ડિપ્રેશનમાં હોવું અને ઉદાસ હોવું, બંનેમાં શું ફર્ક છે?

    • લેેખક, શુભમ કિશોર
    • પદ, બીબીસી સંવાદદાતા

"યાર, આજનો દિવસ સારો નહોતો. હું અત્યંત ડિપ્રેસ ફીલ કરી રહ્યો છું."

દરેક નાની-નાની વાતમાં પોતાની જાતને 'ડિપ્રેસ્ડ' ગણાવવી એ ખરેખર ડિપ્રેશન નથી, પરંતુ હા આ વાત આપણી ઓછી જાણકારીને જરૂર દર્શાવે છે.

દિલ્હીનાં ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ ડૉ. પૂજાશિવમ જેટલી જણાવે છે કે, "આ એક વિટંબણા જ છે. આપણે આવા શબ્દોનો ઉપયોગ આટલી સરળતાથી કરીએ છીએ પરંતુ મૅન્ટલ હેલ્થ પ્રત્યે જાગૃત નથી."

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે સમગ્ર વિશ્વમાં અલગ અલગ ઉંમરના 26 કરોડ કરતાં વધુ લોકો ડિપ્રેશનથી પીડિત છે.

જોકે ઘણા મનોવૈજ્ઞાનિકો માને છે કે આ સંખ્યા આના કરતાં ખૂબ વધારે હોઈ શકે છે. કારણ કે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે તેઓ ડિપ્રેશનમાં છે.

તમે ખરેખર ઉદાસ છો કે પછી ડિપ્રેશનમાં છો એ કેવી રીતે ખબર પડે? તેમાંથી બહાર આવવાના રસ્તા ક્યા છે?

ઉદાસ છો એમ ક્યારે કહેવાય?

કોઈ ખરાબ સમાચાર આવે, કે પછી કામ બગડે ત્યારે આપણે એવું કહીએ છીએ કે આપણે અવસાદ અનુભવી રહ્યા છીએ, એ ખરેખર ડિપ્રેશન નથી, ઉદાસી છે. ઉદાસી ટૂંકાગાળા માટે હોય છે.

ડિપ્રેશન કોને કહેવાય?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પ્રમાણે, ડિપ્રેશન એક માનસિક બીમારી છે. ડિપ્રેશન સામાન્યપણે મૂડમાં થતા ઊતારચઢાવ અને ઓછા સમય માટે થતી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ કરતાં અલગ છે.

સતત દુ:ખી રહેવું અને પહેલાંની જેમ વસ્તુઓમાં રુચિ ન હોવી એ આનાં લક્ષણ છે.

એંગ્ઝાઇટી કોને કહેવાય?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, એંગ્ઝાઇટી ડિસઑર્ડર એ ડર અને ગભરાટના લક્ષણવાળી એક માનસિક બીમારી છે. તેના ઘણા પ્રકાર છે. ડિપ્રેશનનો શિકાર થયેલા ઘણા લોકોમાં એંગ્ઝાઇટીનાં લક્ષણ પણ હોય છે.

હવે, આ ત્રણેયનો ભેદ સામાન્ય ભાષામાં સમજાવતાં ડૉ. પૂજાશિવમ કહે છે કે, "સુશાંતસિંહ રાજપૂતના સમાચાર સાંભળ્યા બાદ આપણે સૌ ઉદાસ હતા, અમુક લોકો કલાકો સુધી ઉદાસ રહેશે, અમુક લોકો દિવસો સુધી ઉદાસ રહેશે, પરંતુ પછી ઠીક થઈ જશે, એ ડિપ્રેશન નથી."

તેઓ કહે છે, "અમુક લોકોને ઘણી વસ્તુઓથી ગભરાટ થાય છે, કોઈ એક વસ્તુ પર તેમનો કાબૂ નથી રહતો, આ એક માનસિક સ્થિતિ છે જ્યારે તમે પોતાની જાતને 'હેલ્પલેસ' (વિવશ) મહેસૂસ કરો છો, તેને એંગ્ઝાઇટી કહે છે. પરંતુ જ્યારે તમે 'હોપલેસ' મહેસૂસ કરવા લાગો છો એટલે કે જ્યારે તમે ભવિષ્ય માટે આશા ગુમાવી બેસો છો, તો આ મનોસ્થિતિને ડિપ્રેશન કહે છે."

"એવું જરૂરી નથી કે જેમને એંગ્ઝાઇટી છે, તેઓ ડિપ્રેશનમાં પણ છે. પરંતુ એંગ્ઝાઇટીથી ડિપ્રેશન આગળ જતાં થઈ શકે છે અને ડિપ્રેશનથી એંગ્ઝાઇટીની ફરિયાદ પણ થઈ શકે છે."

ડિપ્રેશનના શિકાર લોકોએ શું કરવું જોઈએ?

ડિપ્રેશનના શિકાર હોય એવા લોકોને પોતાનું ધ્યાન અન્ય વસ્તુઓ પર લગાડવાની સલાહ આપતાં કહેવાય છે કે તેમણે તેમની પસંદગીનું કામ કરવું. ઘણા લોકો આ દરમિયાન મ્યુઝિક, પેઇન્ટિંગ કે બીજાં ક્રિએટિવ કામ કરે છે.

દિલ્હીની રામમનોહર લોહિયા હૉસ્પિટલમાં મનોવિજ્ઞાન વિભાગનાં ડૉક્ટર સ્મિતા દેશપાંડે જણાવે છે કે, "અમે લોકોને સલાહ આપીએ છીએ તમે એ કામ કરો જે તમે સરળતાથી કરી શકો છો, અમે ઇચ્છીએ છીએ કે તેઓ ઍક્ટિવ રહે, આ દરમિયાન ઘણા લોકો બ્લૉગ લખે છે, બીજાં કામ કરે છે, અમારો હેતુ એ કામની ક્વૉલિટીને જોવાનો નથી હોતો, પરંતુ ઘણા લોકો આ દરમિયાન ખૂબ સારું કામ કરી જાય છે. જે લોકો ક્રિએટિવ હોય છે, તેઓ ડિપ્રેશન દરમિયાન એક નવી કળાનું સર્જન કરી શકે છે, તે સારું પણ હોય છે, ખરાબ પણ. હેતુ હોય છે, તેમને ઍક્ટિવ રાખવાનો."

કળાએ લોકોને ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યાં

ઇંદૌરનાં 23 વર્ષનાં શાલિની (બદલેલું નામ)ને ઘણા પ્રકારની દવાઓ લેવી પડી રહી હતી. ડૉક્ટરોની સલાહ પર પોતાનું ધ્યાન અન્યત્રે કેન્દ્રિત કરવા માટે તેમણે ડૂડલ બનાવવાનું શરૂ કર્યું.

બીબીસી સાથેની વાતચીતમાં શાલિની જણાવે છે કે, "શરૂઆતમાં હું ડૂડલને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા ગભરાતી હતી, મને લાગતું કે જો લોકોને પસંદ નહીં આવે તો તેઓ શું વિચારશે? ઘણી વખત કદાચ કોઈ એક ખાસ વ્યક્તિ માટે પોસ્ટ કરી રહી હતી, મને લાગ્યું કે તે જોશે, તેને પસંદ આવશે. પરંતુ ધીરે-ધીરે મને આ આર્ટમાં મજા પડવા લાગી, લોકોએ પ્રશંસા કરી તો મારામાં આત્મવિશ્વાસ જાગ્યો."

શાલિની આગળ કહે છે કે, "મે પોતાની કળાને વધુ સારી બનાવવા માટે તાલીમ લેવાની શરૂઆત કરી, મેં ડૂડલથી શરૂઆત કરી હતી હવે હું થ્રીડી ઇલ્યુઝન બનાવું છું. હું કોઈ કૉમર્શિયલ કારણ માટે નથી કરતી, માત્ર મારી જાત માટે. મને લાગે છે કે આ બીમારી તમારા આત્મવિશ્વાસને ખતમ કરી દે છે, તમારે પોતાના આત્મવિશ્વાસને પરત મેળવવા માટે, એક માધ્યમની જરૂર હોય છે. મારા માટે આર્ટ એ માધ્યમ છે."

હૈદરાબાદમાં એક આઇટી કંપનીમાં કામ કરતાં સંધ્યા (બદલેલું નામ)એ ડિપ્રેશન દરમિયાન કવિતાઓ લખવા ચિત્રો દોરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

તેઓ જણાવે છે કે, "મને લાગે છે કે, ડિપ્રેશન દરમિયાન મેં મારું સૌથી શ્રેષ્ઠ ક્રિએટિવ કામ કર્યું છે. હું જે ભાવનાઓ કૅનવાસ કે કાગળ પર ઊતારી શકી, એ હું પહેલાં ક્યારેય નહોતી કરી શકી."

જોકે સંધ્યા કહે છે કે તેમના ક્રિએટિવ કામને આ દરમિયાન ફાયદો થયો પરંતુ બીમારીમાંથી બહાર આવવામાં આ કળાએ કોઈ ખાસ મદદ ન કરી. તેમના પ્રમાણે તેઓ લખવા અને ડ્રૉઇંગ કરતી વખતે નકારાત્મક વસ્તુઓ વિશે હજુ વધારે વિચારવા લાગતાં હતાં.

દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજનાં મનોવિજ્ઞાનવિભાગનાં વડાં રૂપાલી શિવાલકર પ્રમાણે, "જો તમે ડિપ્રેસ હો તો તમે વારંવાર ઉદાસ ગીતો સાંભળતા રહો છો, તેની તમારા પર ખરાબ અસર પડી શકે છે. આવી જ રીતે જો કોઈ આર્ટિસ્ટ ડિપ્રેશનમાં હોય અને તે વારંવાર નૅગેટિવ થીમ પર કામ કરી રહ્યો છે, તો કદાચ તેને ફાયદો ન થાય, હકારાત્મક થીમ તેના પર સારી અસર ઉપજાવી શકે છે. પરંતુ કદાચ આપણે એ વાત સમજવી પડશે કે દરેક વ્યક્તિનું મગજ અલગ હોય છે અને આ વસ્તુઓની મગજ પરની અસર પણ અલગ હોય છે."

દિલ્હીના એક સ્ટાર્ટઅપમાં કામ કરતાં નાદિમપલ્લી કહે છે કે તેમના માટે ક્રિએટિવિટીનો અર્થ લખવું કે પૉટરી હતું.

નાદિમપલ્લી કહે છે કે, "લખવું મારા માટે દુ:ખને વ્યક્ત કરવાનું માધ્યમ હતું, જેમ-જેમ મારું દુ:ખ ઘટતું ગયું, લખવાનું પણ ઓછું થતું ગયું. હવે હું ઓછું લખું છું, પરંતુ એ વાતનો કોઈ અફસોસ નથી, કારણ કે હું મારું દુ:ખ વ્યક્ત કરવા માટે લખતી હતી, એ જ ઓછું છે તેથી લખવાનું પણ આપમેળે ઘટી ગયું. પૉટરી મેં એક જરૂરી પ્રવૃત્તિ તરીકે શરૂ કરી. આ કળા એક સારી થૅરપી છે."

એ સિવાય પણ અનેક રસ્તા છે

ડૉક્ટર પૂજાશિવમ પ્રમાણે આપણે ક્રિએટિવિટીને ફિઝિકલ ફૉર્મમાં ન જોવી જોઈએ.

તેઓ કહે છે કે, "સમાજને જે જોવા મળે માત્ર એ જ ઉપલબ્ધિ છે એવું નથી, મોટી ઉપલબ્ધિ તો તમે તમારા મગજમાં બનાવાયેલ મર્યાદાઓને તોડો એ છે. અહીંથી જ બદલાવની શરૂઆત થાય છે."

ડૉક્ટર પૂજાશિવમ જણાવે છે કે, "મારી પાસે બે કેસ આવ્યા, જેમાં એ લોકોએ એવી વસ્તુઓ કરવાનું શરૂ કર્યું કે જે પહેલાં તેઓ નહોતા કરતા, અલગ અલગ લોકો સાથે મળવાનું શરૂ કર્યું, જિંદગીને અલગ પ્રકારે જોવા લાગ્યા, આની અસર એવી થઈ કે તે પ્રૉફેશનલ, સામાજિક અને પર્સનલ લેવલ પર સારું કામ કરવા લાગ્યા."

આર્ટ થૅરપી પણ કારગત બની શકે છે

ઘણા લોકો માટે આર્ટ થૅરપી પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

રૂપાલી કહે છે કે, "આર્ટ થૅરપી ક્રિએટિવિટી વિશે છે, તેમના માટે છે જેમને આર્ટ પસંદ છે, કોઈ આર્ટને અનુસરવામાં તમને મજા આવતી હોય, અને તમને લાગતું હોય કે તમે કંઈક સારું કર્યું છે. ડિપ્રેશનમાં જ નહીં, બીજા પ્રકારની માનસિક બીમારીઓ માટે પણ આ સારી થૅરપી છે. તે દરેક ઉંમરના લોકો માટે કામ કરી શકે છે. આ એક સપોર્ટિવ થૅરપી છે, જે લોકોને તેમની હાલની માનસિક સ્થિતિમાંથી બહાર લાવવામાં મદદ કરે છે."

માત્ર મનપસંદ કામ કરવું એ ઇલાજ નથી

મનોવૈજ્ઞાનિકો પ્રમાણે ડિપ્રેશન દરમિયાન કરાયેલ ક્રિએટિવ કામ તમને આ પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરી શકે છે, ઘણી વાર જ્યારે તમે જે અનુભવો એ ક્રિએટિવ કામના માધ્યમથી અભિવ્યક્ત કરવાનું સરળ હોય છે, તેથી તમારા કરાયેલા ક્રિએટિવ કામમાં તમારી મનોસ્થિતિ દેખાય છે અને એ તમને સારું પણ લાગવા લાગે છે.

પરંતુ આ રીતે તમામ પર કારગત સાબિત નથી થતી. દરેક વ્યક્તિનું મગજ અલગ હોય છે, અમુક લોકોને આ મદદ કરે છે તો અમુકને નહીં.

અને માત્ર પોતાનું ધ્યાન અમુક ક્રિએટિવ કામમાં કેન્દ્રીત કરવું એ ઇલાજ નથી, પરિવાર અને મિત્રો સાથે, યોગ, ફિઝિકલ, ઍક્ટિવિટી અને ડૉક્ટરો દ્વારા અપાઈ રહેલ બીજી થૅરપી પણ અત્યંત જરૂરી છે.

સૌથી વધુ જરૂરી છે કે સમાજમાં માનસિક સ્વાસ્થ્ય પર ખૂલીને વાતચીત કરાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.