You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શરીર લૂછવાનો ટુવાલ ક્યારે અને કેટલી વખત ધોવો જોઈએ? ના ધોવો તો કેવી તકલીફો થાય?
સામાન્ય રીતે જ્યારે પણ હાથ મોઢું લૂછવાના નેપકિન કે નાહ્યા પછી શરીર લૂછવાના ટુવાલ પર ડાઘ પડે અથવા તેમાંથી દુર્ગંધ આવે ત્યારે આપણે સમજીએ છીએ કે તેનો ધોવાનો સમય થઈ ગયો છે. અથવા આપણે તેને બાજુ પર મૂકીને બીજા નેપકિન અને ટુવાલનો ઉપયોગ કરીએ છીએ.
પણ આપણે કેવી રીતે જાણી શકીએ કે ખરેખર આપણા ટુવાલને ધોવાનો સમય થઈ ગયો છે?
નાહ્યા બાદ આપણા ભીના શરીરને આપણે જેનાથી લૂછીને એકદમ ચોખ્ખું કરીએ છીએ તે ટુવાલનો ઉપયોગ કેટલા સમય સુધી કરવો જોઈએ?
આ અંગે યુકેમાં તાજેતરમાં જ 2200 લોકો પર એક સર્વે કરવામાં આવ્યો. પણ તેમાં ટુવાલને ક્યારે ધોવો જોઈએ તે વિશે કોઈ જ વ્યક્તિ ચોક્કસ નહોતી.
44 ટકા લોકોએ સંકેત આપ્યો કે તેઓ દર ત્રણ મહિને અથવા તેનાથી વધુ સમયે તેમનો ટુવાલ ધોવે છે.
આ અંગે બીબીસીએ ડૉક્ટર સૅલી બ્લૂમફિલ્ડને પૂછ્યું કે તેઓ હોમ હાઇજિન, ઇન્ફૅક્શન ને અટકાવવાના નિષ્ણાત છે કે ટુવાલ ધોવાનો સમયગાળો કેટલો હોવો જોઈએ.
તેમણે બીબીસીને જવાબ આપ્યો કે "મને જાણીને નવાઈ લાગે છે કે તમને એવુ લાગે છે કે ટુવાલ એ ખૂબ જ પરસેવાવાળો અને વારંવાર ઉપયોગમાં ન લેવાય એવા હોય છે."
પાંચમાંથી અંદાજે એક વ્યક્તિએ કહ્યું કે તેઓ ટુવાલ મહિનામાં એક વાર ધોવે છે. 25 ટકા લોકો અઠવાડિયામાં એક વાર, અને 20માંથી એકે કહ્યું કે તેઓ તેનો ઉપયોગ કર્યા બાદ દર વખતે તેને ધોવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારે ટુવાલ શા માટે ધોવો જોઈએ?
પ્રશ્નનો સરળ જવાબ આપતાં ડૉક્ટર બ્લૂમફિલ્ડ કહ્યું કે, ''સામાન્ય રીતે તમારે અઠવાડિયામાં એક વાર ટુવાલ ધોવો જોઈએ.''
“એ તમને ચોખ્ખો દેખાતો હોય તો પણ તેના ઉપર લાખોની સંખ્યામાં જંતુઓ ચોંટેલાં હોઈ શકે છે. જેનાથી તમે ગંભીર સ્વાસ્થ્ય સંકટમાં મૂકાઈ શકો છો.”
નિષ્ણાતોનું માનવું છે કે જો તમે તેને નિયમિત રીતે ન ધોવો તો ''ટુવાલ પર જીવાણુઓની સંખ્યા વધી શકે છે.'' અને જ્યારે તમે તે ધોવો ત્યારે ''તે સંપૂર્ણપણે જીવાણુમુક્ત થાય તે અઘરું છે.''
જેના કારણે સમસ્યા સર્જાઈ શકે છે.
જ્યારે આપણે ટુવાલથી આપણે શરીરના અંગો સાફ કરીએ છીએ ત્યારે તેના પર ચોંટેલા જીવાણુઓ પણ તેના પર લાગી જાય છે.
ડૉક્ટર બ્લૂમફિલ્ડે કહ્યું કે ''આપણાં અંગો પર ચોંટેલા દરેક જીવાણુ ચેપી નથી હોતા. પણ તે શરીર પર થયેલી કોઈ નાની ઈજાના ઘાથી પણ શરીરમાં પ્રવેશે તો તે ઇન્ફૅક્શન વધારી શકે છે. અને તે ગંભીર સમસ્યા નોતરી શકે છે.''
જો તમે એકલા રહેતા હોવ તો?
જો તમે અન્ય લોકો સાથે રહેતા હોવ તો તમારે વધુ ધ્યાન રાખવાની જરૂર છે.
આ અંગે નિષ્ણાતોએ કહ્યું કે "કેટલીક વખત આપણા શરીર પર એવા જીવાણુઓ હોય છે કે જે તાત્કાલિક તમને બીમાર ન પાડે, પણ જો તે જીવાણુ અન્ય લોકોમાં પ્રવેશે તો તે લોકો બીમાર પડી શકે છે."
“જો એક કરતાં વધુ લોકો એક જ ટુવાલનો ઉપયોગ કરે તો તેમના જીવાણુનો ચેપ એકબીજાને લગાડી શકે છે. પણ જો તમે તેમની વસ્તુઓ સાથે પણ ટુવાલને ધોવા મૂકો તો પણ જીવાણુઓ પ્રસરી શકે છે.”
તેમણે ઉમેર્યું કે, “અહીં ચેપ લાગવાની શક્યતા વધી શકે છે.”
પણ આ અંગે ડૉક્ટર બ્લૂમફિલ્ડ કહે છે, “હા એ વાત સાચી છે કે જો તમે એકલા રહેતા હોવ તો જોખમ ઓછું હોઈ શકે છે.”
જોકે સાથે સાથે તેઓ સલાહ પણ આપે છે કે જો એકલા રહેતા હોવ તો પણ તમારે ટુવાલ ધોવામાં "15 દિવસથી વધારે લાંબો ગાળો ન રાખવો જોઈએ."
ક્રિસ્ટિના સોમાડાકિસ યુકે નેશનલ હેલ્થ સર્વિસમાં ડર્મૅટોલૉજિસ્ટ છે. તેઓ કહે છે કે “જો તમને મોઢા પર ખીલ હોય, વાળમાં બળતરા થતી હોય તો તમારે ટૂંકા ગાળામાં ટુવાલ ધોવા જોઈએ.”
ટુવાલ સહિત ઘરમાં હાઇજિનનું ઓછું ધ્યાન રાખવાની સ્થિતિ ચામડીની સમસ્યા અથવા રોગ વધવાનું કારણ બની શકે છે.
“તમારે આ બાબતે હાઇજિનનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો તે તમારા માટે સમસ્યા ઊભી કરી શકે છે.”
મોઢું અને શરીર લૂછવા અલગ-અલગ ટુવાલ કેમ રાખવા જોઈએ?
જો તમે કસરત કરતા હોવ અને જ્યારે તમને વધારે ગરમી લાગતી હોય, ત્યારે તમારી પાસે પરસેવો લૂછવા માટે એક અલગ ટુવાલ કે નેપકિન હોવો જોઈએ.
ડૉક્ટર બ્લૂમફિલ્ડ કહે છે કે જો તમે પરસેવો લૂછવા માટે ટુવાલનો ઉપયોગ કરતા હોવ તો તમારે તે ટુવાલ વારંવાર ધોવો જોઈએ.
“જ્યારે તમને વધુ પરસેવો થતો હોય અને તમે ટુવાલથી મોઢું લૂછો તો તમારી ચામડી પર રહેલા કોષો પણ નીકળી જાય છે અને વધુ બૅક્ટેરિયા ટુવાલ પર ચોંટી જાય છે.”
તેમણે ઊમેર્યું, “આવી સ્થિતિમાં તમારે વારંવાર ટુવાલ ધોવાની જરૂર છે. અને જો તમે વારંવાર ટુવાલ નથી ધોતા તો જ્યારે તમે તેને ધોવા નાખો ત્યારે તેની સંપૂર્ણ સફાઈ થવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.”
સોમાડાકિસ સૂચન કરે છે, ''જો તમે મોઢા માટે એક અને શરીર માટે બીજો એમ અલગ-અલગ ટુવાલ ના રાખતા હોવ તો તમારે બે ટુવાલ રાખવાની ટેવ પાડવાની જરૂર છે.''
તેમણે ઊમેર્યું કે “જ્યારે તમે શરીર લૂછવાનો ટુવાલ વાપરો છો ત્યારે તમે એને શરીરનાં અંગો પર ઘસતા હોવ છો, જે સૂર્યપ્રકાશમાં ખુલ્લાં ન થતાં હોય. એવું બની શકે તે એ અંગો પર તમારાં પાચન અને ઉત્સર્જનતંત્રો સાથે સંલગ્ન હોય તેવા બૅક્ટેરિયાની હાજરી હોય.”
“આ ઉપરાંત તમારાં શરીર પર એવાં ઘણા અલગ પ્રકારના જીવાણુ હોઈ શકે છે, જે તમારા મોઢા નજીક આવે તેવું તમે નહીં ઇચ્છો.” એટલા માટે તમારે મોઢું લૂછવા અને શરીર લૂછવા માટે બે અલગ-અલગ ટુવાલનો ઉપયોગ કરવો જોઈએ.
ડૉક્ટર બ્લૂમફિલ્ડ માને છે કે તમે જ્યાં રહો છો ત્યાંનું વાતાવરણ અને તમે જે વૉશિંગ મશીનનો ઉપયોગ કરો છો તે પણ મહત્ત્વનાં છે. પણ તમારે વૉશિંગ મશીનમાં પણ ટુવાલને નિયમિત રીતે ઓછા તાપમાને અને ક્યારેક ઊંચા તાપમાને ધોવો જોઈએ.