બિકીની વૅક્સ શું છે અને તેનાથી કોઈ નુકસાન થઈ શકે?

    • લેેખક, ડૉ. શિલ્પા ચિટનીસ-જોષી
    • પદ, બીબીસી મરાઠી માટે

થોડા દિવસો પહેલાં, એક સુંદર યુવાન છોકરી ગભરાયેલી હાલતમાં ક્લિનિક પર પહોંચી. તેણીના વેદનાથી ભરપૂર ચહેરાને જોઈને રિસેપ્શનિસ્ટે તરત જ અંદર મોકલી દીધી.

"મૅમ, મારા લગ્ન થવાના છે એટલે હું બિકીની વૅક્સ કરાવવા ગઈ હતી અને તે કરાવતી વખતે ઘા પડ્યો અને લોહી વહેવા લાગ્યું. મને ખૂબ ડર લાગી રહ્યો છે."

આટલું કહીને તે રડવા લાગી.

તેણીને ધીરજપૂર્વક શાંત કર્યા બાદ જ્યારે તપાસ કરી તો યોનિમાર્ગના ખૂબ જ નાજુક ભાગમાં એકદમ મોટો કાપો પડી ગયો હતો.

સદભાગ્યે ટૂંકી સારવારમાં જ લોહી વહેવાનું બંધ થઈ ગયું અને પછી ચેપ અટકાવવાની દવા આપીને રજા આપી દેવામાં આવી.

હાલમાં ઘણી યુવતીઓ યોનિની આસપાસના વાળ દૂર કરવા માટે બિકીની વૅક્સ કરાવે છે. શું એ પાછળનો હેતુ ખરેખર સંવેદનશીલ ભાગોની કાળજી લેવાનો, તેને સ્વચ્છ રાખવાનો છે કે પછી માત્ર ફેશન અને ટ્રેન્ડને અનુસરવાનો છે? આ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે.

આ પ્રશ્નોના જવાબ શોધવા માટે પહેલા એ સમજવું જરૂરી છે કે 'બિકીની વૅક્સ' શું છે અને તે કેમ કરવામાં આવે છે?

પૉર્નોગ્રાફીનો પ્રભાવ?

બિકીની વૅક્સનો હેતુ યોનિની આસપાસના વાળને વૅક્સ કરવાનો છે. જેથી બિકિની પહેરી હોય ત્યારે પણ કશું દેખાતું નથી.

આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ હોવાથી કુદરતી રીતે પ્રક્રિયા ઘણી પીડાદાયક હોય છે. જોકે, ઘણી યુવતીઓ અને કેટલીક મોટી ઉંમરની સ્ત્રીઓ પણ તેને નિયમિત રીતે કરાવે છે.

ઘણી સ્ત્રીઓ તે એટલા માટે કરાવે છે કારણ કે પુરુષોને તે ગમે છે. પણ પુરુષોને એવી યોનિ ગમે છે કેમ?

આ મુદ્દે થોડુંક ઊંડું વિચારીએ તો એવું લાગે છે કે તેનું કારણ યુવા પેઢી પર પૉર્નોગ્રાફીનો પ્રભાવ હોઈ શકે છે.

આ ફિલ્મોમાં સંપૂર્ણપણે વાળ વિનાના શરીર અને અવાસ્તવિક નિરૂપણ યુવાપેઢીને ગેરમાર્ગે દોરે છે કેમ તે અંગે આશ્ચર્ય થાય છે.

હાલની અને આવનારી યુવા પેઢી માટે પૉર્નોગ્રાફી જોવી ખૂબ જ સરળ છે, પરંતુ તેમની સેક્સલાઇફ પર તેની અસરો સમજાવવા માટે કોઈની જરૂર છે.

આ એક અલગ લેખનો મુદ્દો છે અને તે વિશે ફરી ક્યારેક ચર્ચા કરીશું.

હવે વાત કરીએ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની

યોનિમાર્ગની સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ વસ્તુઓ

  • સ્નાન દરમિયાન સંવેદનશીલ ભાગોને સાદા પાણીથી ધોવા
  • વારંવાર ધોવાની કે હેન્ડ શાવરનો ઉપયોગ કરવાની જરૂર નથી. સાથે જ ટીશ્યુ પેપરનો પણ ઉપયોગ કરવો નહીં.
  • યોનિની નજીક કોઈ પણ પ્રકારના પાવડરનો ઉપયોગ ક્યારેય ન કરવો.
  • જો ફોલ્લીઓ, ખંજવાળ, લ્હાય બળવી કે પછી દુર્ગંધ આવે તો તરત જ સ્ત્રીરોગચિકિત્સકને મળવું જરૂરી છે.
  • હોમમેઇડ સેનિટરી પેડનો ઉપયોગ ન કરવો. તેનાંથી સંક્રમણનું જોખમ રહે છે.
  • સેક્સ બાદ યોનિમાર્ગ સાદા પાણીથી સાફ કરવો
  • યોનિમાર્ગમાં સુગંધિત તત્ત્વોનો સીધો ઉપયોગ ટાળવો.
  • અન્ડરવેર હંમેશાં કોટનના હોવા જોઈએ. નવા અન્ડરવેર ખરીદ્યા પછી ધોવા જોઈએ. ધોયા બાદ સાબુ અથવા ડિટર્જન્ટના નિશાન ન રહે તેનું ધ્યાન રાખવું.

શું યોનિમાર્ગ પાસેના વાળ સંપૂર્ણપણે દૂર કરવા જોઈએ?

યોનિમાર્ગની આસપાસના વાળ તેનું રક્ષણ કરે છે. વિવિધ મહત્ત્વપૂર્ણ બૅક્ટેરિયા યોનિમાર્ગની આસપાસ અને તેની અંદર રહે છે.

આ બૅક્ટેરિયા વિવિધ સંક્રમણનો સારી રીતે પ્રતિકાર કરવામાં મદદરૂપ થાય છે.

જ્યારે આ બધા જ વાળ શેવિંગ અથવા તો વૅક્સિંગ દ્વારા દૂર કરવામાં આવે છે, ત્યારે વાળના મૂળ ખુલ્લા થઈ જાય છે. જેનાંથી નુકસાન થઈ શકે છે.

તેનાંથી વાળના મૂળમાં વિવિધ ઈન્ફેક્શન થઈ શકે છે. યોનિમાર્ગ સંપૂર્ણપણે ખુલ્લો થઈ જવાથી અતિશય શુષ્કતા પણ થઈ શકે છે. પરિણામે, યોનિમાર્ગ બાહ્ય અને આંતરિક બંને રીતે સંક્રમિત થઈ શકે છે.

શુષ્ક યોનિ પ્રતિરક્ષા ઘટાડી શકે છે અને ખંજવાળ પેદા કરી શકે છે. આ બધી સમસ્યાઓ વાળને મૂળમાંથી દૂર કરવાને કારણે થઈ શકે છે.

જો શરૂઆતમાં વાત કરી એ છોકરીને ઈજા થાય અથવા તેનાથી વધુ કંઈક થાય તો અન્ય કિસ્સામાં આ પરિસ્થિતિ વધુ ખતરનાક પણ બની શકે છે.

યોનિમાર્ગની આસપાસ હેર રિમૂવલ ક્રીમનો ઉપયોગ કરવો પણ ખૂબ જોખમી છે. તેના પૅક પર પણ એક સૂચના હોય છે કે 'કૅમિકલ રિઍક્શન થવાની શક્યતા છે.'

અગાઉ ગાયનૅકોલૉજિસ્ટ કોઈ પણ સર્જરી કરતા પહેલાં યોનિમાર્ગની આસપાસથી બધા વાળ કાઢી નાખવાનું કહેતા હતા પરંતુ તેનાથી ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે તે સમજ્યા પછી હવે જરૂર પડે એટલા જ વાળ કાઢવામાં આવે છે.

સતત શેવિંગ કરવાથી વાળના મૂળિયા ખુલ્લા રહી જાય છે. તેના કારણે ફોલ્લીઓ થવી કે ખંજવાળની સમસ્યા પણ વધી જાય છે.

તેનો એક ઉપાય છે કે ગુપ્તાંગ પાસેના વાળ સંપૂર્ણપણે કાપી નાખવાને બદલે કાતર વડે કાળજીપૂર્વક ટ્રિમ કરવા શ્રેષ્ઠ છે. તેનાથી સ્વચ્છતા પણ જળવાઈ રહે છે અને ખલેલ પણ પડતી નથી.

આ વિસ્તારને બિલકુલ સાફ ન કરવો એ પણ ખોટું છે. ન્હાતી વખતે યોનિમાર્ગની યોગ્ય સફાઈ ન કરવી, સમયસર ત્યાંના વાળ ન કાપવા, સમયસર સેનિટરી પેડ ન બદલવું, ભીના અન્ડરવૅરનો ઉપયોગ કરવો, આ બધી બાબતથી દૂર રહેવું જોઈએ. કારણ કે તે અન્ય સમસ્યાઓને નોતરી શકે છે.

પરંતુ તમારા સંવેદનશીલ વિસ્તારની સ્વચ્છતા કેવી રીતે જાળવવી તે પણ મહત્ત્વનું છે. શેવિંગ અથવા ટ્રીમિંગ તેનો એક ભાગ છે. આ સિવાય આ જગ્યાની સ્વચ્છતા કેવી રીતે જાળવવી? કારણ કે જેમ સ્વચ્છતાનો અભાવ ખરાબ છે, તેમ વધુ પડતી સ્વચ્છતાની પણ આડઅસર થઈ શકે છે.

યોનિમાર્ગ સ્વચ્છ રાખવા માટે વારંવાર સાફ કરવાની જરૂર છે?

"મૅડમ, મારા લગ્ન બે મહિના પહેલાં જ થયા છે, પરંતુ સેક્સ દરમિયાન ખૂબ બળતરા અને દુખ થાય છે. હું દિવસમાં બે વખત યોનિમાર્ગને સાફ કરું છું. નિયમિત શેવિંગ પણ કરું છું. જ્યારે પણ બાથરૂમમાં જાઉં ત્યારે તેને હેન્ડશાવરની મદદથી ધોઉં છું અને ટીશ્યુ પેપરથી લૂછું છું. આનાથી વધારે તો શું કરી શકું?"

એક 25 વર્ષની યુવતી, જેણે તાજેતરમાં જ લગ્ન કર્યાં હતાં, તેણે આ વાત કહી હતી. હકીકતમાં તે યોનિમાર્ગને સ્વચ્છ રાખવાના ખોટા બહાના હેઠળ તે જે કંઈ કરી રહી હતી તે તમામ બાબતો તેની સમસ્યાઓમાં ફાળો આપી રહી હતી.

હાલમાં, સ્ત્રીઓમાં યોનિને સાફ રાખવા માટે અલગઅલગ 'ઇન્ટિમેટ વૉશ'નો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.

તેનાથી યોનિમાર્ગ શુષ્કતા અને સંક્રમણની ઘટનાઓ ઘટવાને બદલે વધી રહી છે. તેનું કારણ એ છે કે યોનિની અંદર પીએચ ઍસિડિક હોય છે. આથી આ વૉશને ઍસિડિક બનાવવામાં આવે છે.

ઍસિડિક વૉશથી ત્વચામાં બળતરા અને ખંજવાળની સમસ્યા થાય છે.

યોનિમાર્ગમાં સારા અને ખરાબ બંને પ્રકારના સજીવો હોય છે. આ વૉશથી તેનું સંતુલન બગડે છે. જેના પરિણામે યોનિમાર્ગની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે જે વારંવાર સંક્રમણ અને શુષ્કતા તરફ દોરી જાય છે.

તેથી આ વૉશની બિલકુલ જરૂર નથી.

વેક્સિંગ, વારંવાર ધોવાથી અથવા જાહેરાતો દ્વારા બૉમ્બાર્ડ કરાયેલા ઉત્પાદનો વગર પણ આપણે જો ખૂબ જ સરળ પદ્ધતિઓનો ઉપયોગ કરીને મૂળભૂત કાળજી રાખીએ તો પણ યોનિ પોતાને સ્વચ્છ રાખી શકે છે. (હા, આ બિલકુલ સાચી વાત છે. યોનિ ખુદને સ્વચ્છ રાખી શકે છે.)