You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માતા બન્યાં બાદ મહિલાઓમાં સેક્સની ઇચ્છા કેમ ઓછી થઈ જાય છે, તેનો ઉકેલ શો છે?
- લેેખક, એમિલી હોલ્ટ
- પદ, બીબીસી ન્યૂઝ
સેક્સ ઘણા લોકોના સંબંધોનો એક અભિન્ન હિસ્સો છે, પરંતુ યુનાઇટેડ કિંગ્ડમની નૅશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ, ગર્ભાવસ્થા અને બાળજન્મ જેવી જીવન બદલી નાખતી ઘટનાઓ પછી કેટલાક લોકો માટે સેક્સમાં ઘટાડો સામાન્ય બાબત છે.
રિયાલિટી ટીવી સ્ટાર અને ફિટનેસ કોચ હોલી હેગન-બ્લિથ કહે છે કે તેમના પુત્રના જન્મ પછી તેમની સાથે આવું થયું હતું.
CBeebies પેરન્ટિંગ હેલ્પલાઈનનું સહ-સંચાલન કરતી વખતે હોલીએ કહ્યું હતું, "તમે મને ફરી ક્યારેય સ્પર્શ નહીં કરો તો મને કોઈ તકલીફ નથી, એવું હું કહી શકી હોત, કારણ કે એ સમયે મને સાચે જ એવું લાગતું હતું."
સેક્સ અને રિલેશનશિપ થૅરપિસ્ટ રશેલ ગોલ્ડે જણાવ્યું હતું કે છ સપ્તાહની પોસ્ટનેટલ તપાસ પછી માતાઓએ ફરીથી સેક્સ માણવા તૈયાર થવું જોઈએ, એવી અપેક્ષા રાખવામાં આવે છે.
"ફરીથી સેક્સ માણવાનો સમય આવી ગયો છે, એવું માનવાની મૂર્ખાઈ લોકો કરે છે, પરંતુ એ સાચું નથી," એમ રશેલે કહ્યું હતું.
માતા બન્યા બાદ સેક્સ સંબંધોમાં અંતર
હોલીના જણાવ્યા મુજબ, 2023માં તેમના પુત્ર આલ્ફા-જેક્સના જન્મ પછી સેક્સ માણવાની તેમની ઇચ્છામાં ઘટાડો થયો હતો અને તેઓ કોઈ પણ પ્રકારના અંતરંગ સંબંધોથી દૂર રહેવા લાગ્યાં હતાં.
તેમણે કહ્યું હતું, "સ્પર્શ કરવો કે આલિંગન આપવું એમ કોઈ પણ પ્રકારે હું મારા પતિ જેકબને સ્નેહ આપતી હતી ત્યારે મને થતું હતું કે એ અભિવ્યક્તિ મને સેક્સ તરફ લઈ જશે અને હું એવું ઇચ્છતી ન હતી."
"હું તેમના માટે કંઈ પણ કરવામાં નકારાત્મક લાગણી અનુભવવા લાગી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હોલીના કહેવા મુજબ, પતિ સાથે મોકળા મને વાત કરવાથી તેમને મદદ મળી છે.
"હું તમને આલિંગન કરું કે સ્પર્શું તેને આપણે આગળના તબક્કામાં લઈ જઈ ન શકીએ ત્યારે મને વિચિત્ર લાગણી થાય છે, કારણ કે મને એવું કરવાની ઇચ્છા નથી હોતી, એવું મેં કહ્યું અને તરત જ બધું અચાનક બહેતર થઈ ગયું હતું, કારણ કે મારા પરનું દબાણ ખતમ થઈ ગયું હતું."
હોલીના પતિ જેકબને એ વાતની ચિંતા હતી કે પત્ની તેમને હવે પસંદ કરતી નથી.
હોલીએ કહ્યું, "મેં તેમને કહ્યું હતું કે આ બાબતને તમારી સાથે કશું લાગતું-વળગતું નથી એ તમારે સમજવું પડશે. મને આ ક્ષણે એવી અનુભૂતિ થઈ રહી છે, પરંતુ તમારા વિશે હું કશું જ અલગ વિચારતી નથી."
"મને અત્યારે સેક્સ કરવાની જરાય ઇચ્છા નથી. કદાચ આગામી કેટલાક મહિનાઓ સુધી પણ નહીં થાય. આ મારી સમસ્યા છે અને મારે તેનું નિરાકરણ કરવું જરૂરી છે."
હોલી માને છે કે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરતાં યુગલો એકમેકની સાથે મોકળા મને વાત કરી શકે.
"લોકો કહે છે કે બાળકના જન્મ પછી સંબંધ બદલાઈ જાય છે, પરંતુ તમે તેમાં સામેલ ન હો ત્યાં સુધી એ કેટલો બદલાઈ ગયો છે, તેનો અહેસાસ ખરેખર થતો નથી."
વિશેષજ્ઞો શું કહે છે?
પ્રસૂતિ અને સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. જૅનિફર લિંકનના કહે છે કે, પ્રસવ પછી માતાઓ સેક્સ ન માણવા ઇચ્છતી હોવાનાં ઘણાં કારણો હોઈ શકે છે.
તેઓ કહે છે, "એ દરમિયાન શરીરમાં ઘણું બધું થતું હોય છે. ગર્ભાશયને ગર્ભાવસ્થા પહેલાંના આકારમાં આવતાં લગભગ છ સપ્તાહ લાગે છે. યોનિ કે પેરેનિયમમાંના ઉઝરડા પણ ઠીક થઈ રહ્યા હોય છે."
મહિલાઓમાં મોટા હૉર્મોનલ ફેરફાર થતા હોય છે, જેની તેમની કામેચ્છા પર અસર થઈ શકે છે.
"ઍસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ બહુ ઘટી જાય છે. ઍસ્ટ્રોજનમાં ઘટાડાને કારણે યોનિમાં શુષ્કતા જેવા શારીરિક ફેરફાર થઈ શકે છે. તેને કારણે યૌનસંબંધ પીડાદાયક બની શકે છે."
તેમણે કહ્યું કે "લોકો સામાન્ય રીતે એવું માને છે કે તમામ મહિલાઓ રજોનિવૃત્તિ સમયે હૉર્મોનના સ્તરમાં સૌથી ઝડપી ફેરફાર અનુભવતી હોય છે, પરંતુ વાસ્તવમાં આવું પ્રસૂતિ પછીના થોડા દિવસોમાં થતું હોય છે."
બાળકના જન્મ પછી સેક્સ વિશે પ્રૉફેશનલ સલાહ લેવી જરૂરી
આ બાબતની અસર માત્ર માતાઓને જ નથી થતી. CBeebies પેરન્ટિંગ હેલ્પલાઇનના એક શ્રોતા ફ્રેન્કીએ ત્રણ મહિના પહેલાં એક સંતાનને જન્મ આપ્યો હતો. ફ્રેન્કીએ કહ્યું હતું કે તેમણે તેમના પુરુષ પાર્ટનર સાથે સેક્સ માણવાનું છોડી દીધું હતું.
તેમણે કહ્યું કે "એ ક્ષણે મને મારા શરીરથી નફરત હોય છે અને હું માત્ર એટલું જ ઇચ્છતી હોઉં છું કે મારો પાર્ટનર મારા પર થોડું ધ્યાન આપે, પરંતુ એ મારી સાથે સેક્સ માણવા ઇચ્છતો નથી. હું ફસાઈ ગઈ હોંઉ એવું લાગે છે."
રાશેલના કહેવા મુજબ, પુરુષો તેમની લાગણી ઘણી વાર મોકળાશથી વ્યક્ત કરી શકતા નથી.
"પિતા બનવાથી એક પુરુષના મનમાં અનેક પ્રકારની વાતો ઊભરી આવે, જે તેને સેક્સથી વિમુખ કરવાનું બહુ જ મોટું કારણ હોઈ શકે."
પ્રસવ સંબંધી સખાવતી સંસ્થા એનસીટીનાં એક પ્રૅક્ટિશનર ફ્લેર પાર્કરે જણાવ્યુ હતું કે આવી લાગણીઓ સાથે કામ પાર પાડવું એ પુરુષ માટે પ્રાથમિકતા નથી.
"તમે શું અનુભવી રહ્યા છો, એ વિશે તમારા પાર્ટનર સાથે ઇમાનદારીપૂર્વક વાત કરવાથી ખરેખર મદદ મળી શકે. શું થઈ રહ્યું છે કે તમે શું વિચારી રહ્યા છો, તેની તમારા પાર્ટનરને ખબર છે, એવું ધારી લેશો નહીં."
જે યુગલો મુશ્કેલ દૌરમાંથી પસાર થતાં હોય તેમણે મદદ લેવી જોઈએ, એવી સલાહ જૅનિફર આપે છે.
"સંબંધમાં અતંરંગતા ફરી સ્થપાશે, એવું જાણતાં કેટલાંક નવાં માતાપિતા આસાનીથી પરિસ્થિતિને અપનાવી લે છે, જ્યારે કેટલાંક અન્યોને બહુ મુશ્કેલી થતી હોય છે."
"ભલે તે કપલ કાઉન્સેલિંગ હોય, સેક્સ થૅરપી હોય કે કોઈ શારીરિક સમસ્યા માટે ચિકિત્સા મૂલ્યાંકન હોય, પણ તેનાથી સંબંધમાં ગંભીર કલેશ થાય તો કોઈ પ્રૉફેશનલની મદદ લેવાની સલાહ હું આપું છું."
પ્રસૂતિ પછી ફરીથી સેક્સ ઇચ્છતાં યુગલોએ શું કરવું જોઈએ?
- કામેચ્છામાં ઘટાડાને નૉર્મલ બનાવવો બહુ જરૂરી છે. તે નૉર્મલ બાબત છે, એ વાતનો સ્વીકાર કરવાથી માત્ર "તમારા દિમાગમાં જ નહી," દોષભાવના અને દબાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
- આ પ્રકારના ફેરફારનો અનુભવ કરતી મહિલાઓએ તેમના શરીરની કુદરતી હીલિંગ પ્રક્રિયા બાબતે ધીરજ રાખવી જોઈએ.
- તમારી જરૂરિયાતો અને અપેક્ષાઓ બાબતે તમારા પાર્ટનર સાથે ખુલ્લા મને વાત કરો.
- અંતરંગતાને કામચલાઉ સ્વરૂપે નવી રીતે પરિભાષિત કરવામાં, ભાવનાત્મક જોડાણ અનેનૉન-સેક્સ્યુઅલ ટચ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પાર્ટનર બહુ સારી રીતે ટેકો આપી શકે.
- તેમાં સમગ્ર તણાવ ઘટાડવા માટે ઘરનાં કામકાજ અને બાળકોની દેખભાળ જેવી વધારે વ્યવહારું જવાબદારી લેવાનો પણ સમાવેશ હોઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન