You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરોક્કો ભૂકંપ : અડધા ગામની વસ્તી કાં તો મૃત્યુ પામી અથવા લાપતા છે
- લેેખક, નીક બેક
- પદ, બીબીસી સંવાદદાતા, મોરોક્કો
મોરોક્કોમાં શનિવારે વિનાશકારી ભૂકંપમાં 2000થી વધુ લોકોનાં મોત થયાં છે.
મોરોક્કો ભૂકંપમાં તબાહ થયેલા ગામ તાફેઘાઘટેની અમે મુલાકાત લીધી. ગામમાં અમને મળેલા ત્યાંના પ્રથમ રહેવાસીએ ત્યાંની પરિસ્થિતિ વિશે કહ્યું કે, "આ ગામના લોકો કાં તો હૉસ્પિટલમાં છે અથવા તો મૃત્યુ પામ્યા છે."
અમે કાટમાળની ઉપર ગયા તો સમજાયું કે કેવી રીતે કોઈના પણ માટે અહીંથી બહાર નીકળવાનું શક્ય નહીં બન્યું હોય.
ગામમાં પરંપરાગત ઘરોની ઈંટો અને પથ્થરો આ વિનાશકારી ભૂકંપની તીવ્રતા સહન કરી શકે એટલાં સક્ષમ નહોતાં.
અહીંના 200માંથી 90 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. જ્યારે અન્ય ઘણા લોકો લાપતા છે.
કાટમાળ વચ્ચેથી બચીને નીકળેલા હસને બીબીસીને જણાવ્યું "તેમને બહાર નીકળવાનો અને પોતાની જાતને બચાવવાનો સમય જ ન મળ્યો."
હસને કહ્યું કે તેમના કાકા હજી પણ કાટમાળ નીચે દટાયેલા છે. હવે એવી કોઈ શક્યતા નથી કે તેઓ જીવિત બહાર આવી શકે.
અહીં કોઈની પાસે બચાવકામગીરી માટેનાં સાધનો નથી. અને આવાં સાધનો બહારથી પણ નથી પહોંચી શક્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અલ્લાહ આ લાવ્યા છે અને જે પણ મળ્યું તેના માટે અમે તેમના આભારી છીએ પણ હવે અમારે સરકારી સહાયની જરૂર છે. તેઓ ઘણા મોડા છે. તેમણે લોકોની સહાય માટે આવવામાં ઘણું મોડું કર્યું."
હસને ઉમેર્યું કે મોરોક્કો સરકારે તમામ આંતરરાષ્ટ્રીય સહાયનો સ્વીકાર કરવો જોઈએ. પણ તેમને ડર છે કે તેમનું અભિમાન આ કરવાથી તેમને રોકી શકે છે.
બીજી બાજુ એક નાના સમુદાયના બધા જ લોકો એક વ્યક્તિને દિલાસો આપી રહ્યા છે.
એકસાથે ત્રણ બાળકો અને પત્નીને ગુમાવ્યા
અમને અબ્દોઉ રહમાન મળ્યા તેમનાં પત્ની અને ત્રણ બાળકનાં ભૂકંપમાં મૃત્યુ થયાં છે.
જ્યાં પહેલાં તેમનું ઘર હતું ત્યાં આંગળી ચીંધતા તેમણે અમને કહ્યું "ત્યાં ઉપર અમારું ઘર હતું." પણ હવે ત્યાં ફેલાયેલો કાટમાળ છે.
"તમને ત્યાં સફેદ બ્લૅન્કેટ અને ફર્નિચર પણ દેખાશે. બધું જ ખતમ થઈ ગયું છે"
અબ્દોઉ રહમાને કહ્યું કે, "ભૂકંપ આવ્યા બાદ તે જે પેટ્રોલ સ્ટેશન પર કામ કરતા હતા ત્યાંથી ત્રણ કિલોમીટર દોડીને ઘરે આવ્યા."
આવ્યા બાદ તેણે તરત જ બૂમો પાડીને તેનાં બાળકોને બોલાવવાનું શરૂ કર્યું. અન્ય લોકો પણ પોતાના સ્વજનો માટે બૂમો પાડી રહ્યા હતા. પણ સામેથી કોઈ જ જવાબ ન આવ્યો.
તેમણે કહ્યું "અમે ગઈકાલે તેમની દફનવિધિ કરી"
"જ્યારે અમને તે મળ્યાં ત્યારે ત્રણેય એક બીજા સાથે સૂઈ રહ્યાં હતાં. ભૂકંપની સાથે જ તેઓ નીચે જતાં રહ્યાં."
ગામની બહાર એક મોટા તંબુમાં અનેક પરિવારો એક સાથે બેઠા છે.
દરેક દિશામાંથી રડવાનો હૃદયદ્રાવક અવાજ આવે છે.
આ વચ્ચે જ ખલીફા નામની 10 વર્ષની દીકરીના મૃતદેહને કાટમાળમાંથી બહાર કઢાતા વધુ એક શોકનું મોજું ફરી વળ્યું.
અહીં અતિશય દુખનો માહોલ છે. એક મહિલા બેભાન થઈ ગયાં તો અન્ય એક મહિલા રડતાં રડતાં ખુરશી પર ઢળી પડ્યાં.
ભૂકંપની દુર્ઘટનાના કારણે એટલાસના પર્વતોના દરેક ગામમાં આવાં દૃશ્યો જોવાં મળશે.
અત્યાર સુધી આ પરંપરાગત સમુદાયો આધુનિક સમાજનાં દબાણોથી દૂર રહીને ખુશ હતા પરંતુ હવે તેમને બહારની દુનિયાની મદદની જરૂર છે. એ પણ ખૂબ ઝડપથી.