બાસમતીને 'સુગંધિત ચોખાની રાણી' કેમ કહેવાય છે? તેમાં સુગંધ કેવી રીતે આવે છે?

    • લેેખક, વી. રામકૃષ્ણ
    • પદ, બીબીસી માટે

એ વાત જાણીતી છે કે સુગંધ ફૂલોમાંથી આવે છે, પણ ચોખામાંથી સુગંધ આવે તો?

લાંબા મોતી જેવા ચમકદાર દાણા, સ્પર્શીએ તો એકદમ નરમ અને સૂંઘીએ તો મસ્ત સુવાસ. ચોખાની આ પ્રજાતિ ભલભલાના મન મોહી લે છે.

જ્યારે હું પહેલી વખત બિરયાની ખાવા ગયો તો બાસમતી ચોખાની સુવાસથી મોહી ગયો હતો અને જ્યારે મેં પહેલો કોળીયો મોમાં મૂક્યો, મને પ્રેમ થઈ ગયો.

સાથે જ પ્રશ્ન થયો કે બાસમતી ચોખામાં આ સુગંધ કેવી રીતે આવે છે? વિશ્વભરમાં સુગંધિત ચોખાના ઘણા પ્રકારો હોવા છતાં તેને 'સુગંધિત ચોખાની રાણી' કેમ કહેવાય છે?

બાસમતીમાં સુગંધ માટેનાં કારણો

ચોખાની સુગંધિત પ્રજાતિઓમાં અમુક જનીનો હોય છે જે તેમને સુગંધ આપે છે.

બાસમતીમાં 'બીટેન એલ્ડીહાઇડ ડિહાઇડ્રોજેનેઝ (BADH2)' નામનું જનીન હોય છે. આ જનીનના કારણે બાસમતીમાં '2-એસિટિલ-1-પાયરોલિન (2AP)' નામનું સંયોજન બને છે. જે તેને સુગંધ આપે છે.

વિવિધ પ્રકારના જનીનો અને રાસાયણિક સંયોજનો દરેક પ્રકારના સુગંધિત ચોખાને એક અલગ સ્વાદ આપે છે.

ચોખાની સુગંધ મુખ્યત્વે ત્રણ પરિબળો પર આધારિત છે.

માટીનો પ્રકાર

ખેતી પદ્ધતિ

હવામાન

બાસમતીનું ઉદ્ભવસ્થાન કયું?

બાસમતી ચોખા ભારતીય ઉપમહાદ્વીપ પર શાસન કરનારા ઘણા રાજાઓનાં મન મોહ્યાં હતાં. ભારત પર શાસન કરનારા સંખ્યાબંધ સુલતાનોએ તેને સલામ ભર્યા હતા.

બાસમતી જેવી સુગંધિત ચોખાની પ્રજાતિ ભારત, નેપાળ, પાકિસ્તાન જેવા ઉપ-હિમાલયપ્રદેશમાં મૂળ ધરાવે છે.

સમય જતાં પ્રદેશો અને આબોહવાને આધારે સુગંધિત ચોખાની પ્રજાતિ વિકસિત થઈ છે.

પંજાબી કવિ વારિસ શાહે 1766માં લખેલી તેમની કવિતા 'હીર રાંઝા'માં સૌપ્રથમ વખત બાસમતી નામનો ઉલ્લેખ કર્યો હતો.

રાજસ્થાનના ઉદયપુર ખાતે પુરાતત્ત્વીય સર્વેક્ષણ દરમિયાન 2000-1600 બીસી વચ્ચેના સમયના લાંબા ચોખાના દાણાના નિશાન મળ્યા છે. જેને બાસમતીના પુરોગામી માનવામાં આવે છે.

જેટલો વધારે સમય સંગ્રહો, એટલો સારો સ્વાદ

બાસમતી ચોખાને જેટલા વધારે સમય સુધી સંગ્રહીને રાખવામાં આવે તે એટલા જ વધુ સુગંધિત અને સ્વાદિષ્ટ બને છે.

તેને સંગ્રહ કરવામાં આવે ત્યારે દાણામાં ભેજ ઘટે છે. સુગંધની સાથેસાથે તેના દાણા ક્યારેય એકબીજા સાથે ચોંટતા નથી.

એકાદ વર્ષ સુધી સંગ્રહીને રાખેલા બાસમતી ચોખાનો સ્વાદ વધારે સારો લાગે છે.

સંગ્રહવાથી બાસમતીના દાણા સહેજ સોનેરી રંગના થઈ જાય છે.

બાસમતીમાં અનેક વિશિષ્ટ ગુણો છે. ચોખા સારી સુગંધ છોડે છે. ભાતનો સ્વાદ મીઠો હોય છે.

રાંધ્યા પછી તેના એક દાણો લગભગ 12થી 20 મિલિમિટર લાંબો હોય છે અને તે એકબીજા સાથે ચોંટતા પણ નથી.

બાસમતીને કેવી આબોહવા અનુકૂળ આવે?

ભારતીય ઉપખંડમાં સેંકડો વર્ષથી હિમાલયના ખીણપ્રદેશોમાં બાસમતીની ખેતી થાય છે. હાલ આ ચોખા મોટા ભાગે ભારત અને પાકિસ્તાનમાં ઉગાડવામાં આવે છે.

ભારતમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ બાસમતી ખેતીનાં મુખ્ય કેન્દ્રો છે.

આ તમામ પ્રદેશોને 'બાસમતી પ્રદેશ' કહેવામાં આવે છે.

અહીંનું ઠંડું વાતાવરણ અને જમીન બાસમતીની ખેતી માટે યોગ્ય છે.

ભારત સરકારે તેને ભૌગોલિક ઓળખ માટેનો જીઆઈ ટૅગ પણ આપ્યો છે.

બાસમતીની ખેતી માટે 700-1100 મિલિમિટર વરસાદની જરૂર પડે છે.

તેને ઉગાડવા માટે તાપમાન ઓછું હોવું જોઈએ. દિવસ દરમિયાન 25 ડિગ્રી અને રાત્રે 21 ડિગ્રી. આ તાપમાન બાસમતીના દાણાની ગુણવત્તા જાળવવામાં મદદ કરે છે.

ઉચ્ચ તાપમાન બાસમતીના દાણાને નુકસાન પહોંચાડે છે. જ્યારે ચોખા રાંધવામાં આવે છે તો તેની લંબાઈ વધતી નથી અને તેના ગઠ્ઠા જામી જાય છે.

બાસમતી ઊગવા માટે સૂર્યપ્રકાશ પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે. સાથે જ ભેજયુક્ત હવાની પણ જરૂર હોય છે.

ભારતમાં સરકાર દ્વારા માન્ય બાસમતીની 34 પેટાજાતિ છે. જેને સીડ્સ ઍક્ટ-1966 અંતર્ગત સૂચિત કરવામાં આવ્યા છે.

બાસમતી 217, બાસમતી 370, પંજાબી બાસમતી, દેહરાદૂની બાસમતી, પુસા બાસમતી, હરિયાણા બાસમતી, કસ્તુરી જેવી જાતો છે.