You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
થાઇરૉઇડ કૅન્સર થવાનાં કારણો શું હોય અને જાણો કોણે સાવચેત રહેવું જોઈએ?
- લેેખક, જાસ્મિન ફૉક્સ-સ્કેલી
- પદ, બીબીસી ફ્યૂચર
વિશ્વના કેટલાક ભાગોમાં બીજા પ્રકારના કૅન્સરની સરખામણીએ થાઇરૉઇડ કૅન્સરના કેસ વધી વધુ ઝડપથી રહ્યા છે.
અમેરિકામાં થાઇરૉઇડ કૅન્સરનો દર અન્ય કોઈ પણ પ્રકારના કૅન્સરની સરખામણીએ વધુ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ આનું કારણ શું છે?
થાઇરૉઇડ ગ્રંથિ ગળાના નીચેના ભાગમાં, એડમ્સ ઍપલ (કંઠમણિ)ની ઠીક નીચે આવેલી હોય છે. તેનું કામ હૃદયના ધબકારા, બ્લડપ્રેશર, શરીરનું તાપમાન તેમજ વજનને નિયંત્રિત કરતા સ્રાવ રિલીઝ કરવાનું છે.
જ્યારે થાઇરૉઇડ ગ્રંથિની કોશિકા અનિયંત્રિતપણે વધે અને વિભાજિત થવા માંડે અને તેના કારણે ટ્યૂમર બને ત્યારે થાઇરૉઇડ કૅન્સર થાય છે.
આ અસામાન્ય કોશિકાઓ આસપાસની પેશીઓને નુકસાન પહોંચાડી શકે છે અને શરીરના બીજા ભાગોમાં પણ ફેલાઈ શકે છે.
થાઇરૉઇડ કૅન્સરના મોટા ભાગના મામલામાં ઇલાજ થઈ જાય છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતો આ બીમારીની ઝડપી વૃદ્ધિને કારણે પરેશાન છે.
અમેરિકામાં કૅન્સર રિપોર્ટિંગ સિસ્ટમ, સર્વેલન્સ, એપિડેમોલૉજી, ઍન્ડ રિઝલ્ટસ ડેટાબેઝ અનુસાર, યુએસમાં થાઇરૉઇડ કેન્સરના મામલા વર્ષ 1980 અને 2016 વચ્ચે ત્રણ ગણા કરતાં વધુ થઈ ગયા છે.
પુરુષોમાં દર એક લાખમાં આ દર 2.39થી વધીને 7.54 થઈ ગયો છે અને મહિલાઓમાં દર એક લાખમાં આ દર 6.15થી વધીને 21.28 થઈ ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કો (યુસીએસએફ)નાં એન્ડોક્રાઇ સર્જન, સાન્ઝિયાના રોમન જણાવે છે કે, "મેડિસિનમાં થયેલી પ્રગતિ છતાં થાઇરૉઇડ કૅન્સર એવાં કેટલાંક કૅન્સરો પૈકી એક છે, જેના કેસમાં સમય સાથે વધારો થઈ રહ્યો છે."
થાઇરૉઇડ કૅન્સરના કેસ વધવાનું કારણ શું છે?
બાળપણમાં ખૂબ વધુ પ્રમાણમાં આયનાઇઝિંગ રેડિયેશનના સંપર્કમાં આવવાથી થાઇરૉઇડ કૅન્સર થતો હોવાની વાત ઘણા સમયથી જાણીતી છે.
1986માં ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના બાદનાં વર્ષોમાં, બેલારુસ, યુક્રેન અને રશિયામાં બાળકોમાં આ બીમારીના દરમાં ભારે વૃદ્ધિ થઈ.
એક અભ્યાસમાં ખબર પડી કે જાપાનમાં પરમાણુ બૉમ્બથી બચેલા લોકોમાં, 1958થી થાઇરૉઇડ કૅન્સરના લગભગ 36 ટકા મામલા બાળપણમાં રેડિયેશનના સંપર્કમાં આવવાને કારણે થયા હોવાની શક્યતા છે.
જોકે, 80 કે 90ના દાયકામાં અમેરિકામાં કે બીજે ક્યાંય આવું કંઈ નથી થયું, જેને આ વધારા સાથે જોડી શકાય.
તેમજ એ વાત પર પણ વિચાર થવા લાગ્યો કે શું આ વધારાનું એક કારણ વધુ સરળતા અને સારી રીતે બીમારીઓ અંગે જાણી શકવાની વાત હોઈ શકે કે નહીં?
મેડિકલ તપાસમાં પ્રગતિ આનું કારણ છે?
1980ના દાયકામાં ડૉક્ટરોએ પ્રથમ વખત થાઇરૉઇડ અલ્ટ્રાસોનોગ્રાફીનો ઉપયોગ શરૂ કર્યો, જે એક ઇમેજિંગ ટૅક્નિક છે, જે અવાજની તરંગો વડે થાઇરૉઇડ ગ્રંથિની તસવીર બનાવે છે. આનાથી ડૉક્ટરોને ખૂબ નાના થાઇરૉઇડ કૅન્સર અંગે જાણવામાં મદદ મળી, જે અંગે પહેલાં ખબર નહોતી પડતી.
બાદમાં 1990ના દાયકામાં, ડૉક્ટરોએ એ ગાંઠો વડે કોશિકાઓની તપાસ કરવાનું શરૂ કર્યું, જેનાથી કૅન્સરની શંકા રહેતી. આ તકનીકને ફાઇન નીડલ એસ્પિરેશન બાયોપ્સી નામથી ઓળખવામાં આવે છે.
અમેરિકાના મેરિલૅન્ડસ્થિત નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટનાં મહામારી વૈજ્ઞાનિક કેરી કિતાહારા કહે છે કે, "પહેલાં, ડૉક્ટરો થાઇરૉઇડ ગ્રંથિને અડકીને ગાંઠની તપાસ કરતા."
"પરંતુ અલ્ટ્રાસાઉન્ડ જેવી ટેકનિકો વડે, ડૉક્ટર નાના આકારની ગાંઠને ઓળખીને તેનું ઑપરેશન કરી શકે છે. આનાથી નાના આકારના પેપિલરી થાઇરૉઇડ કૅન્સરની તપાસમાં મદદ મળી, પહેલાં આવું માત્ર હાથ વડે દર્દીની તપાસ કરીને કરી શકાતું."
અન્ય વાતો પણ આ જ સિદ્ધાંતના સમર્થનમાં જાય છે. ઉદાહરણ તરીકે, દક્ષિણ કોરિયામાં નૅશનલ થાઇરૉઇડ કૅન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ શરૂ થયા બાદ થાઇરૉઇડ કૅન્સરના મામલામાં ભારે વધારો થયો. કાર્યક્રમના આકારમાં ઘટાડો થયા બાદ કેસમાં ફરી એક વાર ઘટાડો થયો.
તેમ છતાં, કેટલાક વૈજ્ઞાનિકોનો તર્ક છે, માત્ર ઓવર-ડાયગ્નોસિસનું કારણ જ થાઇરૉઇડ કૅન્સરના મામલામાં વધારાને સમજાવવા માટે પૂરતું નથી.
એક અભ્યાસમાં, ઇટાલીની યુનિવર્સિટી ઑફ કટાનિયાથી એન્ડોક્રાઇનોલૉજીના નિવૃત્ત પ્રોફેસર રિકાર્ડો વિનેરીનો તર્ક છે કે જો મામલામાં વધારા માટે આ જ એકમાત્ર કારણ હોત, તો સારી ડાયગ્નોસ્ટિક પ્રૅક્ટિસવાળા વધુ આવકવાળા દેશોમાં થાઇરૉઇડ કૅન્સરના કેસમાં હજુ વધુ વૃદ્ધિ સામે આવી હોત. જોકે, એવું નથી, કારણ કે મધ્યમ આવકવાળા દેશોમાં પણ થાઇરૉઇડ કૅન્સરના કેસમાં વધારો જોવા મળ્યો છે.
સાન્ઝિયાના રોમન કહે છે કે, "વિશ્વનાં એ ક્ષેત્રો અને સ્થળોમાં પણ થાઇરૉઇડ કૅન્સરનો દર વધી રહ્યો છે, જ્યાં સારી તપાસ નથી થતી."
તેઓ કહે છે કે મોટા અને વધુ ઍડ્વાન્સ્ડ ટ્યૂમરવાળા મામલા પણ વધુ આવી રહ્યા છે.
આ સિવાય, થાઇરૉઇડ કૅન્સર જાણ શરૂઆતના તબક્કામાં જ થવા લાગી છે અને ઇલાજનાં પરિણામ સુધર્યાં છે. વિનેરીનું કહેવું છે કે આવી સ્થિતિમાં તમે થાઇરૉઇડ કૅન્સરથી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં ઘટાડો આવશે એવી આશા કરશો.
જોકે, એવું નથી, મૃત્યુદર કાં તો સ્થિર છે અથવા તો અમુક દેશોમાં એ વધ્યો હોવાના પણ સંકેત છે.
ઉદાહરણ તરીકે, એક અભ્યાસમાં કૅલિફોર્નિયામાં એ 69 હજાર કરતાં વધુ થાઇરૉઇડ કૅન્સરના દર્દીઓનું વિશ્લેષણ કરાયું, જેમનામાં આ કૅન્સરનું ડાયગ્નોસિસ વર્ષ 2000થી 2017 વચ્ચે થયું હતું.
સંશોધકોને ખબર પડી કે આ સમયગાળામાં દર્દીઓની સંખ્યા અને મૃત્યુદર બંનેમાં વધારો થયો.
આ વધારાનો ટ્યૂમરના આકાર અને કૅન્સરના સ્ટેજ સાથે કોઈ સંબંધ નહોતો. આનાથી ખબર પડે છે કે નાના ટ્યૂમરના બહેતર ડાયગ્નોસિસ સિવાય અન્ય બાબતો પણ જરૂરી છે.
2017માં, કિતાહારા અને તેમની ટીમે 1974-2013 વચ્ચે ડાયગ્નોસ કરાયેલા 77 હજાર કરતાં વધુ થાઇરૉઇડ કૅન્સરના દર્દીઓના મેડિકલ રેકૉર્ડની તપાસ કરી.
પરિણામોથી ખબર પડી કે ભલે મામલામાં મોટા ભાગનો વધારો થાઇરૉઇડ ગ્રંથિમાં નાનાં પૈપિલરી ટ્યૂમરના કારણે થયો હતો, પરંતુ મેટાસ્ટેટિક પેપિલરી કૅન્સરમાં પણ વધારો થયો હતો, જે શરીરના બીજા ભાગમાં ફેલાઈ ગયા હતા.
જોકે, થાઇરૉઇડ કૅન્સરથી થતાં મૃત્યુ દુર્લભ છે. અભ્યાસથી ખબર પડી છે કે આ દર વર્ષે 1.1 ટકાના દરે વધી રહ્યો હતો.
કિતાહાર કહે છે કે, "આનાથી ખબર પડે છે કે આ વધુ આક્રમક ટ્યૂમરોમાં વૃદ્ધિ પાછળ અન્ય કોઈ કારણ હોઈ શકે છે."
સ્થૂળતા સાથે થાઇરૉઇડ કૅન્સરનો સંબંધ
તેનાં મુખ્ય કારકો પૈકી એક સ્થૂળતા હોઈ શકે છે, જેનું પ્રમાણ 1980ના દાયકાથી, ખાસ કરીને અમેરિકા અને બીજા વિકસિત દેશોમાં વધી રહ્યું છે.
ઘણા અભ્યાસો વધુ વજન અને થાઇરૉઇડ કૅન્સરનાં જોખમો વચ્ચે સંબંધ દેખાડે છે. હાઇ બીએમઆઇ (બૉડી માસ ઇન્ડેક્સ)વાળા લોકોમાં સ્વસ્થ બીએમઆઇવાળા લોકોની સરખામણીએ થાઇરૉઇડ કૅન્સર થવાની સંભાવના 50 ટકા વધુ હોય છે.
હાઇ બીએમઆઇ મોટા આકારના ટ્યૂમર અને એવાં ટ્યૂમર સાથે પણ સંકળાયેલી છે, જેના કારણે કૅન્સર સરળતાથી ફેલાય છે.
કિતાહારા કહે છે કે, "અમારા સંશોધનમાં એવું પણ જોવા મળ્યું છે કે હાઇ બીએમઆઇ થાઇરૉઇડ કૅન્સર સાથે સંકળાયેલું મૃત્યુ હાઇ રિસ્ક સાથે પણ સંકળાયેલું હતું."
જોકે, સ્થૂળતા થાઇરૉઇડ કૅન્સરનું કારણ કેવી રીતે બની શકે છે, એ સ્પષ્ટ નથી. એક મહત્ત્વની વાત એ છે કે સ્થૂળ લોકોમાં થાઇરૉઇડ ડિસ્ફંક્શનની શક્યતા વધુ હોય છે.
ઉદાહરણ તરીકે, જે લોકોમાં થાઇરૉઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન (ટીએસએચ)નું સ્તર વધુ હોય છે, તેની બીએમઆઇ વધુ હોય છે. ટીએસએચ પિટ્યૂટરી ગ્રંથિથી બનતો એક સ્રાવ છે. એ થાઇરૉઇડ ગ્રંથિના ફંક્શનને રેગ્યુલેટ કરે છે.
કિતાહારા કહે છે કે, "સ્થૂળતાની ઘણી બધી શારીરિક અસરો હોય છે. તેથી ઇન્ફ્લમેશન, ઇન્સુલિન પ્રતિરોધ અને થાઇરૉઇડ ફંક્શનમાં પરિવર્તન, આ બધું થાઇરૉઇડ કૅન્સરના વિકાસમાં ભૂમિકા ભજવી શકે છે."
અમુક પ્રકારના કેમિકલ જવાબદાર હોઈ શકે
બીજી તરફ કેટલાક વૈજ્ઞાનિકોને શંકા છે કે સામાન્યપણે ઘરે ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ અને જૈવિક કીટનાશકોમાં મળી આવતાં 'એન્ડોક્રાઇન ડિસરપ્ટિંગ કેમિકલ્સ' (ઇડીસી) આના માટે જવાબદાર હોઈ શકે છે.
આ એવાં રસાયણ છે, જે શરીરના હોર્મોનની નકલ કરે છે, તેને બ્લૉક કે તેમાં હસ્તક્ષેપ કરે છે.
તેનાં ઉદાહરણોમાં પરફ્લુઓરોએક્ટોનોઇક ઍસિડ અને પરફ્લુઓરોઑક્ટેનસલ્ફોનિક ઍસિડ સામેલ છે, જે વાસણ અને પેપર ફૂડ પૅકેજિંગથી માંડીને પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને ફાયરફાઇટિંગ ફોમ જેવી વસ્તુઓમાં મળી આવે છે. જોકે, આવાં રસાયણોને થાઇરૉઇડ કૅન્સર સાથે સાંકળતા પુરાવા મિશ્ર છે.
કેટલાક અભ્યાસો પ્રમાણે તેમાં સૂક્ષ્મ તત્ત્વ એક ભૂમિકા ભજવી શકે છે. સૂક્ષ્મ તત્ત્વ એવાં રસાયણિક તત્ત્વો છે, જેમની જીવોને ખૂબ ઓછા પ્રમાણમાં જરૂર હોય છે. જોકે, એ થાઇરૉઇડના ફંક્શન માટે જરૂરી પણ છે.
કિતાહારા કહે છે કે, "દ્વીપવાળા દેશોમાં થાઇરૉઇડ કૅન્સરનો દર ખરેખર ખૂબ વધુ છે."
"જ્વાળામુખી વિસ્ફોટો સાથે સંકળાયેલાં સૂક્ષ્મ તત્ત્વો વિશે ઘણાં અનુમાને છે. તેથી, ઝિંક, કેડમિયમ અને વેનેડિમય જેવાં કેટલાંક અન્ય રસાયણ આ વાતાવરણમાં હાજર મળી આવ્યાં છે, સાથે જ થાઇરૉઇડનો દર પણ ખૂબ વધુ છે. પંરતુ તેમની વચ્ચે સીધો સંબંધ સાબિત કરવા માટે યોગ્ય રીતે ડિઝાઇન કરીને અભ્યાસો નથી થયા."
રેડિયેશન સાથે સંબંધ
જોકે, કિતાહારાનું માનવું છે કે તેની વધુ એક વ્યાખ્યા પણ હોઈ શકે છે. ડાયગ્નોસ્ટિક મેડિકલ સ્કૅનથી નીકળતું આયનાઇઝિંગ રેડિયેશન. 80ના દાયકા બાદથી, વિશેષપણે સંયુક્ત રાજ્ય અમેરિકામાં, સીટી અને એક્સ-રે સ્કૅન થવાની સંખ્યા વધી છે અને તેમાં બાળકોનાં સીટી સ્કૅન પણ સામેલ છે. આ સીટી સ્કૅન થાઇરૉઇડ ગ્રંથિ પર રેડિયેશનનો હાઇ ડોઝ છોડે છે.
અન્ય અધ્યયનો, જેમ કે જાપાનના પરમાણુ બૉમ્બથી બચેલા લોકો પર કરાયેલા અભ્યાસોથી, રેડિયેશન અને થાઇરૉઇડ કૅન્સર વચ્ચે સંબંધ વિશે આપણે જે કંઈ જાણીએ છીએ, તેને જાણીને આપણે આવા રેડિયેશનની અસરોનું મૉડલ બનાવી શકીએ છીએ.
ઉદાહરણ તરીકે, તાજેતરના એક અભ્યાસમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આગળ ચાલીને, સંયુક્ત રાજ્ય અમેરિકામાં સીટી સ્કૅનના દરને કારણે દર વર્ષે થાઇરૉઇડ કૅન્સરના 3,500 મામલા સામે આવશે.
કિતાહારા કહે છે કે, "બાળકોની થાઇરૉઇડ ગ્રંથિ, બાળકોની થાઇરૉઇડ ગ્રંથિની સરખામણીએ રેડિયેશનની અસરો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે."
"તેથી સંભવ છે કે સીટી સ્કૅનના વધતા ઉપયોગને કારણે અમેરિકા અને બીજી જગ્યાએ થાઇરૉઇડ કૅન્સરના વધતા દરમાં આંશિકપણે એ પણ કારણભૂત હોઈ શકે છે."
આ તમામ કારકોની સંયુક્ત ભૂમિકા હોવાનું પણ શક્ય છે.
રોમન કહે છે કે, "એવી પણ શક્યતા છે કે આપણે ઘણાં કારકો સાથે સંકળાયેલી ઘટનાના સાક્ષી બની રહ્યા છીએ, જેમાં પર્યાવરણીય, મેટાબૉલિક, ખાણીપીણી અને સ્રાવના પ્રભાવ સામેલ છે, જે આનુવંશિક સંવેદનશીલતાને પ્રભાવિત કરી રહ્યાં હોય એવું બની શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન