સાત કરોડ રૂપિયાની લૂંટ : લૂંટારા રિઝર્વ બૅન્કના અધિકારી બનીને આવ્યા, 'રસ્તામાં ગાડીઓ બદલી' પૈસા લઈ લીધા

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બૅંગલુરુથી બીબીસી માટે

બૅંગલુરુ પોલીસે કહ્યું છે કે તેણે એક બૅન્કથી બીજી બૅન્ક સુધી રોકડ લઈ જતી ગાડીમાંથી ફિલ્મી અંદાજમાં કરાયેલી 7.11 કરોડ રૂપિયાની લૂંટના કેસને ઉકેલી નાખ્યો છે. સાથે જ આ કેસના આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે.

પોલીસે જણાવ્યું છે કે લૂંટના પૈસામાંથી 6.29 કરોડ રૂ.ની રોકડ કબજે પણ કરાઈ છે.

બૅંગલુરુ પોલીસ કમિશનર સીમાંતકુમારસિંહે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે અને બાકીની રકમ સાથે જ આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોનેય ટૂંક સમયમાં પકડી લેવાશે.

જે છે લોકોની ધરપકડ કરાઈ છે, આરોપી ગોપાલપ્રસાદ ગાડીની સુરક્ષા કરતા હતા, ઝેવિયર કૅશ મૅનેજમૅન્ટ સર્વિસિઝ (સીએમએસ)માં રહી ચૂક્યા હતા અને અન્નપ્પા નાઇક બૅંગલુરુના પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં તહેનાત હતા.

પોલીસે આ મામલાને ઉકેલવા માટે કર્ણાટક, કેરળ, તામિલનાડુ, તેલંગણા, આંધ્ર પ્રદેશ અને ગોવા સહિત દક્ષિણ ભારતનાં તમામ રાજ્યોમાં પોતાના 200 અધિકારીઓ અને જવાનોને કામે લગાડ્યા હતા.

ગૅંગના સભ્યોએ વાનચાલકને બંદૂક દેખાડીને રોકડની લૂંટ ચલાવી

આરોપીઓએ લૂંટ ચલાવ્યા બાદ, નકલી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો અને આવી જગ્યાઓએ રોકાઈને રોકડની બૉક્સ બદલી જ્યાં સીસીટીવી કૅમેરાની દેખરેખ કાં તો સાવ નહોતી કાં તો ના બરોબર હતી.

આ ઘટના બુધવારે બપોરે લગભગ 12 વાગ્યાને 49 મિનિટે થઈ, પરંતુ પોલીસ કમિશનર પ્રમાણે સીએમએસ નામની એજન્સીએ ઘટનાની માહિતી પોલીસને બપોરે એક વાગ્યાને 20 મિનિટે આપી.

પોલીસ કમિશનરે જણાવ્યું કે ગૅંગના સભ્યોએ વાનચાલકને બંદૂક દેખાડીને રોકડની લૂંટ ચલાવી.

પોલીસ અનુસાર, આ લૂંટ બૅંગલુરુ શહેરની વચોવચ ધોળા દહાડે થઈ, જે બાદ આરોપીઓને પકડવા માટે એક મોટું અભિયાન શરૂ કરાયું.

બૅંગલુરુના પોલીસ કમિશનર સીમાંતકુમારસિંહે બીબીસીને જણાવ્યું કે બુધવારે બપોરે એક એસયુવીમાં સવાર છ લોકોએ એક કૅશ ટ્રાન્સપૉર્ટ વાનને એક વ્યસ્ત રોડ પર રોકી હતી.

એ સમયે એ ટ્રાન્સપૉર્ટ વાન એક બૅન્ક શાખામાંથી બીજી બૅન્ક શાખા સુધી રોકડ લઈ જઈ રહી હતી.

વાનમાં એક ડ્રાઇવર, એક કૅશ કસ્ટોડિયન અને બે હથિયારબંધ સુરક્ષા ગાર્ડ હાજર હતા.

લૂંટારા 'રિઝર્વ બૅન્કના અધિકારી' બનીને આવ્યા

પોલીસ કમિશનર અનુસાર લૂંટારાને વાનમાં મોજૂદ લોકોએ કહ્યું છે કે તેઓ ભારતીય રિઝર્વ બૅન્કના અધિકારી છે અને તેમણે એ જોવા માટે વાન રોકી છે કે આટલી મોટી રકમ લઈ જવા માટે તેમની પાસે દસ્તાવેજ છે કે નહીં.

પ્રારંભિક જાણકારી પ્રમાણે આ ગૅંગે કૅશ કસ્ટોડિયન અને ગાર્ડ્સને કહ્યું કે તેઓ પોતાનાં હથિયાર વાનમાં છોડી દે અને એસયુવીમાં બેસી જાય અને ડ્રાઇવરને કહેવાયં કે એ રોકડ સાથે વાન ચલાવતો રહે.

પોલીસ પ્રમાણે, લૂંટારાએ ખુદને ભારતીય રિઝર્વ બૅન્કના અધિકારી તરીકે રજૂ કરીને લાલબાગની નજીક આવેલા અશોક પિલર રોડ પર ગાડી અટકાવી. તેમણે બે સુરક્ષા ગાર્ડો અને ગાડીના સંરક્ષકને ઉતારવા અને પોતાની એસયુવીમાં બેસવા કહ્યું.

ગૅંગના એક સભ્યને રોકડ લઈ જતા વાહનમાં બેસાડી દીધો. એસયુવી આગળ વધી અને બાદમાં ત્રણેય કર્મચારીઓને નિમ્હાંસ બસસ્ટૉપ પાસે ઉતારી દેવાયા. એ બાદ ગૅંગ એસયુવીને બૅંગલુરુ ડેરી સર્કલના ફ્લાયઓર તરફ લઈ, જ્યાં સીસીટીવી કૅમેરાની સંખ્યા ખૂબ ઓછી છે.

'ગાડીઓ બદલી, રોકડ ટ્રાન્સફર કરી'

પોલીસ કમિશનર સીમાંતકુમારસિંહ કહ્યું કે સીએમએસ એજન્સીએ લોકેશ ડીજે હલ્લી બતાવી હતી, જે શહેરના પૂર્વ ભાગમાં છે, જ્યારે ઘટના અશોક પિલર પાસે થઈ હતી, જે દક્ષિણમાં છે.

તેમણે કહ્યું કે, "આ મામલામાં એજન્સીની ભૂમિકાની તપાસ કરાઈ રહી છે. રોકડ ટ્રાન્સફર દરમિયાન આરબીઆઇના ઘણા નિયમોનું ઉલ્લંઘન થયું છે. તેમને ક્લીનચિટ ન આપી શકાય."

સીમાંતસિંહે આરબીઆઇ સર્ક્યુલરનો હવાલો આપીને કહ્યું કે કૅશ વાનમાં રોકડની બૉક્સ અને કર્મચારી બંને માટે અલગ-અલગ કમ્પાર્ટમેન્ટ હોવા જોઈએ. પૅસેન્જર કમ્પાર્ટમેન્ટમાં બે સંરક્ષક, બે સશસ્ત્ર ગાર્ડ અને ચાલ માટે જગ્યા હોવી જોઈએ.

તેમણે કહ્યું કે બંને કમ્પાર્ટમેન્ટમાં સીસીટીવી હોવા જોઈએ. દરેક કૅશ વાનમાં જેને જિયો-ફેન્સિંગ સાથે લાઇવ મૉનિટર કરી શકાય એવું જીપીએસ હોવું જોઈએ અને રસ્તામાં આવતા નિકટના પોલીસ સ્ટેશનના સંકેત પણ હોવા જોઈએ. વાને એક જ રસ્તા પર અને એક જ સમયે વારંવાર ટ્રિપ ન કરવી જોઈએ, કારણ આવું કરવાથી અવરજવરનો અંદાજ આવી જાય છે.

આ મામલે બીબીસી તરફથી સીએમએસ એજન્સીના અધિકારીઓની પ્રતિક્રિયા લેવાની કોશિશ કરાઈ રહી છે, તેમની પ્રતિક્રિયા મળતાં જ આ અહેવાલ અપડેટ કરાશે.

આ પહેલાં એક પોલીસ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું કે લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી એસયુવી પર નકલી નંબરપ્લેટ અને 'ભારત સરકાર'નું સ્ટિકર લાગેલાં હતાં.

આ અધિકારીએ એવું પણ જણાવ્યું કે પોલીસ કંપનીના કર્મચારીઓના આ લૂંટ સાથે કોઈ લેવાદેવા છે કે કેમ એ ઍંગલની પણ તપાસ કરી રહી છે.

કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ પત્રકારોને કહ્યું હતું કે પોલીસને લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ એસયુવી કાર મળી આવી છે.

પરંતુ ગૃહમંત્રી જી. પરમેશ્વરે કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શકમંદોએ નાસી છૂટવા માટે કયા વાહનનો ઉપયોગ કર્યો હતો.

તેમણે પત્રકારોને કહ્યું, "તેમણે ગાડીઓ બદલી અને કૅશ ટ્રાન્સફર કરી, એ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે."

તેમણે વિશ્વાસ અપાવ્યો કે પોલીસ આ મામલાને જલદી જ ઉકેલી લેશે.

આ પહેલાં મેંમાં વિજયપુરા જિલ્લાની એક બૅન્કમાંથી 59 કિલો સોનાની ચોરી થઈ હતી, જેની કિંમત 53.26 કરોડ રૂ. હતી. આ મામલામાં પોલીસે અત્યાર સુધી 39 કિલો સોનું અને કેટલીક રોકડ રકમ કબજે કરી છે, આ કેસમાં 15 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં બે પૂર્વ કર્મચારી પણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન