બે દેશો વચ્ચે ઊભી થયેલી ગેરસમજ જેને લીધે આખું વિશ્વ પરમાણુ યુદ્ધની અણીએ પહોંચી ગયું

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિને 'પકડવાની કાર્યવાહી' થકી અને બાદમાં ગ્રીનલૅન્ડને અમેરિકામાં 'સામેલ કરી લેવાનાં' નિવેદનો વારંવાર આપીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું.

જાણકારો મુજબ આ ઘટનાક્રમને કારણે વિશ્વમાં ફરી એક વાર 'તણાવ વધ્યો' છે.

1989ની સાલમાં બર્લિનની દીવાલના પતન બાદ એવું માનવામાં આવતું હતું કે વિશ્વ ઉપરથી શીત યુદ્ધનું જોખમ ટળી ગયું છે.

જોકે, વર્ષો પહેલાં નૉર્વે દ્વારા લૉન્ચ કરવામાં આવેલા એક રૉકેટને કારણે ગેરસમજની શૃંખલા ઊભી થઈ અને ગણતરીની મિનિટોમાં સમગ્ર વિશ્વ ઉપર અણુ યુદ્ધનો ખતરો ઊભો થયો હતો.

કેવી રીતે ગેરસમજની શરૂઆત થઈ અને તે મોસ્કો સુધી કેવી રીતે પહોંચી ગઈ, અને કઈ રીતે ગણતરીની મિનિટોમાં વૈશ્વિક અરાજકતા ઊભી થઈ?

ત્યારે વાંચો 31 વર્ષ પહેલાં ગણતરીની મિનિટોમાં એક એવો દીલધડક ઘટનાક્રમ સર્જાયો કે રશિયાના રાષ્ટ્રપતિએ પહેલી વાર 'ન્યૂક્લિયર બ્રીફકેસ'ને ઍક્ટિવેટ કરી.

ગેરસમજની શરૂઆત

તા. 25 જાન્યુઆરી 1995ના શિયાળાનો ઠંડો દિવસ હતો. બપોરના સમયે ઉત્તર રશિયાનાં રડાર સ્ટેશનો ઉપર મિલિટરી ટૅક્નિશિયનોએ તેમના રડારની સ્ક્રીન ઉપર કંઈક અસામાન્ય 'ટપકું' ઝબકતું દેખાયું.

નૉર્વેના દરિયાકિનારેથી રૉકેટ છોડવામાં આવ્યું હતું અને તે ખૂબ જ ઝડપભેર ઊંચાઈ હાંસલ કરી રહ્યું હતું.

જે લોકો ડ્યૂટી ઉપર હતા, તેમને ખબર હતી કે આકાશમાં જે કંઈ બની રહ્યું છે, તેના ખૂબ જ ભયાવહ પરિણામ હોઈ શકે છે. દરિયામાંથી અમેરિકાની સબમરીને છોડેલી એક મિસાઇલમાંથી છૂટેલા અણુ બૉમ્બ 15 મિનિટમાં મૉસ્કો ઉપર ત્રાટકી શકે છે.

આ સંદેશ તરત જ રશિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ બૉરિસ યેલ્તસીન સુધી પહોંચાડવામાં આવ્યો. આ ઘટનાક્રમને પરિણામે તેઓ 'ન્યૂક્લિયર બ્રીફકેસ'ને ઍક્ટિવેટ કરનાર વિશ્વના પ્રથમ નેતા બન્યા.

આ બ્રીફકેસમાં અણુ બૉમ્બ છોડવા માટેના આદેશ કેવી રીતે આપવા તેની માહિતી અને ટૅક્નૉલૉજી હોય છે.

બીજા વિશ્વયુદ્ધ પછી શીત યુદ્ધના સમયમાં અણુ હથિયારોનો ઉપયોગ ડરાવવા માટે થઈ રહ્યો હતો.

તેની પાછળનો વિચાર એવો હતો કે જો યુદ્ધ દરમિયાન કોઈ એક દેશ સામેના રાષ્ટ્ર ઉપર અણુ હથિયાર છોડે તો પરસ્પરનો સંહાર નિશ્ચિત હતો.

રશિયાની આશંકા અકારણ ન હતી. થોડાં વર્ષ પહેલાં તેને આવો એક અનુભવ થયો હતો.

ટાબરિયાએ તરખાટ મચાવ્યો

રશિયા વર્ષ 1987થી પોતાની ઍર ડિફેન્સ ક્ષમતા અંગે સતર્ક થઈ ગયું હતું.

એ સમયે ખરેખર બન્યું એવું કે, પશ્ચિમ જર્મનીનો (જે મિત્ર રાષ્ટ્રના કબજા હેઠળ હતું) એક ટીનએજર મેથિયાસ રસ્ટે પોતાના સિંગલ ઇંજિન પ્લેનમાં લગભગ 750 કિલોમીટરની ઉડાણ ભરી હતી અને રશિયાની તમામ સંરક્ષણ પંક્તિઓને પાર કરીને તેઓ ક્રેમલિનના દરવાજા સુધી પહોંચી ગયા હતા.

1995માં હવે, યેલત્સીન તથા તેમના સલાહકારોએ વળતો પરમાણુ હુમલો કરવો કે નહીં, તેના વિશે નિર્ણય લેવાનો હતો.

એવામાં રશિયાની સમાચાર એજન્સી ઇન્ટરફૅક્સે અહેવાલ આપ્યા કે રશિયા તરફ આવી રહેલી મિસાઇલને તોડી પાડવામાં આવી છે.

વર્લ્ડ કરન્સી માર્કેટમાં ઊથલપાથલ મચી ગઈ. બીજી બાજુ, રાજનેતાઓ, સૈન્ય અધિકારીઓ અને પત્રકારોએ માહિતી મેળવવા માટે દોડધામ કરી મૂકી.

કેવી રીતે ભૂલ થઈ અને અંધાધૂંધી ફેલાઈ

શીત યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું, પરંતુ રશિયાના અધિકારીઓ પરમાણુ હુમલા અંગે સતર્ક હતા.

નૉર્વેના વિજ્ઞાની કૉલ્બજૉર્ન ઍડલ્ફસન મિટિંગમાં હતા કે તેમની ઉપર ફોન આવવા લાગ્યા. તેમના કહેવા પ્રમાણે, "એ અમારું રૂટિન પરીક્ષણ હતું, પરંતુ તેની ઉપર વિશ્વનું જે રીતે ધ્યાન ગયું હતું, તેને જોઈને હું ભયભીત થઈ ગયો હતો."

આ થોડી અસામાન્ય બાબત હતી, કારણ કે થોડાં અઠવાડિયાં પહેલાં જ નૉર્વે દ્વારા પ્રસ્તાવિત લૉન્ચ, તેની તારીખ અને સમય વિશે રશિયાને જાણ કરવામાં આવી હતી.

ઍડોલ્ફસેનનું માનવું હતું કે ઉત્તર ધ્રુવના પ્રકાશનો અભ્યાસ કરવા માટે જે રૉકેટ છોડવામાં આવ્યુ હતું, તે બૅલેસ્ટિક મિસાઇલ જેટલી ઊંચાઈ અને પથ ઉપર (908 માઇલ) પહોંચ્યું હતું એટલે રશિયનોને ગેરસમજ થઈ હોઈ શકે છે.

ઍડોલ્ફસેનના કહેવા પ્રમાણે, "તા. 14 ડિસેમ્બરના (1994) રોજ વિદેશ મંત્રાલય દ્વારા તમામ સંબંધિત રાષ્ટ્રોને લૉન્ચ વિશે માહિતી આપતો સંદેશો મોકલવામાં આવ્યો હતો."

છતાં કોઈ અકળ કારણોસર આના વિશેની માહિતી સંબંધિત લોકો સુધી પહોંચી ન હતી.

ન્યૂક્લિયર બ્રીફકેસ ઍક્ટિવેટ થઈ હતી?

ન્યૂક્લિયર બ્રીફકેસને ઍક્ટિવ કરવામાં આવી હોવાના અહેવાલને કેટલાક રશિયનોએ જ નકારી કાઢ્યા. તેમનું કહેવું હતું કે ચેચન યુદ્ધ તરફથી લોકોનું ધ્યાન ખસેડવા તથા પોતાની બહાદૂરી દેખાડવા માટે યેલત્સીને આ વાત કરી હતી.

યેલત્સીને રશિયાની ન્યૂઝ એજન્સી ઇન્ટરફૅક્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "બટનવાળી 'બ્લૅક' બ્રીફકેસ હંમેશાં મારી સાથે રહે છે, ગઈ કાલે પહેલી વખત મેં તેનો ઉપયોગ કર્યો."

"કદાચ કોઈક આપણી કસોટી કરવા માંગતું હતું, કારણ કે મીડિયા હંમેશાં એમ કહે છે કે આપણી સેના નમાલી છે."

પૂર્વ સીઆઇએ અધિકારીએ કહ્યું, "પરમાણુ મિસાઇલના યુગમાં આ એકમાત્ર અને સૌથી ભયાનક ક્ષણ હતી."

સૈન્ય સલાહકાર પીટર પ્રાઇએ લખ્યું, "આ પહેલાં ખરેખર ગંભીર પરિસ્થિતિ ઊભી થવા છતાં વિશ્વની અન્ય કોઈ પણ અણુ સત્તાના નેતાએ 'ન્યુક્લિયર બ્રીફકેસ' કે એવી બીજી કોઈ વ્યવસ્થાને ઍક્ટિવેટ નહોતી કરી."

સંયુક્ત રાષ્ટ્રના અણુ નિઃશસ્ત્રીકરણ સંશોધનકર્તા પાવેલ પોડવિગના કહેવા પ્રમાણે, "જો આ ઘટનાને મારે અંક આપવાના હોય તો હું દસમાંથી ત્રણ આપું, આનાથી પણ વધુ ગંભીર ઘટનાઓ શીત યુદ્ધ સમયે નોંધાઈ હતી."

વર્ષ 1998માં રશિયાના ન્યૂક્લિયર ઍક્સ્પર્ટ વ્લાદિમિર દવોરકિને અમેરિકન અખબાર 'વૉશિંગ્ટન પોસ્ટ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નૉર્વેના પરીક્ષણને કારણે કોઈ જોખમ ઊભું નહોતું થયું અને ન્યૂક્લિયર બ્રીફકેસની વાત એક દિવસ પછી ઉપજાવી કાઢવામાં આવી હોઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય સમય મુજબ, બપોરે બે વાગ્યા અને 52 મિનિટે ઇન્ટરફૅક્સે વધુ એક અહેવાલ આપ્યો. રશિયાની આગોતરી માહિતી આપતી વ્યવસ્થાને જે મિસાઇલ વિશે માહિતી આપી હતી, તે નૉર્વેની ધરતી ઉપર પડી છે.

પછી નૉર્વેના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આ એક 'રૂટિન' વૈજ્ઞાનિક સંશોધન અભિયાન હતું અને તે સિવિલિયન રૉકેટ હતું. તે 'ઓરોરા બૉરએલિસ'નો (ઉત્તર ધ્રુવીય પ્રકાશ) અભ્યાસ કરવાના મિશન ઉપર હતું.

રૉકેટનો કાટમાળ અપેક્ષા મુજબ જ આર્કટિક સાગરમાં સ્પ્લિત્ઝબર્ગન ખાતે પડ્યો હતો, જે રશિયાની હવાઇ સીમાની નજીક હતો

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાના કહેવા પ્રમાણે, નૉર્વેએ બધું નિયમિત પ્રક્રિયા મુજબ જ કર્યું હતું અને તેના પ્રત્યે કોઈ દુર્ભાવના નથી અને ગેરસમજને કારણે ઍલર્ટ આપવામાં આવ્યું હતું. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બનવી જોઈએ, એવી વાત પણ કરી હતી.

આ પ્રકરણ કંપારી છોડાવી દે તેવી વાત યાદ અપાવે છે કે ; અણુ હથિયારોના આ યુગમાં કોઈ એક સંદેશ ચૂકી જવાય તો પણ તેનાં પરિણામો ખૂબ જ ભયાનક હોઈ શકે છે.

બીબીસી ન્યૂઝ ઉપર પ્રકાશિત ગ્રૅગ મૅક્વિટના અહેવાલ પરથી. અંગ્રેજીમાં મૂળ લેખ વાચવા માટે અહીં ક્લિક કરો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન