ઇસ્લામ અપનાવીને પાકિસ્તાનમાં નિકાહ કરી લેનાર ભારતીય મહિલાને શોધી રહી છે પોલીસ, શું છે મામલો?

    • લેેખક, એહતેશામ શમી
    • પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોલીસ એક ભારતીય મહિલાને શોધી રહી છે. 13 નવેમ્બરે વીઝા અવધિ સમાપ્ત થઈ ગયા પછી પણ તેઓ ભારત પાછાં નથી ગયાં.

આ મહિલા શીખ તીર્થયાત્રાળુઓની સાથે પાકિસ્તાન આવ્યાં હતાં અને કહેવાય છે કે તેમણે એક પાકિસ્તાની વ્યક્તિ સાથે શાદી કરી લીધી.

શેખપુર જિલ્લા પોલીસ અધિકારી બિલાલ ઝફર શેખે જણાવ્યું કે 48 વર્ષનાં આ શીખ મહિલા સરબજીતકોરે પાકિસ્તાની નાગરિક નાસિરહુસૈન સાથે શાદી કરી લીધી.

ત્યાર પછી બંને સંતાઈ ગયાં અને પોલીસ તેમને શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે પૂછપરછ પછી જ બધી માહિતી મળી શકશે.

સરબજીતકોર 4 નવેમ્બરે શીખ તીર્થયાત્રાળુઓની સાથે પાકિસ્તાન આવ્યાં હતાં અને પછીના દિવસે બાબા ગુરુ નાનકની જયંતીના અવસરે નનકાનાસાહિબ જવાનાં હતાં.

જોકે, 7 નવેમ્બરે શેખપુરાના જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની સમક્ષ તેમણે પોતાનું નિવેદન નોંધાવ્યું.

આ નિવેદનમાં કહેવાયું છે કે તેમણે સ્વેચ્છાએ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો છે અને નાસિરહુસૈન નામના એક પાકિસ્તાની નાગરિક સાથે નિકાહ કરી લીધાં છે.

તેમના વકીલ અહમદહસન પાશાએ કહ્યું છે કે આ શાદી શેખપુરાની સંબંધિત યુનિયન કાઉન્સિલમાં રજિસ્ટર કરાવવામાં આવી હતી.

તેમનું કહેવું છે કે સરબજીતકોર અને નાસિરહુસૈનની મુલાકાત સોશિયલ મીડિયા પર થઈ હતી.

ઇસ્લામ સ્વીકાર્યો, પછી શાદી કરી

વકીલ અહમદહસન પાશાએ જણાવ્યું કે 15 નવેમ્બરે તેમણે "બંનેને મારી ચૅમ્બરમાં બોલાવ્યાં હતાં જેથી તે બંને દેશોના અધિકારીઓની સામે પોતાનાં નિવેદન નોંધાવી શકે, પરંતુ તેઓ આવ્યાં નહીં અને હવે નાસિરહુસૈનનો મોબાઇલ ફોન પણ બંધ આવે છે."

તેમણે આશંકા વ્યક્ત કરી કે તેઓ 'પોતાની વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહીની સંભાવનાથી ડરેલાં છે'.

પાશાએ જણાવ્યું કે સરબજીતકોરના વિઝાની અવધિ હજુ સુધી વધી લંબાવાઈ અને આ મામલે તેમણે લાહોર હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

સોમવારે આ કેસની સુનાવણી થઈ શકે છે.

શેખપુરા પોલીસ અનુસાર, સરબજીતકોર અને નાસિરહુસૈનને શોધવા માટે અધિકારીઓની એક ટીમને ફારુખાબાદ મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં ઘરે તાળું મારેલું છે.

પોલીસનું કહેવું છે કે હજુ સુધી એ પણ જાણવા નથી મળ્યું કે નાસિરહુસૈન અને તેમનો પરિવાર ક્યાં છે.

શેખપુરા જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ મુહમ્મદ ખાલિદ મહમૂદ વરાઇચની અદાલતમાં જમા કરાવેલા દસ્તાવેજો અનુસાર, સરબજીતકોરે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને તેમને 'નૂર' નામ આપવામાં આવ્યું.

5 નવેમ્બરે ઇસ્લામ ધર્મ અપનાવ્યા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

અદાલતમાં જમા કરાવવામાં આવેલા મૅરેજ સર્ટિફિકેટ અનુસાર, નાસિરહુસૈનની ઉંમર 43 વર્ષ છે. મૅરેજ સર્ટિફિકેટ અનુસાર, મેહરની રકમ 10,000 રૂપિયા નક્કી કરાઈ હતી.

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાસિરહુસૈન પહેલાંથી પરિણીત છે અને તેમણે બીજી શાદી માટે પરવાનગી લેવી જરૂરી નથી.

'નવ વર્ષથી ઓળખાણ હતી'

સરબજીતકોર ભારતમાં પંજાબના કપૂરથલા જિલ્લાનાં રહેવાસી છે, જ્યાંની પોલીસનું કહેવું છે કે કેસની તપાસ ચાલી રહી છે.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, તેઓ લગભગ 2,000 શીખ તીર્થયાત્રાળુઓના એક સમૂહનો ભાગ હતાં.

બધા તીર્થયાત્રાળુ 10 દિવસની યાત્રા પછી 13 નવેમ્બરે ભારત પાછા આવ્યા હતા, પરંતુ સરબજીતકોર તેમની સાથે પાછાં ન આવ્યાં.

કપૂરથલા પોલીસના એએસપી ધીરેન્દ્ર વર્માનું કહેવું છે કે સરબજીતકોરના ધર્મપરિવર્તનની પુષ્ટિ નથી થઈ શકી. તેમનું કહેવું છે કે તેમને જાન્યુઆરી 2024માં પાસપૉર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યો હતો.

ભારતીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરબજીતકોરના છૂટાછેડા થયેલા છે અને તેમને અગાઉનાં લગ્નથી બે પુત્રો છે, જ્યારે તેમના પૂર્વ પતિ લગભગ ત્રણ દાયકાથી ઇંગ્લૅન્ડમાં છે.

કપૂરથલા જિલ્લાના તલવંડી ચૌઘરિયાં ગામના એસએચઓ નિર્મલસિંહ અનુસાર, તેમને ગામના સરપંચ દ્વારા આ અંગે માહિતી મળી.

તેમણે જણાવ્યું કે પોલીસ હજુ સુધી સરબજીતકોરના પરિવાર સાથે વાત નથી કરી શકી.

બીજી બાજુ, વકીલ અહમદહસન પાશાએ બીબીસી સાથે એક વીડિયો શેર કર્યો, જેમાં સરબજીતકોર એવું કહેતાં સંભળાય છે કે તેમના છૂટાછેડા થયેલા છે અને તેમણે પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ અપનાવવા અને નાસિરહુસૈન સાથે શાદી કરવાનો નિર્ણય કર્યો છે. અને તેઓ નાસિરહુસૈનને નવ વર્ષથી ઓળખે છે.

વકીલ અહમદહસન પાશાએ જણાવ્યું કે સરબજીતકોર અને નાસિર ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતાં હતાં અને છ મહિના પહેલાં બંનેએ શાદી કરવાનો નિર્ણય કર્યો હતો.

પોલીસ પર હેરાન કરવાનો આરોપ

આ કેસમાં પાકિસ્તાન પોલીસ પર ધમકી આપવાનો અને ખોટો કેસ દાખલ કરવાનો આરોપ કરાયો છે.

જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની સમક્ષ દાખલ કરાયેલા મુકદમામાં સરબજીતકોરે કહ્યું કે તેમણે પોતાની મરજીથી નાસિરહુસૈન સાથે શાદી કરી હતી.

તેમણે કહ્યું છે, "કોઈએ મારું અપહરણ નથી કર્યું, મેં મારી મરજીથી શાદી કરી છે. હું મારાં માતાપિતાના ઘરેથી માત્ર ત્રણ કપડાં લઈને આવી હતી અને મારી પાસે બીજું કંઈ નહોતું."

"મારી શાદીના લીધે પોલીસ ખૂબ ગુસ્સામાં છે અને 5 નવેમ્બરની રાત્રે 9 વાગ્યે પોલીસ અધિકારી જબરજસ્તી અમારા ઘરમાં ઘૂસી આવ્યા અને મને પોતાની સાથે આવવા કહ્યું, પરંતુ મેં ના પાડી એટલે તેઓ ગુસ્સે થઈ ગયા."

ભારતીય મહિલાએ અદાલતને વિનંતી કરી કે તેમને અને તેમના પતિને પોલીસરક્ષણ આપવામાં આવે.

બીજી તરફ, શેખપુરા પોલીસના પ્રવક્તા રાણા યુનિસે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે પોલીસે કોઈ ભારતીય મહિલા કે તેમના પાકિસ્તાની પતિને હેરાન નથી કર્યાં.

તેમણે કહ્યું, "આ સંબંધમાં કરવામાં આવેલા આરોપ વાસ્તવિકતાથી વેગળા છે અને પોલીસને તેની સાથે કશો સંબંધ નથી."

રાણા યુનિસે ઉમેર્યું, "આ કેસ સંવેદનશીલ છે, તેથી અલગ-અલગ સંસ્થાઓ તેની નોંધ લઈ રહી છે અને પાકિસ્તાનના કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન