પાલકપનીરની 'તીખી ગંધે' અમેરિકાની યુનિવર્સિટીમાં વંશવાદ ને ભેદભાવ ઉજાગર કર્યા, ભારતીય દંપતીને 1.80 કરોડનું વળતર મળ્યું

    • લેેખક, ચેરિલન મોલૅન
    • પદ, મુંબઈ

માઇક્રોવેવમાં ભોજન ગરમ કરવાને લઈને શરૂ થયેલો આ વિવાદ બે ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકન યુનિવર્સિટી પાસેથી 2,00,000 ડૉલરનું વળતર જીતવા સાથે સમાપ્ત થયો.

આદિત્ય પ્રકાશ અને તેમનાં મંગેતર ઊર્મિ ભટ્ટાચાર્યએ બીબીસીને જણાવ્યું કે, માઇક્રોવેવમાં ભોજન ગરમ કરવાની ઘટના બાદ તેમણે "હળવી આક્રમકતા અને પ્રતિશોધાત્મક વર્તનોનો સામનો કરવો પડ્યો હતો," જે પછી તેમણે બૉલ્ડરસ્થિત યુનિવર્સિટી ઑફ કૉલોરાડો સામે નાગરિક અધિકારનો દાવો માંડ્યો હતો.

મુકદ્દમામાં કરવામાં આવેલા આક્ષેપ અનુસાર, ઉત્તર ભારતમાં હોંશે-હોંશે આરોગવામાં આવતું પાલક પનીરનું શાક આદિત્ય પ્રકાશ દ્વારા કૅમ્પસના માઇક્રોવેવમાં ગરમ કરવા સામે યુનિવર્સિટીના સ્ટાફના એક સભ્યએ વાંધો ઊઠાવ્યો, તે પછી આ પજવણી શરૂ થઈ હતી. પાલક પનીરમાંથી આવતી ગંધને કારણે સ્ટાફના સભ્યએ વાંધો ઊઠાવ્યો હતો.

બીબીસીના પ્રશ્નો પર પ્રતિક્રિયા આપતાં યુનિવર્સિટીએ કહ્યું હતું કે, તે ગોપનીયતાના કાનૂનોને કારણે ભેદભાવ તથા પજવણીના દાવાઓને લગતા "ચોક્કસ બનાવો" અંગે ટિપ્પણી કરી શકશે નહીં. પરંતુ, સાથે જ તેણે એમ પણ કહ્યું કે, તે "રાષ્ટ્રીય મૂળ, ધર્મ, સંસ્કૃતિ અને અમેરિકન કાયદા અને યુનિવર્સિટીની નીતિઓ હેઠળ સંરક્ષિત અન્ય વર્ગોને ધ્યાન પર લીધા વિના તમામ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ માટે સમાવેશક વાતાવરણને વેગ આપવા માટે કટિબદ્ધ છે."

યુનિવર્સિટીએ જણાવ્યું હતું, "2023માં જ્યારે આ આરોપો સામે આવ્યા, ત્યારે અમે તેને ગંભીરતાથી લીધા અને ભેદભાવ તથા પજવણીના તમામ દાવાઓની માફક તેના નિવારણ માટે પ્રસ્થાપિત તથા સુદ્રઢ પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું. અમે સપ્ટેમ્બર, 2025માં વિદ્યાર્થીઓ સાથે એક સંધિ કરી હતી અને તે અનુસાર આ કેસમાં કોઈપણ પ્રકારની કાનૂની જવાબદારીનો ઈનકાર કરીએ છીએ."

પ્રકાશે જણાવ્યું હતું કે, તેમના માટે આ મુકદ્દમાનો આશય નાણાકીય ન હતો. "અમારો આશય એ સાબિત કરવાનો હતો કે, ભારતીયોના 'ભારતીય હોવાના આધાર પર' તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હોય છે."

ગયા અઠવાડિયે આ મુકદ્દમા વિશેના સમાચાર પ્રગટ થયા, ત્યારથી ભારતીય માધ્યમોમાં આ કિસ્સાને વ્યાપક કવરેજ મળ્યું છે અને પશ્ચિમી દેશોમાં પ્રવર્તતા "આહાર-પ્રેરિત વંશવાદ"ને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે.

એટલું જ નહીં, ઘણા ભારતીયોએ સોશ્યલ મીડીયા પર વિદેશોમાં તેમની આહારશૈલીને કારણે ઉડાવાયેલી મજાકના તેમના પોતાના અનુભવો પણ વર્ણવ્યા છે.

કેટલાક લોકોએ એવું પણ નોંધ્યું છે કે, ખાણી-પીણીને લઈને થતા ભેદભાવો ભારતમાં પણ મોટાપાયે થતા હોય છે. જેમકે, માંસાહારી ભોજનને અશુદ્ધ કે ગંદુ ગણીને ઘણી શાળાઓ અને કૉલેજોમાં તેના પર પ્રતિબંધ છે.

વંચિત જ્ઞાતિઓ તથા ઉત્તર-પૂર્વનાં રાજ્યોનાં લોકોએ ઘણી વખત તેમની ખાણી-પીણીની આદતોને કારણે પૂર્વગ્રહોનો સામનો કરવો પડે છે. વળી, કેટલાક લોકો તેમની ખાદ્ય સામગ્રીમાંથી આવતી ગંધ વિશે પણ ફરિયાદ કરતા હોય છે.

માત્ર ભારતીય કે દક્ષિણ એશિયન ખાન-પાન જ નહીં, બલ્કે આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયાના અન્ય ભાગોના સમુદાયોએ પણ તેમને આહારની ટેવોને કારણે શરમજનક સ્થિતિમાં મૂકવામાં આવ્યા હોવાના પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

યુગલે દાવો કર્યો હતો કે, સમગ્ર પ્રકરણની સરૂઆત સપ્ટેમ્બર, 2023માં થઈ હતી. યુનિવર્સિટીના ઍન્થ્રોલોજીમાં પીએચડીના વિદ્યાર્થી આદિત્ય પ્રકાશ પાલક પનીરનું તેમનું લંચ માઇક્રોવેવમાં ગરમ કરી રહ્યા હતા, ત્યારે યુનિવર્સિટીના એક બ્રિટિશ કર્મચારીએ પ્રકાશના ભોજનમાંથી "તીખી" ગંધ આવી રહી હોવાની ટિપ્પણી કરીને તેમને જણાવ્યું હતું કે, માઇક્રોવેવમાં તીવ્ર, તીખી ગંધ ધરાવતા ખાદ્ય પદાર્થો ગરમ ન કરવાનો નિયમ છે.

પ્રકાશે કહ્યું હતું કે, આવા નિયમનો ક્યાંયે ઉલ્લેખ નહોતો અને જ્યારે તેમણે પૂછપરછ કરી કે, કયા ખાદ્ય પદાર્થો તીખા ગણાય છે, ત્યારે તેમને જવાબ મળ્યો કે, સેન્ડવિચ તીખી ન ગણાય, પણ કરી તીખી ગણાય.

પ્રકાશે આક્ષેપ કર્યો કે, આ ઘટના પછી યુનિવર્સિટી દ્વારા એવી ઘણી કાર્યવાહી કરવામાં આવી, જેના કારણે તેમણે અને ત્યાં પીએચડીનો અભ્યાસ કરી રહેલાં ઊર્મિએ તેમનું રિસર્ચ ફંડિંગ તથા જેમની સાથે તેમણે મહિનાઓ સુધી કામ કર્યું હતું, તે પીએચડી સલાહકારો સુદ્ધાં ગુમાવવા પડ્યાં.

મે, 2025માં પ્રકાશ તથા ભટ્ટાચાર્યએ યુનિવર્સિટી સામે દાવો માંડીને તેના પર ભેદભાવયુક્ત વ્યવહાર દાખવવાનો અને બંને વિદ્યાર્થીઓ વિરુદ્ધ "પ્રતિશોધનાં વધી રહેલાં પગલાં"નો આરોપ લગાવ્યો.

સપ્ટેમ્બરમાં યુનિવર્સિટીએ કેસની પતાવટ કરી. આવી પતાવટ સામાન્યપણે બંને પક્ષો માટે લાંબી અને ખર્ચાળ અદાલતની લડાઈઓ ટાળવા માટે કરવામાં આવતી હોય છે.

સમાધાનની શરતો અનુસાર, યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી આપવા માટે સંમતિ દર્શાવી, પણ તમામ જવાબદારીઓ નકારી કાઢી અને ભવિષ્યમાં તેમના ત્યાં અભ્યાસ કરવા પર કે કામ કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો.

બીબીસીને શેર કરવામાં આવેલા તેના નિવેદનમાં યુનિવર્સિટીએ ઉમેર્યું હતું, "સીયુ બૉલ્ડરનો ઍન્થ્રોપોલોજી વિભાગ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તથા સ્ટાફમાં વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત કરવા માટે કાર્યરત્ છે. અન્ય પ્રયાસો ઉપરાંત, વિભાગના આગેવાનો સ્નાતક વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તથા સ્ટાફની વાત સાંભળવા માટે તેમને મળ્યા હતા અને તમામ લોકો માટે સમાવેશક તેમજ સહાયક વાતાવરણને વેગ આપવા માટેના વિભાગના પ્રયાસોનું સમર્થન કરતા ફેરફારોની ચર્ચા કરી હતી."

આદિત્ય પ્રકાશ કહે છે કે, ખાણી-પીણી મામલે ભેદભાવ દાખવાયો હોવાનો આ પ્રથમ કિસ્સો નથી.

જ્યારે ઇટાલીમાં તેઓ ઊછરી રહ્યા હતા, ત્યારે તેમના શાળાના શિક્ષકો ઘણી વખત તેમને લંચ બ્રેકમાં અલગ ટેબલ પર બેસવાનું કહેતા હતા, કારણ કે, તેમના સહાધ્યાયીઓને તેમના ભોજનની ગંધ "અરુચિકર" લાગતી હતી, એમ પ્રકાશ જણાવે છે.

"મને મારા યુરોપિયન સહપાઠીઓથી અલગ રાખવો કે પછી મારા ભોજનમાંથી આવતી ગંધના કારણે મને સહિયારા માઇક્રોવેવનો ઉપયોગ કરતાં અટકાવવો, આ બધાં એવાં કૃત્યો છે, જેના થકી શ્વેત લોકો તમારા ભારતીયપણાને નિયંત્રિત કરે છે અને તમારા અસ્તિત્વના અવકાશને સંકુચિત કરી દે છે," એમ પ્રકાશે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય અને અન્ય જાતિ સમૂહોને નીચું જોવડાવવા માટે ભોજનનો ઉપયોગ કરવાનો લાંબો ઈતિહાસ રહ્યો છે.

આગળ તેઓ જણાવે છે, "'કરી' શબ્દને રસોડાંમાં અને લોકોનાં ઘરોમાં કામ કરનારા હાંસિયામાં ધકેલી દેવાયેલા સમુદાયોની 'ગંધ' સાથે જોડી દેવાયો છે અને તેને 'ભારતીય' માટે એક અપમાનજનક શબ્દમાં બદલી દેવાયો છે."

ભટ્ટાચાર્ય કહે છે કે, ભૂતપૂર્વ ઉપ-પ્રમુખ કમલા હેરિસ જેવી હસ્તી સુદ્ધાં ખાણી-પીણીને લઈને થતાં અપમાનથી બચી શક્યાં નથી.

આ માટે તેમણે દક્ષિણપંથી કાર્યકર્તા લૌરા લૂમર દ્વારા 2024માં કરવામાં આવેલી એક સોશ્યલ મીડિયા પૉસ્ટને ટાંકી હતી, જેમાં લૂમરે કહ્યું હતું કે, જો હેરિસ પ્રમુખ બનશે, તો વ્હાઇટ હાઉસમાં "કરી જેવી ગંધ આવશે". લૂમરે વંશવાદી હોવાનો ઇનકાર કરી દીધો હતો.

મુકદ્દમામાં ભટ્ટાચાર્યએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તેમણે પ્રકાશને તેમના માનવશાસ્ત્રના વર્ગમાં સાંસ્કૃતિક સાપેક્ષવાદ વિષય પર ગેસ્ટ લૅક્ચરર તરીકે આમંત્રિત કર્યા, તે સમયે તેમણે પ્રતિશોધનો સામનો કરવો પડ્યો હતો. સાંસ્કૃતિક સાપેક્ષવાદના દૃષ્ટિકોણ અનુસાર કોઈપણ સંસ્કૃતિ બીજી સંસ્કૃતિ કરતાં ચઢિયાતી કે ઊતરતી નથી, કારણ કે, તમામ સમૂહોની સાંસ્કૃતિક પ્રથાઓ તેમના પોતાના સાંસ્કૃતિક સંદર્ભમાં અસ્તિત્વ ધરાવતી હોય છે.

ુંપ્રકાશ કહે છે કે, વ્યાખ્યાન દરમિયાન તેમણે ખાણી-પીણીને લઈને થતા વંશવાદનાં ઘણાં દ્રષ્ટાંતો રજૂ કર્યાં હતાં, જેમાં કોઈનું નામ લીધા વિના તેમણે પાલક પનીરનો બનાવ પણ વર્ણવ્યો હતો.

ભટ્ટાચાર્ય કહે છે કે, તેમણે 2024માં યુનિવર્સિટીમાં પ્રકાશ અને તેમની સામેના "પદ્ધતિસરના વંશવાદ" વિશે એક્સ પર થ્રેડ પોસ્ટ કરી, ત્યારે પણ તેમણે વંશીય પજવણીનો ભોગ બનવું પડ્યું હતું.

પોસ્ટની નીચે દંપતીનું સમર્થન કરતી ઘણી પોસ્ટ્સ આવેલી હતી, પણ એક પોસ્ટમાં લખ્યું હતું, "ભારત પરત જતાં રહો", "ડિકોલનાઇઝેશન (ઉપનિવેશમુક્તિ) એક ભૂલ હતી" અને "માત્ર ખાણી-પીણીની વાત નથી, તમારામાંથી ઘણાં લોકો સ્નાન કરતાં નથી અને અમે એ જાણીએ છીએ".

પ્રકાશ તથા ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, તેઓ બસ એટલું ઈચ્છતાં હતાં કે, યુનિવર્સિટી તેમની વાત સાંભળે અને સમજે, તેમની સાથે થતા ભેદભાવ અને યાતનાનો સ્વીકાર કરવામાં આવે અને યોગ્ય રીતે તેની ભરપાઈ કરવામાં આવે.

તેમણે દાવો કર્યો હતો કે, યુનિવર્સિટી તરફથી કદી તેમની સમક્ષ અર્થપૂર્ણ ક્ષમા યાચના કરવામાં આવી નથી. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનોનો બીબીસીને જવાબ મળ્યો નહોતો.

તે પછી યુગલ ભારત પરત ફર્યું અને કહે છે કે, હવે તેઓ કદાચ ફરી કદી અમેરિકા પરત નહીં જાય.

"તમે તમારા કામમાં ગમે તેટલા કુશળ હો, પણ તમારી ત્વચાના રંગ અથવા તો તમારી રાષ્ટ્રીયતાને કારણે સિસ્ટમ સતત તમને યાદ દેવડાવતી રહે છે કે, તમને કોઈપણ સમયે પરત મોકલવામાં આવી શકે છે. અનિશ્ચિતતાની સ્થિતિ અત્યંત ગંભીર છે અને યુનિવર્સિટીમાં અમને થયેલો અનુભવ તેનું બંધબેસતું ઉદાહરણ છે," એમ પ્રકાશ કહે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન