વિશ્વની પહેલી કિસ કોણે કરી હશે અને કરોડો વર્ષ પહેલાં ચુંબનની શરૂઆત કેવી રીતે થઈ?

    • લેેખક, વિક્ટૉરિયા ગિલ
    • પદ, સાયન્સ સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

માનવી પ્રેમની અભિવ્યક્તિ સ્વરૂપે ચુંબન કરે છે. વાનર અને પોલાર બેઅર પણ ચુંબન કરે છે, ત્યારે સંશોધકોએ હવે કિસિંગના વિકાસ પાછળનાં મૂળ ખોળી કાઢ્યાં છે.

તેમના અભ્યાસ પરથી માલૂમ પડે છે કે, માઉથ-ઑન-માઉથ ચુંબનનો ઉદ્ભવ 21 મિલિયન વર્ષ પૂર્વે થયો હતો, જેમાં સંભવતઃ માનવી અને વાનરોની કેટલીક પ્રજાતિઓના સામાન્ય પૂર્વજો સામેલ હતા.

સમાન સંશોધનમાં તારવવામાં આવ્યું હતું કે, નીએન્ડરટલ્સ પણ ચુંબન કરતાં હશે અને શક્ય છે કે માનવી અને નીએન્ડરટલ્સ વચ્ચે ચુંબનનું આદાન-પ્રદાન થયું હોય.

વિજ્ઞાનીઓએ ચુંબનનો અભ્યાસ કર્યો, તે પાછળનું કારણ એ છે કે, ચુંબન એક વિકાસવાદી કોયડા જેવું છે - તેનું કોઈ નક્કર અસ્તિત્વ નથી કે નથી તેનાથી કોઈ પ્રજનન સંબંધિત લાભ થતો અને તેમ છતાં ચુંબનની આ ચેષ્ટાનું કેવળ માનવ સમુદાયોમાં નહીં, બલરે પશુ જગતમાં પણ અસ્તિત્વ છે.

અન્ય પ્રાણીઓ પણ કિસિંગ સાથે સંકળાયેલાં હોવાના પુરાવા મેળવીને વિજ્ઞાનીઓએ ચુંબનનો ઉદ્ભવ કયા સમયમાં થયો હોઈ શકે, તે નક્કી કરવા માટે વિકાસવાદી વંશવૃક્ષનું નિર્માણ કર્યું હતું.

ચુંબનની શરૂઆતનો કિસ્સો

વિવિધ પ્રજાતિઓમાં સમાન વર્તણૂકની તુલના કરવામાં આવી રહી છે, તે સુનિશ્ચિત કરવા માટે સંશોધકોએ ચુંબનને અત્યંત ચોકસાઈપૂર્ણ, તેનાથીયે આગળ વધીને કહીએ તો, તદ્દન અનરોમૅન્ટિક વ્યાખ્યા આપવી પડી હતી.

ઇવૉલ્યૂશન ઍન્ડ હ્યુમન બિહેવિયરમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસમાં સંશોધકોએ ચુંબનની વ્યાખ્યા આ પ્રમાણે રજૂ કરી છેઃ "એવો મૌખિક (મુખનો મુખ સાથેનો) સંપર્ક કે જેમાં હોઠ કે મોંના અમુક ભાગો વચ્ચે પ્રવૃત્તિ થાય છે અને તેમાં કોઈ ખાદ્ય ચીજ આપવામાં આવતી નથી."

યુનિવર્સિટી ઑફ ઓક્સફૉર્ડનાં ઇવૉલ્યુશનરી બાયૉલૉજિસ્ટ ડૉક્ટર મટિલ્ડા બ્રિન્ડલના જણાવ્યા પ્રમાણે "મનુષ્ય, ચિમ્પાન્ઝી તથા બોનોબો ચુંબન કરે છે. હાલના તેમના સૌથી કૉમન પૂર્વજે પણ ચુંબન કર્યું હોય, એ શક્ય છે."

"અમારું માનવું છે કે, કિસિંગની કળા આશરે 21.5 મિલિયન વર્ષ પહેલાં વિશાળ વાનરોમાં વિકાસ પામી હશે."

આ અભ્યાસમાં જે વર્તણૂકની શોધ કરી, તેનો વરુ, ઘાસવાળા મેદાનના શ્વાન, પોલાર બેઅર્સ (લાપરવાહ, મોટા ભાગે જીભનો ઉપયોગ) અને એલ્બેટ્રોસ સાથે મેળ ખાતો હતો.

માનવોમાં થતી ચુંબનના મૂળનું વિકાસલક્ષી ચિત્ર ઉપસાવવા માટે તેમણે પ્રાઇમેટ્સ, ખાસ કરીને વાનરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ચુંબન માત્ર રોમાન્સ નહીં, અભ્યાસનો પણ વિષય

સમાન અભ્યાસમાં એવું પણ તારણ કાઢવામાં આવ્યું હતું કે, આપણા સૌથી નિકટવર્તી પ્રાચીન માનવ સંબંધી (જે આશરે 40,000 વર્ષ પહેલાં વિલુપ્ત થઈ ગયા હતા) એવા નીએન્ડરટલ્સ પણ ચુંબન કરતા હતા.

નીએન્ડરટલના ડીએનએ પરના અગાઉના અભ્યાસ પરથી એ પણ જાણવા મળ્યું છે કે, આધુનિક માનવ અને નીએન્ડરટલ એક મૌખિક માઇક્રોબ (સૂક્ષ્મ જીવ) શૅર કરતા હતા, જે આપણી લાળમાં મળી આવતા એક પ્રકારના બૅક્ટેરિયા છે.

ડૉક્ટર બ્રિન્ડલ સમજાવે છે, "તેનો અર્થ એ કે, બંને પ્રજાતિ છૂટી પડી, એ પછી સેંકડો-હજારો વર્ષો સુધી તેમની વચ્ચે લાળનું આદાન-પ્રદાન થયું હોવું જોઈએ."

આ અભ્યાસ પરથી એ તો માલૂમ પડે છે કે, કિસિંગનો વિકાસ ક્યારે થયો, પણ ચુંબનની વર્તણૂક પાછળના કયું કારણ જવાબદાર હતું, તે ઉત્તર તેમાંથી મળતો નથી.

આ પાછળ ઘણી થિયરી મોજૂદ છે - જેમ કે, ચુંબનનું આ વર્તન આપણા પૂર્વજોના સાજ-શણગારના વ્યવહારમાંથી ઉત્પન્ન થયું છે કે પછી ચુંબન પાર્ટનરના આરોગ્ય અને જાતીય સંબંધો માટેની સક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટેનો નિકટતાપૂર્ણ માર્ગ પૂરો પાડતું હોઈ શકે છે.

ડૉક્ટર બ્રિન્ડલને આશા છે કે, તેનાથી આ સવાલનો જવાબ મળવા માટેનાં દ્વાર ખૂલશે.

તેમણે જણાવ્યું હતું, "આપણે એ સમજવું જરૂરી છે કે, ચુંબન એક એવી બાબત છે, જે આપણે માનવી સિવાયના આપણા સંબંધીઓ સાથે શૅર કરીએ છીએ."

"માનવ સમાજમાં ચુંબન રોમાન્સનું એક સ્વરૂપ છે, આથી આ વર્તનને તુચ્છ ગણવાને બદલે તેનો અભ્યાસ કરવો જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન