પિરિયડ્સ દરમિયાન મહિલાઓએ શું ખાવું જોઈએ અને શું નહીં?

- પિરિયડ્સ દરમિયાન મહિલાઓને દુખાવા સહિત અનેક સમસ્યાનો સામનો કરવાનો આવતો હોય છે

- જો પિરિયડ્સ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો પાચનની પ્રક્રિયામાં સુધારો આવે છે અને ચરબી થતી નથી

- કેટલાંક સંશોધન જણાવે છે કે પિરિયડ્સ સમયગાળા દરમિયાન જો દિવસની 100થી 300 કૅલરી લેવામાં આવે તો પણ ચાલી શકે છે

- ખોરાકમાં હિમોગ્લોબિનની ખામી હોય તો મેન્સ્ટ્રુએશન દરમિયાન હળવું બ્લીડિંગ થાય છે

પિરિયડ્સ સાથે મોટાભાગની મહિલાઓ જોડાયેલી હોય છે. સામાન્યપણે મહિલાઓને 30-35 વર્ષ સુધી દર મહિને પીરિયડ્સમાં આવે છે અને તેની સાથે અપાર દુખાવો પણ સહન કરવો પડે છે.

પિરિયડ્સને માત્ર ગર્ભાવસ્થા સાથે જ સંબંધ છે, એવું નથી. પણ જો મહિલાના પિરિયડ્સ સમયસર આવે છે, તો મહિલાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે.

પિરિયડ્સ સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ જોડાયેલાં છે. આ સિવાય પિરિયડ્સ પર એ વાતની અસર પણ થાય છે કે તમે શું ખાઓ છો.

સંતુલિત આહાર મેન્સ્ટ્રુઅલ સાયકલને નિયમિત રાખવામાં મદદ કરે છે. જો પહેલેથી પિરિયડ્સમાં કોઈ સમસ્યા હોય તો ખોરાકમાં યોગ્ય પરિવર્તન કરવાથી મદદ મળે છે. વધારે જંક ફૂડ ખાવાથી મેન્સ્ટ્રુઅલ સાયકલને નિયંત્રણમાં રાખતા હોર્મોન પર અસર થાય છે અને તેનાથી પિરિયડ્સમાં મોડું થાય છે.

જો ખોરાકમાં હિમોગ્લોબિનની ખામી હોય તો મેન્સ્ટ્રુએશન દરમિયાન હળવું બ્લીડિંગ થાય છે.

મુંબઈસ્થિત સ્ત્રીરોગોના નિષ્ણાત વિક્રમ શાહ કહે છે, “પિરિયડ્સ માટે ખોરાક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ઘણી મહિલાઓને ખબર નથી કે પિરિયડ્સ માટે શું ખાવું જોઈએ અને શું નહીં. જો તમે સતત બહારનું ભોજન લો છો જે વાસી હોય છે અથવા તમે નિયમિતરૂપે પૂરતો ખોરાક સમયસર નથી લેતા તો તમારા પિરિયડ્સ અનિયમિત અને મોડા થઈ શકે છે.”

નિયમિત પિરિયડ્સ માટે શું ન ખાવું?

ડૉ. શાહ કહે છે કે ખોરાકમાંથી ફૅટનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ, જેથી મેન્સ્ટ્રુઅલ સાયકલ નિયમિત રહે. જો તમારા ખોરાકમાં ઘણું બધું ઑઇલી ફૂડ હોય છે, તો તેનાથી હોર્મોનમાં પરિવર્તન આવે છે અને તે તમારા પેટને અસર કરે છે.

“સાથે જ વધુ પડતી મીઠી વસ્તુઓ ખાવાનું પણ ટાળો. ઘણી વખત એ વાત ધ્યાને લેવાઈ છે કે જો તમે પિરિયડ્સ દરમિયાન મીઠી વસ્તુ ખાઓ છો, તો દુખાવો વધે છે. જો તમારા ખોરાકમાં કૅલરીનું પ્રમાણ ખૂબ વધારે વધે છે, તો શરીરમાં હોર્મોનનું સંતુલન બગડી જાય છે. ઘણી વખત શરીરમાં પુરુષોના હોર્મોન વધવા લાગે છે. તો તેનાથી ત્વચાને નુકસાન થવાની સાથે પિરિયડ્સ પણ અનિયમિત થઈ જાય છે.”

તેમની સલાહ છે કે મહિલાઓએ વધારે તીખા અને વધારે ગરમ ખાદ્યપદાર્થો ન ખાવા જોઈએ. તેનાથી પિરિયડ્સ દરમિયાન રક્તસ્ત્રાવ ખૂબ વધારે થઈ જાય છે અને પિરિયડ્સ લાંબા પણ ચાલે છે.

ડૉ. શાહ કહે છે કે જો તમે પિરિયડ્સ દરમિયાન થતી અગવડતાને ઓછી કરવા માગો છો અને તમે ઇચ્છો છો કે તમારા પિરિયડ્સ નિયમિત અને સમયસર થાય છે, તો તમારે ખોરાકમાં થોડા મહત્ત્વના ફૉર્મ્યૂલાને અપનાવવા પડશે.

દિવસમાં ત્રણ વખત ભોજન લો. સવારનો નાસ્તો, બપોરનું લંચ અને રાત્રિભોજન નિયમિતપણે ચોક્કસ સમયે લો. બે વખત લીધેલા ભોજનની વચ્ચે બીજું કંઈ ખાવાનું ટાળો.

- સૂતાં પહેલાં આશરે 3 કલાક પહેલાં રાત્રિભોજન લો. ખાધા પછી તુરંત સૂઈ ન જાઓ.

- રાત્રિભોજન અને સવારના નાસ્તા વચ્ચે ઓછામાં ઓછું 12 કલાકનું અંતર રાખો.

- જો આ નિયમોનું પાલન કરવામાં આવે, તો પાચનની પ્રક્રિયામાં સુધારો આવે છે અને આપણે જે ભોજન લઈએ છીએ તે ચરબી બનતું નથી.

નિયમિત પિરિયડ્સ માટે શું ખાવું જોઈએ?

ડૉ. શાહ કહે છે કે ઘણી મહિલાઓનું હિમોગ્લોબિન ઓછું હોય છે, તો તેમને પિરિયડ્સ દરમિયાન ઓછો રક્ત્તસ્ત્રાવ થાય છે અથવા તો જરા પણ લોહી વહેતું નથી.

આવી સ્થિતિમાં નિષ્ણાતો કહે છે કે કોથમીર, પાલક, બીટને જેમ બને તેમ વધારે તમારા આહારમાં ઉમેરો.

ડૉ. શાહ પણ કહે છે કે પ્રોટિનયુક્ત આહાર, જેમ કે દાળ, માંડવીનાં બી, સોયાબીન અને વટાણા જેવી વસ્તુઓને આહારમાં ઉમેરવી જોઈએ. આ સિવાય ચીઝ, માછલી, ચિકન જેવી વસ્તુઓને પણ ક્યારેક ક્યારેક ખોરાકમાં લઈ શકાય છે. દરરોજ સલાડ પણ ખાવું જોઈએ.

મેન્સ્ટ્રુએશન પહેલાં ખોરાકમાં શું લેવું જોઈએ?

નિષ્ણાતો કહે છે કે પિરિયડ્સ પહેલાં અને પછી ખોરાકમાં કેટલાંક પરિવર્તન હોવાં જોઈએ. આ મામલે યુકેની નેશનલ હેલ્થ સિસ્ટમે પણ કેટલીક ગાઇડલાઇન જાહેર કરી છે.

પિરિયડ્સ પહેલાં તમારું શરીર કેટલાંક પરિવર્તન જુએ છે. શરીરમાં પ્રી-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમ જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન શારીરિક અને માનસિક સમસ્યાઓ જોવા મળી શકે છે. ઘણી મહિલાઓ મૂડ સ્વિંગ, ચક્કર આવવા અને ચીડિયાપણું થતું હોવાની ફરિયાદ કરતી હોય છે.

આ સમય દરમિયાન ભૂખ પણ વધી જાય છે. મીઠું કે તીખું ખાવાનું પણ ખૂબ મન થતું હોય છે.

આવું એ માટે થાય છે કે પિરિયડ્સના થોડા દિવસો પહેલાં મેટાબોલિક રેટ અસ્થાયી ધોરણે વધે છે.

એટલે કેટલાંક સંશોધન જણાવે છે કે આ સમયગાળા દરમિયાન જો દિવસની 100થી 300 કૅલરી લેવામાં આવે તો પણ ચાલી શકે છે.

લંડનના એક ડાયટિશિયન રોઈ હન્ટ્રીઝ કહે છે, “જ્યારે ભૂખની વાત આવે ત્યારે તમારા શરીરની વાત સાંભળવી સારી વાત છે. તેનાથી આપણને શક્તિ મળે છે અને તેનાથી શરીર પણ સારી રીતે કામ કરે છે.”

તેઓ એમ પણ કહે છે કે આ સમયગાળા દરમિયાન મહિલાએ ફાયબરથી ભરપૂર કાર્બોહાઈડ્રેટ્સ ખાવા જોઈએ અથવા પ્રોટિનથી ભરપૂર આહાર.

હન્ટ્રીઝ કહે છે, “મીઠી વસ્તુ અથવા જંક ફૂડની આ સમયે ઇચ્છા થાય છે, પરંતુ તે શરીરની જરૂરિયાત નથી. તે આપણા મૂડ પર આધાર રાખે છે. આ સમયે આપણે એવો ખોરાક ખાવા માગીએ છીએ જે આપણને ખુશી આપે. પરંતુ તેનાથી થાક, દુખાવો અને ઊંઘ ન આવવાનાં લક્ષણો જોવાં મળે છે.”

કેટલાંક સંશોધનોમાં એ પણ જાણવા મળ્યું છે કે ફળ ખાવાથી પિરિયડ્સ દરમિયાન અને તેની પહેલાં જે દુખાવો થાય છે તે ઘટી જાય છે.

લોકો માને છે કે આ દુખાવો ચૉકલેટ ખાવાથી પણ ઓછો થાય છે. જોકે, હકીકત એ છે કે ચૉકલેટમાં માત્ર ડાર્ક ચોકલેટ દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે જેમાં 70 ટકા કોકા હોય છે અને ખાંડ ઓછી હોય છે. બીજી ચૉકલેટ ખાવાથી ચીડિયાપણું આવી શકે છે.

હન્ટ્રીઝના મતે આ સમયગાળા દરમિયાન કૉફીનું સેવન પણ ઓછું કરી દેવું જોઈએ.

નિષ્ણાતો કહે છે કે પિરિયડ્સ દરમિયાન મહિલાઓએ વધારે પાણી પીવું જોઈએ.

હન્ટ્રીઝ કહે છે, “પિરિયડ્સ દરમિયાન પાણી વધારે પીવાથી વધારે રક્તસ્ત્રાવ નહીં થાય. તેનાથી રક્તસ્ત્રાવ ઓછો થવામાં મદદ મળે છે.”

હન્ટ્રીઝ સ્પષ્ટપણે એવું પણ કહે છે કે આ સમયગાળા દરમિયાન દારૂનું સેવન ન કરવું જોઈએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો