યોનિમાર્ગ વિશે આ પાંચ બાબતો જાણવી શા માટે જરૂરી છે?

    • લેેખક, પોલ મેકગ્રા
    • પદ, હેલ્થ ચેક, બીબીસી વર્લ્ડ સર્વિસ

સ્ત્રીની યોનિ બાબતે ઘણી ખોટી માન્યતાઓ છે અને સોશિયલ મીડિયા એવી ગેરસમજના પ્રસારનું કામ કરે છે.

એ ગેરસમજો દૂર કરવાનો પડકાર એક મહિલા તબીબે ઝીલ્યો છે. તેમનું નામ ડૉ. જેન ગુંટર છે. તેઓ છેલ્લાં 25 વર્ષથી અમેરિકા અને કૅનેડામાં પ્રસૂતિ-સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે કાર્યરત છે.

ઉપરાંત તેઓ મહિલાઓના આરોગ્ય સ્વાસ્થ્ય વિશે પોતાનું વલણ પણ રજૂ કરતાં રહે છે. આથી મજાકમાં તેમને ટ્વિટરના રેસિડેન્ટ ગાયનેકૉલૉજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.

યોનિમાર્ગમાં જેડ એગ્ઝ મૂકવાથી હોર્મોન સંતુલિત કરવામાં, માસિકસ્ત્રાવને નિયંત્રિત કરવામાં અને મૂત્રાશયને નિયંત્રિત કરવામાં મદદ મળે છે, એવો દાવો તાજેતરમાં સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યો હતો.

એ દાવો ખોટો હોવાનું પુરવાર કરવા ડૉ. જેન ગુંટરે કમર કસી છે અને જણાવ્યું છે કે આ પદ્ધતિ એકેય પ્રાચીન ચીની પરંપરાનો હિસ્સો નથી અને તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર પણ નથી.

ડૉ. જેન ગુંટરે ‘વજાઈના બાઈબલ’ નામનું પુસ્તક લખ્યું છે અને તે અનેક દેશોમાં સૌથી વધુ વેચાતું પુસ્તક છે.

આ પુસ્તકમાં તેમણે મહિલાઓ સક્ષમ બનાવવા અને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવામાં મદદરૂપ થવા અત્યંત વ્યવહારુ સલાહ આપી છે. આ પુસ્તકમાં તેમણે યોનિ વિશે શૅર કરેલી ઘણી વાતો બધાએ જાણવી જરૂરી છે.

યોનિના દરેક હિસ્સા વિશે જાણવું જરૂરી છે

યોનિ શરીરની અંદર આવેલી છે. આ સ્નાયુબદ્ધ હિસ્સો ગર્ભાશયને બહારની દુનિયા સાથે જોડે છે.

યોનિમાર્ગનો જે ભાગ આપણે બહારથી જોઈ શકીએ છીએ અથવા જે આપણાં વસ્ત્રોને સ્પર્શે છે તેને વલ્વે અથવા યોનિમુખ અથવા સ્ત્રીનું બાહ્ય જનનાંગ કહેવાય છે.

ડૉ. ગુન્ટરના જણાવ્યા મુજબ, ખોટા શબ્દપ્રયોગથી બચવા માટે યોનિની પરિભાષા, એ માટે વાપરવામાં આવતા શબ્દો વિશે જાણવું જરૂરી છે.

તેઓ કહે છે કે “તમને યોનિ અથવા વલ્વે શબ્દ બોલવામાં અજુગતું લાગે ત્યારે તેનો અર્થ કશુંક ગંદું અથવા શરમજનક છે એવો છે.”

વલ્વેના બાહ્ય ભાગને પ્યૂડેન્ડે કહેવામાં આવે છે. પ્યૂડેન્ડે લેટિન શબ્દ પુડેટ પરથી ઊતરી આવેલો તબીબી શબ્દ છે. તેનો અર્થ થાય છે શરમાવું.

અલબત્ત, ડૉ. ગુંટર માને છે કે આવા શબ્દોનો ઉપયોગ સ્ત્રીને ભાવનાત્મક રીતે કચડી નાખે છે. એ સિવાય તેના તબીબી સૂચિતાર્થ પણ હોઈ શકે છે, કારણ કે પોતાને શું તકલીફ છે તેનું વર્ણન કરવામાં દર્દીને મુશ્કેલી પડી છે અને તેને યોગ્ય સારવાર પણ મળતી નથી.

યોનિમાર્ગની સ્વચ્છતા

ડૉ. ગુંટરના જણાવ્યા મુજબ, છેલ્લાં દસ વર્ષમાં મહિલાઓનો અભિગમ બદલાયો છે. ઘણી સ્ત્રીઓ પોતાના યોનિમાર્ગને સુગંધિત કરવા વિવિધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી થઈ છે. યોનિમાર્ગની નિયમિત સફાઈ કરતી સ્ત્રીઓનું પ્રમાણ પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધ્યું છે. ઉત્તર અમેરિકામાં આવી મહિલાઓનું પ્રમાણ 57 ટકા છે. એ પૈકીની ઘણી મહિલાઓને તો તેમના પાર્ટનર આવાં ઉત્પાદનોના ઉપયોગ માટે પ્રોત્સાહિત પણ કરે છે.

જોકે, ડૉ. ગુંટર જણાવે છે કે યોનિમાર્ગની સ્વચ્છતા માટે કશું જ વાપરવાની જરૂર નથી. “યોનિની પોતાની એક સ્વચ્છતા યંત્રણા છે.”

તેથી આવાં સુગંધિત ઉત્પાદનોનો ઉપયોગ નહીં કરવાની સલાહ તેઓ આપે છે. તેઓ કહે છે કે “એ ઉત્પાદનો યોનિમાર્ગ માટે અત્યંત જોખમી છે.”

એવી પ્રોડક્ટ્સના ઉપયોગને કારણે આ નાજુક ઇકો-સિસ્ટમનું સંતુલન બગડી શકે છે. તેનાથી લૈંગિક સંસર્ગથી ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. એ ઉપરાંત યોનિમાર્ગને વરાળ વડે સાફ કરવાથી તેમાં દાઝવાનું જોખમ પણ સર્જાઈ શકે છે.

તેથી યોનિમાર્ગના બહારના હિસ્સાને સાફ કરવા માટે પાણી અથવા પીએચ બેલેન્સ ક્લિન્ઝરનો ઉપયોગ કરવો સલાહભર્યું છે.

સાબુ બેઝિક હોય છે, જ્યારે યોનિનો હિસ્સો એસિડિક હોય છે. તેથી તેની સફાઈ માટે સાબુનો ઉપયોગ કરવામાં આવે તો બન્નેનું રીએક્શન થઈ શકે અને યોનિમાર્ગમાંનું રક્ષણાત્મક આવરણ દૂર થઈ શકે. મેનોપોઝ દરમિયાન હોર્મોનલ ફેરફારને કારણે યોનિમાર્ગમાં શુષ્કતા આવે ત્યારે નારિયેળનું તેલ અથવા ઓલિવ ઓઇલ તેનો આદર્શ ઇલાજ છે.

યોનિમાર્ગના કોષોમાં દર 96 કલાકે પરિવર્તન થતું હોય છે. તેથી ત્યાંની ત્વચા ઝડપથી રૂઝાઈ જાય છે.

યોનિમાર્ગમાં જંતુઓનું લશ્કર

યોનિમાર્ગમાં ‘સારા’ જંતુઓનું સૈન્ય હોય છે, જે યોનિમાર્ગને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ડૉ. ગુંટર કહે છે કે “યોનિમાર્ગમાંના બૅક્ટેરિયા યોનિમાર્ગની ઇકો-સિસ્ટમને નિરોગી રાખવાનું કામ કરે છે.”

ખરાબ બૅક્ટેરિયાના વિકાસને રોકવા માટે સારા બૅક્ટેરિયા એસિડિક વાતાવરણ બનાવે છે. શુષ્કતા રોકવા માટે યોનિમાર્ગમાં મ્યૂકસ (લાળ) ઉત્પન્ન કરે છે.

બૅક્ટેરિયાનું સંતુલન હોવું જરૂરી છે. તેથી એન્ટી-બૅક્ટેરિયલ વાઇપ્સ વાપરવાનું ટાળવું જોઈએ. યોનિમાર્ગમાં માફકસરનો ભેજ હોવો જરૂરી છે. તેથી ત્યાં હેર ડ્રાયર પણ નહીં વાપરવાની સલાહ ડૉ. ગુંટર આપે છે.

યોનિની આસપાસના વાળ

આજકાલ યોનિની આસપાસના વાળ દૂર કરવાનો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણી યુવતીઓ બિકિની વેક્સનો, રેઝરનો ઉપયોગ કરે છે, પરંતુ શેવિંગ અથવા વેક્સિંગ દ્વારા આ બધા વાળને દૂર કરવામાં આવે ત્યારે વાળનાં મૂળિયાં ઊખડી જાય છે અને એ ભાગમાં પીડા થાય છે. એ ઉપરાંત શેવિંગ અથવા વેક્સિંગને કારણે ચામડી કપાવાનું જોખમ પણ હોય છે, એવું ડૉ. ગુંટર જણાવે છે.

તમે યોનિમાર્ગની આસપાસના વાળ દૂર કરવા ઇચ્છતા હો તો સાવચેતી રાખવી જરૂરી છે. દાખલા તરીકે, વેક્સ કરતી વખતે વેક્સની સ્ટિક બદલવામાં આવી છે કે નહીં તે ચકાસવું જોઈએ, કારણ કે અન્ય માટે વાપરવામાં આવેલી સ્ટિક વડે જ તમને વેક્સ લગાવવામાં આવે તો તમને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.

રેઝરનો ઉપયોગ કરવો હોય તો તદ્દન નવું રેઝર વાપરવું જોઈએ. રેઝર વાળના વિકાસની દિશામાં ફેરવવું જોઈએ. અન્યથા વાળના મૂળમાં ઇન્ફેક્શન થઈ શકે છે.

ડૉ. ગંટર કહે છે કે “સ્ત્રીના યોનિમાર્ગની આસપાસના વાળ તેનું રક્ષણ કરે છે. એ ભાગ અત્યંત નાજુક અને સંવેદનશીલ હોય છે. તેથી તેની આસપાસના વાળ મજ્જાતંતુ સાથે જોડાયેલા હોય છે. તેને કાઢવાની પ્રક્રિયા સાહજિક રીતે જ પીડાદાયક છે.”

યોનિમાર્ગ પર વૃદ્ધત્વની અસર

વર્ષો સુધી માસિકસ્રાવ અને બાળકોના જન્મ પછી અંડાશયમાં ઈંડાં ઉત્પન થવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. તેના પરિણામે માસિક આવતું બંધ થાય છે. એસ્ટ્રોજન નામના જે હોર્મોનને કારણે સ્ત્રી પ્રજનનક્ષમ બને છે તે એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવા લાગે છે અને તેની અસર યોનિ પર થાય છે.

મેનોપોઝ દરમિયાન એ વિસ્તારમાં શુષ્કતા આવતી જણાય છે. એ શુષ્કતાને કારણે સેક્સ દરમિયાન સ્ત્રીને પીડા થઈ શકે છે. એ ત્રાસદાયક હોય છે, પરંતુ તેનો ઉપચાર શક્ય છે.

ડૉ. ગુંટર કહે છે કે “સ્ત્રીએ સહન કરવાની કોઈ જરૂર નથી. તેમણે આ બાબતે માહિતગાર હોવું જરૂરી છે અને મહત્ત્વનું પણ છે.”

સંભોગ કરવાથી યોનિમાર્ગ વ્યવસ્થિત રાખવામાં મદદ મળે એવું કહેવાય છે, પરંતુ તેથી યોનિની અંદરની પેશીઓ પર સૂક્ષ્મ ઇજા થઈ શકે છે અને એ કારણે ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.