You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુરુષોએ કેવી રીતે પેશાબ કરવો જોઈએ, બેસીને કે ઊભા રહીને?
- લેેખક, ફર્નાન્ડો ડુઆર્ટે
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
બેસવું કે ન બેસવું? પુરુષોએ શૌચાલયમાં જઈને કેવી રીતે શૌચક્રિયા કરવી જોઈએ એ ચર્ચાનો વિષય છે.
બેસીને પેશાબ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી લાભ થતા હોવાના કોઈ નિર્ણાયક તબીબી પુરાવા નથી, પરંતુ તે શૌચક્રિયા કરવાનો સૌથી સ્વચ્છ રસ્તો જરૂર લાગે છે.
બીબીસી સાથે વાત કરતાં યુનાઇટેડ કિંગ્ડમ સ્થિત યુરોલૉજી ફાઉન્ડેશનનાં અધ્યક્ષ ડૉ. મૅરી ગાર્થવેટ કહે છે, "પેશાબ કરવાની કોઈ સાચી કે ખોટી રીત નથી. તે વ્યક્તિ આધારિત હોય છે, પરંતુ શૌચાલય સ્વચ્છ હોય તો બેસીને મૂત્રત્યાગ કરવો ખરેખર સ્વચ્છતાપૂર્ણ છે."
ડૉ. ગાર્થવેટ ઉમેરે છે કે હલનચલન અથવા સંતુલનની મુશ્કેલી હોય તેવા પુરુષો માટે મૂત્રાશયને શાંત કરવાનો અથવા મધરાતે પેશાબ કરવા જાગવું પડે ત્યારે બેસીને મૂત્રત્યાગ કરવો એક સલામત માર્ગ હોઈ શકે છે.
નેધરલેન્ડ્સની લીડેન યુનિવર્સિટી દ્વારા 2014માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના તારણોને વારંવાર ટાંકવામાં આવે છે. પેશાબના પ્રવાહના દર અને મૂત્રાશય ખાલી થવાના સમયને અન્ય બાબતોની સાથે શરીરની સ્થિતિ કેવી રીતે પ્રભાવિત કરે છે તેની તપાસ ડોક્ટરોની એક ટીમે કરી હતી.
તેમણે તારણ કાઢ્યું હતું કે પ્રોસ્ટેટ વૃદ્ધિથી પીડાતા પુરુષો બેસીને મૂત્રત્યાગ કરે તો તેમનું મૂત્રાશય ઝડપથી અને સંપૂર્ણપણે ખાલી થઈ જાય છે, પરંતુ સ્વસ્થ પુરુષોમાં આ સંદર્ભે "કોઈ ફરક" જોવા મળ્યો નથી.
ઇસ્લામમાં બેસીને પેશાબ કરવાની ભલામણ
વાસ્તવમાં ઊભા રહીને પેશાબ કરવો મોટાભાગના પુરુષો માટે ખૂબ જ વ્યવહારુ છે. જાહેર શૌચાલયોમાં મહિલાઓની સરખામણીએ પુરુષોની લાઇન વધુ ઝડપથી આગળ વધતી હોય છે. જોકે, ઊભા રહીને પેશાબ કરવાથી મૂત્ર આજુબાજુ ઊડવાની શક્યતા વધુ હોય છે અને તે અન્ય લોકો માટે અણગમતું હોઈ શકે છે.
આપણે ફક્ત ટૉઇલેટ સીટ અથવા ફ્લોર પર થતી ગંદકીની વાત કરતા નથી. અમેરિકન મિકેનિકલ ઍન્જિનિયરોની એક ટીમે 2013માં શોધી કાઢ્યું હતું કે માઇક્રોસ્કોપિક ટીપાં "મોટા ખૂણા અને અંતર સુધી ઊડ્યાં હતાં." તેનો અર્થ એ છે કે ટૂથબ્રશ સહિતની નજીકની વસ્તુઓ પર પણ પેશાબનાં ટીપાં ઊડતાં હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલીક સંસ્કૃતિઓમાં પુરુષોને બેસીને પેશાબ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે એ વાત સાચી છે. દાખલા તરીકે ઇસ્લામમાં સુન્નતના ભાગરૂપે પણ બેસીને પેશાબ કરવાની ભલામણ કરવામાં આવે છે. તે પયગંબર મહંમદના સમયથી ચાલતી પરંપરા અને પ્રથાનો એક ભાગ છે, પરંતુ મોટાભાગના પુરુષો માટે જૂની આદતોમાંથી છૂટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે અને ઊભા રહીને પેશાબ કરવો એ આજે પણ ઇચ્છિત માર્ગ છે.
જર્મનીમાં બેસીને પેશાબ કરવાનું વધુ પ્રચલિત
YouGovએ પુરુષો દ્વારા પેશાબ કરવાની પસંદગીની રીત બાબતે 13 દેશોમાં 2023માં અભ્યાસ કર્યો હતો.
YouGovને વિવિધ ખંડોના પુરુષો વચ્ચે પણ મોટો તફાવત જોવા મળ્યો હતો. 40 ટકા જર્મન પુરુષોએ જાહેર કર્યું હતું કે તેઓ બેસીને પેશાબ કરે છે અને માત્ર 10 ટકા ઊભા રહીને કરે છે, જ્યારે યુનાઇટેડ કિંગ્ડમમાં તે ટકાવારી અનુક્રમે નવ ટકા અને 33 ટકા હતી.
બેસીને પેશાબ કરવાની પ્રથા જર્મનીમાં વધારે પ્રચલિત લાગે છે. જર્મનીમાં કોઈને Sitzpinkler (પેશાબ કરવા બેસતો પુરુષ) કહેવાનો અર્થ અપૌરુષ વર્તન એવો થાય છે. બ્રાઝિલમાં એક જૂની કહેવત છે કે માત્ર "મહિલાઓ અને દેડકાઓ" જ બેસીને પેશાબ કરે છે.
પેશાબ કરવાની પદ્ધતિ કરતા સ્વચ્છતા વધુ જરૂરી
પેશાબ કરવાની રીત બદલવા માટે પુરુષોએ કોઈ ઉત્ક્રાંતિવાદી લક્ષણ સામે લડવું પડશે એવું લાગે છે? ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાનના અગ્રણી વિદ્વાન, ઑક્સફોર્ડ યુનિવર્સિટીના ડૉ. રોબર્ટ ડનબાર આ સવાલનો જવાબ નકારમાં આપે છે.
તેઓ કહે છે, "પુરુષો ઊભા રહીને પેશાબ શા માટે કરે છે તેના કોઈ (ઉત્ક્રાંતિવાદી) પુરાવા નથી."
જે પુરુષોને બેસીને પેશાબ કરવાનું પસંદ નથી તેમના માટે તે એક સંભવિત બહાનું હોઈ શકે.
ડૉ. ગાર્થવેટ ઉમેરે છે, "સત્ય એ છે કે કેટલાક પુરુષોને ઊભા રહીને અને અન્યોને બેસીને પેશાબ કરવાનું વધુ આરામદાયક લાગતું હોય છે."
ચોક્કસ તબીબી સલાહ વિના, કેવી રીતે પેશાબ કરવો તે વિશ્વભરના પુરુષોની મુનસફી પર આધારિત રહેશે, સિવાય કે તેમની પરિચિત મહિલાઓના આગ્રહ અથવા શૌચાલયની દીવાલો પરની નમ્ર સૂચનાઓ (જે જર્મનીની બીજી વિશિષ્ટતા છે) જેવાં પરિબળો દ્વારા તેમને બેસીને પેશાબ કરવાનું દબાણ કરવામાં ન આવે.
મહત્ત્વની વાત એ છે કે પુરુષે ઊભા રહીને જ પેશાબ કરવો હોય તો પેશાબનાં છાંટાં આજુબાજુ ક્યાંય ઊડે નહીં તેનો ખ્યાલ તો કમ સે કમ રાખવો જ જોઈએ.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન