સુન્નતને કારણે સેક્સ વધુ આનંદદાયક બને છે? સુન્નત વિશે જાણવા જેવી 4 વાતો

    • લેેખક, ફેલિપ લમ્બિયાસ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

સુન્નતની શસ્ત્રક્રિયા હજારો વર્ષોથી કરવામાં આવતી રહી છે. ઇતિહાસકારો માને છે કે 15 હજાર વર્ષ પૂર્વેના ઇજિપ્તના સમાજમાં પણ સુન્નતનું પ્રચલન હતું અને આજે પણ તેનું અસ્તિત્વ છે.

વિશ્વમાં દરેક ત્રણમાંથી એક પુરુષની સુન્નત કરવામાં આવેલી હોય છે.

સુન્નતની ક્રિયામાં લિંગના અગ્રતમ ભાગમાંથી ચામડી દૂર કરવામાં આવી હોય છે. આવા સૌથી વધુ પુરુષો મુસ્લિમ છે, કારણ કે યહૂદી ધર્મની માફક ઇસ્લામમાં આ વિધિ નવજાત બાળક પર એક સંસ્કાર તરીકે પ્રચલિત છે.

આ સંદર્ભે બીજા નંબરે અમેરિકામાં જન્મેલા પુરુષો આવે છે (2016ના આંકડા અનુસાર 80.5 ટકા), કારણ કે અમેરિકામાં સુન્નતને દાયકાઓથી તબીબી દૃષ્ટિએ ફાયદાકારક માનવામાં આવે છે.

વિશ્વમાં સુન્નત મહદઅંશે બાળકના જન્મ પછી તરત જ કરવામાં આવે છે. જેમની સુન્નત કરવામાં ન આવી હોય તેમણે આરોગ્યના કારણોસર બાદમાં સુન્નત કરાવવી પડે તે શક્ય છે.

પરંતુ વિજ્ઞાન એ સુન્નત વિશે શું કહે છે તે જણાવવાનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.

લિંગની ટોચ પરની ચામડી (ફોરસ્કિન)નું કાર્ય શું છે?

ફોરસ્કિન એ લિંગની ટોચ પરની ચામડીનો એક હિસ્સો છે. લિંગ પરની બાકીની ત્વચા અંગ સાથે જોડાયેલી હોય છે, પરંતુ ફોરસ્કિન અલગ હોય છે.

જો કોઈ સમસ્યા ન હોય તો લિંગની આખી ટોચ ખુલ્લી થઈ જાય ત્યાં સુધી તેને દૂર કરી શકાય છે.

ફોરસ્કિનની અંદરની સપાટીમાં સ્ત્રીની યોનિના મુખની અંદરના હિસ્સાની માફક લ્યુબ્રિકેટેડ મ્યુકોસા હોય છે.

અમેરિકન કન્ફેડરેશન ઑફ યુરોલૉજીના યુરોલૉજિસ્ટ મારિયા ઑટ્રાને બીબીસીને કહ્યું હતું કે "ફોરસ્કિનનું કામ લિંગના આ ભાગને ઢાંકવાનું, આવરણ તરીકેનું છે."

નિષ્ણાતો માને છે કે તેનું કાર્ય રોગપ્રતિકારક તરીકેનું પણ હોઈ શકે છે. જોકે, પુરુષોને ફોરસ્કિન ન હોય તો ખાસ કોઈ ફરક પડતો નથી, પરંતુ ગ્લૅન્સ (લિંગની ટોચ) એ લિંગનો સૌથી સંવેદનશીલ હિસ્સો હોય છે.

સુન્નત ક્યારે કરવી જોઈએ?

ધાર્મિક કારણોને બાજુ પર રાખીએ અને માત્ર સ્વાસ્થ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો આ સંબંધે અલગ-અલગ દૃષ્ટિકોણ જોવા મળે છે.

અમેરિકામાં એક મોટો વર્ગ એવું માને છે કે બાળકના જન્મ સમયે જ સુન્નત કરી નાખવી જોઈએ. અમેરિકન એકૅડમી ઑફ પેડિયાટ્રિક્સ(એએપી)ના જણાવ્યા મુજબ, નવજાત છોકરા પર સુન્નત કરવાના જોખમ કરતાં લાભ વધારે છે.

એવું કરવાથી છોકરાઓમાં ભવિષ્યમાં યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન તથા પેનાઇલ કેન્સર થતું નથી અને એચઆઇવી સહિતના જાતીય સંસર્ગથી થતા કેટલાક રોગનો ફેલાવો અટકાવી શકાય છે.

એએપીના જણાવ્યા મુજબ, છોકરો મોટો થાય ત્યારે કરવામાં આવતી સુન્નતની સરખામણીએ નવજાત છોકરાની સુન્નતમાં તકલીફ ઓછી થાય છે.

બાળરોગ ચિકિત્સક અને એએપીના સભ્ય ઇલાન શાપિરોએ બીબીસીને કહ્યું હતું કે "પોતાના નવજાત દીકરાની સુન્નત કરવી કે નહીં તેનો નિર્ણય દરેક માતા-પિતાએ લેવાનો હોય છે. ડૉક્ટર તેમાં મદદ જરૂર કરી શકે."

જોકે, આનાથી તદ્દન વિપરીત દૃષ્ટિકોણ પણ છે. રૉયલ ડચ મેડિકલ ઍસોસિયેશન જણાવે છે કે છોકરાઓની સુન્નત કરવી ન જોઈએ, કારણ કે સ્વચ્છતાના સંદર્ભમાં સુન્નત ઉપયોગી અથવા જરૂરી છે તેવા ખાતરીપૂર્વકના કોઈ પુરાવા નથી. તબીબી તથા રોગનિવારક કારણો અલગ બાબત છે.

રૉયલ ડચ મેડિકલ એસોસિએશન જણાવે છે કે લોકપ્રિય માન્યતાથી વિપરીત, સુન્નતમાં તબીબી તથા મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનું જોખમ રહેલું છે. સૌથી સામાન્ય સમસ્યાઓમાં રક્તસ્ત્રાવ, ચેપ, મૂત્રમાર્ગના સંકોચન અને ગભરાટનો સમાવેશ થાય છે.

સુન્નત ક્યારે કરાવવાની ફરજ પડે છે?

મુખ્યત્વે ફિમોસિસ, પેરાફિમોસિસ અને બેલેનાઈટિસ જેવી તકલીફમાં તબીબી કારણસર સુન્નત કરાવવી પડતી હોય છે.

ફિમોસિસ: આ તકલીફમાં લિંગની ટોચ પરની ચામડી એટલી તંગ હોય છે કે તે સમગ્ર ગ્લૅન્સ ખુલ્લી થઈ શકે એટલી સરકી શકતી નથી. આ સમસ્યાનું નિદાન નાની વયમાં જ થઈ જાય તો તેનું ક્રિમ વડે નિવારણ કરી શકાય છે અને સુન્નત કરાવવી પડતી નથી.

પેરાફિમોસિસ: આ તકલીફમાં લિંગની ટોચ પરની ત્વચા સંપૂર્ણપણે પાછળ ખેંચાઈ જાય છે અને સ્વસ્થાને આવતી નથી.

બેલેનાઈટિસ: આ તકલીફ એ ગ્લૅન્સ પેનિસ પર આવતો સોજો છે. તે સ્વચ્છતાના અભાવે થાય છે. તેનાથી બચવા માટે બાળક નાનું હોય ત્યારે જ તેના લિંગના અગ્રભાગમાંથી ચામડીને દૂર કરવી જોઈએ અને ફોરસ્કિન નીચે વ્હાઇટ ડિસ્ચાર્જને લીધે જમા થતા સ્મેગ્માને સાબુ તથા પાણી વડે સાફ કરી નાખવા જોઈએ.

આવી સમસ્યા બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી જીવનના કોઈ પણ તબક્કે સર્જાઈ શકે છે.

સુન્નતની સર્જરી કેવી રીતે કરવામાં આવે છે?

બાળપણમાં, તરુણાવસ્થામાં કે યુવાવસ્થામાં ફોરસ્કિન આરોગ્યના કારણસર દૂર કરવામાં આવે ત્યારે લિંગની ગ્લૅન્સ, જે અગાઉ ત્વચાના આવરણ વડે સંરક્ષિત હતી તે, હવા તથા વસ્ત્રોના સીધા સંપર્કમાં આવે છે.

આ કારણસર સુન્નત પછીના પ્રારંભના સપ્તાહોમાં દર્દીને ગ્લૅન્સ સાથે કશું ઘસાય ત્યારે બહુ તકલીફ થાય છે. લિંગ ઉત્તેજિત થાય ત્યારે પણ પીડા થાય છે. સમય જતાં ગ્લૅન્સની ત્વચા સખત બને છે અને સંવેદનશીલતા ગુમાવી બેસે છે.

સુન્નતની સર્જરી સામાન્યતઃ બે રીતે કરવામાં આવે છે. પરંપરાગત રીતમાં તેને નાનકડા ચપ્પુ વડે અથવા સ્ટેપલ ગન વડે કાપી નાખવામાં આવે છે. તેમાં લોકલ એનેસ્થેસિયા જ આપી શકાય છે.

તો ઘણીવાર તે સંવેદનશીલ ત્વચાને કાપતા પહેલાં દર્દીને બેહોશ કરવામાં આવે છે.

સુન્નત કરાવ્યા પછી જાતીય જીવન પર શું અસર થાય?

ડૉ. ઇલાન શાપિરોના મતે આ સવાલનો જવાબ આપવો મુશ્કેલ છે, કારણ કે સુન્નત પહેલાં અને પછીની જાતીય પ્રવૃત્તિની તુલના કરી હોય તેવા પુરુષોના કિસ્સા આંકડાકીય રીતે બહુ ઓછા છે. આ બાબતે કોઈ નિર્ણાયક અભ્યાસ પણ કરવામાં આવ્યો નથી.

લિંગ સુન્નત પછી તેની નવી શારીરિક પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લે છે, જ્યારે દર્દીના ગ્લૅન્સ પેનિસમાં સુન્નતને કારણે વધેલી સંવેદનશીલતા અસ્વસ્થતાનું કારણ બની શકે છે, એવું ડૉ. મારિયા ઑટ્રાને જણાવ્યું હતું.

સુન્નત પછી ગ્લૅન્સ, જેની આસપાસ અગાઉ ત્વચાનું આવરણ હતું તે, હવાના સીધા સંપર્કમાં આવે ત્યારે બદલાય છે.

તે શુષ્ક થવા લાગે છે અને ત્વચા સખત બને છે ત્યારે તેના સંવેદનમાં ફેરફાર થાય છે, એમ જણાવતાં ડૉ. ઇલાન શાપિરોએ ઉમેર્યું હતું કે ફોરસ્કિન પણ ચેતાસભર હોય છે અને તેને દૂર કરવામાં આવે છે ત્યારે સંવેદન પણ ખતમ થઈ જાય છે.

કેટલાક પુરુષો કૉસ્મેટિક કારણોસર ડૉક્ટર પાસે સુન્નત કરાવવા જાય છે.

તેઓ એવું માનતા હોય છે કે ફોરસ્કિનની રક્ષણાત્મક ટોપી વિના તેમનું લિંગ વધુ સુંદર દેખાશે. આ પ્રકારની સર્જરી કરી આપવામાં આવે છે, પરંતુ એ પહેલાં કેટલીક માન્યતાઓનો ભુક્કો કરી નાખવો જરૂરી છે. સુન્નત કરવાથી લિંગ મોટું દેખાતું નથી કે તેમાં સેક્સ માટેની વધારે શક્તિ આવતી નથી કે જાતીય સમાગમનો સમય લંબાવી શકાતો નથી. વીર્ય સ્ખલન સુન્નત અગાઉ થતું હોય તેવી જ રીતે થાય છે.

જેમણે સુન્નત કરાવી હોય તેમને ચાર કે પાંચ સપ્તાહ સુધી સંભોગ નહીં કરવાની સલાહ નિષ્ણાતો આપે છે, જેથી ઉપચારમાં સમસ્યા ન સર્જાય અને પીડા ટાળી શકાય.

સુન્નત કરાવવાથી HIV અને અન્ય જાતીય રોગો અટકાવી શકાય?

સુન્નતના ટેકેદારો તેનાથી થતા લાભના જે કારણો આપે છે તેમાંનું એક કારણ એ છે કે સુન્નત કરાવવાથી એચઆઈવી જેવા સંસર્ગજન્ય જાતીય રોગ થતા અટકાવી શકાય છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ એચઆઈવી સામેની તેની લડાઈમાં પૂર્વ તથા દક્ષિણ આફ્રિકાના દેશોમાં સુન્નત માટે વ્યાપક ઝુંબેશ ચલાવી છે.

ફોરસ્કિનને દૂર કરવાથી એચઆઈવીનો ચેપ લાગવાના પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું જોવા મળ્યું છે, પરંતુ એ ઘટાડો વિષમલિંગી પુરુષો તથા એચઆઈવીનો પ્રસાર વધારે પ્રમાણમાં હોય ત્યાં જ જોવા મળ્યો છે.

યુરોપિયન દેશનું તબીબી સંગઠન જણાવે છે કે, "એચઆઈવી અને સુન્નત વચ્ચે સ્પષ્ટ રીતે કોઈ સંબંધ નથી, કારણ કે સુન્નતની ઊંચી ટકાવારી ધરાવતા અમેરિકામાં સંસર્ગજન્ય રોગોનું પ્રમાણ ઘણું વધારે છે."

"નેધરલૅન્ડ્ઝમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. ત્યાં બહુ ઓછા પુરુષો સુન્નત કરાવે છે અને ત્યાં એચઆઈવી-ઍઈડ્ઝનો પ્રસાર પણ બહુ જ ઓછો છે."

સમલિંગી અને જાતીય રીતે સક્રિય પુરુષોમાં એચઆઈવી સામે સુન્નત આંશિક રીતે રક્ષણ આપી શકે છે, જ્યારે જાતીય રીતે નિષ્ક્રિય પુરુષોમાં એવો કોઈ ફરક જોવા મળ્યો નથી.

ગોનોરિયા, સિફિલિસ, ક્લેમીડિયા, હર્પીસ, હ્યુમન પેપિલોમા વાયરસ અને જનનાંગના અલ્સર જેવા સંસર્ગજન્ય જાતીય રોગોનો અભ્યાસ પણ તબીબી નિષ્ણાતોએ કર્યો હતો, કારણ કે સુન્નતને કારણે ચેપ લાગતો અટકે છે એવું તેઓ માનતા હતા. જોકે, એ માન્યતા સાચી હોવાના કોઈ પુરાવા નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.