આધાર કાર્ડમાં આવી રહ્યા છે મોટા ફેરફાર, જાણો નવા કાર્ડ કેવી રીતે બનશે?

આધાર કાર્ડ અત્યારે દરેક જગ્યાએ ઓળખથી લઈને સરનામાના પુરાવા તરીકે વાપરવામાં આવે છે. લોન જોઈતી હોય, પાસપૉર્ટ કઢાવવો હોય કે પછી પાન કાર્ડ કઢાવવું હોય, દરેક જગ્યાએ આધાર માંગવામાં આવે છે. શાળાનાં મોટાં ભાગનાં બાળકોના પણ આધાર નંબર કાઢવામાં આવેલા છે.

આધારના વ્યાપક વપરાશના કારણે તેનો દુરુપયોગ પણ થાય છે તેવી ફરિયાદ થઈ રહી છે. કારણ કે તેમાં વ્યક્તિની ઓળખ, જન્મ તારીખ, સરનામું વગેરે છતાં થઈ જાય છે. તેના ઉકેલ માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) દ્વારા નવા આઈડી લાવવાની વિચારણા છે જેમાં વ્યક્તિનું સરનામું કે જન્મતારીખ દર્શાવવામાં નહીં આવે.

નવા આધારમાં માત્ર ફોટો અને એક ક્યુઆર કોડ આપવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે. એટલે કે 12 આંકડાનો આધાર નંબર પણ છાપવામાં નહીં આવે.

અહીં આધારના નવા ફેરફાર અને સુધારા વિશે માહિતી આપવામાં આવી છે.

આધારમાં કેવા સુધારા થવાના છે?

UIDAIના સીઈઓ ભુવનેશકુમારે તાજેતરમાં એક ઑનલાઇન કૉન્ફરન્સમાં જણાવ્યું કે તેઓ ડિસેમ્બર મહિનાથી એક નવો નિયમ લાવવા વિચારે છે. તેનો હેતુ આધારના ઑફલાઇન વેરિફિકેશનને ઘટાડવાનો છે. ખાસ કરીને હોટેલ, ઇવન્ટ ઑર્ગેનાઈઝરો દ્વારા ઑફલાઇન વેરિફિકેશન કરવામાં આવે છે, તેને નિરુત્સાહ કરવાની યોજના છે. આધારનું ઑનલાઇન વેરિફિકેશન થાય તો વ્યક્તિની ઓળખની પ્રાઇવસી જળવાઈ રહેશે.

તેમણે કહ્યું હતું કે "આધાર કાર્ડ પર કેવી વિગત હોવી જોઈએ તેની એક થોટ પ્રોસેસ હોય છે. તેમાં માત્ર એક ફોટો અને ક્યુઆર કોડ હોવા જોઈએ. આપણે જો પ્રિન્ટિંગ ચાલુ રાખીશું તો લોકો જે પ્રિન્ટ કરવામાં આવ્યું હોય તેને સ્વીકારતા રહેશે. જે લોકો તેનો દુરુપયોગ કઈ રીતે કરવો તે જાણે છે, તેઓ દુરુપયોગ કરતા રહેશે."

આધારના ઑથેન્ટિકેશન માટે નવી ઍપ

હાલના આધાર ઍક્ટ પ્રમાણે ઑફલાઇન વેરિફિકેશન માટે આધાર નંબર કે બાયૉમેટ્રિક માહિતીને એકત્ર કરવાની, ઉપયોગ કરવાની કે સ્ટોરેજ કરવાની મનાઈ છે. છતાં ઘણી જગ્યાએ તમારા આધાર કાર્ડની ઝૅરૉક્સ કૉપી રાખવામાં આવે છે. જેમ કે હોટલમાં ચેક-ઇન કરતી વખતે બધા ગેસ્ટના આધાર કાર્ડના ફોટા પાડીને સાચવવામાં આવે છે. આ રીતે આધારના નંબર અને માહિતીનો સ્ટોરેજ થાય છે. હવે ફિઝિકલ કૉપીનું ઑફલાઇન વેરિફિકેશન ઘટાડવા માટે નવો નિયમ આવી શકે છે. પહેલી ડિસેમ્બરે આ દરખાસ્તની સમીક્ષા થવાની છે.

UIDAIના સીઈઓ ભુવનેશકુમારે એમ પણ કહ્યું હતું કે આધારનો ક્યારેય ડૉક્યુમેન્ટ તરીકે ઉપયોગ થવો ન જોઈએ. તેને માત્ર આધાર નંબર દ્વારા ઑથેન્ટિકેટ કરવું જોઈએ અથવા ક્યુઆર કોડ દ્વારા જ વેરિફિકેશન થવું જોઈએ. નહીંતર તે બનાવટી ડૉક્યુમેન્ટ હોઈ શકે છે.

નવી આધાર ઍપમાં કેવી વિશેષતા છે?

UIDAI દ્વારા આધારની નવી ઍપ પણ લૉન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા સરનામાના પુરાવા અપડેટ કરી શકાશે, જેમની પાસે મોબાઇલ ન હોય તેવા પરિવારજનોને ઉમેરી શકાશે, ફેસ ઑથેન્ટિકેશન ફીચર દ્વારા મોબાઇલના નંબર અપડેટ કરી શકાશે.

આગળ જતા આ આધાર ઍપને સિનેમા હૉલમાં ઍન્ટ્રી, કોઈ ઇવેન્ટમાં પ્રવેશ માટે, હોટલમાં ચેક-ઈન કરવા, સ્ટુડન્ટ વેરિફિકેશન, રેસિડેન્શિયલ સોસાયટીઓમાં પ્રવેશવા માટે પણ ઉપયોગ કરી શકાશે.

આધાર વિશે કેટલીક સ્પષ્ટતાઓ

આધાર એ શેનો પુરાવો છે? તેના વિશે ઘણા લોકોમાં ગૂંચવણ પ્રવર્તે છે.

વાસ્તવમાં આધાર એ માત્ર ઓળખનો પુરાવો છે. તેને નાગરિકતાનો પુરાવો ગણવામાં નથી આવતો તેમજ તે જન્મતારીખનો પુરાવો પણ નથી.

તાજેતરમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મતદાર યાદીમાં નાગરિક તરીકે નામ ઉમેરવા માટે એકલા આધારને પુરાવો ગણી શકાય નહીં.

તેવી જ રીતે આધાર એ સરનામાનો પુરાવો પણ નથી. તેના બદલે પાસપૉર્ટ, વીજળી-દૅસ બિલ, બૅન્ક સ્ટેટમેન્ટ, ભાડાના ઍગ્રીમેન્ટને સરનામાના પુરાવા ગણવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન