ઇસ્લામમાં તલાક-એ-હસન શું છે અને સુપ્રીમ કોર્ટેમાં શા માટે તેના પર ચર્ચા થઈ રહી છે?

    • લેેખક, સૈય્યદ મોઝિઝ ઇમામ
    • પદ, બીબીસી સંવાદદાતા

સુપ્રીમ કોર્ટે ઇસ્લામમાં પ્રચલિત 'તલાક-એ-હસન' પ્રક્રિયા ઉપર ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રથા હેઠળ પતિ ત્રણ મહિના દરમિયાન એક-એક વખત 'તલાક' શબ્દ બોલીને નિકાહ ખતમ કરી શકે છે.

સર્વોચ્ચ અદાલતે આ પહેલાં વર્ષ 2017માં ટ્રીપલ તલાક એટલે કે 'તલાક-એ-બિદ્દત'ને ગેરબંધારણીય જાહેર કર્યાં હતાં.

સુપ્રીમ કોર્ટમાં તલાક-એ-હસનની બંધારણીય કાયદેસરતાને પડકારવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તે 'અતાર્કિક, મનસ્વી તથા ગેરબંધારણીય' છે, કારણ કે તે મહિલાઓનાં સમાનતા, સન્માન તથા ગરિમાના અધિકારોનો ભંગ કરે છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે તલાક-એ-હસનની પ્રક્રિયા ઉપર ટિપ્પણી કરતાં પૂછ્યું હતું કે "આધુનિક સમાજમાં આવી પ્રથાને કેવી રીતે સ્વીકાર કરી શકાય?"

જોકે, સુપ્રીમ કોર્ટના વકીલ ફુજૈલ અહમદ અય્યૂબીએ બીબીસીને કહ્યું હતું કે કોર્ટની કાર્યવાહી અંગે કંઈક ગેરસમજ થઈ છે.

અય્યૂબીએ કહ્યું કે અદાલતે આ ટિપ્પણી તલાક-એ-હસન ઉપર નહીં, પરંતુ એ દલીલની સામે કરી હતી, જેમાં બેન્ચને જણાવવામાં આવ્યું હતું કે તલાકની નોટિસ મોટાભાગના કેસોમાં વકીલો મારફત જ મોકલવામાં આવે છે.

તલાક-એ-હસન અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

એક મહિલા અરજદારે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. તેમનું કહેવું હતું કે તલાકનાં કાગળિયાં ઉપર પતિની સહી નથી એટલે તેમના બાળકને નવી શાળામાં પ્રવેશ નથી મળી રહ્યો અને પ્રક્રિયા અટકેલી છે.

કેસની વિગતો મુજબ, પત્નીએ વકીલ મારફત તલાક આપ્યાં અને બીજી વખત નિકાહ કરી લીધાં. કોર્ટે વકીલ મારફત તલાકની નોટિસ મોકલવાની ઉપર સવાલ ઊઠાવ્યો અને તેને "વ્યક્તિગત કાયદા હેઠળ પણ સંદિગ્ધ" ઠેરવી.

જસ્ટિસ સૂર્યકાંત સોમવારથી દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદભાર સંભાળશે. તેમની અધ્યક્ષતાવાળી બેન્ચે અવલોક્યું હતું કે તલાક જેવી ગંભીર બાબતમાં પતિની સીધી ભાગીદારી હોવી જોઈએ.

અરજદારના વકીલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે પતિ દ્વારા મોકલવામાં આવેલી તલાકની નોટિસ ઉપર પતિની સહી ન હતી. પતિ તરફથી હાજર રહેલા વકીલે તર્ક આપ્યો હતો કે ઇસ્લામમાં વકીલ મારફત નોટિસ આપવી સામાન્ય પ્રથા છે.

આની ઉપર સવાલ ઊઠાવતા અદાલતે પૂછ્યું, "શા માટે આવી રીતો કાઢવામાં આવી રહી છે અને શું તેને પ્રથા માની શકાય?"

સુપ્રીમ કોર્ટમાં વકીલ ફુજૈલ અહમદ અય્યૂબીએ કહ્યું, "આ કેસને ત્રણ તલાકવાળા મુદ્દા સાથે જોડવો અયોગ્ય છે. તલાક-એ-હસનમાં જો પક્ષકારો વચ્ચે સમાધાન થઈ જાય, તો પહેલા કે બીજા તલાક આપોઆપ નિરસ્ત થઈ જાય. એટલે તે પરિવર્તનીય છે, ઊલ્ટું સુલેહ-સમાધાન આધારિત પ્રક્રિયા છે."

અય્યુબીએ કહ્યું, "પતિ પોતે તલાક ઉચ્ચારે કે વકીલ મારફત નોટિસ મોકલે – તે પ્રક્રિયા સંબંધિત મુદ્દો છે."

સુપ્રીમ કોર્ટે તલાક-એ-હસનની વિસ્તૃત વ્યાખ્યા માગી છે તથા પતિને આગામી સુનાવણી સમયે અનિવાર્યપણે હાજર રહેવા કહ્યું છે.

શું છે તલાક-એ-હસન ?

ઇસ્લામિક શરિયતમાં તલાક માટે અનેક પદ્ધતિઓ માન્ય છે, જેમાંથી એક તલાક-એ-હસન પણ છે. તે તલાક-એ-બિદ્દત એટલે કે ઇન્સ્ટન્ટ ટ્રીપલ તલાકથી અલગ છે. તેને વધુ સંતુલિત અને વિચારશીલ માનવામાં આવે છે.

તલાક-એ-હસનમાં પતિ ત્રણ મહિના કે ત્રણ તુહરમાં (પિરિયડ) એક-એક વખત "તલાક" ઉચ્ચારે છે.

આ ત્રણ તલાક દરમિયાન પતિ-પત્ની એક જ ઘરમાં રહે છે. જોકે, તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાવા ન જોઈએ.

ઇસ્લામમાં એવું માનવામાં આવે છે કે આ પ્રક્રિયા ઉતાવળિયો નિર્ણય લેતા અટકાવે છે તથા તેમાં પારિવારિક કંકાસને શાંતિપૂર્વક ઉકેલવાની તક મળે છે.

અલ્લાહબાદ હાઇકોર્ટનાં વકીલ સાયમા ખાનનું કહેવું છે કે તલાક-એ-હસનને મુસ્લિમ કાયદામાં સારો રસ્તો માનવામાં આવે છે.

સાયમા ખાન કહે છે, "તેમાં પતિ ત્રણ અલગ-અલગ મહિનામાં, જ્યારે પત્ની પાક હોય, એક-એક વખત તલાક ઉચ્ચારે છે. પહેલી બે વખત તલાક બોલ્યા પછી પણ સંબંધ બહાલ થઈ શકે છે."

"ત્રીજી વખત તલાક ઉચાર્યા બાદ તલાક નક્કી થઈ જાય છે. આ પ્રક્રિયા ત્રણ મહિના ચાલે છે, જેથી કરીને સમજી વિચારીને નિર્ણય લેવાની તથા સુલેહની તક મળે છે."

સાયમા ખાન કહે છે, "ભારતમાં તે કાયદેસર અને માન્ય છે. જોકે, તેનું નુકસાન પણ છે, કારણ કે માત્ર પુરુષ જ તલાક આપી શકે છે. તેનાથી મહિલાઓ ઉપર માનિસક તથા આર્થિક દબાણ વધે છે. વિશેષ કરીને પતિ ગુમ થઈ જાય અથવા નોટિસ બનાવટી હોય ત્યારે. વકીલ દ્વારા નોટિસ મોકલવાની કાયદેસરતાને કારણે વિવાદ વકરી જાય છે."

કાયદાકીય જાણકારોના કહેવા પ્રમાણે, આ પ્રકારના કેસ અદાલતમાં જાય એટલે લાંબો સમય સુધી ચાલે છે. કેટલાક લોકો આ પ્રક્રિયામાં કોઈપણ જાતની દખલને ધાર્મિક સ્વતંત્રતામાં (અનુચ્છેદ 25) દખલરુપ માને છે.

મોટાભાગે કોઈ લેખિત દસ્તાવેજ કે લવાદી પ્રક્રિયા અનિવાર્ય ન હોવાને કારણે તલાક વાસ્તવમાં ત્રણ અલગ-અલગ તુહર (પિરિયડ, સ્ત્રીનું માસિકચક્ર) દરમિયાન આપવામાં આવ્યાં હતાં, તે સાબિત કરવાનું મુશ્કેલ બની રહે છે.

'પરિવાર-હિતેચ્છુ રીત'

ઇસ્લામિક જાણકાર તથા જમાત-એ-ઇસ્લામી હિંદના ઉપાધ્યક્ષ સલીમ એંજિનિયરના કહેવા પ્રમાણે, "તલાક-એ-હસન શરૂ કરતાં પહેલાં બંને પક્ષોનાં (પતિ-પત્ની) ઘરવાળાઓ વચ્ચે વાતચીત થવી જોઈએ, જેથી કરીને સમાધાનની શક્યતાઓ શોધી શકાય."

"જો તે શક્ય ન હોય, તો તલાક આપવામાં આવે છે. જેનો સમયગાળો ત્રણ મહિના 10 દિવસનો હોય છે. આ દરમિયાન બંને એક જ ઘરમાં રહે છે. જેથી સમાધાનની શક્યતા રહે છે."

વકીલ ફુજૈલ અહમદ અય્યૂબી કહે છે, "તલાક-એ-હસનની પ્રક્રિયા આ મુજબ હોય છે. પહેલા તુહર દરમિયાન પતિ એક વખત 'તલાક' ઉચ્ચારે છે અને એક મહિનાની રાહ જોવામાં આવે છે. જો સમાધાન થઈ જાય, તો તલાક આપોઆપ રદ્દ થઈ જાય છે."

"જો સુલેહ ન થાય તો બીજા તુહરમાં પતિ બીજી વખત 'તલાક' ઉચ્ચારે છે અને પછી એક મહિનાનો સમય આપવામાં આવે છે. જો ત્યારે પણ સમાધાન ન થાય, તો ત્રીજા તુહરમાં પતિ ત્રીજી વખત 'તલાક' ઉચ્ચારે છે અને તલાક પાક્કાં થઈ જાય છે."

કેટલાક ઇસ્લામિક વિદ્વાનો તેને વધુ ન્યાયસંગત તથા પરિવાર-હિતેચ્છુ પદ્ધતિ માને છે, કારણ કે તે તલાક-એ-બિદ્દતની જેમ અચાનક તથા પૂર્વવત્ સ્થિતિને બહાલ કરી શકાય છે.

આ ઇસ્લામિક વિદ્વાનોનું કહેવું છે કે તલાક-એ-હસન કાયદેસરની, બંધારણીય તથા ધાર્મિકદૃષ્ટિએ સ્વીકૃત પ્રક્રિયા છે. ભારત સહિત અનેક દેશમાં તેને મુસ્લિમ મહિલાઓ માટે અપેક્ષાકૃત વધુ સલામત માનવામાં આવે છે, કારણ કે તેમાં સમય મળે છે અને પતિને વિચારવાની તક મળે છે કે શું લગ્નને બચાવી શકાય એમ છે.

જોકે, કેટલાક સામાજિક સંગઠનોનું કહેવું છે કે જ્યારે બંને પક્ષકારોને સમાન અધિકાર અને સુરક્ષા મળે, ત્યારે જ તલાકની કોઈપણ પદ્ધતિને ત્યારે જ ન્યાયપૂર્ણ માની શકાય, જ્યારે આ પ્રકારના તલાકમાં પુરુષની મરજી ચાલે છે.

મહિલાઓ માટે તલાકના વિકલ્પ

લખનઉસ્થિત સામાજિક કાર્યકર્તા તાહિરા હસનનું કહેવું છે, "ઇન્સ્ટન્ટ ટ્રીપલ તલાક કરતાં તલાક-એ-હસન સારી રીત છે, કારણ કે તેમાં છેવટે સુલેહની શક્યતા રહેલી હોય છે."

તાહિરા હસનનું કહેવું છે, "જો મહિલાઓને લાગે કે તેમના અધિકારોનો ભંગ થઈ રહ્યો છે, તો તેઓ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે. પુરુષો દ્વારા ભરણપોષણની રકમ આપવામાં આવતી ન હોય, તેવા અનેક કેસ ફૅમિલી કોર્ટમાં આવતા હોય છે."

તાહિરા હસન કહે છે, "વકફ બોર્ડ તથા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ હેઠળ આવી પીડિત મહિલાઓ અંગે કાર્યયોજના તૈયાર કરવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં તેમનું જીવન સરળ રહે. પર્સનલ લૉ બોર્ડે મેહરની રકમ વધારી દેવી જોઈએ, જેથી પુરુષો તલાક આપતાં ખચકાય."

નિકાહ પહેલાં પુરુષ તેની ભાવિ પત્નીને જે રકમ આપે છે, તેને મેહર કહેવાય છે. જોકે, ભારતમાં નિકાહ પહેલાં મેહર આપવાનું ચલણ ઓછું છે.

ઇસ્લામમાં મહિલાઓ પાસે પતિથી અલગ થવા માટે 'ખુલા'નો વિકલ્પ હોય છે. જેમાં નિકાહ સમયે નક્કી થયેલી મેહરની રકમ પરત કરીને મહિલા તલાક લઈ શકે છે, પરંતુ તેમાં પતિની સહમતિ જરૂરી છે.

જો પતિની સહમતિ ન હોય, તો કાઝીની દખલથી તલાક લઈ શકાય છે.

ખુલા પછી મુસ્લિમ મહિલાએ ઇદ્દતના સમયગાળાનું પાલન કરવાનું હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન