'હું ભીખ માગતો અને એ પૈસાથી દારૂ પી લેતો', દારૂડિયાઓની દયાજનક કહાણી

    • લેેખક, સૌરભ યાદવ
    • પદ, બીબીસી સંવાદદાતા

ચેતવણી : આ અહેવાલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી અમુક વાચકોને વિચલિત કરી શકે છે.

"મેં મારું ઘર છોડી દીધું હતું. ખભ્ભા પર એક થેલામાં બે કપડાં રાખતો. હું રસ્તા પર રહેતો અને લોકોની પાસે ભીખ માગતો. લોકોને ખોટું કહેતો કે મારે ઘરે જવું છે, મારી મદદ કરો. જેવા પૈસા મળતા કે સીધો જ દારૂની દુકાને જતો અને દારૂ પીતો."

આ શબ્દ અમિત (બદલેલું નામ) જેમણે દારૂની લતને કારણે પોતાનું બધું દાવ પર લગાવી દીધું હતું. અમિતે દારૂની લતને કારણે નોકરી, સંબંધો અને પોતાની ઓળખ સુધ્ધાં ગુમાવી દીધા.

આ કહાણી માત્ર અમિતની નથી, પરંતુ તેમના જેવા કરોડો લોકોની છે, જેઓ દરરોજ દારૂની આદત સામે અદૃશ્ય લડાઈ લડી રહ્યા છે. આ લતથી પીડિતોમાં માત્ર પુરુષો જ નહીં યુવતીઓ અને સ્ત્રીઓ પણ સામેલ છે.

સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, લગભગ પાંચ કરોડ 70 લાખ લોકોને (વર્ષ 2019ના આંકડા પ્રમાણે) દારૂના વ્યસન સંબંધિત સમસ્યાઓ માટે મદદની જરૂર છે.

દારૂનું વ્યસન અને તેની અસર

ગૌતમ બુદ્ધ નગર જિલ્લા હૉસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. સ્વાતિ ત્યાગી કહે છે કે તેમની પાસે 12 વર્ષથી લઈને 70 વર્ષની ઉંમર સુધીના લોકો દારૂના વ્યસન સંબંધિત સમસ્યામાં મદદ મેળવવા માટે આવે છે.

ડૉ. સ્વાતિ ત્યાગી કહે છે, "મોટા ભાગની સંખ્યા યુવાનોની છે. વિશેષ કરીને 12થી 30 વર્ષના લોકો."

દિલ્હીમાં રહેતી કવિતા (બદલેલું નામ) કહે છે કે જ્યારે તેઓ શાળામાં અન્ય છોકરીઓને દારૂ અને સિગારેટ પીતાં જોતાં, તો તેમને લાગતું કે તે 'કૂપમંડૂક' બની ગઈ છે. એટલે તેમણે નક્કી કર્યું કે એક દિવસ તેઓ પણ દારૂ પીશે. કવિતાએ કૉલેજમાં પહેલી વખત દારૂ પીધો.

કવિતા કહે છે, "હું ખૂબ જ શાંત સ્વભાવની તથા અંતર્મુખી છું, હું મુક્ત રીતે વર્તી નહોતી, પરંતુ દારૂએ મારામાં જબરું પરિવર્તન આણ્યું. હું ડાન્સ કરતી, લોકોની સાથે વાત કરતી, મોજ માણતી. સિંહણ જેવું રૂપ આવી ગયું હતું, તે ખૂબ જ વ્યસનકારક હતું."

કવિતા ઉમેરે છે, "મને લાગતું હતું કે હું મારા માટે પી રહી છું. તેમાં બળવાખોરવૃત્તિ પણ હતી – જો પુરુષ દારૂ પી શકે, તો મહિલાઓ કેમ નહીં? હું સાબિત કરવા માગતી હતી કે જુઓ, હું પણ દારૂ પી શકું છું."

કવિતા કહે છે કે દારૂ પીવાના વ્યસનની અસર તેમનાં બાળકો અને પરસ્પરના સંબંધો પર પણ પડી.

કવિતા કહે છે, "હું કામ પરથી પરત ફરીને દારૂ પીતી. મગજમાં ગણતરી રહેતી કે સાત વાગ્યા સુધીમાં પતિ આવી જશે, એ પહેલાં ક્વાર્ટર (દારૂની બૉટલનું માપ) પી લઉં. હું એવું જ કરતી."

કવિતા કહે છે, "દારૂડિયાની છાપ એવી હોય કે તે રસ્તા પર પડ્યો હોય અને તેનાં કપડાં ફાટેલાં-તૂટેલાં હોય. માત્ર ફેર એટલો હતો કે હું ઘરની પથારીમાં પડી રહેતી."

જો તમે પણ દારુની આદતથી પરેશાન હો, તો મદદ માટે નીચેના નંબરો ઉપર સંપર્ક કરી શકો છો.

  • નૅશનલ ટૉલ ફ્રી હેલ્પલાઇન નંબર: 1800-11-0031
  • નશામુક્ત ભારત અભિયાન હેલ્પલાઇન નંબર: 14446

દારૂના વ્યસનને કારણે સંબંધોમાં તણાવ

અમિતે દારૂના વ્યસનને કારણે એક તબક્કે તેમના પિતાનો કાઠલો પકડી લીધો હોત. તો સત્યપાલે (બદલેલું નામ) તેમનાં ગર્ભવતી પત્નીને ઈજા પહોંચાડી હતી. તેઓ આજે પણ એ વાત યાદ કરે છે, તો તેમની આંખો ઝૂકી જાય છે.

અમિત કહે છે, "મેં પહેલી વખત દારૂ પીધો, એના ત્રણ વર્ષની અંદર જ મારી સ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ હતી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું મારા પરિવારને દુઃખ દઈશ, પરંતુ એ દિવસે મારા કારણે મારા પિતાની આંખોમાં આંસુ હતાં. તેમણે કહ્યું હતુ કે તું પેદા થતાં જ મરી ગયો હોત, તો સારું હતું."

સતપાલ કહે છે, "દારૂ પીધા પછી મને એવું લાગતું કે હું હવામાં ઊડી રહ્યો છું. મને પીવાનાં સ્થળો અને પીનારા મિત્રો સારા લાગતા. જેઓ દારૂ નહોતા પીતા, તેઓ મને બિલકુલ ગમતા ન હતા."

સતપાલ ઉમેરે છે, "એક વખત મારા ઘરે ફંક્શન હતું. મારાં સગાંસંબંધી આવ્યાં હતાં. મારી પત્ની દુકાન પર બેસતી. મારા બનેવીએ મારા મગજમાં ઠસાવી દીધું કે તારી પત્ની દુકાન ઉપર બેસે છે... આમ છે... તેમ છે... હું આવ્યો ને મારી મારી ગર્ભવતી પત્નીના પેટ પર મુક્કો મારી દીધો."

"તે પાંચ છ મહિનાની પ્રેગનન્ટ હતી... મારું (ગર્ભસ્થ) બાળક ઊલટું થઈ ગયું. આમ છતાં મને ભાન નહોતું કે મેં શું કર્યું છે."

કવિતા, અમિત તથા સતપાલ હવે દારૂ છોડી ચૂક્યાં છે, પરંતુ સરકારી આંકડા પર નજર કરીએ, તો માલૂમ પડે કે હજુ પણ કરોડો ભારતીયોને મદદની જરૂર છે.

ભારતમાં દારૂનું બજાર કેવડું છે?

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલયની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ આંકડા (વર્ષ 2019) પ્રમાણે, ભારતમાં 10થી 75 વર્ષની ઉંમરના લગભગ 16 કરોડ લોકો દારૂનું સેવન કરે છે.

લગભગ પાંચ કરોડ 70 લાખ કરતાં વધુ લોકો દારૂ સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે.

બીજા શબ્દોમાં કહીએ, તો ભારતમાં દારૂ પીનાર દર ત્રણમાંથી એક વ્યક્તિને આને લગતી સમસ્યા છે અને તેને મદદની જરૂર છે.

સરકારી આંકડામાં જણાવ્યા પ્રમાણે, લગભગ 30 ટકા લોકો દેશી દારૂ પીએ છે અને 30 ટકા અંગ્રેજી દારૂ પીએ છે.

પૂર્વોત્તરનાં રાજ્યોમાં લોકો મોટા ભાગે ઘરમાં ચોખામાંથી બનતો રાઇસ બિયર પીવો પસંદ કરે છે. બીજી બાજુ, બિહારમાં સૌથી વધુ લોકો (30 ટકા) ગેરકાયદેસર રીતે બનેલો દારૂ પીએ છે.

છત્તીસગઢમાં સૌથી વદુ 35.6 ટકા લોકો દારૂ પીએ છે. એ પછીના ક્રમે ત્રિપુરા (34.7%), પંજાબમાં (28.5%), અરુણાચલ પ્રદેશમાં (28%) તથા ગોવામાં (26%) છે.

દારૂ પીનારાઓની સંખ્યાની દૃષ્ટિએ વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ચાર કરોડ 20 લાખ લોકો, પશ્ચિમ બંગાળમાં (એક કરોડ 40 લાખ) અને મધ્ય પ્રદેશમાં (એક કરોડ 20 લાખ લોકો) દારૂ પીએ છે.

અરુણાચલ પ્રદેશમાં 15.6 ટકા અને છત્તીસગઢમાં 13.7 ટકા મહિલાઓ મદ્યપાન કરે છે. માત્ર આ બે રાજ્યોમાં જ દારૂ પીનારાં મહિલાઓની ટકાવારી 10 ટકા કરતાં વધુ છે.

પંજાબમાં છ ટકા, પશ્ચિમ બંગાળમાં (3.9 ટકા) અને મહારાષ્ટ્રમાં (3.8 %) બાળકો દારૂ પીએ છે.

બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, વર્ષ 2020માં ભારતમાં વ્યક્તિદીઠ દારૂની ખપત 3.1 લિટર હતી, જે વર્ષ 2023માં વધીને 3.2 લીટર પર પહોંચી ગઈ તથા વર્ષ 2028 સુધીમાં તે 3.4 લીટર પર પહોંચવાની શક્યતા છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ અનુસાર, ભારતમાં દારૂનું બજાર 60 અબજ ડૉલરનું છે.

કવિતા, અમિત તથા સતપાલને દારૂનું વ્યસન છોડાવવામાં તેમનાં આપ્તજનોએ મદદ કરી. કોઈકે રિહેબિલિટેશન સેન્ટરની મદદ લીધી, તો કોઈકે સપોર્ટ ગ્રૂપની.

રિહેબિલિટેશન સેન્ટર કે સપોર્ટ ગ્રૂપ કેટલાં કારગત?

ડૉ. સ્વાતિ ત્યાગી કહે છે, "લાંબા સમયથી દારૂ પીનારાઓમાં વઈ (વાઈ કે ફિટ) આવવી, ગભરામણ થવી, ઊંઘની સમસ્યા તથા હાથ-પગમાં ધ્રૂજારી જેવી અનેક ગંભીર શારીરિક સમસ્યાઓ થઈ શકે છે."

"જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમયથી દારૂ પીતી હોય અને અચાનક જ છોડી, તો તેને ગફલત થાય છે. દિવસરાતનું ભાન નથી રહેતું. આ પરિસ્થિતિમાં સાઇકોસિસ જેવી મગજની બીમારી પણ થઈ શકે છે. લાંબા સમય સુધી શરાબ પીવાથી સ્મૃતિભ્રંશ (ડિમેન્શિયા) પણ થઈ શકે છે."

ડૉ. સ્વાતિ ત્યાગી કહે છે, "રિહેબ સેન્ટર વધુ કારગત છે, પરંતુ ત્યાં નિષ્ણાતો હાજર હોય તે જરૂરી છે. સાઇકિયાટ્રિસ્ટ તથા કાઉન્સેલર હોવા જોઈએ. રિહેબ સેન્ટરમાં દર્દીને સાંભળવો જોઈએ અને તેની સાથે મારઝૂડ ન થવી જોઈએ."

'દારૂનું વ્યસન શારીરિક નહીં, માનસિક બીમારી'

તપસ્યા ફાઉન્ડેશન તથા રિહેબિલિટેશન સેન્ટરના સંચાલક દિનેશ શર્મા કહે છે, "જ્યારે કોઈ દર્દીને રિહેબમાં લાવવામાં આવે, ત્યારે સૌપ્રથમ તેને મેડિકેશનની જરૂર હોય છે. દારૂ છોડ્યા પછી જે વિડ્રૉલ સિમ્પટમ્સ આવે, તેને નિયંત્રિત કરવાનું કામ ડૉક્ટરોનું હોય છે."

"15થી 20 દિવસ સુધી દવાઓ આપવામાં આવે છે. એ પછી ગ્રૂપ સેશન્સ શરૂ થાય છે. જેમાં કાઉન્સેલર પોતાના અનુભવો જણાવે છે. નવા દર્દીઓને અહેસાસ થાય છે કે તેઓ જે વાત સાંભળી રહ્યા છે, એવા જ અનુભવો તેમને પણ થાય છે. એટલે ધીમે-ધીમે તેઓ પોતાની જાતને અભિવ્યક્ત કરવા માંડે છે."

દિનેશ શર્મા કહે છે, "એ પછી વન-ઑન-વન સેશન શરૂ થાય છે. જેમાં દર્દી કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે પોતાના જીવનની વાતો શૅર કરે છે, જેના કારણે તેના મનનો ભાર હળવો થાય છે અને સકારાત્મક વિચાર શરૂ થાય છે."

દિનેશ કહે છે, "દારૂનું વ્યસન એ કોઈ શારીરિક નહીં, પરંતુ માનસિક બીમારી છે. ડબલ્યુએચોના જણાવ્યા પ્રમાણે, દારૂ છોડ્યાના માત્ર 28 દિવસની અંદર વ્યક્તિનું શરીર ડિટૉક્સ થઈ જાય છે, પરંતુ ખરો પડકાર એ પછી શરૂ થાય છે."

"કારણ કે મોટા ભાગના લોકો બહાર નીકળતા સાથે જ ફરીથી દારૂ પી લે છે. એટલે રિહેબ સેન્ટર જરૂરી બની રહે છે."

દિનેશ શર્મા કહે છે, "આલ્કોહોલિક્સ એનોમિક્સ તથા અન્ય સંસ્થાઓના આંકડા પ્રમાણે, વિશ્વભરમાં દારૂની લતમાંથી બહાર નીકળનારાઓની ટકાવારી સાતથી આઠ ટકા છે, જ્યારે ભારતમાં આ દર માત્ર બેથી ત્રણ ટકા જ છે."

દારૂ સામે સગાંસંબંધીઓનો સથવારો

દારૂની લત છોડાવવા માટે વ્યક્તિને રિહેબ સેન્ટર, ડૉક્ટર અને દવાઓ ઉપરાંત સગાંવહાલાંની હૂંફ, સાથ અને સહકારની જરૂર હોય છે.

અમિત કહે છે, "સમાજમાં દારૂડિયાને હીન દૃષ્ટિભાવથી જોવામાં આવે છે. લોકો તેની પાસે ઊભા નથી રહેતા. તેને ધુત્કારે છે, તેની ભાવનાઓની કદર નથી કરતા. વાસ્તવમાં તે માત્ર બીમાર વ્યક્તિ છે."

કવિતા કહે છે, "કોઈ સામાન્ય બીમારને જેટલા પ્રેમ, દેખભાળ કે સેવાચાકરીની જરૂર હોય છે, એટલી જ અમને પણ હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન