ગુજરાતનું ગામ જ્યાં લોકો પોતાની રસોઈ માટેનો ગૅસ જાતે જ બનાવે છે, આવક પણ મળે છે

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, આણંદ

આણંદ જિલ્લાનું મુજકુવા ગામ ત્યાં ઘરેઘરે બાયોગૅસ પ્લાન્ટને કારણે જાણીતું છે. આ ગામમાં અનેક ઘરો રસોઈ માટે એલપીજી ગૅસના સિલિંડર કે પછી લાકડાં કે છાણ પર નિર્ભર નથી, કારણ કે અનેક ઘરો પાસે પોતાના નાના-નાના ગોબર ગૅસના પ્લાન્ટ છે, જે એક પરિવારને પૂરતો થઈ જાય તેટલો ગૅસ દરરોજ ઉત્પન્ન કરી શકે છે, જેના કારણે આ ગામની અનેક મહિલાઓનું જીવન હકારાત્મક રીતે બદલાઈ ગયું છે.

જેમ કે 30 વર્ષનાં જાગૃતિબહેન પઢિયાર. એક સમય હતો કે તેમનો મોટાભાગનો સમય ગાયનું ગોબર ભેગું કરવામાં, છાણાં બનાવવામાં કે પછી રસોઈ માટે લાકડાં વીણવામાં જતો હતો. હવે તેની જગ્યાએ તેઓ સવારે માત્ર એક કલાક જ કામ કરે છે અને થોડા જ સમયમાં ગોબર ગૅસ તૈયાર થઈ જાય છે.

તેમના ઘરની બહાર જ બે ઘનમીટરનો બાયોગૅસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જે પાંચથી સાત સભ્યોના પરિવારને બે વખતની રસોઈ માટે પૂરતો ગૅસ ઉત્પન્ન કરી આપે છે.

વર્ષ 2018માં માત્ર બે-ચાર ઘરોથી શરૂ થયેલા બાયોગૅસ પ્લાન્ટ લગાવવાના આ ક્રમ હવે ગામનાં 125 જેટલાં ઘરો સુધી પહોંચી ગયો છે, અને આવનારા દિવસોમાં તેની સંખ્યા વધવાની છે.

કેવી રીતે ચાલે છે બાયોગૅસ પ્લાન્ટ?

આ ગામની મહિલાઓ દરરોજ સવારે ગાયનો ક્યારો સાફ કરીને આશરે 50 કિલો જેટલું ગોબર પાણી સાથે ભેળવી તેને પ્રવાહી બનાવે છે અને બાયોગૅસના સીલ્ડ કંપોસ્ટ બૅગમાં નાખી દે છે.

સામાન્ય રીતે ગામની મહિલાઓને આ માટે લગભગ એક કલાકનો સમય લાગે છે. ગોબરને એક પ્લાસ્ટિકના ડબ્બામાં નાખી, તેમાં પાણી ઉમેરી તેને ભેળવીને આ પ્રવાહીને સીલ્ડ કંપોસ્ટ બૅગમાં એક પાઇપ મારફતે ઉલેચી દેવામાં આવે છે. બસ, મહિલાઓનું એ દિવસનું કામ પૂરું થઈ જાય છે.

કારણ કે તડકામાં મૂકેલી આ બૅગમાં ગોબરમાં રહેલા મીથેન અને કાર્બન ગૅસનું સ્વરૂપ લઈ લે છે અને એક પાઇપલાઇન થકી ઘરના રસોડા સુધી પહોંચી જાય છે.

આ પ્રક્રિયામાં વધેલું પાણી અને ગોબર સ્લરી સ્વરૂપે પ્લાન્ટની પાસે જ બનાવેલી એક અન્ડરગ્રાઉન્ડ કુંડીમાં જાય છે. જેમ મહિલાઓ પોતાના પશુધનનું દૂધ તેની ફૅટ પર આધારિત કિંમત પ્રમાણે વેચે છે, તેવી જ રીતે આ સ્લરીમાં રહેલા પોષક તત્ત્વોને આધારે એક લીટરના 70 પૈસાથી માંડી બે રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.

દરેક પરિવાર દૂધ વેચીને આવક તો મેળવે જ છે, પરંતુ તેની સાથે ગોબરથી બાયોગૅસ અને મહિને આશરે 1000 લીટર જેટલી સ્લરી વેચીને તેમાંથી પણ આવક મેળવે છે.

આ વિશે ગામનાં જ રેખાબહેન પઢિયાર કહે છે કે, "સમાન્ય રીતે દરેક પરિવાર વર્ષે 20 થી 25 હજારની વધારાની આવક માત્ર સ્લરી વેચીને મેળવે છે. આ સ્લરી અમે અમારાં ખેતરોમાં પણ ઉપયોગ કરીએ છીએ."

બાયોગૅસથી મળતી સ્લરી ખેતીમાં કેવી રીતે ફાયદો કરે છે?

સામાન્ય રીતે બાયોગૅસ બનાવતાં તેમાંથી મળતી સ્લરી ખેતરની ઊપજ શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે આ ગામના ખેડૂત મહેશભાઈ પઢિયાર છેલ્લાં બે વર્ષથી પોતાના ખેતરમાં સ્લરીનો નિયમિત ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે તેમની ખેતીની આવકમાં વધારો થયો છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "સ્લરીને ટૅન્કરમાં નાંખી તેને ખેતરમાં ફેરવી દેવાથી ઘણી અસર પડે છે. ઑર્ગેનિક ખેતીમાં પણ તે ફાયદાકારક છે. કારણ કે તેમાં રહેલા કુદરતી કાર્બનને કારણે જમીનની ક્ષમતા વધી છે અને ખેતપેદાશોમાં વધારો થયો છે."

મહેશભાઈ હવે રીંગણાં અને મરચાં જેવાં શાકભાજીની ખેતી કરે છે અને તેમાંથી સારી કમાણી કરે છે.

તેમની જેમ જ આ ગામના રહેવાસી રાજેશભાઈ પઢિયાર પણ પોતાના ખેતરમાં નિયમિત રીતે સ્લરીનો ઉપયોગ કરી રહ્યા છે.

તેઓ કહે છે કે, "અમે પાઇપ મારફતે પાણીની જેમ સ્લરીને ખેતરમાં છોડી દઈએ છીએ. આવું મહિને એક વખત કરવાથી જમીનની ક્વૉલિટીમાં ઘણો ફરક પડી રહ્યો છે."

કેવી રીતે શરૂઆત થઈ મુજકુવા ગામમાં બાયોગૅસ પ્લાન્ટની?

વર્ષ 2017માં આ ગામના હાલના સરપંચ ડાહ્યાભાઈ પઢિયાર સહિત અનેક આગેવાનોને નૅશનલ ડેરી ડેવલપમૅન્ટ બોર્ડે બાયોગૅસ પ્લાન્ટ ચાલતા હોય તેવી અમુક ગામડાંની મુલાકાત કરાવી હતી.

ત્યાર બાદ સૌપ્રથમ પ્લાન્ટ ડાહ્યાભાઈના ઘરે શરૂ કરવામાં આવ્યો હતો. જો કે તે સમયે સિમેન્ટના ડોમ હોવાથી તેમાં પ્રારંભિક તબક્કે સફળતા મળી નહોતી, કારણ કે તેમાં વારંવાર રિપેરિંગની જરૂર પડતી હતી.

ડાહ્યાભાઈ વધુમાં કહે છે કે, "અમે સતત તે દિશામાં કામ કરી રહ્યા છીએ કે વધુમાં વધુ લોકો પોતાના ઘરની બહાર બાયોગૅસનો પ્લાન્ટ લગાવે. આ માટે અમે NDDB અને અન્ય તમામ સાથે સતત ચર્ચા કરીએ છીએ અને આવનારા સમયમાં વધુ પ્લાન્ટ લગાવવાનો પ્રયાસ કરીએ છીએ."

ત્યારે પછી સિમેન્ટના ડોમની જગ્યાએ મોટા સીલ્ડ કંપોસ્ટ બૅગ મૂકવામાં આવ્યા અને મહિલાઓનું કામ સરળ બની ગયું.

ડાહ્યાભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "આ પછી કામ ઓછું થઈ ગયું. ગોબરને તો એમ પણ ઉપાડી બીજે ક્યાંક મૂકવું જ પડે, તેની જગ્યાએ ગોબર અને પાણી આ બૅગમાં નાખી દેવાથી મહિલાઓનો સમય બચ્યો, અને પ્લાન્ટમાં પણ કોઈ તકલીફ આવી નહીં. જેના કારણે એક પછી એક પ્લાન્ટની સંખ્યા વધતી ગઈ અને હાલ 125 જેટલા પ્લાન્ટ સારી રીતે ચાલી રહ્યા છે."

તેઓ કહે છે કે, "આ પ્લાન્ટ સામાન્ય રીતે ગાયની ગમાણ પાસે બનાવવામાં આવે છે, જેમાં એક ખાડો કરીને પ્લાન્ટ ઊભો કરવામાં આવે છે. એટલે ખેડૂત માટે બહુ કામ રહેતું નથી, જેના કારણે આ પ્લાન્ટ લગાવનારા લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે."

શું છે પડકારો?

એક વખત પ્લાન્ટ લગાવી દીધા બાદ મોટા પડકારો તો રહેતા નથી, પરંતુ બીબીસી ગુજરાતીની ટીમે ગામની મુલાકાત લીધી ત્યારે અમુક પ્લાન્ટ સારી સ્થિતિમાં ન હતા.

જેમ કે રાજેશભાઈ પઢિયારના ઘરે પ્લાન્ટનો ઉપયોગ થતો નહોતો. તેમણે કહ્યું કે, "ઘણી વખત સ્લરીનો નિકાલ જલદી ન થવાને કારણે અમારે પ્લાન્ટનો ઉપયોગ બંધ કરવો પડે છે. કારણ કે સ્લરીની ટાંકી ભરેલી હોય ત્યારે પ્લાન્ટ ચલાવી શકાતો નથી."

NDDBએ ઑર્ગેનિક ખાતર બનાવવા માટે આણંદમાં જ એક પ્લાન્ટ બનાવ્યો છે, જે ફરતી પદ્ધતિથી દરેક ખેડૂતની સ્લરી ઉઘરાવે છે અને તેની ક્વૉલિટી પ્રમાણે તેની કિંમત ચૂકવે છે. જો કે ઘણી વખત વેચાણમાં મોડું થવાથી પ્લાન્ટ અટકી જાય છે, તેવું અમુક ખેડૂતોએ જણાવ્યું.

NDDBના ઇનોવેશન ઍન્ડ પ્રોજેક્ટ મૅનેજમેન્ટના જનરલ મૅનેજર વિનયભાઈ પટેલે જણાવ્યું કે, "સામાન્ય રીતે દરેક ખેડૂતનો વારો હોય છે અને તે પ્રમાણે સ્લરી લેવામાં આવે છે. ખેડૂતો વધારાની સ્લરી પોતાના ખેતરમાં પણ ઉપયોગ કરે છે. ધ્યાન રાખવામાં આવે છે કે સ્લરીનો નિકાલ યોગ્ય અને જલદી થાય."

કેવી રીતે શરૂઆત થઈ મુજકુવા મૉડલની?

આ માટે શરૂઆત NDDBએ કરી હતી. એક પ્લાન્ટ બનાવવા માટે આશરે 25,000 રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાંથી માત્ર પાંચ હજાર રૂપિયા જ લાભાર્થીએ આપવા પડે છે અને બાકી રકમ NDDB અને સરકાર આપે છે.

પટેલ જણાવે છે કે, "પશુપાલનનું મોટું કામ ઘરની મહિલાઓ જ કરતી હોય છે. ગોબરનો નિકાલ કરવો એક મોટી સમસ્યા હતી. માટે અમને વિચાર આવ્યો કે જો ગામમાં આ પ્રકારના પ્લાન્ટથી ગોબરથી ગૅસ તથા સ્લરી મળી શકે અને મહિલાઓને વધારાની આવક પણ મળે તો સારું."

પ્રથમ તબક્કે થોડા લોકો પ્લાન્ટ માટે આવ્યા હતા, પરંતુ હવે તેની સંખ્યા મુજકુવા ગામમાં 125 મકાનો સુધી પહોંચી છે. પટેલ કહે છે કે, "મુજકુવા મોડલ હવે 30 હજારથી વધુ ઘરોમાં કાર્યરત છે, જે અમારું મોટું કામ છે."

કેવી રીતે મદદ કરે છે બાયોગૅસ ગ્રીનહાઉસ ગૅસની અસર ઘટાડવામાં?

નિષ્ણાતો પ્રમાણે ગોબરમાં મીથેન અને કાર્બન નામના બે ગૅસ હોય છે. આ બન્ને પર્યાવરણ માટે નુકસાનકારક છે.

ખુલ્લામાં પડેલા ગોબરમાંથી મીથેન અને કાર્બન ડાયોક્સાઇડ નીકળીને વાતાવરણમાં ભળી જાય છે, જે જળવાયુ માટે ખૂબ ખતરનાક છે.

એક અહેવાલ પ્રમાણે, વાતાવરણમાં લગભગ 14 ટકા જેટલા ગ્રીનહાઉસ ગૅસો પશુપાલનને કારણે થાય છે. એક પશુ આશરે 250 થી 500 લીટર જેટલો મીથેન એક દિવસમાં પેદા કરે છે, જે વાતાવરણમાં જાય છે.

બાયોગૅસ પ્લાન્ટના નિષ્ણાત શ્રીનિવાસ કુસાવા કહે છે કે, "મીથેનને વાતાવરણમાં ભળતા અટકાવવા માટે તેનો બાયોગૅસ બનાવી તેને ઈંધણ તરીકે વાપરી શકાય, જેથી ગામડાંમાં ઈંધણની સમસ્યા દૂર થાય અને પર્યાવરણ પણ સ્વચ્છ રહે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન