વડા પ્રધાન મોદીએ જેમનો ઉલ્લેખ કર્યો તે મૅકોલે કોણ હતા, શું તેઓ શિક્ષણ વડે ભારતીયોને ગુલામ બનાવવા ઇચ્છતા હતા?

    • લેેખક, વિનાયક હોગાડે
    • પદ, બીબીસી સંવાદદાતા

"મૅકોલેની શિક્ષણ પદ્ધતિએ ભારતીયોમાં બ્રિટિશ વસાહતી ગુલામીની માનસિકતા ઊંડાણપૂર્વક જડેલી છે અને ગુલામીની એ માનસિકતાનો આગામી દસ વર્ષમાં સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ," એવી હાંકલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

આ હાકલને પગલે કોઈ સમયના બ્રિટિશ અધિકારી મૅકોલે હાલ ચર્ચાનો વિષય બન્યા છે.

મૅકોલે ખરેખર કોણ હતા? તેમણે ભારતીય શિક્ષણ પદ્ધતિમાં ક્યા ફેરફાર કર્યા હતા? વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વિશે આવું નિવેદન શા માટે કર્યું?

કેટલાક લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક તેનો વિરોધ કેમ કરી રહ્યા છે? આ સવાલોના જવાબો મેળવવાનો પ્રયાસ પ્રસ્તુત છે.

વડા પ્રધાન મોદીએ શું કહ્યું હતું?

ઍક્સપ્રેસ જૂથના સ્થાપક રામનાથ ગોએન્કાની સ્મૃતિમાં આયોજિત વ્યાખ્યાનમાળાના છઠ્ઠા પર્વમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

ભારતીય શિક્ષણ વ્યવસ્થાના મૂળમાં રહેલી અને પછીથી સમાજની માનસિકતાનો ભાગ બની ગયેલી બ્રિટિશ વિચારધારા વિશે વડા પ્રધાન મોદીએ ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું હતું, "મૅકોલેએ ભારતીય મનનું બ્રિટિશકરણ કર્યું હતું. તેમણે પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યવસ્થાને સંપૂર્ણપણે નષ્ટ કરી હતી. બ્રિટિશ ભાષા અને વિચાર ભારતમાં દાખલ કર્યાં. પરિણામ એ આવ્યું કે હજારો વર્ષોનાં ભારતીય જ્ઞાન, વિજ્ઞાન, કળા, સંસ્કૃતિ, પરંપરાઓ અને જીવનશૈલી નષ્ટ થતી રહી."

"ભારતીયોએ બ્રિટિશરો કહે તેમ જીવવાનું શરૂ કર્યું. તેથી આપણે આપણું જે હતું તેને વિસરી ગયા. આપણી સંસ્કૃતિ, પરંપરા, શિક્ષણનો મહિમા કરવાને બદલે આપણે તેને તુચ્છ ગણવા લાગ્યા. આપણે આયાતી વિચારો, આયાતી વસ્તુઓ, આયાતી સુવિધાઓ અને આયાતી મૉડેલ્સ પર જીવવા લાગ્યા. આપણે એવું માનતા થઈ ગયા કે અન્ય લોકોની વિભાવનાઓ શ્રેષ્ઠ છે."

"સ્વદેશીને નકારવાનું આ વલણ સ્વાતંત્ર્ય પછી પણ ચાલું રહ્યું. ગુલામગીરીની આ પ્રક્રિયા મૅકોલેએ 1835માં શરૂ કરી હતી. તેને 2035માં 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. તેથી આગામી દસ વર્ષમાં આપણે એ માનસિકતામાંથી છૂટકારો મેળવવો પડશે."

મૅકોલે કોણ હતા?

મરાઠી જ્ઞાનકોશમાં આપેલી માહિતી અનુસાર, બ્રિટિશ અધિકારી થોમસ બેબિંગ્ટન મૅકોલેની 1832માં "સેક્રેટરી ઑફ ધ બોર્ડ ઑફ કંટ્રૉલ (ઑફ ઇન્ડિયા)" તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

તેમણે ભારતનાં વિવિધ પાસાઓનો સારી રીતે અભ્યાસ કર્યો હતો.

તેઓ 1834થી 1838 સુધી ભારતની સુપ્રીમ કાઉન્સિલના સભ્ય તરીકે ભારતમાં રહ્યા હતા. તેઓ ભારતમાં હતા ત્યારે તેમના પર બે મુખ્ય જવાબદારી હતીઃ ભારતીયોના શિક્ષણ માટે એક શિક્ષણ વ્યવસ્થા બનાવવી અને ભારતના લોકો માટે ફોજદારી કાયદાની સંહિતા તૈયાર કરવી.

ભારતીય દંડ સંહિતા બનાવવાનું કામ મુખ્યત્વે મૅકોલેએ પાર પાડ્યું હતું.

ભારતમાં શિક્ષણના સ્વરૂપ વિશેનો એક કાયદો બ્રિટિશ સંસદે 1813માં પસાર કર્યો હતો.

એ કાયદા મુજબ, મિશનરીઓને ભારતમાં સ્થાયી થવાની અને સ્થાનિક રહેવાસીઓને પશ્ચિમી શિક્ષણની સાથે ધાર્મિક શિક્ષણ આપવાની મંજૂરી આપવામાં આવી હતી.

જોકે, આ જોગવાઈ બાબતે કેટલાક મતભેદો સર્જાયા હતા. એ પછી ગવર્નર જનરલની ઍક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય લૉર્ડ મૅકોલેએ 1835ની બીજી ફેબ્રુઆરીએ ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બૅટિંગને એક અહેવાલ સુપરત કર્યો હતો.

તેને "મૅકોલેસ મિનિટ" અથવા "મિનિટ ઑન ઍજ્યુકેશન" કહેવામાં આવે છે.

ભારતમાં પોતાનું કાર્ય પૂર્ણ કર્યા પછી મૅકોલે 1838માં ઇંગ્લૅન્ડ પાછા ફર્યા હતા અને એ પછી તેમણે ઇંગ્લૅન્ડનો ઇતિહાસ લખવાનું કામ હાથમાં લીધું હતું.

તેમણે 1848 અને 1855 દરમિયાન ઇંગ્લૅન્ડનો ઇતિહાસ ચાર ખંડમાં લખ્યો હતો.

'મૅકોલેસ મિનિટ' અને 200 વર્ષ પછી શરૂ થયેલો વિવાદ

એ મિનિટ્સમાં મૅકોલેએ ભારતીયોના શિક્ષણ માટે અંગ્રેજી માધ્યમની હિમાયત કરી હતી.

ભારતીયોને પશ્ચિમી સાહિત્ય તથા શાસ્ત્રીય જ્ઞાન આપવું જોઈએ, શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોવું જોઈએ અને સંસ્કૃત તથા અરબી શીખવતી સંસ્થાઓને ધીમે-ધીમે બંધ કરવી જોઈએ, એવું સૂચન મૅકોલેએ કર્યું હોવાનું કહેવાય છે.

વિવાદનાં બીજ અહીં રોપાયેલાં છે.

મરાઠી વિશ્વકોશ જણાવે છે, "મૅકોલેસ મિનિટ્સ બાબતે વિદ્વાનોએ વિરોધાભાસી મંતવ્યો વ્યક્ત કર્યાં છે. કેટલાક તેમને ભારતમાં 'નવા મનુના પ્રણેતા' માને છે, જ્યારે અન્ય લોકોને તેમના સૂચનોમાં વર્તમાન રાજકીય અસંતોષનું કારણ શોધે છે."

"ભારતીય ભાષાઓ, ધર્મ અને સંસ્કૃતિને ઓછી આંકવા બદલ કેટલાક ભારતીયો તેમનાથી ગુસ્સે છે, જ્યારે ભારતીય ભાષાઓને બદલે શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીના આગ્રહ બદલ અનેક ભારતીયો તેમની ટીકા કરે છે."

'મૅકોલેઃ કાલ અને આજ' નામના પુસ્તકની પ્રસ્તાવનામાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી સ્વર્ગસ્થ ભાઈ વૈદ્ય લખે છે, "તેમણે શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક કામગીરી કરી હતી. આ બાબતે વિરોધાભાસી મંતવ્યો છે તેને ધ્યાનમાં લેતાં એ સ્પષ્ટ છે કે મૅકોલે ભારતમાં શિક્ષણ વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા હતા, એવું બંને પક્ષો માને છે."

'મૅકોલેસ મિનિટ્સ'ને 2025માં 200 વર્ષ પૂર્ણ થશે ત્યારે વડા પ્રધાન મોદીએ તે માનસિકતામાંથી આગામી દસ વર્ષમાં છૂટકારો મેળવવાની જરૂર હોવાની હાકલ કરી છે. તેથી મૅકોલે ફરી ચર્ચામાં આવ્યા છે. તેમના વિશે શું વિવાદ છે, એ સમજીએ.

મૅકોલેએ શિક્ષણ પદ્ધતિમાં ખરેખર શું ફેરફાર કર્યા હતા?

મરાઠી જ્ઞાનકોશ અનુસાર, મૅકોલેએ મહત્ત્વપૂર્ણ સલાહ આપી હતી કે ભારતીયોને પશ્ચિમી સાહિત્ય અને શાસ્ત્રીય જ્ઞાન શીખવવું જોઈએ.

એ સાથે તેમણે એવું સૂચન પણ કર્યું હતું કે શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોવું જોઈએ અને સંસ્કૃત તથા અરબી શીખવતી સંસ્થાઓ ધીમે-ધીમે બંધ કરવી જોઈએ.

આ સંદર્ભમાં 1835ની સાતમી માર્ચે એક સરકારી ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

એ ઠરાવ મુજબ, 1) ભારતીયોને પશ્ચિમી સાહિત્ય અને વિજ્ઞાન અંગ્રેજી માધ્યમ દ્વારા શીખવવું જોઈએ. 2) સંસ્કૃત તથા અરબી શીખવતી શાળાઓને બંધ ન કરવી જોઈએ, પરંતુ તેમને નવી ગ્રાન્ટ ન આપવી જોઈએ અને ત્યાંના વિદ્વાનોને નવી શિષ્યવૃત્તિ ન આપવી જોઈએ. 3) પરંપરાગત પુસ્તકોના છાપકામ માટે વધુ પૈસા ન ખર્ચવા જોઈએ. 4) તેમાંથી જે ભંડોળ બચે તેનો ખર્ચ પશ્ચિમી સાહિત્ય અને વિજ્ઞાન શીખવવા માટે કરવો જોઈએ.

અમે આ સંદર્ભે પત્રકાર અને લેખક રવિ આમલે સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, "વડા પ્રધાન મોદીનું નિવેદન સૂચવે છે કે બ્રિટિશ શિક્ષણ પ્રણાલી આવી તે પહેલાં અહીંની શિક્ષણ પ્રણાલી સારી હતી. જોકે, ઇતિહાસ આ વાતનુ સંપૂર્ણ સમર્થન કરતો નથી."

"અંગ્રેજો આવ્યા એ પહેલાં આપણી શિક્ષણ પ્રણાલીનું શું થયું અને તેનું કારણ શું હતું? અહીં પેશ્વાઓનું શાસન હતું ત્યારે શિક્ષણની સ્થિતિ કેવી હતી?"

રવિ આમલેએ ઉમેર્યું હતું, "મૅકોલેની શિક્ષણ પદ્ધતિને કારણે અહીં અંગ્રેજીમાં શિક્ષણ મેળવનાર લોકોનો મોટો સમૂહ સર્જાયો એ વાત સાચી છે, પરંતુ તેનું પરિણામ શું આવ્યું? ઉદાસિનતા અને ગુલામીની માનસિકતા ધરાવતા કાળા અંગ્રેજો સર્જાયા?"

"વિષ્ણુશાસ્ત્રી ચિપલૂણકરના શબ્દોમાં કહીએ તો 'અંગ્રેજી એટલે વાઘણનું દૂધ.' દાદાભાઈ નવરોજી, જસ્ટિસ રાનડે, સુરેન્દ્રનાથ બેનર્જી, વ્યોમેશચંદ્ર બેનર્જી, ફિરોઝ શાહ મહેતા જેવા ઘણા લોકોએ તે દૂધ પીધું હતું, પરંતુ તેઓ અંગ્રેજ બન્યા ન હતા. તેનાથી વિપરીત તેમણે બ્રિટિશ શાસન સામે ઊભા રહ્યા. પછી મહાત્મા ગાંધી હોય કે સરદાર ભગતસિંહ, નહેરુ, પટેલ હોય કે નેતાજી સુભાષચંદ્ર બોઝ, એ બધા અંગ્રેજી શિક્ષણ પ્રણાલીમાં ઘડાયા હતા."

મૅકોલેનું સપનું ભારતને ગુલામ બનાવવાનું હતું?

વડા પ્રધાન મોદીના તાજેતરના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે મૅકોલેએ ભારતને ગુલામ બનાવવાનુ સપનું જોયું હતું.

મૅકોલે પર આ આરોપ લાંબા સમયથી લગાવવામાં આવતો રહ્યો છે. વડા પ્રધાન મોદીના નિવેદનને પગલે તે આરોપ ફરી સપાટી પર આવ્યો છે.

મૅકોલે પર પ્રસ્તુત આરોપ લગાવવા માટે તેમના બે નિવેદનને ટાંકવામાં આવે છે. તે નીચે મુજબ છે.

1. "હું ભારતમાં ખૂબ ફર્યો છું. મેં ભારતને ઉપરથી નીચે સુધી જોયું છે. મને ત્યાં એક પણ ભિખારી કે ચોર જોવા મળ્યો નથી. આ દેશ એટલો સમૃદ્ધ છે અને લોકો એટલા સક્ષમ છે કે આપણે ક્યારેય આ દેશને જીતી શકીશું એવું મને લાગતું નથી. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરા આ દેશની કરોડરજ્જુ છે અને આપણે આ દેશને જીતવો હોય તો તેને તોડી નાખવી પડશે. આ માટે તેમની પ્રાચીન શિક્ષણ પ્રણાલી તથા તેમની સંસ્કૃતિ બદલવી પડશે. ભારતીયો એવું માનવાનું શરૂ કરી દે કે વિદેશીઓ અને ખાસ કરીને બધા અંગ્રેજો તેમની સંસ્કૃતિ કરતાં વધુ સારા, ઉચ્ચ અને ઉમદા છે તો જ તેઓ આત્મસન્માન ગુમાવશે અને પછી આપણે ઇચ્છીએ છીએ તેવું એક ગુલામ રાષ્ટ્ર બનશે."

લૉર્ડ મૅકોલેએ બીજી ફેબ્રુઆરી, 1835ના રોજ બ્રિટિશ સંસદમાં આપેલા ભાષણના કથિત અંશ.

2. "હું દયાળુ ઇસુનો ભક્ત છું. ઇશપુત્રનો દૈવી સંદેશ આ ઉજ્જડ દેશના ગળે ઉતારવા માટે મેં એક અલગ જ પદ્ધતિ ઘડી છે. એ ભારતીયોના હાથમાં ગોસ્પેલની નકલો પકડાવવાની ઉતાવળ હું નહીં કરું. હું તેમની પ્રિય શ્રદ્ધાના મૂળમાં એવુ સડેલું બીજ વાવીશ કે તે ટૂંક સમયમાં તેમના સ્વાભિમાનના વૃક્ષને ઉખેડી નાખશે. એકવાર થડ ક્ષીણ થઈ જાય પછી તેમની ક્ષુદ્ર માન્યતાઓને ક્ષીણ થવામાં કેટલો સમય લાગશે? આપણા મૂર્તિભંજક તત્વજ્ઞાનના મૂળ પકડવામાં કેટલો સમય લાગશે? આપણે આપેલા શિક્ષણથી બેસહારા થઈ જનારા ભારતીયો આગામી ત્રીસ વર્ષમાં ગોસ્પેલના આશ્રય માટે તરસી જશે અને એ માટે ભીખ માંગશે, તેમાં મને કોઈ શંકા નથી."

લૉર્ડ મૅકોલેએ 1836માં તેમના પિતાને લખેલા એક કથિત પત્રનો અંશ.

જોકે, 'મૅકોલેઃ કાલ આણિ આજ' પુસ્તકમાં ડૉ. જનાર્દન વાટવે અને ડૉ. વિજય અજગાંવકરે દાવો કર્યો છે કે મૅકોલેના નામે ચડાવવામાં આવેલાં આ બન્ને નિવેદનો પાયાવિહોણાં અને ખોટાં છે.

પુસ્તકમાં તેમણે દાવો કર્યો છે કે 1835ની બીજી ફેબ્રુઆરીએ લૉર્ડ મૅકોલેએ બ્રિટિશ સંસદમાં કરેલા ભાષણનો અંશ તેમના મૂળ ભાષણનો નથી.

આ સંદર્ભે પત્રકાર અને લેખક રવિ આમલે કહે છે, "મૅકોલેના ભાષણ પાછળ કૂટિલ હેતુઓ હતા. તેઓ અહીં ગુલામ માનસિકતા ધરાવતા કારકુનોની ફોજ બનાવવા ઇચ્છતા હતા. તેઓ કાળા અંગ્રેજો બનાવવા ઇચ્છતા હતા. તેઓ પોતાનું આત્મસન્માન ગુમાવી ચૂકેલું એક ગુલામ રાષ્ટ્ર બનાવવા ઇચ્છતા હતા. આવા આરોપ વર્ષોથી કરવામાં આવે છે. તેના પુરાવા તરીકે ઉપરોક્ત વિધાનો ટાંકવામાં આવે છે."

રવિ આમલે ઉમેરે છે, "બૅલ્જિયન સંશોધક-લેખક કૉએનરાડ ઍલ્સ્ટના કહેવા મુજબ, મૅકોલે 1835માં ઇંગ્લૅન્ડમાં નહીં, પરંતુ ભારતમાં હતા. મૂળ અંગ્રેજી ફકરામાંના વિચારોની વાત તો દૂર રહી, તેની ભાષા પણ તેમની કે તેમના સમયની નથી. એ તાજેતરની છે."

"તો પછી આ ફેંકુગીરી કોણે કરી? ઍલ્સ્ટના મતે, આ ફકતો સૌપ્રથમ અમેરિકાના ગ્રોસ્ટિક સેન્ટર નામની ધાર્મિક સાહિત્ય પ્રકાશિત કરતી સંસ્થાના ધ અવેકનિંગ રે નામના સામયિકમાંથી હિન્દુત્વવાદી સામયિકોએ ઉપાડ્યો હતો. આ વાત જણાવનાર લેખક ઍલ્સ્ટ પ્રખર હિંદુરાષ્ટ્રવાદી છે, એ યાદ રાખવું જોઈએ. કૉઈનરાડ ઍલ્સ્ટે એવું પ્રમાણપત્ર પણ આપ્યું છે કે અંગ્રેજી શીખવવા પાછળનો મૅકોલેનો ઇરાદો શુદ્ધ હતો."

સંદર્ભઃ

મરાઠી જ્ઞાનકોશ.

મૅકોલેઃ કાલ આણિ આજ – ડૉ. જનાર્દન વાટવે, ડૉ. વિજય અજગાંવકર (શ્રી સર્વોત્તમ પ્રકાશન)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન