ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણ ઘટીને 15 વર્ષના તળિયે, નાના રોકાણકારોને કેવી અસર થશે?

ભારત પર અમેરિકાએ ટેરિફ ઝીંક્યા ત્યારથી શૅરબજાર વારંવાર હચમચી જાય છે, છતાં છેલ્લા એક વર્ષમાં શૅરબજાર લગભગ 10 ટકા વધ્યું છે.

બીજી તરફ વિદેશી પૉર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)નો ભારતીય કંપનીઓમાં વિશ્વાસ ઘટી રહ્યો હોય તેવું લાગે છે.

નૅશનલ સ્કૉટ ઍક્સ્ચેન્જ (એનએસઈ)નો તાજેતરનો રિપોર્ટ કહે છે કે સપ્ટેમ્બર મહિનાના અંતે એનએસઈ પર લિસ્ટેડ કંપનીઓમાં એફપીઆઈનું રોકાણ ઘટીને 15 વર્ષના તળિયે પહોંચી ગયું હતું. એનએસઈ લિસ્ટેડ કંપનીઓમાં એફપીઆઈ 16.9 ટકા માલિકી ધરાવે છે.

એનએસઈના રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ભારતીય કંપનીઓમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સની ખરીદી સતત વધતી જાય છે.

સળંગ નવમા ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડ્સની માલિકી વધીને 10.9 ટકા થઈ હતી. ભારતમાં દર મહિને એસઆઈપી (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સમાં જંગી રકમ ઠાલવવામાં આવે છે, જેના કારણે મ્યુચ્યુઅલ ફંડ્સની માલિકી વધી રહી છે. ઑક્ટોબર 2025 મહિનામાં 29,500 કરોડ કરતાં વધુ રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકવામાં આવી હતી.

NSE પર લિસ્ટેડ કંપનીઓમાં એફપીઆઈની માલિકી ઘટતી જતી હોય તેવો ટ્રૅન્ડ કેટલાક સમયથી જોવા મળે છે. ઑગસ્ટ 2025નો એક રિપોર્ટ કહે છે કે જૂન ક્વાર્ટરના અંતે એનએસઈ લિસ્ટેડ કંપનીઓમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો ઘટીને 13 વર્ષના તળિયે પહોંચી ગયો હતો. તે સમયે એફપીઆઈનો હિસ્સો 17.3 ટકા હતો.

વિદેશી રોકાણકારો કેમ મૂડી પાછી ખેંચી રહ્યા છે?

વિદેશી પૉર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ શા માટે સેલિંગ કરી રહ્યા છે અને તેનાથી ભારતના રોકાણકારોને કેવી અસર થશે? તે જાણવા બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો સાથે વાત કરી હતી.

અમદાવાદસ્થિત એક સ્ટૉક બ્રોકિંગ કંપનીના વડા ગુંજન ચોકસીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "એફપીઆઈ ભારતીય માર્કેટમાંથી મૂડી પાછી ખેંચી રહ્યા છે તેનું સૌથી મોટું કારણ એ છે કે ભારતીય બજાર જેટલું વધ્યું છે તેના પ્રમાણમાં તેમને ફાયદો મળ્યો નથી. કારણ કે ડૉલર સામે રૂપિયાની વૅલ્યૂ ઘટતી જાય છે. રૂપિયો ઘસાતો રહે ત્યાં સુધી એફપીઆઈને નુકસાન જાય છે."

તેઓ આખી વાત સમજાવતા કહે છે, "કોઈ વિદેશી રોકાણકારે 2020માં ભારતીય બજારમાં રોકાણ કર્યું હોય તો 100 ડૉલરની સામે લગભગ 6,500 રૂપિયા મળ્યા હશે. આજે આ રૂપિયા વધીને 8,500 થઈ ગયા હશે. આ રૂપિયાને તેઓ ડૉલરમાં કન્વર્ટ કરે તો માત્ર 98 ડૉલર થાય છે. તેથી રૂપિયો ઘસાવાથી એફપીઆઈને એટલો ફાયદો થતો નથી. તેમનો રિટર્ન ઑન ઇન્વેસ્ટમેન્ટ (આરઓઆઈ) 10 ટકા કરતાં પણ નીચો છે. જ્યારે તેઓ વિકાસશીલ દેશોમાં કમસે કમ 15 ટકા જેટલા આરઓઆઈની અપેક્ષા રાખતા હોય છે."

"શૅરનો ભાવ 20 ટકા વધે પરંતુ તેની સામે રૂપિયાની વૅલ્યૂ 20 ટકા ઘટી હોય તો રિટર્ન સરભર થઈ જાય છે. આ સૌથી મોટી ચિંતા છે," એવું તેઓ કહે છે.

ભારતીય શૅરો વધુ પડતા મોંઘા છે?

ઇન્વેસ્ટએલાઇન પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ ગુંજન ચોક્સી સ્વીકારે છે કે ભારતીય શૅરબજારનું વૅલ્યૂએશન વધારે છે. પરંતુ તેમના માનવા પ્રમાણે કોઈ પણ એફપીઆઈ બે-ત્રણ વર્ષના વિઝન સાથે રોકાણ નથી કરતા હોતા.

તેઓ કહે છે, "વિદેશી રોકાણકારોની યોજના 10થી 15 વર્ષના લૉંગ ટર્મ રોકાણની હોય છે. તેથી તેમને વૅલ્યૂએશન હાઈ હોય તો પણ બહુ ફરક નથી પડતો હોતો."

ફાઇનાન્સિયલ સર્વિસ કંપની યુબીએસ ગ્લોબલ માર્કેટના ભારતીય હેડ ગૌતમ છાવછરિયાએ ઈટી નાઉને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે ભારતીય બજારનાં વૅલ્યૂએશન હજુ ઊંચાં છે અને બજાર પ્રીમિયમ ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.

FPI હવે કયા બજારમાં જાય છે?

ભારતીય કંપનીઓમાંથી જે એફપીઆઈ નાણાં ઉપાડી લે તેઓ કઈ જગ્યાએ મૂડી ઠાલવે છે? આ સવાલના જવાબમાં ગુંજન ચોક્સી કહે છે કે "છેલ્લા છ મહિનામાં તો કોઈ મોટો ફેરફાર જોવા નથી મળ્યો. પરંતુ તે અગાઉ ઘણા એફપીઆઈ ચીનનાં બજારમાં રોકાણ કરતા હતા. તેનું કારણ છે કે ચીનનું બજાર લગભગ ચાર વર્ષથી સ્થિર હતું. ત્યાર પછી બે વર્ષમાં ચીનમાં બજાર વધ્યું છે. જોકે, એફપીઆઈ ભારતમાંથી ફંડ કાઢીને ચીનના માર્કેટમાં રોકતા હતા તેવું પણ કહી ન શકાય."

તેમણે કહ્યું કે, "અમેરિકામાં બૉન્ડમાં તેમને ચારથી સાડા ચાર ટકાનું જોખમ મુક્ત વળતર મળી રહ્યું છે. તેથી તેઓ ભારતમાં ત્યારે જ રોકાણ કરે જ્યારે ઓછામાં ઓછા 10 ટકા વળતર મળતું હોય. તેનાથી ઓછું વળતર તેમના માટે લાભદાયક નથી."

બજારને ડોમેસ્ટિક ફંડનો ટેકો

ભારતીય બજાર હાલમાં ટકી રહ્યું છે તેનું એકમાત્ર કારણ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સનું રોકાણ છે.

2012 કે 2014-15માં એફપીઆઈનું આટલું વધારે વેચાણ થયું હોત તો ભારતીય માર્કેટ કદાચ ઑલ-ટાઇમ નીચી સપાટી પર હોત એવું ગુંજન ચોક્સી માને છે.

તેમણે કહ્યું કે, "જાન્યુઆરી 2024થી ડિસેમ્બર 2025 સુધી ભારતીય બજાર ટકી રહેવાનું કારણ ડોમેસ્ટિક ફંડનો ઇન-ફ્લો જવાબદાર છે. કોવિડ પછી લોકોને લાગ્યું છે કે હાયર રિસ્ક તરફ જવું જોઈએ. ફિક્સ્ડ ડિપોઝિટના દર પાંચથી સાડા પાંચ ટકા સુધી આવી ગયા હતા. તેમાં હાયર બ્રેકેટમાં આવતા લોકોને તો માંડ ત્રણથી સાડા ત્રણ ટકા રિટર્ન મળતું હતું. તેથી મોટા રોકાણકારો સાડા ત્રણ ટકા માટે એફડીમાં મૂડી રોકવા કરતા મ્યુચ્યુઅલ ફંડમાં ઠાલવવા લાગ્યા છે. યુવા વર્ગ પણ મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ વળ્યો છે."

નાના રોકાણકારો માટે કેટલું ચિંતાજનક?

ગુંજન ચોક્સીના માનવા પ્રમાણે ભારત એ વિદેશી રોકાણકારો પર આધારિત બજાર છે તે ચિત્ર હવે ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. તેઓ કહે છે કે "એફપીઆઈનું વેચાણ ચોક્કસપણે ચિંતાનું કારણ છે, છતાં દોઢ વર્ષથી આપણે જોઈએ છીએ કે એફપીઆઈના સેલિંગને ભારતીય બજાર એટલી ગંભીરતાથી નથી લેતું.

જોકે, તેઓ કહે છે કે, "નાના રોકાણકારોને હાલમાં તો ચિંતા કરવી પડે તેવું લાગતું નથી. પરંતુ આ ટ્રૅન્ડ બહુ લાંબા સમય સુધી ચાલે તે ઇચ્છનીય નથી કારણ કે વિદેશી રોકાણકારો સેલિંગ વધારશે તેમ રૂપિયો વધારે નબળો થશે."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન