'મારું ચાલે તો કાલે લગ્ન કરી લઉં', સીમા હૈદરની જેમ ભારતમાં પ્રેમીને મળવા આવેલી પ્રેમિકાની કહાણી

    • લેેખક, સરતાજ આલમ
    • પદ, બીબીસી માટે હઝારીબાગ ઝારખંડથી

"મારું ચાલે તો હું કાલે જ શાદાબ સાથે લગ્ન કરી લઉં."

આ કહેવું છે બારબરા પોલાક નામની મહિલાનું જે તાજેતરમાં પોલૅન્ડથી ભારત આવ્યાં છે.

44 વર્ષીય બારબારાના આ શબ્દો પર તેમના ભારતીય પ્રેમી શાદાબ આલમનો ચહેરો ખીલી ઊઠ્યો.

શાદાબ આલમ કહે છે કે "પરંતુ અમે બન્ને કાયદાકીય રીતે લગ્ન કરવા ઇચ્છીએ છીએ. જેથી આવનારા જીવનમાં કોઈ જ જાતની મુશ્કેલીનો સામનો ના કરવો પડે."

બારબરા પોલાક પોતાના પ્રેમી શાદાબ આલમને મળવા માટે જુલાઈના બીજા અઠવાડિયામાં હઝારીબાગ આવ્યાં છે.

તે જૂનમાં ભારત આવ્યાં હતાં. 26 જૂને તેઓ પોતાની સાત વર્ષની દીકરી આનિયા સાથે પોલૅન્ડથી નવી દિલ્હી પહોંચ્યાં હતાં. ત્યારે તેઓ શાદાબ સાથે દિલ્હીનાં પર્યટનસ્થળોએ ફરવાં ગયાં હતાં.

શાદાબ કહે છે કે "જ્યારે દિલ્હીમાં ફરતાં હતાં લોકો બારબરા અને આનિયાની સાથે ફોટો ખેંચાવતા હતા. જાણે તેઓ સેલિબ્રિટી હોય."

શું કહે છે બારબરા?

બારબરાને અમે જ્યારે પહેલી વાર મળ્યા તો તેમણે સૌથી પહેલા અમને સલામ ભરી. જ્યારે અમે તેમને પૂછ્યું કે આ તમે ક્યાંથી શીખ્યાં? તો તેમણે કહ્યું ગામડે આવીને.

તેમણે કહ્યું "જ્યારે શરૂ શરૂમાં ગામલોકો તેમને મળવા આવ્યા તો શાદાબને અભિવાદન સ્વરૂપે સલામ ભરતા જોયા, ત્યારથી હું મળવા આવતા બધા જ લોકોને સલામ કરું છું."

જોકે, બારબરા સાથે વાતચીત ઇંગ્લિશમાં થઈ. તેમણે કેટલાક સવાલોના જવાબ ઇંગ્લિશમાં તો કેટલાક પૉલિશમાં આપ્યા, જેને શાદાબ ટ્રાન્સલેટ કરીને જણાવે છે.

ભારતનાં વખાણ કરતાં બારબરાએ કહ્યું "આ અતિથિ દેવો ભવ:વાળો એક સુંદર દેશ છે. અહીંના લોકો બહુ મળતાવડા છે. અહીંનાં ફળ ખૂબ મીઠાં છે. અહીંનું ભોજન મને ખૂબ ગમે છે."

પોતાની દીકરી અંગે તેઓ કહે છે, "દીકરી પણ મારી સાથે અહીં રજાઓ ગાળીને ખૂબ ખુશ છે. તે શાદાબ સાથે હળીમળી ગઈ છે. તે તેમને અત્યારે ડેડી કહે છે. બન્ને સાથે મળીને ખૂબ રમે છે."

વિઝિટિંગ વિઝા પર આવેલાં બારબરા કહે છે કે હું પહેલી વાર કોઈ ગામડામાં આવી છું. આ ખુટરા ગામની સંસ્કૃતિ મને ખૂબ જ ગમી. પરંતુ અહીંનાં ઘર ખૂબ નાનાં છે. પોલૅન્ડમાં ઘર મોટાં હોય છે. છતાં શાદાબ સાથે અહીં રહીને હું ખૂબ ખુશ છું.”

કેવી રીતે થઈ બારબરાની શાદાબ સાથે મુલાકાત?

મહારાષ્ટ્ર કૉલેજથી સ્નાતક શાદાબ કહે છે કે તેઓ સારા ડાન્સર છે.

શાદાબે કહ્યું, “ડાન્સનો વીડિયો બનાવીને હું ટિકટૉક પર પોસ્ટ કરતો હતો. તેને જોઈને બારબરા મને ફોલો કરવા લાગ્યાં. બારબરાએ અનેક વાર ડીએમ મૅસેજ કર્યા, પણ હું તેમના એકાઉન્ટ ડીપીમાં વિદેશી મહિલાનો ચહેરો જોઈને ડરી ગયો. ક્યાંક કોઈ ફ્રોડ એકાઉન્ટ તો નથી. તેથી મેં કોઈ જવાબ ન આપ્યો. છતાં તેઓ સતત પ્રયત્ન કરતાં રહ્યાં.”

તેઓ કહે છે, “ટિકટૉક બંધ થયા બાદ હું ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા લાગ્યો. ત્યાં પણ બારબરા મને ફૉલો કરતાં હતાં. એક દિવસ હું લાઇવ હતો તો જોયું બારબરા પણ છે, તેમણે મારી સાથે સંપર્ક કરવાની ઇચ્છા દર્શાવી અને મેં તેમને મારો નંબર શૅર કર્યો. ત્યાર બાદ વૉટ્સઍપની મદદથી વાતચીત શરૂ થઈ. તે લૉકડાઉન પહેલાંનો સમય હતો.”

શાદાબ કહે છે, “બારબરા વારંવાર લાલ ગુલાબ મોકલતાં હતાં, જે જોઈને મને પ્રેમનો અહેસાસ થવા લાગ્યો. ત્યાર બાદ એક દિવસ બારબરાએ જાતે જ પ્રેમનો એકરાર કરી દીધો, જેને મેં કબૂલ કરી લીધો.”

શાદાબ કહે છે, “હું સોશિયલ મીડિયા પર વધુ ઍક્ટિવ રહેતો હતો. તે મને મારો સમય બરબાદ ન કરવાની સલાહ આપતાં હતાં.”

તેઓ કહે છે, “તે મને સારું જીવન જીવવા માટે પ્રેરિત કરતી હતી. તે સમજાવતી હતી, વઢતી કે સફળ વ્યક્તિ બનવા માટે તમે માત્ર કામ પર ધ્યાન આપો. બારબરાનું આવી રીતે મારું ધ્યાન રાખવું મને સારું લાગતું હતું. મને લાગતું હતું કે તે મારું ખૂબ જ ધ્યાન રાખે છે. અને અમે બન્ને એકબીજા માટે બન્યાં છીએ.”

બારબરા કહે છે, “મેં શાદાબ માટે પોલૅન્ડથી વિઝિટિંગ વિઝા મોકલ્યા હતા. પણ ટેકનિકલ કારણસર તે પોલૅન્ડ ન જઈ શક્યા. પછી હું શાદાબને મળવા માટે 2021ના અંતમાં ભારત આવી.”

શાદાબ કહે છે કે અનેક પ્રયત્ન બાદ પણ મુશ્કેલ પેપર વર્કના કારણે તેઓ પોલૅન્ડ ન જઈ શક્યા. તેથી આ વખતે બારબરા પોતાની દીકરીને લઈને પોતે જ 26 જૂને ભારત આવી ગઈ.

બારબરા શાદાબ સાથે લગ્ન કરવા માગે છે. તેઓ કહે છે કે, “મેં સાદાબને સમજાવ્યા કે આપણને બન્નેને પ્રેમ તો થઈ ગયો છે. હવે તેને મંજિલ આપવા માટે લગ્ન કરવાં જોઈએ.”

લગ્ન ક્યારે કરશે?

આ સવાલ પર બારબરાએ તુરંત કહ્યું કે, “મારું ચાલે તો હું કાલે જ લગ્ન કરી લઉં. પણ અમે બન્ને અલગ દેશનાં છીએ, એટલે ડૉક્યુમૅન્ટ તૈયાર કરીને હું કાયદાકીય લગ્ન કરવા માગું છું. તેથી સમય લાગી રહ્યો છે.”

શું તમે લગ્ન બાદ ભારતમાં સેટલ થશો કે શાદાબને પોલૅન્ડ લઈ જવા માગશો?

આ સવાલ પર બારબરા કહે છે કે, “લગ્ન બાદ હું શાદાબને પોલૅન્ડ લઈ જવા માગું છું. ત્યાં મારી કન્સ્ટ્રક્શન કંપની છે. જેમાં શાદાબ માટે જોબ છે. પણ જો અમને બન્નેને ભારતમાં સારું ભવિષ્ય દેખાયું તો અમે અહીં પણ સેટલ થઈ શકીએ છીએ. તો હું અહીં રેસ્ટોરાંના બિઝનેસમાં રોકાણ કરી શકું છું.”

તેઓ કહે છે, “હું ઇચ્છું છું કે જ્યાં પણ રહું શાદાબની સાથે રહું. તેના માટે બધું જ ત્યાગવા માટે તૈયાર છું.”

શાદાબ કહે છે કે, “હું પણ બારબરા વગર નથી રહી શકતો. તેના માટે પહેલાં લગ્ન કરવા છે. પછી હું બારબરા સાથે પોલૅન્ડ જવા માગુ છું, કારણ કે તે મારા ભવિષ્યને લઈને ચિંતિત છે.”

બારબરાનું અત્યાર સુધીનું જીવન

બારબરા પોતાના અગાઉનાં લગ્ન અંગે કહે છે, “મારાં લગ્ન જે શખ્સ સાથે થયાં તે હવે મારાથી અલગ થઈને સ્વિટ્ઝર્લૅન્ડમાં રહે છે. જ્યારે દીકરી આનિયા મારી સાથે પોલૅન્ડમાં રહે છે. હવે શાદાબ જ તેના પિતા છે.”

શાદાબ કહે છે, “બારબરાએ મને બધું જ કહી દીધું છે. કશું જ નથી છુપાવ્યું. શરૂઆતમાં જ તેમણે આગળનાં લગ્ન અને દીકરી અંગે કહી દીધું હતું. હું તેમની સાથે આ અંગે વાત કરવા નથી માગતો. આનિયા ખૂબ જ વહાલી દીકરી છે.”

જ્યારે શાદાબને એ પુછાયું કે ના તો બારબરાને ભારતની કોઈ ભાષા આવડે છે, ન તો તમને પૉલિશ આવડે છે તો તમે એકબીજાની વાતો કેવી રીતે સમજો છો?

જવાબમાં સાદાબે કહ્યું કે “બારબરા ઇંગ્લિશ બોલી નથી શકતી પણ સમજી શકે છે. મને ઇંગ્લિશ આવડે છે, હું જે પણ બોલું છું તે પૉલિશ ટ્રાન્સલેટરની મદદથી સમજી જાય છે. અગાઉ હું પૉલિશ નહોતો સમજી શકતો. પરંતુ હવે સમજવા લાગ્યો છું. કામચલાઉ બોલી પણ લઉં છું.”

શાદાબનો પરિવાર

શાદાબનાં માતાપિતા નથી. તેમની ત્રણ બહેનો અને એક મોટો ભાઈ છે. ત્રણેય બહેનનાં લગ્ન થઈ ગયાં છે. મોટા ભાઈ કોલકાતામાં રહે છે.

તેમની સાથે બધા જ ભાઈ અને બહેનોનો ઉછેર તેમના મામાએ મુંબઈમાં કર્યો છે. શાદાબ કહે છે કે બધા જ પોતાના જીવનમાં ખુશ છે.

તેઓ કહે છે કે “હવે બચ્યો હું, તો હું પણ બારબરા સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવવા ઇચ્છુ છું.”

શાદાબ કહે છે, “મારી બહેન શરૂઆતમાં બારબરાને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. પણ તેને કોઈ વાંધો નથી. જલદી જ હું બારબરાને બહેનો સાથે પણ મળાવી લઈશ.”

તેઓ કહે છે કે કોવિડ દરમિયાન તેમની નોકરી જતી રહી ત્યારથી બારબરા તેમને સહારો આપે છે.

શાદાબે સ્નાતક બાદ હાર્ડવેર નેટવર્કિંગમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ મુંબઈમાં આઈટી એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા.

જ્યારે બારબરા શાદાબના ઘરે શિફ્ટ થયાં

હઝારીબાગમાં વિતાવેલા દિવસોનો ઉલ્લેખ કરતા શાદાબ કહે છે કે “કેટલાક દિવસો હોટલમાં રહ્યાં પછી બારબરાએ જ્યારે હઝીરાબાગ શહેરથી દસ કિલોમીટર દૂર ખુટરા ગામમાં આવેલા મારા ઘરે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી તો હું તેમને મારા ઘરે લઈ આવ્યો.”

ગામડાના લોકો બારબરાને મળવાની ઇચ્છા લઈને રોજ જ તેમના ઘરે આવે છે.

શાદાબ કહે છે કે “વારંવાર લોકોને મળવા માટે સેલ્ફી લેવાની ઇચ્છાથી બારબરા પોલાક અને તેમની દીકરી થોડાં વિચલિત થઈ જાય છે. પણ તેઓ અહીં આવીને ખૂબ ખુશ છે.”

બારબરાના ધર્મ અને દેશ અલગ છે. તેમને ઘરે લાવવા સામે ગ્રામજનોની પ્રતિક્રિયા શું હતી? 27 વર્ષીય શાદાબ કહે છે કે "બારબરા ઘરે આવ્યાં બાદ જ ગામલોકો ખૂબ જ ઉત્સાહિત દેખાયા. કેટલાક લોકોએ લગ્ન અંગે પૂછ્યું તો મેં કહ્યું કે લગ્ન જલદી જ કરી લેશું."

ગામના સરપંચ અનવારુલ હક કહે છે કે “શાદાબના ઘરની ગરીબી અમે જોઈ છે. મુંબઈમાં રહીને તેમણે ઇંગ્લિશ શીખ્યું. આ મહેનતુ યુવાનના જીવનમાં એક વિદેશી મહિલા આવી. ગ્રામજનો ખુશ છે કે હવે શાદાબનું જીવન બદલાઈ જશે.”

લગ્ન બાદ શાદાબ વિદેશમાં શિફ્ટ થઈ શકે છે? આ સવાલને વચ્ચેથી જ કાપતા સરપંચ અનવારુલ હક કહે છે, “કારણ કે શાદાબના પરિવારમાં તેમની આગળપાછળ કોઈ નથી. તો તેમને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો હક્ક છે. તેઓ વિદેશમાં શિફ્ટ થશે તો એવું કરનારા ગામના પહેલા યુવાન હશે. ગ્રામજનો બધી રીતે એની સાથે છે.”

શાદાબનું ઘર બનાવવા મદદ

પાંચસો ઘરની વસતીવાળા ખુટરા ગામના મુખ્ય રસ્તાથી અંદાજે એક કિલોમીટર અંદર ગયા બાદ નાની મસ્જિદની નજીક શાદાબના વડવાનું ઘર છે. અહીં રસોડાનું અને હૉલના નિર્માણનું કામ ચાલી રહ્યું છે.

ગામના 60 વર્ષીય સરપંચ અનવારુલ હક કહે છે કે આ ઘરને તેઓ પોતાના જીવનમાં બીજી વાર બનતું જોઈ રહ્યા છે.

તેઓ ઉમેરે છે કે “પહેલી વાર માટીના આ ઘરમાં ઇંદિરા આવાસ અંતર્ગત શાદાબનાં દાદીએ બે પાક્કા રૂમ બનાવ્યા હતા. પણ હવે આ ઘર પોલૅન્ડથી આવેલી પ્રેમિકાની આર્થિક મદદથી બીજી વાર બની રહ્યું છે.”

શાદાબના આ નિર્માણાધીન ઘરમાં બે રૂમ છે. એક રૂમમાં થોડો સામાન રાખેલો છે, તો બીજા રૂમમાં એક બૅડ પર બારબરાની તસવીર છે.

શાદાબ કહે છે કે જ્યારે બારબરા હોટલથી માર ઘરે આવી તો તેમને મારા ઘરની સ્થિતિ જોઈને દુખ થયું. તેમના કહેવાથી મેં મારા ઘરનું રિકન્સ્ટ્રક્શન શરૂ કર્યું.

સ્થાનિક ડીએસપી રાજીવકુમારે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, “મેં બારબરા અને તેમની દીકરીના કાગળિયાની તપાસ કરી છે. તે બરાબર છે, ટૂરિસ્ટ વિઝા 2028 સુધી માન્ય છે.”

તેમણે શાદાબ અંગે જાણકારી આપી કે “ખૂટરા ગામના શાદાબનો ક્યારેય પણ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી રહ્યો.”