વજન ઘટાડવાના આઇડિયા : આ પાંચ બાબતોનું ધ્યાન રાખવાથી વજન સરળતાથી ઘટી શકે

ભારત સરકારના ‘નેશનલ ફૅમિલી હેલ્થ સરવે-5’ અનુસાર ભારતમાં લગભગ 23 ટકા પુરુષો અને 24 ટકા મહિલાઓનો બૉડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ - BMI) 25 અથવા એનાથી વધારે છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) આવા BMI (બીએમઆઈ) ધરાવતા લોકોને ‘ઓવરવેઇટ’ એટલે કે વધારે વજન ધરાવતી વ્યક્તિ ગણે છે.

સરવે એવું પણ કહે છે કે વર્ષ 2015-16માં 5 વર્ષથી નાની વય ધરાવતા ‘ઓવરવેઇટ’ બાળકોનું પ્રમાણ 2.1 ટકા હતું તે આ સરવેમાં 3.4 ટકા એટલે પ્રમાણ વધેલું જોવા મળ્યું છે.

અહીં એ સમજવું જરૂરી છે કે મેદસ્વી વ્યક્તિ અને વધુ વજન ધરાવતી વ્યક્તિ બંનેને અલગ વર્ગીકૃત કરવામાં આવે છે.

એટલું જ નહીં પણ વર્ષ 2015માં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે ઇંગ્લૅન્ડના ચીફ મેડિકલ ઑફિસર ડૅમી શેલી ડેવિસ મુજબ ‘મહિલાઓના સ્વાસ્થ્યને મેદસ્વીતાના લીધે ગંભીર જોખમ’ છે. તેમણે યુકેમાં રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો ત્યારે કહ્યું હતું કે મહિલાઓમાં મેદસ્વીતાની સમસ્યા ખરેખર રાષ્ટ્રની પ્રાથમિકતાના મુદ્દામાં સામેલ હોવી જોઈએ.

એ રિપોર્ટ પ્રમાણે 25-34 વય વર્ષ વચ્ચેની 51 ટકા મહિલાઓ ઓવરવેઇટ અથવા મેદસ્વી હતી અને 45થી 54 વયજૂથની મહિલાઓમાં એ પ્રમાણ વધીને 63 ટકા હતું. એટલું જ નહીં પણ પુરુષોનું વજન પણ વધારે જોવા મળ્યું હતું. 45થી 54 વર્ષના વયજૂથમાં 80 ટકા લોકો ઓવરવેઇટ અથવા મેદસ્વી હતા.

દેશમાં મેદસ્વીતા વધવા માટે હંમેશાં આરોગ્ય સેવાઓ, ખાદ્ય ઉદ્યોગ અને સુપરમાર્કેટને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

પરંતુ લોકો પોતાનું સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા વ્યવહારુ રીતે શું કરી શકે છે? આ રહી વજન ઘટાડવાની પાંચ ટિપ્સ.

1 – રસોઈ કરતા શીખો

સાંભળવામાં સામાન્ય લાગશે પણ તમે જે તમારા ખોરાકમાં લો એ તમારા વજનને અસર કરે છે. રસોઈ બનાવવાથી તમને ખ્યાલ રહેશે કે તમે તમારા ખોરાકમાં કઈ વસ્તુઓ ઉપયોગમાં લઈ રહ્યા છો.

નૅશનલ ઑબેસિટી ફોરમના ટૅમ ફ્રાય કહે છે, “તાજું ભોજન રાંધવાનું શીખવું એ ખરેખર નંબર વન વિકલ્પ છે, જેનાથી મેદસ્વીતામાં સુધારો અને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.”

“એ વાત પણ મહત્ત્વની છે કે આના માટે તમારી પાસે રસોડાની વ્યવસ્થા હોવી જોઈએ અને રાંધવા માટેનો સમય. જે કદાચ દરેક પાસે નથી હોતો. પણ જો તમારી પાસે આવી વ્યવસ્થા છે, તો તમે કોશિશ કરી શકો છો.”

બિનઆરોગ્યપ્રદ અને અતિશય વધુ ઊર્જાવાળા ભોજનને બદલો. જેમ કે ફાસ્ટફૂડ, પ્રોસેસ કરાયેલું તૈયાર ભોજન અને સુગર ધરાવતા પીણાં અને દારૂના સેવનની જગ્યાએ અન્ય આરોગ્યપ્રદ ખોરાકની ટેવ પાડવી જોઈએ.

બ્રિટિશ ડાયેટિક એસોસિયેશન મુજબ દિવસમાં 400 ગ્રામ ફળ અને શાકભાજી ખાવાથી કેટલાક કૅન્સર અને હાઇ બ્લડ પ્રેશરના જોખમને ઓછું કરી શકાય છે.

સુપરમાર્કેટમાં ખરીદી વખતે સાવચેતી રાખો. સામગ્રીના લેબલ પર એના ઘટકો વિશે જાણો. વધુ સુગરનું પ્રમાણ ધરાવતી વસ્તુ લેવાનું ટાળો.

2 – નાની પ્લૅટનો ઉપયોગ કરો

ફૂડ હવે ઘણું ફૅશનેબલ થઈ ગયું છે, અને ટેબલ પર એ ઘણી જગ્યા રોકે છે. શેફને પોતાની રાંધણકળા પ્રદર્શિત કરવાનું પસંદ હોય છે. એટલે તેઓ મોટી ડિનર પ્લૅટ તૈયાર કરે છે, પરંતુ સંશોધન સૂચવે છે કે લોકો પોતાને જે પીરસે છે તે મોટાભાગે ખાતા હોય છે. આથી વધુ પીરસવાથી વધુ ખોરાક લેવાય જાય એવું પણ થતું હોય છે.

ડૉ. બ્રાયન વાન્સિકના એક પ્રાયોગિક અભ્યાસમાં દાવો કરાયો છે કે પ્લૅટની સાઇઝ 12 ઇંચથી 10 ઇંચ કરી દેવાથી પીરસવામાં આવતી કૅલરીના પ્રમાણમાં 22 ટકાનો ઘટાડો થાય છે. નાની પ્લૅટમાં પીરસવાથી એ ભરેલી લાગે છે.

પણ આમાં એક બીજી અસર વિપરિત પણ જોવા મળી. જેમાં લોકોને લાગ્યું કે પ્લૅટ નાની છે અને ખાવાનું ઓછું છે એટલે તેમણે બીજી-ત્રીજી વાર ખાવાનું લીધું.

અભ્યાસમાં એવી ધારણા બાંધવામાં આવી કે એક આખુંય વર્ષ જો 10 ઇંચની પ્લૅટ લેવામાં આવે તો સરેરાશ વયસ્ક વ્યક્તિના વજનમાં 8.16 કિલોગ્રામનો ઘટાડો થઈ શકે છે.

3 - તમારી દિવસભરના શારીરિક શ્રમ પર ધ્યાન આપો

વજન વધવું અને વ્યક્તિનું બેઠાડું જીવન હોવું ઘણીવાર એકબીજા સાથે સંકળાયેલું હોવાનું જોવા મળે છે. અભ્યાસમાં જાણવા મળે છે કે કસરત ન કરવાથી જેટલું નુકસાન થાય છે એ મેદસ્વીતાથી થતા નુકસાન કરતાં બમણું છે. કસરત ન કરવાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા મેદસ્વીતાને લીધે મૃત્યુ પામતા લોકો કરતા બમણી છે.

આથી જો તમારે પાતળા થવું હોય તો વ્યાયામની શરૂઆત કરવાની જરૂર છે.

તમે દિવસમાં શારીરિક શ્રમ ધરાવતી જેટલી પ્રવૃત્તિઓ કરો છો એની યાદી બનાવો અને જુઓ કે એમાં તમે ખરેખર કેટલી કસરત કરી.

સ્વેન્સિયાના ડૉ. શેરલોટ જોન્સ કહે છે,“દિવસમાં માત્ર 20 મિનિટ કસરત કરવાથી તમારા આરોગ્ય સુધારમાં અને વજન ઘટાડવામાં મદદ મળશે”

ચેસ્ટર યુનિવર્સિટીના સંશોધન અનુસાર જો તમે કસરત ન કરી શકો તો, માત્ર ઊભા રહેવાથી પણ ખરેખર મદદ મળી શકે છે. દિવસમાં 3 કલાક ઊભા રહેવાથી 3.6 કિલો ચરબી એક વર્ષમાં ઊતરી શકે છે.

4 - મદદ મેળવો

વજન ઘટાડવાનો અનુભવ એક એકલતાનો અનુભવ છે, જેમાં ઘણી વખત પ્રોત્સાહન નથી રહેતું. એટલે વજન ઘટાડવાની પ્રવૃત્તિ એકલા ન કરવું જોઈએ.

પાતળા થવાના ફિટનેસ ક્લાસ અને કસરત માટેના ક્લબમાં જોડાઈ શકાય છે. જો આવું ન થઈ શકે તો ઑનલાઇન માધ્યમથી પણ મદદ મળી શકે છે.

5 – ગર્ભવતી મહિલાએ બે વ્યક્તિ જેટલો ખોરાક ન ખાવો

ડૉ. ડૅમ શેલી કહે છે કે તેઓ એક ગેરમાન્યતા તોડવા માગે છે. અને તે એ છે કે મહિલાઓએ ગર્ભાવસ્થામાં બે વ્યક્તિ ખાય એટલો ખોરાક ખાવો જોઈએ.

મહિલાનું સ્વાસ્થ્ય તેની અંદર રહેલા ભ્રૂણને અસર કરે છે અને એનાથી લાંબાગાળાના પરિણામો આવી શકે છે. બાળકમાં મેદસ્વીતા અને ટાઇટ-2 ડાયાબિટીસ થઈ શકે છે.

મહિલાઓ સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અને ખોરાક લેવા જોઈએ.