You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાળક પેદા કરવાથી શું મહિલાઓની ઉંમર ઘટી જાય છે?
- લેેખક, કેટ બૉવી
- પદ, ગ્લોબલ હેલ્થ, બીબીસી વર્લ્ડ સર્વિસ
જ્યારે બાળક મસ્તી કરે અથવા ખાવા કે ઊંઘવામાં નખરાં કરે તો ઘણી મા મસ્તીમસ્તીમાં એવું કહેતી હોય છે કે બાળકો તેની ઉંમર ઘટાડી રહ્યાં છે.
એક નવું સંશોધન જણાવે છે કે આ મજાક મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહેતાં મહિલાઓ માટે હકીકતની નિકટની હોઈ શકે છે.
ઐતિહાસિક દસ્તાવેજોના વિશ્લેષણ પરથી અંદાજ લગાવાયો છે કે કેટલાંક મહિલાઓની ઉંમર તેમનાં દરેક બાળક સાથે લગભગ છ માસ સુધી ઘટી ગઈ હતી. સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહેતાં મહિલાઓ પર આની સૌથી વધુ અસર પડી.
ક્રમિક વિકાસનું અધ્યયન કરનાર સંશોધકોએ પેરિશ રેકૉર્ડ્સનો અભ્યાસ કર્યો, જેમાં જે-તે જનસંખ્યાનાં જન્મ અને મૃત્યુની નોંધ રખાય છે.
આ રેકૉર્ડ્સમાં 1866થી 1868 વચ્ચે પડેલા ફિનલૅન્ડના ભીષણ દુષ્કાળ સમયે જીવિત 4,684 મહિલાઓની વિગતો સામેલ હતી.
અભ્યાસના મુખ્ય સંશોધક નેધરલૅન્ડ્સના ગ્રોનિંગન યુનિવર્સિટીના ડૉક્ટર યૂઅન યંગ કહે છે કે એ યુરોપ અને તાજેતરના ઇતિહાસના 'સૌથી ભયાનક દુષ્કાળો પૈકી એક' હતું.
ડૉક્ટર યંગ અને તેમની ટીમ - પ્રોફેસર હન્ના ડગડેલ, પ્રોફેસર વિરપી લુમ્મા અને ડૉક્ટર એરિક પોસ્ટમા-ને જાણવા મળ્યું કે દુષ્કાળ દરમિયાન માતા બનનારાં મહિલાઓની ઉંમર દરેક બાળક સાથે છ મહિના સુધી ઘટી ગઈ.
સંશોધનનાં પરિણામો અનુસાર, તેનું કારણ એ હોઈ શકે કે આ માતાઓએ પોતાની ઘણીય ઊર્જા પોતાની કોશિકાઓને દુરસ્ત કરવાને સ્થાને પ્રજનનમાં લગાવી દીધી, જે બાદ બીમારીઓનો ખતરો વધી ગયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ દુષ્કાળ અગાઉ કે બાદમાં મહિલાઓના માતા બનવા અને તેમની જીવન અવધિ અંગે કોઈ સંબંધ ન જોવા મળ્યો.
ડૉક્ટર યંગ કહે છે કે, "અમને આ દુવિધા માત્ર એ મહિલાઓમાં જોવા મળી જેઓ દુષ્કાળ સમયે પોતાના જીવનના પ્રજનનકાળમાં હતાં."
આનાથી ખબર પડે છે કે મહિલાઓ બાળકો પેદા કરવાનાં વર્ષો દરમિયાન જે વાતાવરણમાં રહી રહ્યાં હતાં, એ એક મહત્ત્વપૂર્ણ કારક હતું.
માતા બન્યા બાદની અસર
તો, પછી આવું કેમ થયું?
એક કારણ તો એ હોઈ શકે છે કે બાળક પેદા થવાથી આરોગ્ય પર લાંબા સમય સુધી જળવાઈ રહેતી અસર મુશ્કેલ પરિસ્થિતિઓમાં વધુ ખરાબ થઈ જાય છે.
માતાઓને હૃદયરોગ અને મેટાબૉલિક બીમારીઓનો ખતરો વધુ હોવાની વાત તો ઘણા સમયથી ખ્યાલ છે. જેનું એક કારણ વજનમાં વધારો અને વધેલું તાણ હોય છે.
ડૉક્ટર યંગ કહે છે કે, "વધુ એક સંભવિત કારણ એ હોઈ શકે કે આ સમયગાળા દરમિયાન બાળકોનું પાલનપોષણ, સ્તનપાન કરાવવા અને ગર્ભાવસ્થાની પ્રક્રિયા જ માતાના શરીરમાં જરૂરી વસ્તુઓની કમીનું કારણ બને છે."
ગર્ભાવસ્થા અને સ્તનપાનમાં ઘણી વધુ ઊર્જાની જરૂર હોય છે. તેનો અર્થ એ છે કે દુષ્કાળ દરમિયાન નવી મા પાસે પોતાના શરીરની કાર્યપ્રણાલી સુચારુપણે ચલાવવા માટેની ઊર્જા હજુ ઘટી જાય છે, જેના કારણે પાછળથી બીમારીઓને રોકવાનું કામ મુશ્કેલ બની જાય છે.
ડૉક્ટર યંગ કહે છે કે, "શક્ય છે કે આ જનસંખ્યામાં, જ્યાં મહિલાઓ વધુ બાળકો પેદા કરી રહી હતી અને કદાચ દરેક જન્મ વચ્ચે સ્વાસ્થ્ય લાભ માટે પૂરતો સમય નહોતો મળી રહ્યો, આરોગ્ય પર પડનારી અસર એકબીજા સાથે જોડાતી ગઈ."
પરંતુ તેઓ એવું પણ કહે છે કે આ અભ્યાસમાં ઐતિહાસિક ડેટાનું વિશ્લેષણ કરાયું છે, ના કે પ્રયોગશાળામાં નવા પ્રયોગ થકી ડેટા મેળવાયો છે, તેથી એ સંપૂર્ણપણે નિશ્ચિત ન હોઈ શકે.
સંતાન અને જીવનની અવધિનું 'સંતુલન'
ડૉક્ટર યંગના સંશોધનમાં ખબર પડી કે જે મહિલાઓનાં ઘણાં બાળકો હતાં, તેમનામાં આ અસર વધુ સ્પષ્ટ હતી, પરંતુ બધી મહિલાઓ પર તેની અસર સમાન નહોતી.
તેઓ કહે છે કે, "ખરેખર તો આ બે અવધારણા છે - ખૂબ મોટા પરિવાર અને દુષ્કાળ જેવી ઘટનાઓ."
દાયકાઓથી વૈજ્ઞાનિકો એ વાત અંગે મૂંઝવણમાં રહ્યા છે કે કેટલીક પ્રજાતિઓ વધુ સંતાન પેદા કરે છે અને તેમની ઉંમર ઓછી હોય છે - જેમ કે ઉંદર અને જંતુ - જ્યારે કેટલીક પ્રજાતિઓની ઉંમર લાંબી હોય છે અને તેમનાં બાળકોની સંખ્યા ઓછી હોય છે - જેમ કે, હાથી, વહેલ અને મનુષ્ય.
એક પ્રમુખ સિદ્ધાંત એ પણ છે કે ઊર્જાને કોશિકાઓની મરામતથી હઠાવીને પ્રજનનમાં લગાવી દેવાય છે - જે વૃદ્ધત્વમાં યોગદાન કરે છે.
શું આધુનિક મહિલાઓ પર પણ આવી જ અસર થાય છે?
પરંતુ શું 200 વર્ષ પહેલાંનાં મહિલાઓ પર કરાયેલા સંશોધનના નિષ્કર્ષ 21મી સદીની માતાઓ પર પણ લાગુ થઈ શકે છે?
ડૉક્ટર યંગ કહે છે કે, "આ વાતને એ ઐતિહાસિક અવધિના સંદર્ભમાં સમજવામાં આવે એ મહત્ત્વપૂર્ણ છે, ત્યારે આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ એટલી મજબૂત નહોતી."
"ત્યારે મહિલાઓ સરેરાશ ચારથી પાંચ બાળકો પેદા કરતી હતી, જે આજના પરિવારોની સરખામણીમાં વધુ સંખ્યા છે."
1800ની સાલથી પરિવારોમાં બાળકોની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે. 2023માં આ સરેરાશ એક મહિલાનાં માત્ર બે કરતાં થોડાં વધુ બાળકો સુધી પહોંચી ગઈ હતી. આ બદલાવ શિક્ષણ, નોકરી, ગર્ભનિરોધક સાધનોની ઉપલબ્ધતા ને બાળકોનાં મૃત્યુદરમાં કમીના કારણે આવ્યો.
જોકે, કેટલાક દેશ - જેમ કે, નીજેર, ચાડ, સોમાલિયા અને દક્ષિણ સુદાનમાં મહિલાઓનાં આજેય સામાન્યપણે ઓછાંમાં ઓછાં ચાર બાળક હોય છે.
જોકે, ડૉક્ટર યંગ કહે છે કે આ વિષય પર સંશોધનની જરૂર છે, પરંતુ એવા સંકેત મળે છે કે વિશ્વના કેટલાક ભાગોમાં આ નિષ્કર્ષ આજેય લાગુ પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન