You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વજાઇના વિશેની એ પાંચ વાતો જે માન્યતાઓને પડકારે છે
- લેેખક, પૌલા મેકગ્રાથ
- પદ, હૅલ્થ ચેક, બીબીસી વર્લ્ડ સર્વિસ
સોશિયલ મીડિયા પર વજાઇના એટલે કે મહિલાઓના યોનિમાર્ગ અંગે ઘણી ખોટી માન્યતાઓવાળી વાતો વાંચવા તેમજ સાંભળવા મળે છે. એક મહિલાએ આ દરેક ખોટી માન્યતાઓને દૂર કરવાનું બીડું ઝડપ્યું છે.
ડૉ. જેન ગંટર છેલ્લા 25 વર્ષથી યૂએસ અને કૅનેડામાં ઓબ્સ્ટેટ્રિશિયન ગાયનેકૉલૉજિસ્ટ તરીકે કામ કરી રહ્યાં છે. તેઓ મહિલાનાં સ્વાસ્થ્યના હિમાયતી છે. તેમજ ટ્વિટર પર રેસિડેન્ટ ગાયનેકૉલૉજિસ્ટ તરીકે ઓળખાય છે.
યોનિમાં જેડ એગ મૂકવાથી મહિલાઓનું હૉર્મોનલ બૅલેન્સ જળવાઈ રહે છે, તેમનું માસિક નિયમિત રહે છે તેમજ બ્લૅડર પર નિયંત્રણ રહે છે. આ માન્યતા પર તેઓ આજ-કાલ ચર્ચા કરી રહ્યા છે.
જેડ ઍગને યોનિ ઍગ કે લવ ઍગ પણ કહેવાય છે. તે એક પ્રકારનો હલકો ઇંડા આકારનો પથ્થર હોય છે જેને યોનિની અંદર મૂકવામાં આવે છે અને તેને ચીનની પરંપરા ગણાવવામાં આવે છે.
ગંટરે જણાવ્યું કે જૅડ ઍગ જેવી કોઈ ચીની પરંપરા નથી કે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર પણ નથી. ગંટરની પહેલ પછી જેડ ઍગને લગતો દાવો પાછો ખેંચી લેવાયો હતો.
ગંટરનું નવું પુસ્તક 'ધ વજાઇના બાઇબલ' કેટલાંક દેશોમાં બેસ્ટ સેલર રહ્યું છે. તેમાં એવી ઘણી વ્યવહારુ સલાહ છે જે મહિલાઓના સશક્તિકરણ અને તેમનાં સ્વાસ્થ્ય માટે લાભકારક છે.
અહીં તેમાંથી એવી પાંચ બાબતો રજૂ કરવામાં આવી છે જે મહિલાઓ માટે જાણવી સૌથી વધુ મહત્ત્વની છે.
1.વલ્વા(યોનિમુખ)થી તમારા વજાઇનાને ઓળખવું જરૂરી છે
વજાઇના તમારા શરીરની અંદર આવેલું છે- આ સ્નાયુઓની એવી એક કૅનાલ છે જે તમારા ગર્ભાશયને બહારની દુનિયા સાથે જોડે છે. જે તમને બહારથી દેખાય છે અને જે તમારા કપડાંને સ્પર્ષે છે એ તમારું વલ્વા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગંટર કહે છે, યોગ્ય ભાગ માટે કોઈ પણ પ્રકારના શબ્દપ્રયોગોના બદલે યોગ્ય શબ્દોનો ઉપયોગ જાણવો જરૂરી છે.
ગંટર કહે છે, "જ્યારે તમે વલ્વા કે વજાઇના શબ્દ નથી બોલી શકતા તેનો અર્થ એવો છે કે તમે કંઈક ખરાબ સમજો છો અથવા તમને તેના માટે શરમ અનુભવો છો."
તેઓ કહે છે કે તેના માટે એક મેડિકલની ભાષામાં શબ્દ છે, 'પુડેન્ડા'. તમારા વલ્વાના બહારના ભાગ માટે આ શબ્દ ઉપયોગમાં લેવાય છે. આ શબ્દ લેટિન 'પ્યૂડેટ' પરથી આવ્યો છે, જેનો અર્થ 'શરમજનક' થાય છે.
ગંટર માને છે કે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ મહિલાઓ માટે ભાવનાત્મક રીતે તો નુકસાનકારક છે જ પરંતુ તેની આરોગ્ય પર પણ અસર થાય છે. કારણ કે ઘણી વખત દર્દીઓ યોગ્ય રીતે જણાવી નથી શકતાં કે તેમને શું તકલીફ છે, તેથી તેઓ યોગ્ય સારવાર નથી મેળવી શકતાં.
2.વજાઇના જાતે જ સાફ થઈ જાય છે
ગંટરે છેલ્લા દસ વર્ષમાં મહિલાઓનાં વલણમાં પરિવર્તન નોંધ્યું છે, જેમાં ઘણી મહિલાઓ વજાઇનાની ગંધ દૂર કરવા માટે કેટલાંક ઉત્પાદનોનો ઉપયોગ કરતી થઈ છે.
નોર્થ અમેરિકામાં 57 ટકા મહિલાઓએ વજાઇનાની સફાઈ કરવાનું શરૂ કર્યું છે, જેમાંથી ઘણા માને છે કે તેમના સેકસ્યુઅલ પાર્ટનર તેમને આવું કરવા પ્રોત્સાહિત કરે છે.
પરંતુ ગંટર કહે છે કે વજાઇનાની અંદર સફાઈ કરવાની કોઈ જરૂર હોતી નથી.
તેઓ કહે છે, "આ જાતે જ સાફ થઈ જાય તેવું અવયવ છે."
તેઓ ખાસ કરીને સુંગધી દ્રવ્યોના ઉપયોગ અંગે ચેતવે છે.
તેઓ કહે છે, "આ વજાઇના છે, કોઈ પિના-કોલાડા(એક પીણુ) નથી. આ દ્રવ્યો વજાઇના માટે સિગારેટ જેવું કામ કરે છે."
તેના કુદરતી તંત્રમાં પાણી પણ ખલેલ પહોંચાડી શકે છે, તેનાથી જાતીય રોગો ફેલાવાની શક્યતા વધી જાય છે. બીજી એક પદ્ધતિ વરાળ લેવી. એ બિનજરૂરી તો છે જ અને તમને દઝાડી પણ શકે છે.
બહારનો વલ્વાનો ભાગ, જરૂર પડે ત્યારે પાણી અથવા નરમ ક્લિન્ઝર દ્વારા સાફ કરવો જોઈએ.
સાબુનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે તે ત્વચા માટે રક્ષણનું કામ કરતા એસિડિક આવરણને તોડી શકે છે.
માત્ર મૅનોપૉઝના સમયે તમને ત્વચા વધુ સુકાતી લાગે તો ઑલિવ ઑઇલ કે કોપરેલનો ઉપયોગ કરી શકો છો.
દરેક 96 કલાકે વજાઇનાના કોષો બદલાઈ જાય છે.
શરીરના કોઈ પણ અન્ય ભાગ કરતાં પહેલાં ત્યાં સૌથી ઝડપી રૂઝ આવી જાય છે.
3.વજાઈના એક બગીચા સમાન છે
વજાઇનામાં સારા બૅક્ટેરિયાની આખી સેના રહેલી છે જે તેને સ્વસ્થ રાખે છે.
ગંટર કહે છે, "વજાઇનલ માઇક્રોબાયૉમ એક ગાર્ડન સમાન છે જેમાં દરેક પ્રકારના બૅક્ટેરિયા કામ કરી રહ્યા છે જે સાથે મળીને વજાઇનાની ઇકૉ સિસ્ટમને સ્વસ્થ રાખે છે."
સારા બૅક્ટેરિયા એવો પદાર્થ બનાવે છે જે થોડું ઍસિડિક વાતાવરણ ઊભું કરે છે, જેનાથી ખરાબ બૅક્ટેરિયા પર નિયંત્રણ આવે છે. તે ઉપરાંત મ્યુકસ બનાવે છે જે સમગ્ર તંત્રમાં તેલ પૂરવાનું કામ કરે છે.
તેથી અંદરના ભાગને ઍન્ટી બૅક્ટેરિયલ ઉત્પાદનોથી સાફ કરવો યોગ્ય નથી, બૅક્ટેરિયાનું સંતુલન જાળવવું જરૂરી છે. તે જ રીતે ગંટર સલાહ આપે છે કે વલ્વા માટે હેરડ્રાયરનો ઉપયોગ કરવો હાનિકારક છે.
4.ત્યાં વાળ હોવાનું ચોક્કસ કારણ છે
ગંટરનું વધુ એક અવલોકન છે, જેમાં હવે મહિલાઓ વજાઇનાની આસપાસના બધાં જ વાળ નિયમિત રીતે દૂર કરે છે. તેના કારણે પ્યૂબિક જિવાણુંઓ ઘરવિહોણાં થઈ જાય છે.
ગંટર કહે છે, "જ્યારે તમે શેવ કરો કે વૅક્સ કરાવો છો કે ખાંડનો ઉપયોગ કરો છો ત્યારે તમે તમારી ત્વચાને તમે સુક્ષ્મ તણાવમાં મૂકી રહ્યાં છો. પ્યૂબિક હેર દૂર કરવાથી પણ ત્વચામાં કાપાં કે ઉઝરડાં થઈ શકે છે."
તેઓ સલાહ આપે છે કે જો તમે વૅક્સ કરાવતા હોય તો વૅક્સ લગાવવા માટે વૂડન સ્ટિક્સનો ઉપયોગ કરો અને એક સ્ટિકનો બીજી વખત ઉપયોગ કરવાનું ટાળો. તેનાથી તમને કોઈ ઈજા થઈ હોય તો તેમાં બૅક્ટેરિયા ફેલાતા અટકે છે.
જો તમે રેઝરથી શેવિંગ કરતાં હોય તો તમારી ત્વચાને પહેલાં યોગ્ય રીતે તૈયાર કરો તેમજ તમારા વાળની દિશામાં જ રેઝર ફેરવો. જેનાથી અંદરની તરફ વધેલાં વાળની તકલીફથી થતી ઈજામાંથી બચી શકાય.
ગંટર માને છે કે લોકોએ સમજી-વિચારી અને જાણીને પોતાનો વિકલ્પ પસંદ કરવો જોઈએ.
તેઓ કહે છે, "પ્યૂબિક હેરનું એક કામ છે, તે એક એવું મિકેનિકલ આવરણ ઊભું કરે છે જે તમારી ત્વચાની રક્ષા કરે છે."
"તમારો આ દરેક વાળ તમારી કોઈ એક નસ સાથે જોડાયેલો છે, તેથી જ તેને દૂર કરતી વખતે વધું દુઃખે છે. તે તમારા જાતીય તંત્રમાં પણ એક ભૂમિકા ભજવે છે."
5.ઉંમરની વજાઇના પર અસર
વર્ષો સુધી માસિક આવ્યા બાદ અને બાળકોનાં જન્મ પછી તમારું ગર્ભાશયમાં નવા ઇંડા બનવાનું બંધ થઈ જાય છે તેમજ માસિક બંધ થઈ જાય છે.
મહિલાના ગર્ભાશયને ફળદ્રુપ રાખતા હોર્મોન્સ બનવાનું અચાનક બંધ થઈ જાય છે. તેથી ઍસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ તમારા વજાઇના અને વલ્વાને પણ અસર કરે છે.
આ ટીશ્યુઝ, જેમાં પહેલાં મ્યૂકસના કારણે ભેજ રહેતો તેને હવે પોષણ ન મળતાં તે શક્તિ ગુમાવતું હોવાનું અનુભવાય છે. વજાઈનામાં સૂકાપણું અનુભવાય છે, તેથી શારીરિક સંબંધ વખતે ભેજના અભાવે પીડા અનુભવાય છે.
આ થોડું નિરાશાજનક લાગે છે પરંતુ ગંટર કહે છે કે ઘણી મહિલાઓ આ અંગે તેમના ડૉક્ટરની મદદ લઈ શકે છે. તો કોઈ થોડા તૈલી પદાર્થની મદદ લઈ શકે છે.
તેઓ કહે છે, "મને લાગે છે મહિલાઓએ આ અંગે જાણવું જરૂરી છે. તમારે તકલીફ અનુભવવાની કોઈ જરૂર નથી."
એક એવી પણ માન્યતા છે કે શારીરિક સંબંધ બનાવવાનું જાળવી રાખો તો સમગ્ર તંત્ર યથાવત રહે છે. પરંતુ વજાઇનાના ટીશ્યુઝને નાની તકલીફ પણ તમને કોઈ ઇન્ફૅક્શનનો ભોગ બનાવી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો