You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાંચ કલાકથી ઓછું ઊંઘતા હો, તો તમારા સ્વાસ્થ્યને ખતરો હોઈ શકે છે
જો તમારી ઉંમર 50 વર્ષ કરતાં વધુ છે અને તમે પાંચ કલાક કરતાં પણ ઓછી ઊંઘ લેતા હો તો તમને ઘણી બીમારીઓ લાગી શકે છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ઓછામાં ઓછા પાંચ કલાકની ઊંઘ લેવાથી 50 વર્ષ કરતાં વધુ વય ધરાવતી વ્યક્તિને સ્વાસ્થ્યસંબંધી પરેશાનીઓનો ખતરો ઓછો થઈ જાય છે.
સ્વાસ્થ્ય ઠીક ન હોય તો ઊંઘમાં ખલેલ પડી શકે છે. અને સારી ઊંઘ ન આવવી એ કોઈ ખતરાના એંધાણ પણ હોઈ શકે છે. એ વાતના પૂરતા પુરાવા મોજૂદ છે કે ઊંઘથી યાદશક્તિ, મન-મસ્તિષ્કને સ્વસ્થ રાખવામાં, તેને આરામ આપવામાં મદદ મળે છે. પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે કેટલા કલાકની ઊંઘ એ ‘ગોલ્ડન નંબર’ છે.
પીએલઓએસ મેડિસિન સ્ટડીમાં બ્રિટનના સિવિલ સર્વન્ટનાં સ્વાસ્થ્ય અને ઊંઘ પર નજર રાખવામાં આવી. આ અભ્યાસમાં ભાગ લેનાર આઠ હજાર લોકોને પુછાયું કે આપ વીકનાઇટમાં સરેરાશ કેટલા કલાકની ઊંઘ લો છો. અમુક લોકોએ આ હેતુ માટે સ્લીપ વૉચનો પણ ઉપયોગ કર્યો.
તેમજ તેમની ક્રૉનિક (દીર્ઘકાલીન) બીમારીઓની તપાસ કરાઈ. તેમની બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, કૅન્સર, હૃદયરોગની તપાસ અને તેમની પાસેથી લગભગ બે દાયકાની માહિતી લેવાઈ.
એવું જાણવા મળ્યું કે 50 વર્ષની આસપાસ ઉંમર ધરાવતા જે લોકો પાંચ કલાક કે તેનાથી ઓછા સમય માટે ઊંઘે છે, તેઓમાં સાત કલાક ઊંઘ લેનારાની સરખામણીએ બીમારીઓનો ખતરો 30 ટકા વધી જાય છે.
સ્ટડી દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે 50 વર્ષની ઉંમરમાં ઓછી ઊંઘ લેવાથી મૃત્યુ થવાની આશંકા વધી જાય છે. મોટા ભાગે ક્રૉનિક બીમારીઓના કારણે જ આ ખતરો વધે છે.
યુનિવર્સિટી કૉલેજ લંડન અને પેરિસ સિટી યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે સામાન્યપણે વિશેષજ્ઞ સાત કે આઠ કલાક ઊંઘવાની સલાહ આપે છે.
વૈજ્ઞાનિક આ વિશે સટીકપણે કંઈ જણાવી નથી શક્યા પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે સારી ઊંઘ યાદશક્તિ, ખુશમિજાજ, એકાગ્રતા અને મેટાબૉલિઝ્મની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સારી ઊંઘ આવે... એ માટે અજમાવી શકો છો આ રીતો
- સમગ્ર દિવસ દરમિયાન પોતાની જાતને વ્યસ્ત રાખો, થાક પેદા કરો અને સાંજ પડે પોતાની જાતને ધીમા પાડી દો
- દિવસે ઊંઘ લેવાનું ટાળો
- રાત્રે પણ રૂટિનનું પાલન કરો. તમારા ઊંઘવાનું સ્થળ આરામદાયક અને સ્વચ્છ હોય તેનું અને સ્માર્ટફોનને દૂર રાખવાની વાતનું ધ્યાન રાખો, ઊંઘતા પહેલાં કૅફિન અને આલ્કોહૉલનું સેવન ન કરો અથવા તેનું પ્રમાણ ઘટાડી દો
- જો ઊંઘ ન આવે તો પોતાની જાત પર ઊંઘવાનું દબાણ ન કરો. એના કરતાં સારું છે કે પથારી પરથી બેઠા થાઓ અને રિલેક્સ રહેવા માટે કંઈક કરો જેમ કે પુસ્તક વાંચવું કે પછી કંઈ બીજું કરવું. તે બાદ જ્યારે ઊંઘ આવવા લાગે તો પથારી પર પાછા ફરો
- જો તમે એવી શિફ્ટમાં કામ કરો છો કે જે દિનચર્યા હિસાબે યોગ્ય નથી તો શિફ્ટ પહેલાં અમુક સમય સુધી ઊંઘ લેવાના પ્રયાસ કરો
સરે સ્લીપ સેન્ટરના ડાયરેક્ટર પ્રોફેસર ડર્ક-જૉન ડિઝ્કોએ બીબીસી ન્યૂઝને જણાવ્યું, “આ અભ્યાસ અનુસાર પર્યાપ્ત કલાકોની ઊંઘ ન લેવી એ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. સામાન્યપણે આવું કરવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે પરંતુ અમુક લોકો માટે તે યોગ્ય હોઈ શકે છે.”
“અહીં મોટો સવાલ એ છે કે અમુક લોકો ઓછું કેમ ઊંઘે છે. આની પાછળનું કારણ શું છે અને શું આ બાબત ઠીક કરવા માટે કંઈક કરી શકાય? ઊંઘ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલ એવી બાબત છે જેમાં એક હદ સુધી ફેરફાર કરી શકાય છે.”
જો ઘણા લાંબા સમય સુધી સારી ઊંઘ ન આવે તો આપણા સ્વાસ્થ્ય પર તેની ઘણી ખરાબ અસર પડી શકે છે. ડૉક્ટર ઊંઘની ગોળી ન લેવાની સલાહ આપે છે કારણ કે તેની ન માત્ર સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે બલકે ઊંઘ માટે તેના પરની નિર્ભરતા વધી જાય છે. ઊંઘની સમસ્યાઓનો સમાધાન થઈ શકે છે અને તેના માટે જરૂર મદદ પણ મેળવી શકાય છે.