You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ડૉક્ટરે મારાં સ્તન કદરૂપાં કરી નાખ્યાં, મેં તેને સાત સાલની સજા અપાવી'
- લેેખક, ડ્રાફ્ટિંગ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
લૉરેના બેલ્ટ્રને વર્ષ 2014માં પોતાનાં સ્તનનું કદ નાનું કરાવવાની સર્જરી કરાવી હતી. જેમાં ગરબડ થતાં તેમનાં સ્તન આકાર અને દેખાવમાં કુરૂપ બની ગયાં. એ સમયે તેમની ઉંમર માત્ર 20 વર્ષ જ હતી.
સર્જરીમાં થયેલા બગાડ માટે એક વર્ષ બાદ કરાયેલ સુધારા માટેની સર્જરી એટલે કે કરેક્ટિવ સર્જરીથી તો સમસ્યા વધુ બગડી.
જ્યારે તેમણે સમસ્યાને લઈને ડૉક્ટર બિલકુલ બેફિકર વલણ સાથે કરાયેલી વાત સાંભળી ત્યારે તેમને ખાતરી થઈ ગઈ કે આ બધું બરોબર નથી.
ડૉક્ટરે કહેલું, "કોઈ વાંધો નહીં, જો નિપ્પલ પડી જાય તો હું જાંઘની ઉપરની બાજુએથી ત્વચા લઈને તેને સ્તનમાં ઇમ્પ્લાન્ટ કરી દઈશ. તેમજ બીજા સ્તનના નિપ્પલ સાથે તે એકરૂપ દેખાય તે હેતુથી ટૅટૂ કરાવી લઈશું."
આ દુખાવા અને અવઢવના મિશ્રણ સાથે તેઓ પત્રકાર તરીકેના પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરતાં રહ્યાં.
સાથે જ તેમણે પોતાના દેશ કોલંબિયામાં આ ડૉક્ટર અંગે તપાસ કરવાનીય શરૂઆત કરી. તેમના પ્રયાસો બાદ તેમને યુનિવર્સિટી ડિગ્રીઓની અનિયમિત માન્યતાના જટિલ કિસ્સા અંગે જાણવા મળ્યું, જેના કોલબિંયામાં ઘણા લોકો ભોગ બન્યા છે.
આ વાતને સાત વર્ષનો સમય વીતી ચૂક્યો છે.
હવે લૉરેના 28 વર્ષનાં થઈ ચૂક્યાં છે, અને આટલાં વર્ષો બાદ તેમની ન્યાયની શોધમાં તેમને સફળતા મળ્યાના સમાચાર આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉસ્મેટિક સર્જરી કરવાની માન્ય ડિગ્રી વગર લૉરેનાનું ઑપરેશન કરનાર ડૉક્ટર ફ્રાન્સિસ્કો સેલ્સ પુસિની અને તેમના છ સાથીદારોને સાત વર્ષની જેલની સજા કરાઈ છે. સાથે તેમને 200 કોલંબિયનોને ન્યૂનતમ વેતન ચૂકવવાનોય આદેશ અપાયો છે.
દોષિતોના વકીલ જેઈમી ગ્રેન્ડોસે સ્થાનિક સમાચાર સંસ્થાઓને જણાવ્યું હતું કે તેઓ આ નિર્ણય સામે અપીલ કરશે.
લૉરેનાના કેસની વિગતો જાણવા માટે બીબીસી મુંડોએ તેમની સાથે વાત કરી હતી.
એક સર્જરી સફળ થતાં સ્તનની સર્જરી કરાવવાનો આવ્યો વિચાર
યુનિવર્સિટીના એક મિત્રની સલાહ બાદ લૉરેના ડૉ. ફ્રાન્સિસકો પાસે પહોંચ્યાં હતાં.
ડૉક્ટરની ઑફિસ બોગોટાના એક પ્રસિદ્ધ વિસ્તારમાં હતી. જ્યાં લૉરેનાને ખબર પડેલી કે ડૉક્ટર પાસે પ્લાસ્ટિક સર્જરીમાં ડિપ્લોમા હતો.
મુલાકાત બાદ ડૉક્ટર પર તેમને વિશ્વાસ બેસી જતાં તેમણે શરીરનાં અંગોમાંથી વધારાની ચરબી કઢાવવાનું ઑપરેશન કરાવવાનું ઠરાવ્યું.
આ પ્રક્રિયામાં બધું બરોબર રહ્યું, જેના કારણે તેઓ પોતાનાં સ્તનનું કદ અને આકાર સુધારવા માટેની સર્જરી કરાવવાનું વિચારવા લાગ્યાં.
તેઓ કહે છે કે, "મારું કદ વિકરાળ છે, મારાં સ્તન અને નિતંબની સાઇઝેય વધુ છે. અને જ્યારે પ્રક્રિયા બાદ મારા પેટની ચરબી ઓછી થઈ ત્યારે મારાં સ્તને જાણે આધાર જ ગુમાવી દીધો."
આને કારણે તેમની કમરમાં દુખાવોની સમસ્યા થઈ જેનો તેમણે અમુક સમય સુધી સામનો કરવો પડ્યો.
ડૉ. ફ્રાન્સિસે લોરેનાને સ્તનનું કદ નાનું કરવાની સાથે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની સલાહ આપી. લૉરેનાને ડૉક્ટરે કહેલું કે આ ઇમ્પ્લાન્ટ એ કાયમી હશે, જેથી તેને ક્યારેય બદલવા નહીં પડે.
"એ સમયે મેં એના પર વિશ્વાસ કરી લીધો, કારણ કે મને લાગ્યું કે એ આ બધી બાબતોમાં એક ઑથૉરિટી છે. આપણે બધા ડૉક્ટરને બધું ખબર હોવાનું સમજીને આવું માનવા લાગીએ છીએ."
"પરંતુ હવે જ્યારે મેં એ દિશામાં જાતે તપાસ કરી તો મને ખબર છે કોઈ પણ ઇમ્પ્લાન્ટ આજીવન નથી ટકતો."
બ્રેસ્ટ સર્જનનું સત્ય આવ્યું સામે
આ સર્જરી બાદ તેમની જીવનમાં સમસ્યાઓની શરૂઆત થઈ.
લૉરેનાનાં સ્તન સાવ કુરૂપ બની ચૂક્યાં હતાં. તેમને સર્જરીને કારણે થયેલ જખમોને કારણે સમસ્યાનો અનુભવ કરવો પડતો હતો. તેમનું એક નિપ્પલ તો સ્તનથી છૂટું પડવાનું હતું.
આ સર્જરીના એક વર્ષ પછી લૉરેનાની સ્થિતિમાં સુધારો થયો પરંતુ આ પ્રક્રિયાને કારણે તેમનાં સ્તન કુરૂપ બની ચૂક્યાં હતાં.
ડૉ. ફ્રાન્સિસે જખમનાં નિશાન માટે ફરી એક વાર સર્જરીની ભલામણ કરી, જેના કારણે તેમણે ત્રીજી વખત સર્જરી કરાવવી પડી, જે આનાં કરતાંય ભયાનક પરિણામો લાવવાની હતી.
બસ આ જ એ સમય હતો જ્યારે લૉરેનાએ વધુ એક સ્પેશિયાલિસ્ટનો સંપર્ક સાધવાનો નિર્ણય કર્યો.
તેમણે આ વિશે વાત કરતાં કહ્યું, "મેં બે માન્ય સર્જન્સને ફોન કર્યા અને તેમણે તેમને કહ્યું કે તેઓ આ પ્રકારની કૉસ્મેટિક સર્જરી નથી કરતાં પરંતુ તેમણે આ માટે ડૉ. હ્યુગો કૉર્ટેસને મળવાની સલાહ આપી."
લૉરેના ડૉ. કૉર્ટેસને મળવા અને તેમને પોતાની તકલીફ જણાવવામાં સફળ રહ્યાં, અને તેમને એ જાણીને ખૂબ આંચકો લાગ્યો કે તેઓ ડૉ. ફ્રાન્સિસને ઓળખતા હતા.
ડૉ. કૉર્ટેસે લૉરેનાને કહેલી વાત તેઓ કંઈક આ રીત જણાવે છે –
એક ગાયનેકૉલૉજિસ્ટે તમારી સર્જરી કેમ કરી?
લૉરેનાએ આ વાતચીત અંગે જણાવ્યું, "મેં કહ્યું કે તેઓ એક પ્લાસ્ટિક સર્જન પણ ખરાં ને, તેઓ આ બંને ક્ષેત્રોના નિષ્ણાત હતા, અને એક પત્રકાર તરીકે મેં આ વાતની ખાતરીય કરેલી."
પરંતુ તેમની આ વાતના જવાબમાં ડૉ. કૉર્ટેસે કંઈક એવી વાત જણાવી કે જે જાણીને લૉરેના હચમચી ગયાં.
તેમણે કહ્યું, "એ બરાબર પણ એ એક પ્લાસ્ટિક સર્જન નથી... અને તમે એક પત્રકાર છો, તેથી આના પર વધુ તપાસ કરો."
બ્રેસ્ટ સર્જનની ડિગ્રીની તપાસમાં ઉજાગર થયાં ઘણાં રહસ્યો
ડૉ. ફ્રાન્સિસની ડિગ્રીની વિગતો અનુસાર એ બ્રાઝિલના રિયો ડિ જાનેરિયોની વેઇગા ડે અલમેડા યુનિવર્સિટીની હતી. તેમજ વર્ષ 2014માં કોલંબિયાના શિક્ષણ મંત્રાલય દ્વારા તેને માન્યતા મળી હતી.
લૉરેનાએ આ બાબતની તપાસ માટે પોતાના એક મિત્રની મદદ લીધી.
તેમના મિત્રે લૉરેનાને જણાવ્યું કે, "મારો મિત્ર ત્યાં ગયો અને તેની તપાસમાં ખબર પડી કે આ યુનિવર્સિટીમાં મેડિકલ સ્કૂલ જ નથી."
આ પ્રથમ પુરાવા સાથે તેઓ એક પછી એક વિગતો ભેગી કરવામાં લાગી ગયાં.
તેઓ કહે છે કે, "આ બાબત ખૂબ ગંભીર બની ગઈ હતી, કારણ કે એક એવી કૉલેજ જ્યાં મેડિકલ સ્કૂલ જ ન હોય ત્યાંથી કોઈ કેવી રીતે પ્લાસ્ટિક સર્જરીની કુશળતા હાંસલ કરી લે?"
લૉરેનાનાં સહકર્મી અને કોલંબિયન પત્રકાર જોહાનાએ અહીંંથી તપાસની ધુરા સંભાળી અને કેસમાં ઘણી મહત્ત્વની વિગતો એકઠી કરી.
લૉરેના કહે છે કે, "તેણે કોલંબિયાના શિક્ષણ મંત્રાલય પાસેથી આ અંગે આધિકારિક જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો અને તેમને પૂછ્યું કે અન્ય કેટલા ડૉક્ટરોએ આ જ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવ્યાનો દાવો કર્યો છે."
વર્ષ 2016માં નોટિસિયાસ ઉનો મીડિયાએ મંત્રાલયનો આધિકારિક જવાબ પ્રકાશિત કર્યો, જેમાં કહેવાયું હતું કે, "ઓછામાં ઓછા 34 ડૉક્ટરોએ આ યુનિવર્સિટી પાસેથી ડિપ્લોમા મેળવ્યાનું જણાવ્યું હતું."
અને જ્યારે બ્રાઝિલિયન યુનિવર્સિટીનો આ મામલે સંપર્ક કરાયો તો તેના ડાયરેક્ટરોને ખબર પડી કે "સેન્ટર પાસે મેડિસિન ફેકલ્ટી જ નથી. " અને જે કોર્સ "ની લાયકાત ડૉક્ટરોએ પોતાની પાસે હોવાનો દાવો કરેલો તેવો એ તેના અભ્યાસક્રમમાં જ નહોતો."
આ સિવાય પત્રકારોની તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. આ યુનિવર્સિટીમાંથી મેળવાયેલ લાયકાતના ઘણા કિસ્સામાં માત્ર 12 દિવસમાં માન્યતા આપી દેવાઈ હતી. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં મહિના લાગી જાય છે.
લૉરેના કહે છે કે, "મંત્રાલયે આ બાબતે કહ્યું કે આ બધું એક જેવા સમાન કિસ્સાને કારણે થયું. એટલે કે જ્યારે આવા એક કેસમાં યુનિવર્સિટી પાસેથી યોગ્ય તપાસ બાદ માન્યતા આપી દેવાય ત્યારે તેના આધારે અન્ય કિસ્સામાંય માન્યતા આપી દેવાય છે."
બ્રેસ્ટ સર્જનની કરતૂતોની જાહેર ફરિયાદ
લોરેનાએ પોતાની સાથે બનેલ બીના જાહેર જનતાને જણાવવાનું ઠરાવ્યું. જોકે, તેઓ પોતાની ઓળખ છતી કરવા બાબતે અવઢવમાં હતાં.
“પરંતુ મેં અંતે મારી ઓળખ સાથે લોકો સમક્ષ જવાનું ઠરાવ્યું કારણ કે સર્જનને એ ખબર પડી જ ગઈ હોત કે મેં જ આ ફરિયાદ કરી છે, અને આ કિસ્સો જાહેર કરવાથી મને જાહેર રક્ષણ પણ મળી શકે એમ હતું.”
લોરેનાએ નૅશનલ મીડિયા સામે પોતાની આપવીતી જણાવી. ફરિયાદ સાથે તેમણે આ માટે ડિજિટલ કૅમ્પેનેય ચલાવ્યું, જેને તેમણે # CirugíaSeguraYA નામ આપ્યું.
તેઓ કહે છે કે, “ટ્વિટર પર મારા પહેલાંથી ઘણા ફોલોઅર હતા.”
તેમણે કંઈક આવી રીતે પોતાનું આ અભિયાન આગળ વધાર્યું.
“એક પત્રકાર હોવાને કારણે હું એક વિશેષાધિકાર ધરાવનાર દર્દી હતી. મારી પાસે માહિતીને સુવ્યવસ્થિત ગોઠવવા અને વિશાળ સંદર્ભોને એક સાથે રજૂ કરવા માટેનાં સાધનો હતાં.”
“સાથે જ એક રાજકીય બાબતો કવર કરનાર પત્રકાર હોવાને કારણે મારા સંપર્કો સારા હતા, હું એ સમયના સ્વાસ્થ્યમંત્રીને ઓળખતી હતી.”
“કારણ કે હું આટલા વિશેષાધિકાર ભોગવી રહી હતી તેથી મારે અન્ય સ્ત્રીઓ માટેય કંઈક કરવાની જરૂર હતી. મારે સામે આવવાનું અને અવાજ ઉઠાવવાનો જ હતો. મેં આ નિર્ણયની વ્યક્તિગત અસરો વિશે ન વિચાર્યું. પરંતુ મને આ નિર્ણયનો કોઈ દુ:ખ નથી.”
પોતાની કહાણી જણાવ્યા બાદ પોતાના શરીર પર આ સર્જરીને કારણે રહી ગયેલા જખમોને જાહેરમાં બતાવવાનો પડકાર તેમની સામે હતો. લોરેનાએ આ માટે એક કોલંબિયન ન્યૂઝપેપર એલ એસ્પેક્ટેડર સાથે મળીને પોતાના ફોટોગ્રાફ છપાવ્યા.
“હું પ્રથમ પાને પહોંચી ગઈ. પરંતુ હું એકલી નહોતી. મારી સાથે પોતાનાં શરીર પર રહેલા જખમનાં નિશાન બતાવનાર અન્ય સાત મહિલાઓ હતી, પરંતુ ખાલી મેં જ છાતીને ઢાંક્યા વગરના ફોટો પડાવ્યા હતા.”
કાયદાકીય લડાઈ
કોલંબિયન મીડિયાની તપાસ અને લૉરેના સહિત અન્ય પીડિત મહિલાઓની ફરિયાદને કારણે પ્રૉસિક્યૂટરની ઑફિસને શંકાસ્પદ માન્યતા સાથેના 42 ડૉક્ટરોની ફાઇલો મળી ગઈ.
આ તમામ સામે જૂથ પાડીને કેસ કરાયા. પ્રથમ છના જૂથમાં ડૉ. ફ્રાન્સિસ અને તેમના ભાઈ કાર્લોસ ઇલિયાસ સામેલ હતા.
ઑક્ટોબર 2017માં કાયદાકીય પ્રક્રિયાની શરૂઆત થઈ, અને ઘટનાના લગભગ છ વર્ષ બાદ એટલે કે ફેબ્રુઆરી 2023માં આ કેસમાં પ્રથમ ચુકાદો આવ્યો.
જજે કહેલું કે આ બધા ડૉક્ટરોને નિર્દોષ ઠરાવી છોડી મુકાયા છે. પરંતુ સ્પષ્ટતા કરતાં તેમણે કહેલું કે જો તેમને વધારાના દસ્તાવેજો, જે પૉર્ટુગીઝમાં હતા, તેનો સમયસર સ્પેનિશ અનુવાદ મળી ગયો હોત તો તેમણે આ છ ડૉક્ટરોને દોષિત ઠેરવવામાં ખચકાટ ન અનુભવ્યો હોત.
ટૂંકમાં તેમણે કહ્યું કે એક આધિકારિક ટેકનિકલ ભૂલને કારણે તેમને છોડી મુકાયા હતા.
આ સમાચાર અંગે પોતાનો અનુભવ જાહેર કરતાં લોરેના કહે છે કે, "એ દિવસે હું રડી પડી. માત્ર દસ્તાવેજો સમયસર ન મળવાને કારણે તેમને આવી તીવ્રતાવાળા ગુનામાંથી મુક્ત કઈ રીતે કરી શકાય."
પરંતુ અપેક્ષા મુજબ પ્રૉસિક્યૂટરની ઑફિસે આ નિર્ણય સામે અપીલ કરી.
સાથે જ શિક્ષણમંત્રાલયે પણ આવું જ કર્યું, જેથી કેસની બીજી ટ્રાયલ શરૂ થઈ. અને સપ્ટેમ્બર, 2023માં એ લોકોને સાત વર્ષની સજા કરાઈ.
લોરેનાએ કહ્યું, "એ બધાને પ્રક્રિયાસંબંધી છેતરપિંડી અને ખાનગી દસ્તાવેજ સાથે ચેડાંના ગુનામાં દોષિત ઠેરવાયા હતા. 4 ઑક્ટોબરના રોજ આ નિર્ણય જાહેર કરાયો હતો.”
પરંતુ હજુ તેમની પાસે એક તક છે.
લોરેના એ વિશે કહે છે કે, “તેમની પાસે સ્પેશિયલ અપીલ નામક હક છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ ઑફ જસ્ટિસ અંતિમ નિર્ણય આપશે.”
તેમાં કેટલો સમય લાગશે એ વિશે હજુ કંઈ ખબર નથી. પરંતુ લોરેનાને આશા છે કે કોર્ટ આ સજાને માન્ય રાખશે અને ડૉક્ટરો પોતાની સજા સ્વીકારશે.
પરંતુ સુધારાત્મક પગલાંનું શું?
વર્ષ 2017માં લૉરેનાએ ડૉ. ફ્રાન્સિસ વિરુદ્ધ દીવાની કાર્યવાહી કરી, જેમાં બીજા પ્રયાસમાં તેમની જીત થઈ.
તેઓ કહે છે કે, "જજે તેને મને અને મારા પરિવારને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. પરંતુ આદેશ મુજબ 86 મિલિયન કોલંબિયન પેસો એટલે કે લગભગ 20 હજાર અમેરિકન ડૉલર પૈકી વળતર સ્વરૂપે એકેય પૈસો મળ્યો નથી."
લૉરેના માટે આ બધું ખૂબ જ મુશ્કેલ અને દર્દનાક રહ્યું છે.
તેઓ પોતાનું દુ:ખ જણાવતાં કહે છે કે, "એક સુનાવણી દરમિયાન ડૉ. ફ્રાન્સિસને જોયા બાદ મેં આપઘાતનો પ્રયાસ કરેલો."
"હવે મને એ વિશે વાત કરવામાં કોઈ શરમ આવતી નથી, પરંતુ જે-તે સમયે એ મારા માટે ખૂબ જ શરમિંદગીભર્યું હતું."
આ મામલામાં શારીરિક અને માનસિક તકલીફોને કારણે લૉરેના ડિપ્રેશન, ચિંતા અને આપઘાતના વિચારોથી ગ્રસ્ત બની ગયાં હતાં. અને પાછલાં સાત વર્ષથી તેઓ તેનો સામનો કરી રહ્યાં છે.
તેઓ પોતાની આ તકલીફો વિશે વાત કરતાં કહે છે કે, "આ આપત્તિના સમયે મારા મનોચિકિત્સકે મારી ઘણી મદદ કરી. મારે બે વર્ષ સુધી દવા લેવી પડી. જોકે, હું હવે દવા લેતી નથી. "
આવી મુશ્કેલ પરિસ્થિતિની સાથોસાથ તેમને ઘણી વખત ધમકીઓનો પણ સામનો કરવો પડેલો.
"ડૉ. ફ્રાન્સિસના વકીલ એ ખૂબ જાણીતા છે અને વર્ષ 2016થી તેઓ મારી સામે કાયદાકીય પગલાં લેવાની ધમકી આપતા રહ્યા છે."
તેથી દોષસિદ્ધિ બાદ લૉરેનાને લાગે છે કે ન્યાય મળવાની જાણે શરૂઆત થઈ ચૂકી છે.
તેઓ કહે છે કે, "આ ખૂબ જ અકળાવનારી પ્રક્રિયા રહી છે, કારણ કે આમાં આટલાં વર્ષોનો સમય લાગી ગયો. ફરીને ફરી આ જ વાત સાથે જીવન જીવવું એ ખૂબ જ જટિલ સમસ્યા હતી."
"એવું નથી કે છ લોકોને જેલની સજા થઈ એના કારણે હું ખુશ છું, હું ત્યારે જ ખુશ થઈશ જ્યારે આવું ફરી ક્યારેય નહીં બને."
"હું મને દર્દ આપનારા એ સર્જનને જેલના સળિયા પાછળ જોવાય નહીં જાઉં. મારી ઇચ્છા તો બસ એટલી છે કે એ ફરી ક્યારેય સર્જરી ન કરી શકે."