You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેટ ફુગ્ગાની જેમ કેમ ફૂલી જાય છે? તેનો ઈલાજ શું છે?
- આહારમાં ફેરફાર કરીને કેટલીક તકલીફને દૂર કરી શકાય છે
- પેટ ફૂલી જવાનું એક સામાન્ય કારણ આંતરડામાં વધારાનો ગેસ હોય છે
- પેટ ફૂલેલું લાગવાનું એક અન્ય કારણ કબજિયાત હોય છે
- ખાદ્યસામગ્રીની એલર્જી પણ પેટ ફૂલવાનું કારણ બની શકે છે
કશું ખાધું ન હોય તો પણ પેટ ભરાયેલું હોવાની લાગણી સાથે પેટ ફૂલી જવું બહુ સામાન્ય બાબત છે. વધેલા પેટને કારણે અકળામણની લાગણી પણ થાય છે. એ સિવાય પેટમાં પીડા જેવી તકલીફ થઈ શકે છે.
તેના ઘણાં કારણ હોઈ શકે છે. આહારમાં ફેરફાર કરીને કેટલીક તકલીફને દૂર કરી શકાય છે. બીજાં કેટલાંક કારણ રોગપ્રતિકારક તંત્રની અથવા કૅન્સરની સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
ફૂલી જતા પેટની તકલીફના નિવારણ માટે શું કરવું જોઈએ? કઈ આદતો બદલવી જોઈએ? ક્યા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ? આવો, જાણીએ.
ગેસની તકલીફ
પેટ ફૂલી જવાનું એક સામાન્ય કારણ આંતરડામાં વધારાનો ગેસ હોય છે. બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાનું કહેવું છે કે, એ માટે કેટલાક ખાદ્ય પદાર્થ તથા પીણાં જવાબદાર છે.
પેટ ફૂલેલું લાગવાનું એક અન્ય કારણ કબજિયાત હોય છે. જોન્સ હૉપકિન્સ મેડિકલ સેન્ટરના જણાવ્યા મુજબ, કોઈને મળ ત્યાગમાં તકલીફ થતી હોય, તેનો મળ કઠણ હોય અથવા મળત્યાગ કર્યા પછી આંતરડામાં મોકળાશ ન અનુભવાતી હોય તો તેને કબજિયાતની તકલીફ હોઈ શકે છે.
લાંબા સમય સુધી મળત્યાગ ન કરવામાં આવે ત્યારે બૅક્ટેરિયાની સંખ્યા વધી જાય છે અને તે વધારે ગેસ તથા પેટ ફૂલવાનું કારણ બને છે.
બૅક્ટેરિયાની સંખ્યામાં વધારો
નાના આંતરડામાં બૅક્ટેરિયાની સંખ્યામાં વધારો પણ પેટ ફૂલવાનું એક મુખ્ય કારણ છે. મોટા આંતરડામાં બૅક્ટેરિયાની સંખ્યામાં વધારો થવાની સાથે તે નાના આંતરડામાં ચાલ્યાં જાય છે. બૅક્ટેરિયાના પ્રમાણમાંનો આ વધારો, આંતરડાનાં અન્ય કાર્યોને નિયંત્રિત કરતા તથા ગેસને શોષી લેતા અન્ય બૅક્ટેરિયાના કામકાજને પ્રભાવિત કરે છે.
મેયો ક્લિનિક સૂચવે છે કે, પેટની શસ્ત્રક્રિયા પછીની જટિલતા અથવા તો ડાયવર્ટીકોલાઇટિસ જેવી ચોક્કસ તકલીફોને કારણે બૅક્ટેરિયાના પ્રમાણમાં મોટી વૃદ્ધિ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ એક બહુ સામાન્ય સ્થિતિ છે. તેની પાચન તંત્ર પર અસર થઈ શકે છે. તેનાથી માત્ર ગેસ તથા પેટ ફૂલવાની જ નહીં, પરંતુ પીડા, આંકડી આવવી, અતિસાર અને કબજિયાતની તકલીફ પણ થઈ શકે છે.
ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમનું કારણ શું છે તે સ્પષ્ટ નથી, પરંતુ બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના જણાવ્યા અનુસાર, તેને તણાવ, આનુવંશિકતા અને પાચન વગેરે સાથે સંબંધ છે. ગેસ્ટ્રોપેરેસીસ જેવા રોગ પેટના સ્નાયુઓને અસર કરે છે અને તે પણ પેટ ફૂલવાનાં અનેક કારણો પૈકીનો એક છે.
એલર્જી અને હોર્મોન
ક્યારેક કોઈ ખાદ્યસામગ્રીની એલર્જી પણ પેટ ફૂલવાનું કારણ બની શકે છે. લૅક્ટોઝ, ફ્રુક્ટોઝ, ઘઉં અને વટાણા, વાલ તથા કઠોળ જેવા કાર્બોહાઈડ્રેટ્સ પેટ ફૂલવાના સંદિગ્ધ કારણ છે.
તે સીલિએક રોગનો સંકેત હોઈ શકે છે. આ રોગમાં રોગપ્રતિરોધક તંત્ર, ગ્લૂટનનું સેવન કરવામાં આવે ત્યારે તેના પોતાના કોષો પર જ હુમલો કરે છે. ગ્લૂટન ઘઉં, જુવાર અને રાય જેવાં ધાન્યમાંથી મળતું પ્રોટીન છે.
તે નાના આંતરડાને નુકસાન પહોંચાડે છે અને પોષક તત્ત્વોનું શોષણ કરવાનું મુશ્કેલ બનાવે છે. તેને લીધે અતિસાર, પેટમાં દર્દ તથા પેટ ફૂલી જવા જેવી તકલીફ સર્જાય છે.
મહિલાઓમાં બેલી બ્લોટિંગ એટલે પેટ ફૂલી જવાનું એક અન્ય કારણ માસિક ચક્ર માટે જવાબદાર હોર્મોન્સને કારણે થતું બ્લોટિંગ છે.
ક્લીવલૅન્ડ ક્લિનિકનું કહેવું છે કે, પ્રત્યેક ચારમાંથી ત્રણ મહિલાઓને તેમના પીરિયડની પહેલાં અને પછી પેટ ફૂલવાનો અનુભવ થતો હોય છે.
ફીમેલ હોર્મોન્સ ઘણાં કારણોસર પેટ ફૂલાવી શકે છે. દાખલા તરીકે, પેટમાં પ્રવાહી જાળવી રાખવા માટે જવાબદાર ઍસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ પેટના સ્નાયુઓની હિલચાલને ઝડપી અથવા ધીમી કરી શકે છે. તેને કારણે પીરિયડ પહેલાં ગેસ ઉત્પન્ન થાય છે અને ગર્ભાશય મોટું થઈ જાય છે.
બ્લોટિંગની આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો તે અંડાશયના કેન્સર જેવી વધારે ગંભીર તકલીફનો સંકેત હોઈ શકે છે. તેથી તેને લગતી તપાસ નિયમિત રીતે કરાવવી જરૂરી છે.
ફૂલેલું પેટ કઈ રીતે ઘટાડવું?
પેટ ફૂલી જવાનું કારણ ખબર ન હોય તો જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો જરૂરી છે. પેટ ન ફૂલે એ માટે પાચન સુધારવા નિયમિત કસરત તથા પેટ પર જમણેથી ડાબી તરફ માલિશની ભલામણ બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા કરે છે.
કબજિયાતની તકલીફ હોય તો ફળ તથા શાકભાજી જેવો રેષાયુક્ત આહાર લેવો અને પુષ્કળ પાણી પીવું જરૂરી છે. સૉફ્ટ ડ્રિંક્સ, દારૂ, કેફીન તથા ચરબીયુક્ત પદાર્થો તેમજ પ્રોસેસ્ડ ફૂડ, કોબી, કઠોળ અથવા દાળ કે બીન્સ જેવો ગેસકારક આહાર લેવાનું ટાળવું જોઈએ.
ભોજન કરતી વખતે હવા પેટમાં ન જાય એ માટે મોં બંધ કરીને ખોરાક સારી રીતે ચાવવો જોઈએ. ઊંઘતા પહેલાં વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહેવું જોઈએ.
ફૂડ એલર્જી છે એવું લાગતું હોય તો જેને કારણે ફૂડ એલર્જી થવાની શંકા હોય તેવા ખાદ્યપદાર્થનો આહાર ઓછો કરવો જોઈએ અને પ્રત્યેક ભોજન પછી કેવી અનુભૂતિ થાય છે તેની સમીક્ષા કરવી જોઈએ.
ડૉક્ટર પાસે ક્યારે જવું?
પેટના ફૂલી જવાની તકલીફ આપોઆપ દૂર થઈ શકે છે અથવા જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને તેનો ઇલાજ કરી શકાય છે. પેટ ફૂલવાથી અસુખનો અનુભવ થતો હોય તો તેનો અર્થ એ નથી કે કોઈ ગંભીર સમસ્યા છે.
જીવનશૈલીમાં ફેરફાર પછી પણ બેલી બ્લોટિંગ ઓછું ન થાય અથવા અન્ય લક્ષણો સાથે તે યથાવત રહે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બને છે.
મેયો ક્લિનિકના જણાવ્યા અનુસાર, ગંભીર તકલીફોની ચેતવણીના સંકેતમાં અતિસાર, પેટમાં સતત પીડા, મળમાં લોહી પડવું કે મળના રંગમાં ફેરફાર, વજનમાં ઘટાડો, ભૂખ ન લાગવી કે થોડુંક ખાતાંની સાથે જ પેટ ભરાઈ ગયાની લાગણી અને પેટ તથા છાતીમાં થતી તકલીફનો સમાવેશ થાય છે.