You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગેંગરેપ,પથ્થરથી હુમલો અને પછી જીવવાનો પ્રયાસ
14 ઓગસ્ટની સાંજે જ્યારે એને નાગપુરની ઑરેંજ સિટી હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ડૉક્ટરોને લાગતું હતું કે તે બચી નહીં શકે. માથું અને ચહેરો પથ્થરથી છુંદાયેલો હતો. ડાબી આંખની કીકી બહાર નીકળી આવી હતી. મોં ચીરાઈ ગયું હતું અને આખા શરીર પર પુષ્કળ ઈજાઓ થયેલી હતી અને તે આખી લોહીમાં લથપથ હતી.
હોસ્પિટલનાં ક્રિટિકલ કેયર યૂનિટનાં પ્રમુખ ડૉ. રાજેશે પોતાનાં ચેમ્બરમાં બેસીને એ સાંજ અંગે વાત કરતા બીબીસી મરાઠીને જણાવ્યું, ''તે દર્દથી તરફડી રહી હતી. તેને શ્વાસ લેવા માટે ભારે પ્રયાસ કરવો પડતો હતો અને ધીમે ધીમે શ્વાસ લઈ રહી હતી. તેની ખોપડી અને મોં ખરાબ રીતે ઈજાગ્રસ્ત હતાં.''
ડૉક્ટર્સ માટે આ એક ઇમર્જન્સી હતી. 26 વર્ષની એ યુવતી સાથે સામૂહિક બળાત્કાર થયો હતો. હુમલાખોરોએ અઢી કિલો વજનવાળા પથ્થરથી એનું માથું અને મોઢું છૂંદી નાંખ્યા હતાં.
અઢી કિલો વજનવાળા પથ્થરથી હુમલો
આ છોકરી નાગપુરથી લગભગ 85 કિલોમીટર દૂર ઉમરેડ વિસ્તારમાં કોલસાની એક કંપનીમાં વેસ્ટર્ન કોલફીલ્ડ લિમિટેડ (WCL)માં કામ કરતી હતી.
આ ઘટના કંપનીની ઇમારતથી થોડેક દૂર બની હતી, જ્યાં આખો દિવસ ટ્રકોની હરોળ નજરે ચડતી હોય છે. છતાં પોલીસનું કહેવું છે કે તેમણે કોઈ ગુનેગારોને જોયા નથી.
હુમલાખોરોએ લગભગ બે વાગ્યે એક સૂમસામ ટૉઇલેટ સુધી એનો પીછો કર્યો.
ડૉ.અટલનું કહેવું છે, ''જ્યારે તે અમારી પાસે આવી ત્યારે એનું બ્લડ પ્રેશર ખૂબ ઓછું હતું. ત્યારે અમને લાગ્યું કે સમય જાણે હાથમાંથી સરી રહ્યો છે.”
“જો એને અહીં લાવવામાં થોડુંક જ મોડું થઈ જાત તો ખબર નહીં શું થાત.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પછીનાં થોડાક કલાકો માટે ડૉક્ટરોની એક ટીમ એની હાલત સ્થિર કરવા માટે મચી પડી. પરિણામે એજ રાતે એની હાલત સ્થિર થઈ ગઈ.
જ્યારે સ્વતંત્રતા દિવસની સવારે આઠ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલાની રાંગ પરથી દેશને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ છોકરી અનેક ડૉક્ટરોની ટીમથી ઘેરાયેલી હતી.
એમાંથી એક પ્લાસ્ટિક સર્જન, એક ન્યૂરો સર્જન, એક જનરલ સર્જન અને એક આંખનાં નિષ્ણાત સામેલ હતા.
આ બધાએ મળીને લગભગ આઠ કલાક સુધી એની તમામ ઈજાની સારવારનો પ્રયાસ કર્યો જેથી એને જીવવાની એક નવી તક મળે. આ એની પહેલી સર્જરી હતી. પછીનાં દિવસોમાં એની અનેક સર્જરી કરવામાં આવી.
ડૉક્ટર અટલે જણાવ્યું, ''એની ખોપડીમાં ઘણી જગ્યાએ ફ્રેક્ચર થયું હતું. એનાં દાંત તૂટી ગયા હતા. એનું મોઢું સંપૂર્ણપણે છૂંદી નાખવામાં આવ્યું હતું.”
“બસ સારી વાત એ હતી કે એના માથામાં અંદરનાં ભાગમાં કોઈ ઈજા થઈ નહોતી. મેં 25 વર્ષની મારી કૅરિયરમાં આવી ક્રૂરતા જોઈ નથી.”
“પણ હવે એને કોઈ જાતનું જોખમ નથી. બસ એ અત્યારે બોલી શકતી નથી, ઇશારામાં વાત કરે છે. પણ ટૂંક સમયમાં તે બોલવા પણ માંડશે.''
બળાત્કાર અને હત્યાનો પ્રયાસ
ઉમરેડનાં ડીસીપી પૂર્ણિમા તાવડે જણાવે છે, “છોકરીનું નિવેદન અમારી તપાસ માટે ખૂબ જરૂરી છે. પોલીસે મુખ્ય અપરાધી મમલેશ ચક્રવર્તી (24 વર્ષ) અને સંતોષ માલી (40 વર્ષ)ની ધરપકડ કરી છે.”
“એમના પર આઈપીસીની કલમ 307 હેઠળ ( હત્યા કરવાનો પ્રયાસ) અને 376 ડી(બળાત્કાર) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.”
“બન્ને વ્યક્તિ મધ્યપ્રદેશનાં દાવોસનાં રહેવાસી છે અન ઉમરેડની ટ્રાંસપોર્ટ કંપનીમાં કામ કરે છે.”
“તેઓ આ ખાણમાંથી દેશનાં અલગ-અલગ ભાગોમાં કોલસો લઈ જતા હતા.”
પોલીસે જણાવ્યું છે કે ચક્રવર્તી સફાઈ કામદાર અને સંતોષ માલી ડ્રાઈવરનું કામ કરતા હતા.
પોલીસે કહ્યું છે કે તેમને શરાબ પીધેલી હાલતમાં આ ગુનો કર્યો હતો. બન્નેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે આ ગુનામાં બે કરતાં વધારે લોકો સંડોવાયેલા છે કે નહીં તેની જાણ તો છોકરીનાં નિવેદન પછી જ થઈ શકશે.
હોસ્પિટલમાં હાજર છોકરીની માતાએ બીબીસીને જણાવ્યું , ''મારી દીકરી બોલશે અને ગુનેગારોને પકડાવી ન્યાય મેળવીને જ રહેશે.''
આંખોમાં આંસુ સાથે જણાવે છે ''હું હંમેશાં એના માટે ચિંતિત રહેતી હતી. મને ખબર હતી કે તે કેટલી કપરી પરિસ્થિતિમાં કામ કરે છે. પણ તે મને અને એના પિતાને ધીરજ આપતા કહેતી કે તે પગભર થવા માંગે છે. તે એક નીડર છોકરી છે અને તેનાં ઘણાં સપનાં હતાં.''
છોકરીનું કુટુંબ છત્તીસગઢનાં ભિલાઈમાં રહે છે.
આ ઘટના બાદ ઉમરેડમાં લોકોએ મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યાર બાદ રાજ્યમંત્રી હંસરાજ હરીને કોલસાની ખાણની મુલાકાત લીધી હતી અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
બીબીસી મરાઠીએ WCLનાં જનસંપર્ક અધિકારીઓને કેટલાક સવાલો મોકલ્યા છે જેના જવાબો હજી સુધી મળ્યા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો