સવારે વહેલા ઊઠવાથી ખરેખર લાભ થાય છે કે ઊલટાનું નુકસાન? તમારે શું કરવું જોઈએ?

    • લેેખક, બ્રાયન લુફકિન
    • પદ, બીબીસી કૅપિટલ
  • એવું કહેવાય છે કે સવારે વહેલા ઊઠવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, તમે ખુશ રહો છો અને જીવન પર તમારું નિયંત્રણ રહે છે
  • જો તમે વહેલા ઉઠનારા વ્યક્તિ નથી અને જબરદસ્તી એવા બનવાના પ્રયાસ કરી રહ્યા છો, તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે.
  • સારી વાતો સિવાય સવારે વહેલા ઊઠવાથી કોઈ જાદુ થઈ જતો નથી.

ગુજરાતીમાં એક કહેવત છે - 'રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિ ને ઘન વઘે, વળી સુખમાં રહે શરીર.' આ કહેવત સવારે મોડા ઊઠતા ઘણાં લોકોએ પોતાના સ્વજનો પાસેથી સાંભળી હશે.

બાળપણથી જ આપણને શીખવાડવામાં આવે છે કે, જો તમારે સફળ થવું હોય તો સવારે વહેલા ઊઠો.

વહેલા ઊઠવાથી વધુ કામ થાય છે. સેલિબ્રિટીઝ અને મોટી-મોટી કંપનીઓના સીઈઓ પણ આમ જ કરે છે.

એવું પણ કહેવાય છે કે, સવારે વહેલા ઊઠવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તમે ખુશ રહો છો અને જીવન પર તમારું નિયંત્રણ રહે છે.

આ પ્રકારની સારી વાતો સિવાય સવારે ઊઠવાથી કોઈ જાદુ થઈ જતો નથી.

તેનાથી ન તો ટાઇમ મૅનેજમૅન્ટની સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. કેટલાક લોકો માટે તેની આડઅસર પણ થઈ શકે છે.

સફળતા એ દિનચર્યાને શોધવામાં છે જે તમારા માટે અનુકૂળ હોય.

અહીં કેટલીક સર્વકાલીન ટિપ્સ છે, જે તમને ઊંઘમાંથી જાગવાના યોગ્ય સમયને નક્કી કરવામાં મદદ કરી શકે છે.

વહેલા ઊઠવાના ફાયદા શું છે?

જે લોકો સવારે વહેલા ઊઠે છે, તેમની નજરમાં તેના ઘણા ફાયદા હોઈ શકે છે.

ઘણા લોકોનું કહેવું છે કે, સવારના સમયે ધ્યાન ભટકાવનારી વસ્તુઓ ઓછી હોય છે. ઘરનાં બાળકો અથવા બીજા લોકો ઊંઘતાં હોય છે. એ સમયે મૅસેજ અને ઈમેલ પણ ઓછા આવે છે.

ઍપલના સીઈઓ ટિમ કૂકનું કહેવું છે કે, "તેઓ સવારે પોણા ચાર વાગ્યે ઊઠી જાય છે અને કૅલિફોર્નિયામાં રહેવા છતા પૂર્વ તટ પર રહેતા તેમના સહકર્મીઓથી પહેલાં ઈમેલ ચેક કરવાનું શરૂ કરી દે છે."

કૅલિફોર્નિયામાં જ્યારે સવારના 3:45 વાગ્યા હોય છે, ત્યારે અમેરિકાના પૂર્વ તટ પર 6:45 વાગ્યા હોય છે.

ઓપ્રા વિનફ્રે દરરોજ સવારે 6:02 વાગ્યે ઊઠે છે. તેઓ ધ્યાન અને વ્યાયામ કર્યા બાદ સવારે નવ વાગ્યાથી કામ શરૂ કરે છે.

હોલીવુડ સ્ટાર માર્ક વૉલબર્ગ સૌથી વધુ આશ્ચર્યચકિત કરે છે. તેઓ અઢી વાગ્યે ઊઠી જાય છે, કસરત કરે છે, ગોલ્ફ રમે છે, પ્રાર્થના કરે છે અને માઇનસ 100 ડિગ્રી તાપમાન ધરાવતા ક્રાયોચૅમ્બરમાં થોડો સમય પસાર કરે છે.

કેટલાક અભ્યાસોમાં સૂચવવામાં આવ્યું છે કે, સવારે ઊઠવાથી અને સફળતા હાંસલ કરવા વચ્ચે એક સંબંધ હોઈ શકે છે.

જે લોકો વહેલા ઊઠે છે, તેમનો પરંપરાગત કૉર્પોરેટ શિડ્યુલ સાથે સારી રીતે સુમેળ હોય છે અને તેઓ સક્રિય વ્યક્તિત્વ ધરાવતા હોય છે.

સ્કૂલ-કૉલેજમાં તેમનો ગ્રેડ ઘણો સારો હોઈ શકે છે અને નોકરીમાં પણ તેઓને તગડો પગાર મળી શકે છે.

જો તમે પ્રાકૃતિક રીતે સવારે વહેલા ઊઠી નથી શકતા, તો તમે કેટલીક રણનીતિઓ અજમાવી શકો છો.

સવારે કસરત કરવાથી અને શક્ય તેટલા જલદી સૂર્યપ્રકાશમાં જવાથી મેટાબૉલિઝમ વધે છે અને શરીરને ગરમ રાખવામાં મદદ મળી રહે છે, જેનાથી શરીર સ્ફૂર્તિલું રહે છે.

જોકે, અલાર્મની મદદથી ઊઠવું દરેક માટે કારગત ન હોઈ શકે.

જો તમે સવારની વ્યક્તિ નથી અને જબરદસ્તી એવા બનવાના પ્રયાસ કરી રહ્યા છો, તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે.

શું દરેક વ્યક્તિએ સવારે વહેલા ઊઠવું જોઈએ?

ના, વાસ્તવમાં વહેલા ઊઠવું તમને વધુ ઉત્પાદક બનાવે છે કે નહીં તેનો આધાર તમારા જનીન પર છે.

કેટલાંક સંસોધનો દ્વારા જાણવા મળે છે કે, ઘણા લોકો જૈવિક રૂપથી સવારે વધુ સતર્ક રહે છે અને કેટલાક લોકોની સતર્કતા રાત્રે વધે છે. એ પણ શક્ય છે કે તમારી સતર્કતા અને માનસિક કાર્યક્ષમતા બપોર પછી સૌથી વધુ હોય.

નેચર કૉમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત થયેલો એક અભ્યાસ તેની પુષ્ટિ કરે છે.

સાત લાખથી વધુ લોકોના આંકડાને જોયા બાદ શોધકર્તાઓએ 350થી વધુ આનુવંશિક પરિબળોની ઓળખ કરી છે, જે એ નક્કી કરે છે કે, અમુક વ્યક્તિ સવારે વધુ ઊર્જાવાન લાગે છે કે સાંજે.

સૅમ્પલની સાઇઝના આધારે આ તેના પ્રકારનો સૌથી મોટો અભ્યાસ છે, જોકે તેનાં તારણોની પુષ્ટિ કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.

તેથી જો તમે સ્વાભાવિક રીતે સવારના સમયે ઊર્જાવાન ન અનુભવતા હો, તેમ છતાં વહેલા ઊઠવાનો નિર્ણય કરો છો, તો તમે કદાચ તમારી જાતને નુકસાન કરી રહ્યા છો.

કેટલાક લોકો માટે વહેલા ઊઠવાનાં અંગત કારણો હોઈ શકે છે.

યુનિવર્સિટીમાં ઑફ માન્ચેસ્ટરમાં વર્ક સાઇકૉલૉજીનાં પ્રોફેસર મૅરિલીન ડેવિડસનનું કહેવું છે કે, "વહેલા ઊઠવા અને કામ શરૂ કરવા પાછળનાં અન્ય કારણો પણ હોઈ શકે છે, જેમ કે ઉત્સાહ અને નોકરીમાં સંતોષ."

નાનાં બાળકોનાં માતા-પિતા અને બિન-પરંપરાગત કલાકો દરમિયાન કામ કરતા કામદારો પાસે તેમનો દિવસ ક્યારે શરૂ કરવો, તે અંગે પસંદગી હોતી નથી.

મુખ્ય વાત એ છે કે, માત્ર વહેલા ઊઠી જવાથી ઑફિસમાં તાત્કાલિક સફળતા મળતી નથી.

વાસ્તવમાં તે વ્યક્તિ પર નિર્ભર કરે છે અને વહેલા ઊઠવાથી પણ નકારાત્મક પરિણામો આવી શકે છે.

શું વહેલા ઊઠવાથી નુકસાન પણ થઈ શકે છે?

હા, જો તમે સામાન્ય રીતે વહેલા ઊઠવાવાળી વ્યક્તિ નથી અને ઉત્પાદકતા વધારવા માટે આમ કરવાના પ્રયાસ કરી રહ્યા છો તો નુકસાન થઈ શકે છે.

અમેરિકામાં જૉન હૉપકિન્સ યુનિવર્સિટીનાં ઍસોસિએટ પ્રોફેસર રૅચેલ સલાસ સ્લીપ ડિસઑર્ડરના નિષ્ણાંત છે.

તેમનું કહેવું છે કે, "કોઈ સીઈઓનું જોઈને જો તમે અઠવાડિયામાં 2 દિવસ સવારે 5 વાગ્યે ઊઠવાના પ્રયાસ કરો છો, તો તમે તમારા શરીરને નુકસાન પહોંચાડી રહ્યા છો."

આખી રાતની ઊંઘ લેવી અને દરરોજ રાત્રે એક ચોક્કસ સમયે ઊંઘવું અને નક્કી કરેલા સમયે ઊઠવું બંને મહત્ત્ત્વપૂર્ણ છે.

તેનાથી પણ વધુ નુક્સાનકારક એ છે કે, સવારે વહેલા ઊઠવા માટે ઓછી ઊંઘ લેવી. ઓછી ઊંઘ લેવાનો અર્થ એ છે કે, તેની નકારાત્મક અસરોને આમંત્રણ આપવું.

તેનાથી એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે, વજન વધી શકે છે, બેચેની થઈ શકે છે. હૃદયરોગ થઈ શકે છે અને હાઈ બ્લડપ્રેશરનું જોખમ પણ વધી શકે છે.

જો વહેલા ઊઠવા માટે તમારે અધૂરી ઊંઘ લેવી પડે છે તો એવું ન કરો.

સલાસ પાસે એવા ઘણા દર્દીઓ આવે છે, જેમણે યુવાનીના દિવસોમાં ઓછી ઊંઘ લીધી હોય. જ્યારે તેઓ મોટા થયા, જીવનશૈલી બદલાઈ અને તેમનાં બાળકો થયાં, ત્યારે તેમની સમસ્યાઓ શરૂ થઈ ગઈ.

ઇંગ્લૅન્ડના લ્યૂટનમાં આવેલી બેડફોર્ડશાયર યૂનિવર્સિટીના પ્રોફેસર ગેલ કિનમૅનનું કહેવું છે કે, “જો તમે સવારે વહેલા ઊઠો છો, તો તમારે કામ પણ વહેલા પૂરું કરવું પડશે. આ રીતે કોઈ વાસ્તવિક લાભ થઈ રહ્યો નથી.”

કિનમૅનને લાગે છે કે, હાઈ-પ્રોફાઇલ બિઝનેસમૅન કે જેઓ સવારે વહેલા ઊઠી જાય છે, મોડા સુધી ઑફિસમાં રહે છે અથવા રાત્રે પણ ઈમેલ પર ઉપલબ્ધ રહે છે, તેઓ પોતાની જાતને નુકસાન પહોંચાડી રહ્યા છે.

સવારે વહેલા ઊઠવા અંગે કોઈ સીઈઓનું બડાશ હાંકવાનું ઘણું ખરાબ હોઈ શકે છે.

ન્યૂયૉર્ક ટાઇમ્સે “Performative Workaholism” નામનો શબ્દ પ્રયોજ્યો છે.

આ તેમના માટે છે જે વહેલા ઊઠવા અને મોડા સુધી કામ કરવા અંગે બડાઈ મારતા હોય છે. હકીકતમાં આ સારું ઉદાહરણ નથી.

કિનમૅન કહે છે કે, “સીઈઓ કર્મચારીઓ માટે રોલ મૉડલ છે. તેમના આ પ્રકારના વ્યવહારને ઇચ્છનીય રીતે જોવું એ બેજવાબદારીભર્યું છે.”

તમારે શું કરવું જોઈએ?

નિષ્ણાતોનું કહેવું છે કે, તેનો ઉપયોગ કરો, કોઈના કહેવા પર ન જાઓ.

તમારા માટે શ્રેષ્ઠ શું છે, તે શોધો. કદાચ વહેલા ઊઠવું તમારા માટે સારું ન પણ હોય.

ક્યારે તમે થાક અનુભવો છો અને ક્યારે તાજગી અનુભવો છો, તેના પર ધ્યાન આપો.

રજા હોય ત્યારે જુઓ કે ક્યારે તમને ઊંઘ આવે છે અને ક્યારે તમારી ઊંઘ ઊડી જાય છે. તમારી દિનચર્યાને એ પ્રકારે જ ઢાળવાના પ્રયાસ કરો.

આવી રીતે તમે તમારી કુદરતી ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકશો.

જ્યારે ઑફિસ અથવા ટીમની વાત આવે છે, ત્યારે નિષ્ણાતો સૂચવે છે કે, દરેકની આદતોને જોઈને-સમજીને તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સામે લાવવા માટે ગોઠવણ કરવી જોઈએ.

ન્યૂયૉર્ક યૂનિવર્સિટીના મૅનેજમૅન્ટ કૉમ્યુનિકેશન પ્રોગ્રામનાં નિદેશક સુસૅન સ્ટેલિક સૂચવે છે કે, ઑફિસો અને ટીમોને “Appreciative Inquiry” ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ.

આમાં કોઈ પ્રોજેક્ટની શરૂઆતમાં જ તમામ વ્યક્તિઓ બેસીને તેમની વ્યક્તિગત જરૂરિયાતો, દિનચર્યા અને પસંદગીઓ પર ચર્ચા કરે છે, જેથી તેમને ટીમમાં યોગ્ય અનુકુળતા સાથે સમાવી શકાય.

ઉદાહરણ તરીકે, જો કોઈને નાનું બાળક હોય અને તેઓએ સવારે પાંચ વાગ્યે ઊઠીને બાળકને ડે-કેરમાં લઈ જવાનું હોય છે, તો તેઓ મોડા સુધી રોકાઈ શકતા નથી. તેઓને ટીમમાં એડજસ્ટ કરવા જોઈએ.

જો ટીમલીડર સમજુ હોય તો જે વ્યક્તિ સવારે વહેલા કામ શરૂ કરે છે, તેઓને બપોરે વહેલા ઘરે મોકલી શકાય છે.

આ પ્રકારે કામ કરતા લોકોને પણ વહેલા ઊઠવાનો ફાયદો પણ થશે અને તેઓ થાકથી પણ બચી શકશે.

તમારી જાતને ઓળખો

જેમના માટે સવારે ઊઠવું ફાયદાકારક હોય, તેઓ વહેલા ઊઠે તો યોગ્ય છે, પરંતુ ઉત્પાદકતા વધવાના ભ્રમ હેઠળ સવારે દરેકને મનસ્વી રીતે જગાડવું તે ફાયદાકારક નથી.

તમારે તમારી ઊંઘની આદતોને ઓળખવાની જરૂર છે. તમે ઓળખો કે દિવસમાં (અથવા રાત્રે) કયા સમયે તમારી ઊર્જાનું સ્તર સૌથી શ્રેષ્ઠ હોય છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, પૂરતી ઊંઘ લો, અધૂરી ઊંઘ ના લો.

સૂર્યોદય પહેલાં જ તમારી જાતને ઉઠાડી દો, કારણ કે તમારા આદર્શ બિઝનેસ લીડરો જે કરે છે તે દિવસની શરૂઆત કરવાની સૌથી સ્માર્ટ રીત નથી.

કિનમૅન કહે છે કે, “જ્યાં સુધી તમે યોગ્ય રીતે સવારે ઊઠનારી વ્યક્તિ ન હો, ત્યાં સુધી આવું ક્યારેય ન કરવું.”