You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ અને શરીર માટે કેટલું ગુણકારી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
તમને ખબર છે કે બધાં પ્રકારનાં મધની ગુણવત્તા એકસરખી નથી હોતી?
તમામ પ્રકારનાં મધના અલગ-અલગ ફાયદા છે. કેટલાંક મધ આરોગ્યપ્રદ છે તો કેટલાંક પ્રકારનાં મધ પર્યાવરણ માટે ફાયદાકારક છે. સાથે કેટલાંક મધ એવાં છે જે મધમાખી જેવા કીટકો માટે જરૂરી છે.
તમને જાણીને આશ્ચર્ય પણ થશે કે આ તમામ પ્રકારનાં મધના ભાવ પણ અલગ-અલગ હોય છે.
તમને ખબર છે કે તમારા માટે કેવા પ્રકારનું મધ ખરીદવું ફાયદાકારક છે? મધ ખરીદતી વખતે શું-શું ધ્યાને રાખવું.
મધ વિશે આટલું જાણો
- મધ કેટલાં પ્રકારનું હોય છે?
- મધ ખરીદતી વખતે શું ધ્યાને લેશો?
- ઘટ્ટ અને પાતળા મધમાં શું છે અંતર?
- મધનો ઉપયોગ અન્ય ક્યાં થાય છે?
મધના પ્રકારો કેટલા?
તમને થશે કે મધ તો મધ છે તેના વળી પ્રકારો કેવા? પણ ના, મધને સમજવા તેના પ્રકારોને પણ સમજવા જરૂરી છે. મધ દુનિયાભરમાં બને છે, વેચાય છે અને ખવાય છે. તેનાં રંગ, ગંધ અને ગુણવત્તામાં ભારે ભિન્નતા જોવા મળે છે.
આ ભિન્નતા મધમાખી જે ફૂલોમાંથી રસ ચૂસે છે તે ફૂલોની પરાગ, તેના રસ અને સૂધાને કારણે છે. આ ભિન્નતાનો આધાર સ્થળ અને સમય પર પણ છે. અને તેને જ કારણે દરેક મધપૂડાના મધનો ટેસ્ટ અને ક્વૉલિટી અલગ-અલગ હોય છે.
જો તમે ઑનલાઇન મધ ખરીદો અને તેનો ટેસ્ટ કરો તો ખબર પડશે કે આ મધનો સ્વાદ, રંગ અને ગુણવત્તા અલગ-અલગ છે.
ઉદાહરણ તરીકે તમે તાસ્મેનિયન લૅધરવૂડ અને મિન્ટી ટાઇમ-ટ્રી બ્લૉસમ હનીને પારખી શકો છો. આ બંને પ્રકારનાં મધને તમે ચાખશો તો ખબર પડશે કે તે બંને કેટલાં અલગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધના સામાન્ય રીતે બે પ્રકારો છે. મલ્ટિફ્લૉરલ અને મૉનોફ્લૉરલ.
- મલ્ટિફ્લૉરલ હની કોઈ એક ક્ષેત્રમાં આવેલાં ફૂલોના રસમાંથી પેદા થાય છે. જેમાં કોઈ વિશેષ ફૂલો હોતાં નથી પણ તેમનું મિશ્રણ હોય છે.
- ખાસ કરીને આ મલ્ટિફ્લૉરલ હની જંગલમાંથી પેદા થાય છે. ઉદાહરણ તરીકે વાઇલ્ડફ્લાવર હની અને ગ્રીક માઉન્ટેનસાઇડ હની.
- મૉનોફ્લૉરલ હની સામાન્ય રીતે એક જ પ્રકારનાં ફૂલોના રસમાંથી પેદા થાય છે. ઉદાહરણ તરીકે ફ્રેગરન્ટ ઑરેન્જ બ્લૉસમ, લૅવેન્ડર હની, ટેન્ગી યુકેલિપ્ટસ, ઍરોમાટીકલી બીટર ચૅસ્ટનટ ન્યૂઝીલૅન્ડનું મેડિસિનલ મનૂકા હની.
- ખાસ કરીને મલ્ટિફ્લૉરલ હની માર્કેટમાં સરળ પ્રકારે ઉપલબ્ધ છે અને તે સસ્તું પણ છે. જ્યારે મોનોફ્લૉરલ હની બજારમાં મોંઘું મળે છે.
ભારતમાં કેટલાં પ્રકારનાં મધ મળે છે?
ભારતમાં સૌથી વધુ મધ મલ્ટિફ્લૉરલ હોય છે. છતાં કેટલાંક મૉનોફ્લૉરલ હની પણ હોય છે. જેમ કે મસ્ટર્ડ હની, નીલગિરિ હની, અજવાઇન હની, જામુન હની, લીચી હની, તુલસી હની, કાશ્મીરી એકેશિયા હની. આ સિવાય મલ્ટિફ્લૉરલ હનીમાં જંગલી બી હનીનો સમાવેશ થાય છે.
મનાય છે કે જામુન હની ડાયાબિટીસના દર્દીઓને ફાયદાકારક છે. અજ્વાઇન હની પેટના રોગો માટે અકસીર મનાય છે. જ્યારે કે તુલસી હની કફ અને શરદીના રોગ સામે ગુણકારી છે.
જોકે જાણકારો કહે છે કે આ બધું વિવિધ ગ્રંથોમાં લખેલું છે પણ ભારતમાં તેની કોઈ ક્લિનિકલ ટ્રાયલ થઈ નથી.
ભારત હનીના પ્રોપ્રાઇટર ડૉ નજીબુદ્દીન બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે કે, “મધ ગુણકારી છે અને તેમાં ઔષધીના ગુણો છે, પણ તે અંગે હજુ ભારતમાં તેની ચકાસણી થઈ નથી, પણ તે હાનિકારક તો નથી જ.”
પણ શું મધનું સેવન તમારા માટે જરૂરી છે?
મધને કારણે આરોગ્યને ઘણા ફાયદા થતા હોવાના દાવાઓ કરવામાં આવે છે. જેમ કે મધ હૅ ફિવરમાં લાભપ્રદ હોવાનો દાવો પણ કરવામાં આવે છે, પરંતુ મેડિકલ વિજ્ઞાનમાં તેનું કોઈ સમર્થન નથી.
છતાં એ પણ હકીકત છે કે મધ કેટલીક હદે ગુણકારી છે. 8000 વર્ષથી મધની મદદથી આરોગ્યની સારવાર કરવામાં આવી રહી છે. જો તે વધુ ગરમ ન હોય તો તેમાં રોગાણુરોધી અને ઍન્ટિઑક્સિડન્ટ ગુણો જોવા મળે છે.
ઑક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે મધમાં શરદી અને કફમાં રાહત આપવાના ગુણ છે. ખાસ કરીને જે મૉનોફ્લૉરલ મધ છે, તે પૈકીના કેટલાકનો ટેસ્ટ કરવામાં આવ્યો તો તારણ બહાર આવ્યું કે તેમાં વિશેષ ઔષધીના ગુણો રહેલા છે. જેમ કે મનૂકા મધ. જોકે તેની બજારમાં કિંમત ઊંચી છે.
બ્રિટનની આરોગ્ય સંસ્થા એનએચએસ દ્વારા ઘામાં રુઝ લાવવા માટે ખાસ પ્રકારના મેડિકલ ગ્રેડ મધને માન્યતા પણ આપવામાં આવી છે.
મધ એ આખરે તો શર્કરા જ છે, તેથી તે ઓછા પ્રમાણમાં જ ગુણકારી હોવાનો મત છે. પણ શર્કરાની સાથે તેમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાયટોકેમિકલ્સ અને લાભપ્રદ ઍન્ઝાઇમ્સ પણ જોવા મળે છે.
ઘેરા રંગનું મધ સામાન્ય રીતે ઘાને રુઝ લાવવામાં વધુ લાભદાયી હોવાનો પારંપરિક મત છે. જેમ કે બકવિટ હની અને મનૂકા હની.
ક્યૂ ગાર્ડન નામની વિશ્વની જનૌષધી વિશે સંશોધન કરતી સંસ્થાના પ્રોફેસર મોનિક સિમૉન્ડ્સ કહે છે કે, “પારંપરિક દવાઓમાં મધ આંશિક પ્રકારે કામ કરે છે, કારણ કે શર્કરા પ્લાન્ટ્સની કોષિકાઓની અંદર પ્રવેશે છે અને તેમને વધુ ગુણકારી બનાવે છે. એવું લાગે છે કે એક ચમચી મધ દવાને અસરકારક બનાવવામાં મદદ કરે છે. સાથે દવામાં રહેલી કડવાશને પણ તે દૂર કરે છે. જો તે હર્બલ ટીમાં થોડાં ટીપાં મધ નાખવામાં આવે તો તે તેનો ટેસ્ટ વધારવામાં પણ મદદ કરે છે.”
જોકે બ્રિટનની આરોગ્ય સંસ્થા એનએચએસ એક વર્ષથી નાનાં બાળકોને મધનો ઉપયોગ કરવાનું ટાળવાની સલાહ આપે છે, કારણ કે નાનાં બાળકોમાં મધના સેવનને કારણે ખોરાકી ઝેર ચઢવાના જોખમની શક્યતા છે.
મધ ખરીદતી વખતે શું ધ્યાને લેશો?
જો તમે સારું મધ ખરીદવા માગતા હોવ તો તમારે મધના પૅકિંગ પરના લખાણની સમજણ હોવી જરૂરી છે. જેમ કે કેટલાક મધ ઉત્પાદકો પોતે ક્યાં મધ ઉત્પાદન કરી રહ્યા છે તેને હાઇલાઇટ કરે છે.
તો કેટલાક તેમનું મધ કયાં ફૂલોમાંથી પેદા થાય છે તેને હાઇલાઇટ્ કરે છે. તો કેટલાક તેને કઈ વાડીમાંથી કે જંગલમાંથી બન્યું છે તેને હાઇલાઇટ કરે છે.
તેનાથી ઊલટું જો તમને જોવા મળે કે મધના પૅકિંગ પર એક કરતાં વધારે દેશનું નામ છે એનો અર્થ એ થાય છે કે તે ઘણા બધા સ્રોતમાંથી મેળવેલું છે અને તે એક જ ક્ષેત્રની આસપાસના મધપૂડામાંથી મેળવેલું નથી પણ ઘણા બધા પ્રદેશના મધપૂડામાંથી બનેલું છે.
રૉ મધ કે જેને પાશ્ચરાઇઝ્ડ નથી કરવામાં આવતું તે મધપૂડામાંથી સીધું મેળવેલું હોય છે. જેમાં પરાગરજ પણ ભળેલી હોય શકે છે. અને આ પ્રકારનું મધ પ્રોસેસ કરેલા મધ કરતાં જલદી ક્રિસ્ટલાઇઝ્ડ થાય છે, એટલે કે જલદી જામી જાય છે.
પરંતુ બજારમાં મળતા એવા મધથી પણ સાવધાન રહેવાની જરૂરત છે જેમાં શુગર સિરપ એટલે કે ચાસણીની ભેળ કરવામાં આવી હોય. જો તમે મધની બરણી ખોલો અને તમને મધની કોઈ ગંધ ન મળે અને બળેલી મીઠાઈની ગંધ મળે તો સમજવું કે આ મધની ગુણવત્તા એટલી શુદ્ધ નથી જે તમને જોઈએ છે.
ઘટ્ટ અને પાતળા મધમાં શું છે અંતર?
મધના ટેક્સ્ચરની વાત કરીએ તો કેટલાંક પ્રકારનું મધ ઘેરું અને ગાઢ હોય છે. સમય જતા તે વધુ ગાઢ બને છે. જ્યારે કેટલાંક તરલ પ્રકારનાં હોય છે, જે થોડું પાતળું હોય છે. જેમ કે એકેશિયા નામનું મધ.
જો મધ ઘટ્ટ થઈ ગયું હોય તો તેને ફરી તરલ બનાવવા માટે ગરમ પાણીમાં 15 મિનિટ માટે મધ ભરેલી જાર ડુબાડી રાખો તો તે ફરી તરલ થઈ જશે. અથવા તો તેને પૅન પર ધીમા તાપે ગરમ કરો અથવા તો માઇક્રોવૅવમાં પણ ગરમ કરી શકો છો.
ઘણી વાર ક્રિસ્ટલાઇઝ્ડ થયેલા અથવા તો જામી ગયેલા મધને ઉત્પાદકો ક્રિમી મધ તરીકે અથવા તો સેટ મધ તરીકે ખપાવે છે. જોકે સામાન્ય રીતે માર્કેટમાં મળતાં મધ વધુ તરલ હોય છે અને ફિલ્ટર્ડ પણ. તેથી આ બજારમાં મળતાં સામાન્ય મધને સરળતાથી બરણીમાં ભરી શકાય છે જોકે તેને ફિલ્ટર્ડ કરવામાં તેના કેટલાક ઔષધીય ગુણો ઘટી પણ જાય છે.
મધનું સૌથી શુદ્ધ સ્વરૂપ મધપૂડાના મધમાં છે. જે મીણના કોષોમાં છે. તેને ચાવ્યા બાદ તમે ફેંકી પણ શકો અથવા તો ગળી પણ શકો. પણ સૌથી આહલાદક ચીજ એ છે કે જ્યારે તમે મધને ચીઝ સાથે કે કોઈ ફળ સાથે એક પ્લૅટ પર સજાવીને પીરસો અથવા ખાઓ.
મધમાખીને મદદ એટલે પૃથ્વીને મદદ
માણસ, પશુ-પંખી અને કીટકો એકબીજા પર આધારિત છે. એક મધમાખીને 450 ગ્રામ મધ બનાવવા માટે લગભગ 20 લાખ ફૂલોમાંથી રસ ચૂસવો પડે છે. એક મધમાખી એક ચમચીના બારમા ભાગનું મધ આખી જિંદગીમાં બનાવી શકે છે.
દુનિયાના 4/5 ભાગના છોડ પરાગનયન માટે માખી પર આધાર રાખે છે. જેમાં ત્રીજો ભાગ અનાજનો પણ છે જે વિશ્વને ભોજન પૂરું પાડે છે. જેને કારણે આપણને માત્ર મધમાખીની જ નહીં, પરંતુ અન્ય માખીઓની પણ જરૂર છે જેથી વિશ્વના તમામ સજીવોનું જીવનચક્ર ચાલ્યા કરે.
મોટા ભાગે મધનું ઉત્પાદન ગરમ દેશોમાં વધુ થાય છે, કારણ કે અહીં ફૂલોનો રસ વ્યાપક પણે ઉપલબ્ધ હોય છે.
ઘણી વાર ખેતીની આડપેદાશ તરીકે મૉનોફ્લૉરલ હની પણ પેદા કરવામાં આવે છે. પણ આજકાલ જે પ્રકારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ શરૂ થયો છે તેની મધમાખી પર ખાસ્સી અસર થઈ છે. તેની અસર મૉનોફ્લૉરલ હનીના ઉત્પાદન અને ગુણવત્તા પર પણ થાય છે. જેને કારણે અનધિકૃત વિક્રેતા પાસેથી મધ મેળવવું બિનઆરોગ્યપ્રદ બની શકે છે.
જ્યારે મધ પહાડો પર હોય છે, જંગલોમાં પેદા થાય છે અથવા તો જેઓ ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે ત્યાં બી-કીપર્સ મધનું ઉત્પાદન કરે છે, તેવાં મધ આરોગ્યપ્રદ હોય છે.
ખાસ કરીને જેઓ જંતુનાશક દવાઓ કે રસાયણિક ખાતરોનો ઉપયોગ નથી કરતાં તેવાં ખેતરોની આસપાસ પેદા થતું મધ ખરીદવું હિતાવહ છે, જેથી ઇકો-સિસ્ટમને ચલાવવામાં મદદ મળે.
ખાસ કરીને બી-કીપર્સ પાસેથી જ મધ લેવાનો ફાયદો એ છે કે આ મધ ક્યાં બન્યું છે અને તે કયાં પ્રકારનાં ફૂલોના રસમાંથી બન્યું હશે, તેનો અંદાજ આવી શકે છે.
જે લોકો વેગન ડાયટને ફોલો કરે છે તેઓ મધ સાથે જોડાયેલા નકારાત્મક મતોને ગંભીરતાથી લે છે. કેટલાક માને છે કે મધ ઉત્પાદન કરવામાં હની-બીને નુકસાન પહોંચાડવામાં આવે છે. જેને કારણે હવે હની ફ્લેવર ધરાવતા સ્વિટનર્સ પણ બજારમાં ઉપલબ્ધ છે.
મધનો ઉપયોગ અન્ય ક્યાં થાય છે?
મધનો ઉપયોગ માત્ર ઔષધીય ગુણોને ધ્યાનમાં લઈને કે ડાયટને ધ્યાનમાં રાખીને જ નથી થતો. મધનો ઉપયોગ કરીને હની કૅક પણ બનાવવામાં આવે છે.
ટેસ્ટફૂલ હની કૅક બનાવવા માટે કૅક બૅક કરવા પહેલા તેમાં એક જ ચમચી હની ઉમેરવાની જરૂર પડે છે. માત્ર એક ચમચી હનીને કારણે કૅકમાં હનીના ફ્લેવરની મહેક ફીલ થાય છે. સલાડ ડ્રેસિંગમાં મધનો ઉપયોગ થાય છે.
ફ્રૂટ, ચીઝ, મસાલા, હર્બ્સ, નટ્સને મધ સાથે ખાવાનો સ્વાદ અલગ જ છે. શેકેલાં કેટલાંક શાકભાજી સાથે પણ હની ખાવામાં આવે છે. શેકેલાં કંદ-મૂળને પણ મધ સાથે ખાવામાં આવે છે. ગાજરને શેકીને કરીને મધ સાથે ખાવાની મજા જ કંઈ ઓર છે.
ગ્રીક પ્રજાનો મધ સાથેનો પ્રેમ અલગ જ છે. તેઓ તેની સાથે ચીઝ, કુરગેટ અને મધની પાઇમાં હૉલૌમી અથવા ફેટા સાથે અલગ જ સ્વાદ બનાવે છે. તેઓ સોયા સોસની સાથે મધનો મરિનેડ્સમાં મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરે છે. બ્રાઉન રાઇસ અને કૉકોનટ સાથેના ચિકનમાં પણ તેનો ભરપૂર વપરાશ કરે છે.
ચીની ડિશોમાં પણ મધ સાથે ગરમ કે ઠંડી-મસાલેદાર ચીજો બનાવવામાં આવે છે. હૉટ, સૉલ્ટ, અને સ્વીટ આ ત્રણેયનું સાયુજ્ય સાઉથ એશિયન ડિશોમાં જોવા મળે છે. મોરોક્કોમાં ટમેટાં પકાવવ્યાં બાદ તેમાં મધનો ઉપયોગ થાય છે. હનીનો ઉપયોગ શુગરના પર્યાય તરીકે પણ થાય છે.
સ્વીટ ડીશ બનાવવા માટે શુગરની જગ્યાએ હનીનો ઉપયોગ થાય છે. ફ્રૂટ સલાડ અથવા તો યોગાર્ડ કૅક બનાવવામાં મધનો ઉપયોગ કરી શકાય છે. પણ હોટ ચીજ બનાવવામાં ધ્યાન રાખવું જરૂરી એ છે કે મધ શુગર કરતાં જલદી બર્ન થાય છે, તેથી મધ ધરાવતી ચીજવસ્તુઓ બનાવવામાં ઓવનનું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ રાખવું હિતાવહ છે.