રિલાયન્સે રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદવાનું કેમ બંધ કર્યું અને અમેરિકાની આમાં કેવી ભૂમિકા છે?

    • લેેખક, ચેરલિન મોલાન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુજરાતના જામનગર ખાતે આવેલી રિફાઇનરી માટે રશિયાથી ક્રૂડઑઇલની ખરીદી બંધ કરી દીધી છે.

મુકેશ અંબાણીની આ કંપનીમાં ક્રૂડઑઇલને રિફાઇન કરીને અનેક દેશોમાં ઉત્પાદનોની નિકાસ કરવામાં આવતી હતી.

યુરોપીય સંઘે રશિયન ક્રૂડઑઇલમાંથી બનેલાં ઉત્પાદનોની આયાત ઉપર પ્રતિબંધ લાદ્યો છે, જે આવતા વર્ષથી અમલી બનશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝે પ્રતિબંધનું પાલન કરવા માટે આ પગલું લીધું છે.

અમેરિકાએ રશિયાની અગ્રણી ઑઇલ કંપનીઓ રોસનેફ્ટ તથા લુકોઇલ ઉપર પ્રતિબંધ લાદ્યા હતા, જે શુક્રવારથી લાગુ થયા હતા. આથી પણ રિલાયન્સે આ પગલું લીધું છે.

રિલાયન્સે નિવેદન બહાર પાડીને જણાવ્યું છે, "21 જાન્યુઆરી, 2026થી ઉત્પાદનો ઉપર આયાત પ્રતિબંધ લાગુ થશે. તેનું પાલન કરવા માટે અમે નિર્ધારિત સમય પહેલાં જ આ ફેરફાર કર્યો છે."

વ્હાઇટ હાઉસે રિલાયન્સનાં પગલાંનું સ્વાગત કર્યું છે. વ્હાઇટ હાઉસ પ્રેસ કાર્યાલયે વૉશિંગ્ટન પોસ્ટને આપેલાં નિવેદનમાં જણાવ્યું, "અમે આ પરિવર્તનને આવકારીએ છીએ અને અમેરિકા-ભારત વેપારસંવાદમાં સાર્થક પ્રગતિની આશા રાખીએ છીએ."

આયાતમાં ઘટાડો

ભારત દ્વારા મોટાપાયે રશિયન ક્રૂડઑઇલ ખરીદવામાં આવે છે, જેને ભારત અને અમેરિકા વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઑગસ્ટ મહિનામાં ભારત ઉપર 50 ટકા ટેરિફ લાદ્યા હતા. જેમાં રશિયન ક્રૂડઑઇલ તથા હથિયાર ખરીદવા માટે 25 ટકા ટેરિફ પણ સામેલ છે.

ટ્રમ્પનું કહેવું છે કે રશિયન ઑઇલ તથા હથિયાર ખરીદીને ભારત દ્વારા યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને મદદ કરવામાં આવી રહી છે. ભારતે આ આરોપોને નકાર્યા છે.

વર્ષ 2022માં યુક્રેન-રશિયા યુદ્ધ શરૂ થયું, તે પહેલાં ભારત દ્વારા રશિયા પાસેથી તેની કુલ જરૂરિયાતના માંડ અઢી ટકા જેટલી આયાત કરવામાં આવતી હતી. રશિયન ક્રૂડઑઇલ સસ્તું પડતું હોવાથી વર્ષ 2024-'25 દરમિયાન આ ખરીદી વધી ગઈ હતી અને 35.8 ટકા સુધી પહોંચી ગઈ હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં રશિયન ક્રૂડઑઇલની સૌથી મોટી આયાતકર્તા છે. દેશમાં રશિયન ક્રૂડઑઇલનો લગભગ અડધોઅડધ ભાગ રિલાયન્સ જ આયાત કરે છે.

ગુજરાતના જામનગરસ્થિત રિફાઇનરી વિશ્વનું સૌથી મોટું 'સિંગલ-સાઇટ કૉમ્પ્લેક્સ' છે – જેમાં નિકાસલક્ષી તથા ઘરેલુ બજાર માટે એમ બે અલગ-અલગ એકમ છે.

રશિયા પાસેથી ક્રૂડઑઇલની ખરીદી ઘટાડવા માટે અમેરિકા દબાણ કરી રહ્યું હતું, જેનો ભારત છેલ્લા કેટલાક મહિનાથી પ્રતિકાર કરી રહ્યું હતું, પરંતુ હવે વૈશ્વિક દબાણ કામ કરી રહ્યું હોય તેમ જણાય છે.

કેટલાક રિપોર્ટો મુજબ, છેલ્લા કેટલાક મહિના દરમિયાન ભારતીય રિફાઇનરીઓએ રશિયન ક્રૂડઑઇલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

'અમેરિકા વધારાના ટેરિફ હઠાવે'

કાર્નેગી એન્ડોમેન્ટના એક રિપોર્ટ અનુસાર, રિલાયન્સે પ્રતિબંધિત રશિયન કંપનીઓના ઑર્ડરમાં 13 ટકા ઘટાડો કર્યો છે. જ્યારે ઑક્ટોબર મહિના દરમિયાન સાઉદી અરેબિયાથી થતી આયાતમાં 87 ટકા અને ઇરાકથી થતી આયાતમાં 31 ટકાનો વધારો થયો છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, ભારતની જાહેરસાહસની રિફાઇનરીઓ ડિસેમ્બર મહિના દરમિયાન રશિયન ક્રૂડઑઇલ ખરીદવાના કરાર કરવાનું ટાળી રહી છે.

ગ્લોબલ ટ્રેડ ઍન્ડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ) થિન્ક ટેન્કના અજય શ્રીવાસ્તવ કહે છે, "ભારતે તેની આયાતમાં ભારે ઘટાડો કર્યો છે. એટલે અમેરિકાએ ભારતીય ચીજવસ્તુઓ ઉપર લાદેલો વધારાનો 25 ટકા ટેરિફ તત્કાળ ખતમ કરી દેવો જોઈએ."

શ્રીવાસ્તવ ઉમેરે છે, "અમેરિકાની અપેક્ષાઓને પૂરી કરવા છતાં જો ટેરિફના ઊંચા દર ચાલુ રાખવામાં આવશે, તો તે અમેરિકાની ગુડવિલ ઘટાડશે. પહેલાં જ વેપારમંત્રણા નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે, તે વધુ ધીમી થઈ જશે એવું જોખમ રહેશે."

રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદવાને કારણે ભારત અને અમેરિકા વચ્ચેની વેપારમંત્રણા માટે ગંભીર અવરોધ ઊભા થયા હતા. અનેક મહિનાઓની અનિશ્ચિતતા પછી આ તણાવ ધીમે-ધીમે ઘટી રહ્યો હોય, તેમ જણાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન