જડબાનો દુખાવો હાર્ટ ઍટેકનો સંકેત હોઈ શકેે? કેવી રીતે ઓળખશો?

સમગ્ર વિશ્વમાં સમય પહેલાં થતાં મૃત્યુના ત્રીજા ભાગના કિસ્સામાં મૃત્યુનું કારણ હૃદયસંબંધી તકલીફો હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે 70 વર્ષ કરતાં ઓછી ઉંમરે જે મૃત્યુ થાય છે તેમાં આવું જોવા મળ્યું છે.

હવે હૃદયસંબંધી મુશ્કેલીઓને કારણે મૃત્યુના કિસ્સા માત્ર મોટી ઉંમરના લોકો સાથે બનતા હોય તેવું પણ નથી. કારણ કે ઘણા એવા પણ કિસ્સા જોવા મળે છે જેમાં નાની ઉંમરે થયેલ હૃદયસંબંધી મુશ્કેલીને કારણે યુવાન વયે લોકોનાં આકસ્મિક મૃત્યુ થઈ જાય છે.

ઘણા ડૉક્ટરો અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતો તેનાથી બચાવ માટે ઉપાયો અને તેનાં લક્ષણોની જલદી ઓળખ માટેના ઉપાય પણ સૂચવે છે.

પરંતુ શું આપ જાણો છો કે દાંત કે જડબાનો દુખાવો પણ હૃદયસંબંધી મુશ્કેલીનું એક લક્ષણ હોઈ શકે છે?

સામાન્યપણે જડબામાં દુખાવો થતાં મોટા ભાગના લોકો ડેન્ટિસ્ટ પાસે જશે, પરંતુ કદાચ જ કોઈના મનમાં આને હૃદયરોગનો સંકેત માની હૃદયરોગના નિષ્ણાત પાસે જવાનો વિચાર આવ્યો હશે.

આ અહેવાલમાં વાત કરીશું હૃદયરોગ અને જડબાના દુખાવાના આંતરસંબંધ વિશે અને જાણીશું ક્યારે જડબાના દુખાવાને હૃદયરોગના એક સંકેત તરીકે જોવો જોઈએ?

એ પહેલાં વાત કરીએ હૃદયરોગના અન્ય સામાન્ય સંકેતોની.

શું હૃદયરોગનાં સામાન્ય લક્ષણો?

વિશ્વ આરોગ્ય સંસ્થ અનુસાર હાર્ટ ઍટેકના સંકેતોમાં છાતીની મધ્યમાં દુખાવો કે બેચેની, હાથમાં દુખાવો કે બેચેની, ડાબા ખભા, કોણી, જડબા કે કમરનો દુખાવો સામેલ છે.

આ સિવાય દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, ઊલટી, બેહોશી, ઠંડી સાથે પરસેવો વળવો, ત્વચા આછી પડી જવી વગરે જેવી તકલીફો થાય છે.

આ સિવાય સ્ટ્રોકનાં વહેલાં લક્ષણોમાં ચહેરા, હાથ અને પગમાં અચાનક અશક્તિ સામેલ છે. મોટા ભાગે તે શરીરના એક જ ભાગે અનુભવાય છે.

આ સિવાય ચહેરા, હાથ કે પગમાં નિષ્ક્રિયતા, મૂંઝવણ, બોલવા-સમજવામાં તકલીફ, બંને આંખે જોવામાં તકલીફ, ચાલવા-સંતુલન જાળવવામાં મુશ્કેલી, ગંભીર માથાનો દુખાવો વગેરે પણ આ મુશ્કેલીના સંકેતો છે.

હાર્ટ ઍટેક અને કાર્ડિયાક અરેસ્ટ શું છે?

કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટઍટેક વચ્ચેનો ફેર જાણવા માટે બીબીસી ગુજરાતીના દિપલકુમાર શાહે સુરતના સિનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અતુલ અભ્યકંર સાથે વાતચીત કરી હતી.

ડૉ. અતુલે આ વિશે જણાવ્યું કે હાર્ટઍટેક અને કાર્ડિયાક અરેસ્ટ બન્ને જુદી બાબત છે.

તેમણે કહ્યું, "હૃદયરોગમાં હૃદય સાથેની નળીઓ (ધમનીઓ)માં અવરોધ અને રક્તપ્રવાહમાં ખલેલ થવાની સમસ્યા સંકળાયેલી છે."

"આ સમસ્યા હૃદયની કામગીરી અત્યંત ધીમી કે ખૂબ જ ઝડપી બનાવી દે છે, અને એથી કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિ સર્જાય છે."

તેમના જણાવ્યાનુસાર હૃદયને પૂરતું લોહી નહીં પહોંચતાં અને તેની કામગીરીમાં વિક્ષેપ ઊભો થતાં કાર્ડિયાક અરેસ્ટમાં આવી જતાં હૃદય એકાએક કામ કરવાનું બંધ કરી દે છે અને મૃત્યુ થાય છે.

"સરળ શબ્દોમાં કહીએ તો હાર્ટઍટેક હૃદયના 'ઇલેકટ્રિકલ સિસ્ટમ'માં સર્જાતી ખામી છે અને કાર્ડિયાક અરેસ્ટ એ હૃદય તદ્દન કામ કરતું બંધ થઈ જાય તે સ્થિતિ છે."

સામાન્ય દાંતનો દુખાવો છે કે હૃદયસંબંધી સમસ્યા એ કેવી રીતે જાણશો?

અમદાવાદના સિનિયર હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર સુકુમાર મહેતા જડબા કે દાંતના દુખાવા અને હૃદયની સમસ્યા સાથે તેના સંબંધ અંગે વાત કરતાં કહે છે :

“દાંત કે જડબાનો દુખાવો પણ હૃદયરોગનો એક સંકેત હોઈ શકે. હૃદયરોગની સમસ્યાના કારણે થતો દુખાવો એ કોઈ દુખાવો નહીં પરંતુ એક પ્રકારની મૂંઝવણ છે, જે અગાઉ ક્યારેય અનુભવાઈ ન હોય. હૃદયરોગ સાથે સંબંધિત દુખાવો શરીરના ઉપલા ભાગે ગમે ત્યાં થઈ શકે છે તેમાં જડબું પણ સામેલ છે.”

તેઓ આગળ કહે છે કે, “જડબાના દુખાવાને હૃદય સાથે જોડવા માટે સામાન્ય લોકોમાં તેમજ ડૉક્ટરોમાં પણ તે અંગે જાગૃતિ લાવવાની જરૂર છે.”

ડૉ. મહેતા જડબાના સામાન્ય અને હૃદયસંબંધી દુખાવાની ઓળખ કરવા માટેના ઉપાય જણાવતાં કહે છે કે, “સામાન્ય સંજોગોમાં થતો જડબાનો દુખાવો હૃદયરોગના કારણે થતા દુખાવાથી સાવ જુદો હોય છે. તે એવો દુખાવો નથી હોતો જે શરીર પર અન્ય કોઈ ઈજાના કારણે થાય છે. આને માત્ર એવી રીતે વર્ણવી શકાય કે કદાચ આ પ્રકારનો દુખાવો પહેલાં દર્દીને ક્યારેય ન થયો હોય. જો વાંરવાર આવા પ્રકારનો દુખાવો થાય તો બહેતર છે કે ડૉક્ટર પાસે જઈને તે અંગે સલાહ લેવી જોઈએ.”

અમેરિકન સરકારની નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનની વેબસાઇટ પર મુકાયેલ એક અભ્યાસનાં તારણો અનુસાર હૃદયસંબધી સમસ્યાઓ જેમાં છાતીમાં દુખાવો નથી થાય તેમાં નિદાન અને સારવાર મેળવવામાં મોડું થવાની શક્યતા વધી જાય છે.

આ પરિસ્થિતિ દરમિયાન દસમાંથી ચાર દર્દીઓને ચહેરા અને મોઢાના ભાગે પીડા થઈ હતી. હૃદયસંબંધી સમસ્યાનો સામનો કરનાર દર્દીઓ પૈકી ચાર ટકા દર્દી એવા હતા જેમને માત્ર મોઢે અને ચહેરાના ભાગે દુખાવાનો અનુભવ થયો હતો.