ભારતના આ ગામમાં દલિતો સાથે જાતિને લઈને કેવો ભેદભાવ થાય છે?

    • લેેખક, ઝેવિયર સેલ્વાકુમાર
    • પદ, બીબીસી તમિળ માટે

"આ એક જ ગામ છે પણ બે અલગઅલગ વિસ્તારો. ગામની અંદર ઊભી રહેતી બસ અડધો કિલોમીટર દૂર અમારા વિસ્તારમાં વતી નથી. વાત સાવ સાદી છે કે અમે બસમાં પહેલા બેસી જઈએ તો બીજા વિસ્તારના લોકોને બેસવા માટે જગ્યા ના મળે, અને અમે બેઠા હોઈએ અને તેમને ઊભવું પડે એ એમને મંજૂર નથી- આ જ કારણ છે કે 21 નંબરની બસને અહીં આવતી અટકાવી દે છે."

આ આરોપ કોયમ્બતૂરની નજીક કેમ્પાનૂરના અન્નાનગરમાં રહેતાં રામ્યાએ બીબીસી સમક્ષ સમક્ષ કર્યો છે.

બીજા ઘણા લોકોએ પણ આવો જ આરોપ કર્યો છે; જોકે, એ જ વિસ્તારના અનુસૂચિત જાતિના ઘણા લોકો આ વિષયમાં ખુલ્લીને વાત કરવાનું ટાળે છે. આ જાતિગત ભેદભાવના આરોપના મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ કમિશને કોયમ્બતૂરના જિલ્લા કલેક્ટર અને તામિલનાડુ પરિવહન કમિશનરને નોટિસ મોકલીને ખુલાસો માગ્યો છે.

બીબીસી દ્વારા કરવામાં આવેલા એક ફીલ્ડ સર્વેમાં જાણવા મળ્યું કે નજીકનાં બીજા સ્થળોએ ઉપડતી બસો કૅમ્બાનૂર અને આનંદનગર એમ બન્ને વિસ્તારોમાંથી પસાર થાય છે. જોકે, કોયમ્બતૂર જતી રૂટ 21 નંબરની બસ કૅમ્પાનૂર ઊપડે છે અને આ બસની ફ્રિકવ્સી બીજી બસો કરતાં સૌથી વધારે છે. જિલ્લા વહીવટી તંત્ર જણાવે છે કે અન્નાનગર માટે વધારાની બસો ચલાવાઈ રહી છે પણ રૂટ નં.21 અન્નાનગર ઊભી રહે એ માટેની કશી કાર્યવાહી કરાઈ નથી.

જણાવ્યું હતું કે અન્નાનગર માટે વધારાની બસો ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જોકે, અનુસૂચિત જાતિઓના વિસ્તાર એવા અન્નાનગર સુધી બસ નંબર 21 ચાલે એ માટે કોઈ કાર્યવાહી કરાઈ નથી.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કમિશન (એનસીએસટી)એ કોયમ્બતૂરની નજીક થોંડામુથુર ગ્રામપંચાયત હેઠળના કેમ્પાનૂર ગામમાં અનુસૂચિત જાતિ સમુદાયના વિસ્તાર અન્નાનગરથી બસ સુવિધા ઉપલબ્ધ ન હોવાના સંબંધમાં કોયમ્બતૂર જિલ્લા કલેક્ટર અને પરિવહન કમિશનરને નોટિસ આપીને સ્પષ્ટીકરણ માગ્યું છે. કમિશને 3 નવેમ્બર 2019એ આ નોટિસ આપી હતી.

એક ગામ, બે વૉર્ડ, ત્રણ સમુદાયના સભ્યો

રાષ્ટ્રીય આયોગ સમક્ષ કરાયેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે જાતિગત ભેદભાવને કારણે રૂટ 21 બસને અનુસૂચિત જાતિ અને આદિવાસી પરિવારોના ઘર એવા અન્નાનગરથી શરૂ થવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ મામલે આયોગે ૩ નવેમ્બરે સ્થાનિક તંત્રને 15 દિવસની અંદર જવાબ આપવા નોટિસ જાહેર કરી છે.

આયોગને ફરિયાદ કરવામાં આવી છે કે કેમ્પાનૂરથી ગાંધીપુરમ સુધી જતી 21 નંબરની બસ અન્નાનગરથી ચલાવવાની માંગણીનો અસ્વીકાર કરવા પાછળનું કારણ જાતિગત ભેદભાવ છે.

બીબીસી તમિળે તથ્યો શોધવા માટે એક ફીલ્ડ સર્વે કર્યો. કોયમ્બતૂર શહેરથી નજીક થોંડામુથુર નગરપંચાયતના કેમ્પાનૂર ગામમાં વૉર્ડ નંબર 3 અને 4 એમ બે વૉર્ડ છે. તેમાંના વૉર્ડ નંબર 3 કેમ્પાનૂરમાં સવર્ણો અને વૉર્ડ નંબર 4 અન્નાનગર અને અટ્ટુકલમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો રહે છે.

કોયમ્બતૂર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર 2025ની અંદાજિત વસ્તી પ્રમાણે વૉર્ડ નંબર 3માં 915 અને વૉર્ડ નંબર 4માં 1,214 લોકો છે. અટ્ટુકલ ગામથી લગભગ એક કિલોમીટર દૂર એક આદિવાસી ગામ છે, જે પર્વતની તળેટીમાં આવેલું છે. અન્નાનગરના દક્ષિણ અને ઉત્તર ભાગ ગામના કેન્દ્રથી 300 મીટરના અંતરે આવેલા છે. બંનેની વચ્ચે કેમ્પાનૂર ગામ આવેલું છે. જેની બાજુમાં જ બસસ્ટૉપ છે.

ગાંધીપુરમથી આવતી બસ નંબર 21 અને કોયમ્બતૂરના ટાઉનહૉલથી કેમ્પાનૂર આવતી બસો પાંચ મિનિટ થોભે છે અને નીકળી જાય છે. આ સિવાય વડવલ્લી અને પોલુવમપટ્ટી સહિત જુદાં જુદાં સ્થળે જતી કેટલીક બસને પણ તાજેતરના દિવસોમાં કેમ્પાનૂર વિસ્તારમાંથી પસાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ આ બસોને કેમ્પાનૂર અને અન્નાનગર વિસ્તારમાંના મુસાફરોને લેતી રોકી દેવામાં આવે છે.

જોકે, કેમ્પાનૂર–ગાંધીપુરમ સિટી બસ નંબર 21 એક કિલોમીટર દૂર આવેલા અન્નાનગરના બદલે હંમેશાં કેમ્પાનૂર બસ સ્ટૉપથી ઊપડે છે.

તેના લીધે અન્નાનગર દક્ષિણ અને ઉત્તરના અનુસૂચિત જાતિના લોકોએ પોતાના વિસ્તારમાંથી ચાલીને કેમ્પાનૂર બસ સ્ટૉપે જઈને બસ નંબર 21 પકડવી પડે છે.

દ્રવિડ વિમુક્તિ કઝગમ (ડીઆરવીકે)ના સંચાલક નિર્મલકુમારનું કહેવું છે કે ગયા વર્ષે તામિલનાડુના અસ્પૃશ્યતા ધરાવતાં ગામના સર્વેક્ષણ દરમિયાન તેમના સંગઠનને આ માહિતી મળી હતી.

નિર્મલકુમારને જ્યારે પૂછવામાં આવ્યું કે કેમ્પાનૂરથી ઊપડતી બસને અન્નાનગરથી કેમ નથી ઉપાડાતી? તો, જવાબમાં તેમણે કહ્યું કે, "જો બસ ત્યાંથી ઊપડે, તો અનુસૂચિત જાતિના લોકો પહેલાં સીટ પર બેસી જશે. પછી જ્યારે બસ કેમ્પાનૂર આવે ત્યારે બીજી જાતિઓના લોકોએ બસમાં ઊભા રહેવું પડે. તેથી તેઓ બસને અન્નાનગર જતી અટકાવી રહ્યા છે. અધિકારીઓને કહેવાનો કશો અર્થ નથી."

રાષ્ટ્રીય કમિશને ખુલાસો માગ્યો

બીબીસી તમિળને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કમિશન દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો કોયમ્બતૂર જિલ્લા વહીવટી તંત્ર પાસેથી પણ ખુલાસો મળ્યો છે. જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે કમિશન દ્વારા અપાયેલી નોટિસના આધારે કોયમ્બતૂર દક્ષિણ મહેસૂલ વિભાગના અધિકારી અને પેરૂર મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સાઇટ ઑડિટ કરવામાં આવ્યું હતું. તેમાં સરકાર દ્વારા કેમ્પાનૂરને અપાતી સુવિધાઓની યાદી આપવામાં આવી છે.

કોયમ્બતૂર જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા પ્રાથમિક શાળા, પુસ્તકાલય, કોમ્યુનિટી હૉલ, વાજબી ભાવની દુકાન, પાર્ક, ઓવરહેડ પાણીની ટાંકી અને શ્મશાન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. તેમણે સમજાવ્યું હતું કે બધા લોકો તેનો એકસાથે ઉપયોગ કરે છે અને ત્યાં કોઈ પણ પ્રકારનો જાતિગત ભેદભાવ નથી. બીબીસીના ફીલ્ડ સર્વેમાં જાણવા મળ્યું કે, શ્મશાન સિવાય આ બધું ફક્ત કેમ્પાનૂર વિસ્તારમાં જ સ્થાપવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે છેક 1981થી કોયમ્બતૂરથી કેમ્પાનૂર સુધી બસો કાર્યરત છે અને તેમણે બસ સુવિધાઓની અલગથી યાદી પણ આપી છે.

તેમાં જણાવાયું છે કે જાતિગત ભેદભાવની ફરિયાદની તપાસ પેરૂર ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ, રાજ્ય પરિવહન નિગમના અધિકારીઓ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી. તેમાં જાણવા મળ્યું છે કે તેમના ક્ષેત્રમાં કોઈ જાતિગત ભેદભાવ નહોતો અને લોકોએ વધારાની બસ સુવિધાની માગણી કરી હતી.

જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે કેમ્પાનૂર અને અન્નાનગર જવા માટે 1 સી, 21 બી, 94 એ, 64 સી અને 64 ડી સહિત 7 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ફરિયાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ કમિશન પાસે પહોંચી હતી અને જિલ્લા વહીવટી તંત્રએ રાજ્ય કમિશનને સમજાવ્યા પછી જ કોયમ્બતુર જિલ્લા વહીવટી તંત્રને નોટિસ મોકલવામાં આવી હતી કે કેમ્પાનૂર અને અન્નાનગર માટે વધારાની બસો ચલાવવામાં આવી રહી છે. વારંવાર થતી ફરિયાદોનું કારણ એ છે કે કેમ્પાનૂરથી ઊપડતી સિટી બસ નંબર 21નું સંચાલન અન્નાનગરથી નથી થતું.

બીબીસી સાથે વાત કરતાં અન્નાનગરના સેલ્વારાજ જયકુમારે કહ્યું, "આ રૂટ પર અન્ય વિસ્તારોમાંથી બીજી બસો આવે છે, પરંતુ દિવસમાં 16 ટ્રિપ કરતી બસ નંબર 21 એક જ, કેમ્પાનૂરથી સંચાલિત થાય છે. અમે લાંબા સમયથી વિનંતી કરતા આવ્યા છીએ કે એને અન્નાનગરથી સંચાલિત કરવામાં આવે. ઘણાં વર્ષો પહેલાં, અન્ય જાતિના લોકોએ આ બસને એક-બે દિવસ માટે અહીંથી પસાર થતી અટકાવી હતી."

જયકુમારે જણાવ્યું કે, સવર્ણ જાતિના વસવાટવાળા વિસ્તારમાંના લોકો આ સુવિધાનો ખૂબ ઓછો ઉપયોગ કરે છે અને મોટા ભાગના લોકો શિક્ષણ અને નોકરી-ધંધા માટે શહેરમાં જવા બસમાં મુસાફરી કરે છે. તેમણે પ્રશ્ન કર્યો કે, અન્ય વિસ્તારોમાંથી બસોને અહીં ડાયવર્ટ કરવાની સત્તા ધરાવતા અધિકારીઓ બસસેવાને કેમ્પાનૂરથી 500 મીટર દૂર સુધી કેમ નથી લંબાવી શકતા?

જ્યારે અન્ય બસો મુસાફરોને લેવા માટે અન્નાનગરમાં ઊભી રહેતી હતી, ત્યારે અન્નાનગરથી ઘણી મહિલાઓ અને બાળકો કેમ્પાનૂર બસ સ્ટૉપ તરફ ચાલતાં જતાં અને સિટી બસ નંબર 21માં બેસતા જોવા મળ્યાં. એવું પણ જોવા મળ્યું કે કેમ્પાનૂરથી તે બસ સહિત અન્ય બસોમાં ખૂબ ઓછા લોકો મુસાફરી કરતા હતા.

બસનો રૂટ લંબાવવાના ઇનકાર પાછળનું શું કારણ?

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય અનુસૂચિત જાતિ કમિશનને અપાયેલા ખુલાસામાં જણાવાયું છે કે, બપોરના સમયે કેમ્પાનૂરથી દોડતી બસોમાં માત્ર 3 કે 4 લોકો જ મુસાફરી કરે છે. ખુલાસામાં કહેવાયું છે કે અન્નાનગર કેમ્પાનૂરથી માત્ર 1,000 મીટર દૂર છે અને ત્યાંના લોકો બસની જરૂરિયાત માટે કેમ્પાનૂર આવે છે. પરંતુ આ સ્પષ્ટીકરણમાં એવું કોઈ કારણ નથી અપાયું કે બસ રૂટને 1,000 મીટર સુધી લંબાવી શકાય નહીં અને ત્યાંથી સંચાલિત ન થઈ શકે.

બીબીસી સાથે વાત કરતાં અન્નાનગરનાં રહીશ રામ્યાએ કહ્યું, "કોઈને ખબર નથી કે તેઓ શા માટે અહીંથી બસનું સંચાલન કરવાનો ઇનકાર કરે છે. આ ઘણા લાંબા સમયથી થઈ રહ્યું છે. જો અહીંથી બસ નીકળે અને અમે તેમાં બેસીએ, તો કેમ્પાનૂરમાંથી ચઢનારાઓ માટે જગ્યા ન રહે તેવી શક્યતા છે. તેથી અમને લાગે છે કે આ સમસ્યાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે અમે બેઠા હોઈએ છીએ ત્યારે તેમણે ઊભા રહેવું પડે છે."

રામ્યાએ કહ્યું કે એક જ શહેર હોવા છતાં અહીં બે ગામ છે. અને તેમની 10 વર્ષ જૂની માગણી છે કે બધી બસો અન્નાનગરમાં આવવી-જવી જોઈએ. રામ્યા કહે છે કે તેમને સમજાતું નથી કે છેલ્લા એક દાયકામાં તેમણે વિવિધ જિલ્લા કલેક્ટરોને ફરિયાદ કરી છે છતાં હજુ સુધી આનો કોઈ ઉકેલ કેમ નથી આવ્યો.

દ્રવિડ લિબરેશન ફ્રન્ટના નિર્મલકુમારનો આરોપ છે કે આની પાછળ ડીએમકે અને એઆઇએડીએમકે સહિત બધા પક્ષો અને અધિકારીઓનો હાથ છે. ડીએમકેના ભૂતપૂર્વ થોંડામુથુર પંચાયત પ્રમુખ શિવસામી આ આરોપોને નકારે છે. તેઓ કહે છે કે ફક્ત ગામની બહારના લોકો જ આ આરોપ કરી રહ્યા છે. સ્થાનિક લોકોમાં એકતા છે અને તેમની વચ્ચે કોઈ જાતિગત ભેદભાવ નથી.

બીબીસી સાથે વાત કરતાં શિવસામીએ કહ્યું, "જ્યારે આ શહેરમાં એક પણ બસસેવા નહોતી, ત્યારે અમે બધા ભેગા થયા અને બસ માટે વિનંતી કરી. અત્યાર સુધી અમે બધા લોકો સારી રીતે રહીએ છીએ. ચાર મહિના પહેલાં પણ, તે બધાએ મંદિરના ઉત્સવમાં ભાગ લીધો હતો. જો કોઈ સમસ્યા હોય તો તેઓ ઉત્સવમાં કેમ આવે? અમારી વચ્ચે કોઈ જાતિગત ભેદભાવ નથી. તેઓ બસ રૂટને ન લંબાવીને બિનજરૂરી રીતે વિવાદ ઊભો કરી રહ્યા છે."

અન્નાનગરના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર રમને પણ બીબીસી તમિળને આ જ અભિપ્રાય આપ્યો હતો. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બસ નંબર 21ને અન્નાનગરથી ચલાવવામાં શી મુશ્કેલી છે?, ત્યારે તેમણે કહ્યું, "આ બસ ચાલુ થઈ તે સમયથી અહીંથી ચાલી રહી છે. જો તેમાં અચાનક ફેરફાર કરવામાં આવે તો અહીંના લોકો તેના પર સવાલ ઉઠાવશે."

અન્નાનગર વિસ્તારના ઘણા લોકો આ મુદ્દા વિશે બોલતાં ખચકાતા હતા. નિર્મલકુમારે કહ્યું કે તેઓ બોલવામાં ડરતા હતા, કારણ કે અનુસૂચિત જાતિના મોટા ભાગના લોકો સવર્ણ સમુદાયના બગીચાઓ અને ઘરોમાં કામ કરવા જાય છે. તે પ્રમાણે જ, સવારે ઘણી મહિલાઓ પણ ટોપલીઓ સાથે માલવાહક ટ્રકોમાં ચઢતી જોવા મળી. એ મહિલાઓએ બીબીસીને જણાવ્યું કે તેઓ સવર્ણ સમુદાયના બગીચાઓમાં કામ કરવા જાય છે.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ કમિશન (એનસીએસસી)એ 3 નવેમ્બરે કોયમ્બતૂર જિલ્લા કલેક્ટર અને પરિવહન કમિશનરને 15 દિવસમાં આ અંગે ખુલાસો કરવાની નોટિસ આપી હતી. આ બાબતે કોયમ્બતૂર જિલ્લા કલેક્ટરની ટિપ્પણી મેળવવા માટે વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં કશો જવાબ નથી મળ્યો.

જ્યારે બીબીસીએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ કમિશનના સ્ટેટ ડાયરેક્ટર રવિ વર્મનને પૂછ્યું કે શું તેમને જિલ્લા વહીવટી તંત્ર અને પરિવહન કમિશનર તરફથી કશા ખુલાસા મળ્યા છે? ત્યારે તેમણે કહ્યું, "બંને તરફથી અત્યાર સુધી કશી સ્પષ્ટતા નથી મળી. સામાન્ય રીતે, જો 15 દિવસમાં કશો જવાબ ન મળે, તો બે રિમાઇન્ડર મોકલવામાં આવશે. ત્યાર પછી પણ જો કશો જવાબ નહીં મળે, તો આગળના પગલામાં કમિશન દ્વારા કાયદેસર કાર્યવાહી કરાશે."

બીબીસીએ તામિલનાડુ રાજ્ય પરિવહન નિગમના કોયમ્બતૂર વિભાગના મૅનેજિંગ ડાયરેક્ટર ગણપતિને પ્રશ્ન પૂછ્યો કે શું જાતિગત ભેદભાવને કારણે અન્નાનગરથી બસ ચલાવવાનો ઇનકાર કરવામાં આવે છે? તેના જવાબમાં તેમણે કહ્યું, "અન્નાનગર વિસ્તારના લોકો માગ કરી રહ્યા છે કે બસ નંબર 21ને તેમના વિસ્તારમાંથી ચલાવવામાં આવે. જ્યારે શાંતિ સમિતિએ આ મુદ્દાની તપાસ કરી, ત્યારે વિસ્તારના લોકોએ જાણી જોઈને વધારાની બસોની માગણી કરી હતી. હવે આ વિસ્તારમાં વધારાની ઘણી બસો ચલાવવામાં આવે છે."

તેમણે ઉમેર્યું કે, "તેમણે કહ્યું ત્યાં જાતિના મુદ્દે સમસ્યા છે. તેથી જ્યારે મેં જિલ્લા વહીવટી તંત્રને બસનો રૂટ લંબાવવા વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે અત્યારે એવું ન કરીને વધારાની બસો દોડાવવી જોઈએ. તે અનુસાર, વધારાની બસોના સંચાલન માટેનાં પગલાં ભરવામાં આવ્યાં હતાં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન