસ્થાનની ત્રણ છોકરીઓને રૅસ્ક્યૂ કરી હતી.
એમાં પણ છોકરીઓને લલચાવવાનું કામ મહિલા જ કરતી હતી. એ કેસની તપાસ કરનારા સિરોહીના ડીએસપી જેઠુસિંહ કનૌતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમારી પાસે સિરોહીની એક છોકરી ગુજરાતમાં નોકરી કરવા ગયા બાદ પાછી ન આવી હોવાની ફરિયાદ આવી હતી. અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે ગુજરાતની એક ગૅંગ આ રીતે ગરીબ છોકરીઓને ફોસલાવીને તેમને વેચી દેતી હતી અને આ છોકરી તે ગૅંગના હાથમાં આવી ગઈ હતી."
તેમણે આગળ કહ્યું, "અમે 10 મહિના પહેલાં જ આ ગૅંગને પકડી હતી પણ તેનો મુખ્ય સૂત્રઘાર નાગજી અમારાથી બચી ગયો હતો."
જ્યારે જાન લીલા તોરણે પાછી ગઈ...
ગુજરાત-રાજસ્થાન વચ્ચે આ પ્રકારનું કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું છે. થોડા સમય પહેલાં ડીસાના ત્રણ એજન્ટોએ રાજસ્થાનના બાડમેરમાં રહેતાં તખતસિંહ સોઢાને સાડા પાંચ લાખ રૂપિયાનો ચૂનો લગાડ્યો હતો.
તખતસિંહના બે પિતરાઈ ભાઈનાં લગ્ન ન થતાં હોવાથી આ એજન્ટોએ તેમને બે છોકરીઓ વેચી હતી. જેના માટે સાડા પાંચ લાખ રૂપિયાનો વ્યવહાર થયો હતો. એજન્ટોએ તેમને ડીસા બોલાવીને બંને છોકરીઓ તેમની બહેન હોવાનું જણાવ્યું હતું.
લગ્ન નક્કી થયા, કંકોત્રી લખાઈ અને જ્યારે તખતસિંહ જાન લઈને ડીસા આવ્યા તો સામેવાળી પાર્ટી દેખાઈ જ નહીં. જાન લીલા તોરણે પાછી લઈ જવાનો વારો આવતા તેમણે પાલનપુર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુર પોલીસસ્ટેશનના પીએસઆઈ આર. બી. સોલંકીએ બીબીસી સાથે આ કિસ્સા વિશે વાત કરતા જણાવ્યું કે આ કેસમાં એ વાત સારી હતી કે તખતસિંહ એજન્ટોને પાંચ લાખ પૈકી સવા લાખ રૂપિયા ઓનલાઇન મોકલ્યા હતા એટલે તેમને પકડવા સરળ બન્યા હતા.
તેમણે આગળ કહ્યું, "વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે કલભા ઠાકોર અને તેની ગૅંગના બે માણસો રાજસ્થાન જઈને મધ્યમ વર્ગના વેપારીઓને શોધીને તેમના કુંવારા ભાઈ કે દીકરાનાં લગ્ન કરાવી આપવાના નામે પૈસા પડાવી લેતા હતા."
તેમણે અંતે કહ્યું, "આ ગૅંગ હાલ પકડાઈ ગઈ છે અને અમે તપાસ કરી રહ્યા છે કે તેમણે અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે."